રાગ - પરજ
પદ - ૧
સોનેરી મોળિયું, સુંદર સોનેરી મોળિયું, (૨) ધર્મકુંવરનું;
મોતીડે મોળિયું સુંદર મોતીડે મોળિયું, (૨) રસિક સુંદરનું- ૧
ભાલ વિશાળમાં સુંદર ભાલ વિશાળમાં (૨) તિલક કેશરનું.
ભ્રકુટી સુંદર જાણીયે ભ્રકુટી સુંદરરે (૨) ઘર મધુકરનું- ૨
કરણે કુંડળીયાં કાજુ કરણે કુડળીયાં (૨) જડીયલ મોતીએ.
ગોળ કપોળમાં રૂડા ગોળ કપોળમાં (૨) ઝળળળ જ્યોતીએ.- ૩
નેણાં રંગીલાં લાલ નેણાં રંગીલાંરે (૨) કમળની પાંખડી.
પ્રેમાનંદ નીરખી છબી પ્રેમાનંદ નીરખી (૨) ઠરીછે આંખડી.- ૪
પદ - ૨
નાસિકા નમણી હરિની,નાસિકા નમણી(૨) પોપટ સરીખડી;
નીરખી વદન ચંદ્ર, નીરખી વદન રે(૨) કીરણું ઝાંખી પડી. ૧
કંઠ જ નીરખી હરિનો, કંઠ જ નીરખી(૨) વાધી છે પ્રીતડી;
છાતી ઊપડતી માંહી, છાતી ઊપડતી(૨) મોતી માળા બેવડી. ૨
સુંદર ઊદર હરિના, સુંદર ઊદરમાંહી(૨) પડે છે ત્રિવળી;
નાભી ગંભીર ગોળ, નાભીગંભીર જોઈ(૨) મનડું ગયું ગળી. ૩
કટિલંક નિરખી હરિનો, કટિલંક નીરખી(૨) મોહ પામ્યો કેસરી;
પ્રેમાનંદ નીરખી છબી, પ્રેમાનંદ નીરખી(૨) નટવર વેષરી. ૪
પદ - ૩
લટકંતા આવો લાલ, લટકંતા આવોરે (૨) મારે મંદિરે મોરારી;
ગજગતિ ચાલ રૂડી, ગજગતિ ચાલ રે(૨) જોઈને બલિહારીરે.-૧
સાથળ ઘુંટણ, સુંદર સાથળ ઘુંટણ રે(૨) જોઈ પડીને પાનીયું;
ઘુંટી પેનીની છબી, ઘુંટી પેનીની રે (૨) મારે મન માનીયું- ૨
અરુણતળામાં સુંદર, અરુણતળામાં રે(૨) સોળે ચિહ્ન શોભતા;
ઉર્ધ્વરેખામાં રૂડી, ઉર્ધ્વરેખા રે(૨) મુનિ મન લોભતા- ૩
મૂર્તિ મહારાજની, શ્રી મૂર્તિ મહારાજની(૨) ગાઈએ પ્રીતે કરી;
પ્રેમાનંદ કહે નાથ, પ્રેમાનંદ કહે રે(૨) અંતરમાં રહો હરિ- ૪
પદ - ૪
ફુલડે ગરકાવ ફુલ્યા, ફુલડે ગરકાવ રે(૨) આવો ડોલરિયા;
અત્તરની ફોરમાં પ્યારા, અંત્તરની ફોરમાંહી(૨)ભીના રંગભરીયા-૧
હાર હજારી ઊર, હાર હજારી રે(૨) ગુચ્છ બેઊ કાનમાં;
બાજુ કાજુ છે બાંયે, બાજુ કાજુ છેરે(૨) નીરખું નિત્ય ધ્યાનમાં-૨
ગજરા ગુલાબી કરમાં, ગજરા ગુલાબી રે(૨)ખુંત્યા મારા ચિત્તમાં;
જીવન જાણોછો બહુ, જીવન જાણોછો રે(૨)પાતળિયા પ્રીતમાં- ૩
મોહીછું માણીગર હું તો, મોહી છું માણીગર રે(૨)મુખને મરકલડે;
ગમીયાછો ગિરધર, ગમીયા છો ગિરધર(૨)પ્રેમાનંદને દલડે-૪