ધીરજ ધર તું અરે અધીરા, ઈશ્વર પુરે અન્ન જોને; (૪) ?

Submitted by swaminarayanworld on Fri, 18/03/2016 - 10:31pm

રાગ – ધોળ

 

પદ - ૧

ધીરજ ધર તું અરે અધીરા, ઈશ્વર પુરે અન્ન જોને;

ખલક તણો ખટકો પ્રભુને, સાચું માને મન જોને. ૧

જન્મ્યું તેને જીવાડવાને, ઊપાય શોધ્યો શુદ્ધ જોને;

હાડ માંસના હૈયા મધ્યે, દેવે સરજયાં દૂધ જોને. ૨

કીડીને કણ હાથીને મણ, ચાર પગાને ચાર જોને;

કોશીટામાં કીટ વસે છે, ઈશ્વર પૂરે આહાર જોને. ૩

મસીદ કેરા કોટ મીનારા, ઊપર ઉગ્યાં ઝાડ જોને;

પથ્થર ઊપર પાણી વરસે, તે ઈશ્વરનો પાળ જોને. ૪

અરણ્ય મધ્યે અજગર રહે છે, ડગલું ન ભરે દોટ જોને;

વિશ્વંભરનું બિરુદ વિચારો, ખાવાની શી ખોટ જોને. ૫

અનળ પક્ષી રહે આકાશે, મદઝર ભરખે મોટા જોને;

પરમેશ્વરની કૃપા વડે તો, બનિયા જળના ગોટા જોને. ૬

મરાળને મોતીનો ચારો, વખતે આપે વહાલો જોને;

દેવાનંદ કહે દેવ ભરોસે, મગન થઈ ને માલો જોને. ૭

 

પદ - ૨

ધન્ય છે ધીરજ ધારે તેને, બની શકે બે ભાન જોને;

પાંડવ જયારે વન પરવરિયા, દુઃખને દીધાં માન જોને. ૧

હરિશ્ચંદ્રરાયને હરિવર સાથે, લગની કેવી લાગી જોને;

અંત્ય વરણને ઘેર વેચાણા, તો ભવની ભાવટ ભાંગી જોને. ૨

પ્રહ્લાદજીને પીડા બહુ વિધ, દૈત્યપતિએ દીધી જોને;

સુખડાં જેવી સહન કરી તો, કેશવ રક્ષા કીધી જોને. ૩

શહેર મળ્યું નહિ સુદામાને, તો પણ આનંદ તેવો જોને;

મોળી ભાજી વિદુરજીની, સુતર જેવી સેવો જોને. ૪

મયુરધ્વજ રાયે મસ્તક ઊપર, કરવત લીધું કોડે જોને;

સગળશાએ સુત વધેર્યો, ત્યાગી દીધા હોડ જોને. ૫

રંતીદેવના હૃદયા મધ્યે, જરણા કેરો જોગ જોને;

માધવદાસે માગી લીધો, રાજી થઈને રોગ જોને. ૬

દુઃખને દેખી હરિજન ન ડરે, કરે ફિકરના ફાંફા જોને;

દેવાનંદ કહે દેવ ભરોસે, કાળ  તણા એ કાકા જોને. ૭

 

પદ - ૩

બાળક રૂએ લવા માંહે, માતા સમજે મર્મ જોને;

રાણીની એમ મરજી પરખે, ધરણીધરનો ધર્મ જોને. ૧

ચાંચ બનાવી  તેને ચિંતા, કાયર મન શીદ કરીએ જોને;

પેટ પડ્યું  તે પોષણ કરશે, ફીકર  તજીને ફરીએ જોને. ૨

હીરા મોતી મોંઘાં કીધાં, ધનથી સોંઘાં ધાન્ય જોને;

અમૃત જેવાં અમથાં પાણી, દીનબંધુનાં દાન જોને. ૩

સૂરજ સર્વેને પ્રકાશ આપે, દમડી ન પડે દેવી જોને;

વગર બદામે વાય વાયરો,  તે કેશવ કરુણા કેવી જોને. ૪

સુર પંખીને સો મણ ટંકે, ખાવા જોઈએ ખીર જોને;

દૂધડલાના દરિયા કાંઠે, સરજયાં  તેનાં શરીર જોને. ૫

જન્મ્યું  તેને જીવાડવાને, માવતરને મમતા જોને;

સૌના પિતા વિશ્વંભર છે, શાથી ન ભરો સમતા જોને. ૬

અજબ દયાળુ છે અલબેલો, હૈયું રાખો હાથ જોને;

દેવાનંદ કહે પ્રતીત રાખો, બેલી બદ્રીનાથ જોને. ૭

 

પદ - ૪

શું કરવા તું સુખને માટે દે છે દોટા દોટ જોને;

તારાં સુખતો તુજને શોધે, સુઈ રે તાણી સોડ જોને. ૧

માગ્યા વિના મળે મેહુલા, માગ્યા મળે  તો માગ જોને;

મોત સરીખુંયે માગ્યું ન મળે, જીવલડા તું જાગ જોને. ૨

અવસર વિના ફળ ન આવે, સો મણ પાણી સચી જોને;

પુત્ર વિના પારણિયું ખાલી, સો મણ સાકર વહેંચી જોને. ૩

ભાગ્ય વિનાનું સુખ ન મળે, સંકટ આવે શાથી જોને;

પારણિયામાં સર્વે ઝુલાવત, હેમ ભરેલા હાથી જોને. ૪

જગમાં સર્વે હેમ ઝુલાવત, વાંઝણી ન રહેત વનિતા જોને;

લાલચ રાખે લાભ મળે  તો, કોઈ ન દાખાત દીનતા જોને. ૫

ભાગ્ય વિના ભોગવવાનું સુખ, શીદને થાયે અળગું જોને;

કોટિ ઊપાયે કેડ ન મેલે, વજ્ર થઈને વળગ્યું જોને. ૬

હિંમત રાખી હરિ ભજીલ્યો, બીજી આશા ખાલી જોને;

દેવાનંદ કહે સુખ દુઃખ રચના, ભાવે કરીને ભાળી જોને. ૭

Facebook Comments