કાળનાં ગડે નગારાં કાળનાં ગડે (૬)

Submitted by swaminarayanworld on Wed, 06/04/2016 - 11:29am

રાગ - ગરબી

પદ - ૧

કાળનાં ગડે નગારાં કાળનાં ગડે;

આગળ ધ ધ ધ ધ, નગારાં કાળનાં ગડે.

ઢોલ ને રણતુર વાગે, ઝાંઝ ખડ ખડે;

નેજા ને નિશાન દિસે, ફોજું બહુ ફરે. આગળ૦ ૧

નાળું ને જંજાળું સરવે, કડે ને ધડે;

આંખ્યો મીંચી બેઠો અંધો, મનસુબા ઘડે. આગળ૦ ૨

કઠણ વેળા કાળ આવી, ઓચિંતો અડે;

જળ થોડામાં જીવ જેમ, પુરો તરફડે. આગળ૦ ૩

ચેતવું હોય તો ચેતી લેજો, બીજું રહ્યું નડે;

દેવાનંદનો નાથ ભજયા વિના, નરકે જઈ પડે. આગળ૦૪

 

પદ - ૨

પછી નહિ મળે રે તુંને પછી નહિ મળે,

કાંઈક લે લે લે લે ને લાવ પછી નહિ મળે. ટેક.

મોતી સરખો કણ લઈ મુરખ, ઘંટીમાં દળે,

બાવળીયાનું બી બોયે, આંબો કેમ ફળે. કાંઈક૦ ૧

કસ્તુરી ને કેવડો લૈ,  તેલમાં  તળે,

મનુષ્યદેહ દુર્લભ પામી, વિષયમાં મળે. કાંઈક૦ ૨

ખેલ અખેલા ખેલતાં અંતે, જોજે જે મળે,

એકડા વિનાનાં મીંડાં તેમાં, તારું નહિ વળે. કાંઈક૦ ૩

અનેક જનમનાં પાપ તે તો, સત્સંગે બળે,

દેવાનંદ કહે ગધો કૂત્તો, થાવું તો ટળે. કાંઈક૦ ૪

 

પદ - ૩

પાપનો ભરે રે માથે પાપનો ભરે,

પાપી કે કે કે કે ને કેમ પાપનો ભરે. ટેક.

જુવાનીમાં આગ લાગી, પરત્રિયા હરે,

દેવ સાધુ ને બ્રાહ્મણ તેની, નદા બહુ કરે. પાપી૦ ૧

ચોરી ને અવેરી કરે, મરડાતો ફરે,

માંસ ને મદિરા પીએ,  તેમાં નવ ડરે. પાપી૦ ૨

ભાંડ ભવાઈને હાંસી બાજી, કરતો નવ ડરે,

વસુ પશુ વાહન હરે, અગ્નિ તે ધરે. પાપી૦ ૩

એ પાપે કરી રવિ કિંકર, ઝાલ્યા  તે નરે,

દેવાનંદ કહે માર તડાતડ, વણમોતે મરે. પાપી૦ ૪

 

પદ - ૪

નીમમાં રે’ને રે તું  તો નીમમાં રહેને,

પ્રાણી રે રે રે રે ને  તું  તો નીમમાં રહેને. ટેક.

ચારે નિયમ પાળી નિત્ય, નામને લેને,

સ્વામિનારાયણ નામ તારા, મુખ થી કે’ને. પ્રાણી૦ ૧

સાધુ સેવા વચન માનજે, કોય કહે  તેને,

અજામેલ અઘ છુટ્યો, નારાયણ વેને. પ્રાણી૦ ૨

કાયા માયા કૂડી છે નિત્ય, દાનને દેને,

અમુલખ દેહ આવ્યો, સૂતો કેમ ઘેને. પ્રાણી૦ ૩

લખ ચોરાશી ફેરા ટળે, સત્સંગી તેને,

દેવાનંદ કહે કાળો કળેળાટ, જમ મારે જેને. પ્રાણી૦ ૪

 

પદ - ૫

વિખને પીધું રે તેં તો વિખને પીધું,

ઘેલા જો જો જો જો ને તેં તો, વિખને પીધું. ટેક.

કામી ક્રોધી લોભી લંપટનું, શરણું જઈ લીધું,

રળી ખપી ધન ભેળું કરી, તેને તેં દીધું. ઘેલા૦ ૧.

અંધ ગુરુએ કાન ફુંકયા, બહેરા શું લીધું,

દામ વામના ચોર સેવી, તેં તો શું કીધું. ઘેલા૦ ૨

પંચ વિષય ઝેર તેં તો, હળાહળ પીધું,

વીંછણ કેરા વેતર પાળી, કારજ ન સીધું. ઘેલા૦ ૩

ઊરવી ઊપર રવિ દેખે, પ્રકાશે વિધું,

દેવાનંદ કહે જમાન આવ્યા, જમ ખરા ખેધું. ઘેલા૦ ૪

 

પદ - ૬

તીરથે જાને રે તું  તો, તીરથે જાને,

મૂઢ જા જા જા જા રે તું તો, તીરથે જાને. ટેક.

કપટ માન મેલી દાસ, પ્રભુનો થાને,

ભાંગ હોકો ને અફિણ તજી, હરિગુણ ગાને. મૂઢ૦ ૧

સંત સાચાની વાત કથા, સાંભળને કાને,

નારાયણનું નામ લે  તો ગંગાજી ન્હાને. મૂઢ૦ ૨

બાલપણું ને જોબન ગયું, વૃદ્ધ થયો વાને,

પ્રગટ ભજી પાર પામે, ભટકે છે શાને. મૂઢ૦ ૩

પદ છમાં શિખામણ દીધી, સુખ લેવા ધાને,

દેવાનંદ કહે ઝેર  તજી અમૃત પાને. મૂઢ૦ ૪

Facebook Comments