મોહનને ગમવાને ઈચ્છો માનની (૪)

Submitted by swaminarayanworld on Wed, 06/04/2016 - 12:45pm

ઊપદેશનાં પદો

રાગ - ગરબી પદ - ૧

મોહનને ગમવાને ઈચ્છો માનની,

ત્યાગો સર્વે જુઠી મનની ટેક જો;

પતિવ્રતાનો ધર્મ અચળ કરી પાળજો,

હરિચરણે રહેજો અબળા થઈ છેક જો. મોહનને૦ ૧

વળી એક વાત કહું છું અધિક વિવેકની,

સાંભળ બેની  તારા સુખને કાજ જો;

હરિજન સંગે રાખો પૂરણ  પ્રીતડી,

ત્યાગો મદ મત્સર જુઠી કુળ લાજ જો. મોહનને૦ ૨

સુખદાયક  તું જાણે સુંદર શ્યામને,

અતિ દુઃખદાયક મન પોતાનું જાણજો;

મુક્તાનંદનો નાથ મગન થઈ સેવજો,

સમજી વિચારી બોલો અમૃત વેણ જો. મોહનને૦ ૩

 

પદ - ૨

સાંભળ બેની હરિ રીઝ્યાની રીતડી,

મોહનવરને માન સંગાથે વૈર જો;

સાધન સર્વે માન બગાડે પળ વિષે,

જેમ ભળીયું પયસાકરમાં અહિઝેર જો. સાંભળ૦ ૧

દાસી થઈ તું રહેજે દીનદયાળની,

નીચી ટેલ મળે  તો માને ભાગ્ય જો;

ભવ બ્રહ્માદિકને નિશ્ચય મળતી નથી,

પુરુષોત્તમ પાસે બેઠાની જાગ્ય જો. સાંભળ૦ ૨

પ્રીત કરે પુરુષોત્તમ સાથે નિત્ય નવી,

દાઝીશમાં દેખી કેનું સન્માન જો;

મુક્તાનંદનો નાથ મગન થઈ સેવજો,

તો રીઝે રસિયો સુંદરવર કહાન જો. સાંભળ૦ ૩

 

પદ - ૩

કહાન કુંવરની રીત સુણી મનમાં ધરો,

તો  તમે રહેશો મગન સદા હરિ સંગજો;

પુરુષોત્તમને નથી કોઈ પર પોતાતણું,

પુરણકામ ન રાચે કેને રંગ જો. કહાન૦ ૧

કરુણાનિધિમાં કામાદિક વ્યાપે નહિ,

ઈર્ષ્યા માન  તણો નહીં અંતર લેશ જો;

કડવાં વેણ કહે પોતાના દાસને,

ઔષધસમ આપે ઊત્તમ ઊપદેશ જો. કહાન૦ ૨

જે જે વચન કહે સુંદરવર શ્યામળો,

સુખ ઊપજે  તેમ કરવો શુદ્ધ વિચાર જો;

મુક્તાનંદનો નાથ સદા સુખદાઈ છે,

એવું જાણી કરજો પૂરણ પ્યાર જો. કહાન૦ ૩

 

પદ - ૪

સુખસાગર હરિવર સંગે સુખ માણજો,

અતિ ઘણી મહેર કરી છે શ્રીમહારાજ જો;

પુરુષોત્તમ સાથે પૂરણ સગપણ થયું,

આપણ  તુલ્ય નહિ કોઈ બીજું આજ જો. સુખસાગર૦ ૧

રવિમંડળમાં રાતતણું દુઃખ નવ નડે,

પારસ પામ્યે ધન દુર્બળતા જાયજો;

તેમ પ્રગટ પુરુષોત્તમને જે જે મળે,

તેનો મહિમા ભવબ્રહ્માદિક ગાય જો. સુખસાગર૦ ૨

તન અભિમાન  તજે પૂરણસુખ પામીએ,

શામળીયા સંગ વાધે સાચી  પ્રીત જો;

મુક્તાનંદ કહે મર્મ ઘણો છે એ વાતમાં,

જાણી લેજો અતિ ઊત્તમ રસરીત જો. સુખસાગર૦ ૩

Facebook Comments