શ્રી ભુજનગરમાં શ્રીજીમહારાજે લીલા કરી તેનો ગરબો.
પદ - ૧
હરિ હેતે કરીને સખી આજ રે. ભુજમાં ભૂધરજી
આવ્યા સંત સહિત મહારાજ રે. ભુજમાં. ૧
સર્વ ભક્ત તણે મન ભાવ્યા રે. ભુજમાં.
સામા જઈને મોતીડે વધાવ્યા રે. ભુજમાં. ૨
બહુ વાજાં આનંદમાં વાજે રે. ભુજમાં.
ભેરી ભુંગળ ને પડઘમ ગાજે રે. ભુજમાં. ૩
ઝાંઝ પખાજના ઝમકાર રે. ભુજમાં.
ઢોલ ત્રાંસાં તણો નહી પાર રે. ભુજમાં. ૪
ઘણે મૂલે ઘોડે હરિ રાજે રે. ભુજમાં.
ઢળે ચમર છત્ર બિરાજે રે. ભુજમાં. ૫
સહુ દોડીને દર્શને આવે રે. ભુજમાં.
રૂડા પુષ્પે કરીને વધાવે રે. ભુજમાં. ૬
શહેર મધ્યે થઈને ઘનશ્યામ રે. ભુજમાં.
આવ્યા સુંદર હીરજીને ધામ રે. ભુજમાં. ૭
પ્રિત્યે પાટ ઊપર પધરાવી રે. ભુજમાં.
પૂજયા પ્રેમ ઘણો ઊર લાવી રે. ભુજમાં. ૮
પછી વિધ વિધના કરી થાળ રે. ભુજમાં.
હેતે જમાડયા દિન દયાળ રે. ભુજમાં. ૯
કામ કાજ કરે નહિ કોઈ રે. ભુજમાં.
રહે હરિ સામું સૌ જોઈ રે. ભુજમાં. ૧૦
જોઈ સુંદર હીરજીનું હેત રે. ભુજમાં.
રહ્યા ઘણું ત્યાં સંત સમેત રે. ભુજમાં. ૧૧
ધ્યાન ધારણા સમાધિ કરાવે રે. ભુજમાં.
ધામ ગોલોક આદિ દેખાવે રે. ભુજમાં. ૧૨
એક આવ્યો વેરાગી અનાડી રે. ભુજમાં.
કરી સમાધિ સૌને દેખાડી રે. ભુજમાં. ૧૩
પછી હરિએ બોલાવ્યાં બાઈ લાધી રે. ભુજમાં.
તેને તુરત કરાવી સમાધિ રે. ભુજમાં. ૧૪
પછી અંગારા લઈ દિનોનાથ રે. ભુજમાં.
મેલ્યા લાધીબાઈના હાથ માથ રે. ભુજમાં. ૧૫
તેને જોઈને ભાગ્યો વેરાગી રે. ભુજમાં.
કહે કેમ ખમાય આ આગી રે. ભુજમાં. ૧૬
એવી લીલા કરીને સુખ આપે રે. ભુજમાં.
સર્વે જન તણાં દુઃખ કાપે રે. ભુજમાં. ૧૭
હરિ હસી હસી હેત જણાવે રે. ભુજમાં.
કરે વાતું તે મન ઘણી ભાવે રે. ભુજમાં. ૧૮
અતિ રાજી જોઈને દિનોનાથ રે. ભુજમાં.
હીરજીયે માગ્યું જોડી હાથ રે. ભુજમાં. ૧૯
અમ ઘેર રહો કરી વાસ રે. ભુજમાં.
બીજે જાવું નહિ અવિનાશ રે. ભુજમાં. ૨૦
જયારે રજા રાજી થઈ દઈયે રે. ભુજમાં.
ત્યારે બીજાને ઘેર જઈ રહીયે રે. ભુજમાં. ૨૧
પછી ભક્ત વત્સલ ભગવાન રે. ભુજમાં.
રહ્યા તિયાં આપી વરદાન રે. ભુજમાં. ૨૨
પછી સુંદર ને હીરજીભાઈ રે. ભુજમાં.
