રાગ - વણઝારો
પદ - ૧
સખી વાત વિતી કહું મારી, મળ્યા વાટમાં કુંજવિહારી. ટેક.
દસ વીશ સખા લઈ સંગે, પીળી પામરી ઓઢી અંગેરે;
રોકયો મારગ આવી મોરારી,મળ્યા વાટમાં૦ ૧
મારે માથે હતી મહી ગોળી, નાખી નાનકડે તે ઢોળીરે;
મને મુખથી બોલ્યા ધુતારી. મળ્યા વાટમાં૦ ૨
મારો હાથ ઝાલ્યો જદુનાથે, કર્યો ઝગડો મુજ સંગાથે રે;
લીધો કંઠથી હાર ઉતારી. મળ્યા વાટમાં૦ ૩
હતી છબી એની મરમાળી, જાણે મન પકડ્યાની જાળી રે;
લીધી મુરતિ મનમાં ઉતારી. મળ્યા વાટમાં૦ ૪
છે એ જાદુગર જગદીશ, કર્યું જાદુ એણે ધરી રીશ રે;
મારી શુધબુધ સઘળી વિસારી. મળ્યા વાટમાં૦ ૫
હવે રોગ થયો છે ઊર એવો, દાડી દાડી જદુપતિ જોવો રે;
વધે છે ઊર પ્રેમ ખુમારી, મળ્યા વાટમાં૦ ૬
કાંતો બુટી કશીક સુંઘાડી, મને પ્રેમના પાશમાં પાડી રે;
બહુ નામી ઊપર બલિહારી. મળ્યા વાટમાં૦ ૭
રઘુવીર સુત સુતના સ્વામી, વસ્યા ઊરમાં અંતરજામી રે;
અમે જીવીએ એને સંભારી. મળ્યા વાટમાં૦ ૮