થયા રાજી ઘણું મન માંઈ રે. ભુજમાં. ૨૩
કરી વિધ વિધનાં પકવાન રે. ભુજમાં.
હેતે જમાડે દઈ ઘણું માન રે. ભુજમાં. ૨૪
વળી વસ્ત્ર ઘરેણાં પેરાવે રે. ભુજમાં.
હાર તોરાને ગજરા ધરાવે રે. ભુજમાં. ૨૫
રહ્યા ત્રિકમ તિયાં બહુ માસ રે. ભુજમાં.
તોય રજા આપે નહિ દાસ રે. ભુજમાં. ૨૬
પછી પ્રેરણા કરી ઘનશ્યામ રે. ભુજમાં.
આવ્યો રા’નો દિવાન તેહ ઠામરે. ભુજમાં. ૨૭
જગજીવન જાણો એનું નામ રે. ભુજમાં.
ધર્મદ્વેષીને કર્મ નકામ રે. ભુજમાં. ૨૮
તેની સામા બેસીને ભગવાન રે. ભુજમાં.
બોલ્યા છાતી કાઢીને વચન રે. ભુજમાં. ૨૯
મુને સર્વેનો ઈશ પ્રમાણો રે. ભુજમાં.
વળી રાધારમાનો પતિ જાણો રે. ભુજમાં. ૩૦
સુણી વચન ઊઠી ઊર આગ રે. ભુજમાં.
પામ્યો કોપ જેમ કાળો નાગ રે. ભુજમાં. ૩૧
કરી ક્રોધ ને ઊઠ્યો રીસાઈ રે. ભુજમાં.
થયા ઊદાસી હીરજીભાઈ રે. ભુજમાં. ૩૨
જગજીવન કોપ્યો આ વાર રે. ભુજમાં.
લુટી લેશે અમારાં ઘરબાર રે. ભુજમાં. ૩૩
બહુનામી બોલ્યા મુખ તૈયે રે. ભુજમાં.
ગંગારામને ઘેર કહો તો જઈયે રે. ભુજમાં. ૩૪
બદ્રિનાથ કહે હીરજીભાઈ રે. ભુજમાં.
મુખે બોલી શકયા નહિ કાંઈ રે. ભુજમાં. ૩૫
પદ - ૨
શ્યામ સમો જોઈને સધાવ્યાં રે, મનમાં વિચારી,
મલ ગંગારામને ઘેર આવ્યા રે. મનમાં. ૧
ગંગારામ મહા રણધિર રે. મનમાં.
વળી અતિ ઘણા શૂરવીર રે. મનમાં. ૨
તેહ બોલ્યા લાગી હરિ પાય રે. મનમાં.
મર આવે ત્રિલોકીનો રાય રે. મનમાં. ૩
તેને તરણા જેવો કરી દાખું રે. મનમાં.
કેદી દીન વચન નવ ભાખું રે. મનમાં. ૪
તમ સારુ હું જીવન પ્રાણ રે. મનમાં.
કરુ તનમન ધન કુરબાણ રે. મનમાં. ૫
એમ કહિને રાખ્યા મેડી માથ રે. મનમાં.
રહ્યા ચોકીમાં સૌ મલ સાથ રે. મનમાં. ૬
લાલ લીલા કરે ત્યાં નવી રે. મનમાં.
કેતાં થાકે શેષાદિક કવિ રે. મનમાં. ૭
નિત્ય ઝુલે હિંડોળે રંગલેરી રે. મનમાં.
હરિજન બેસે સહુ ઘેરી રે. મનમાં. ૮
એક દિન ભક્ત બહુ આવ્યા રે. મનમાં.
ભાતભાતનાં ફુલ સહુ લાવ્યા રે. મનમાં. ૯
હેતે ઝુલાવા શ્રી ગીરધારી રે. મનમાં.
બાંધ્યો ફુલ હિંડોળો ભારી રે. મનમાં. ૧૦
પછી હરિયે સજયા શણગાર રે. મનમાં.
જોઈ રાજી થયા નરનાર રે. મનમાં. ૧૧
પેરી સુંથણલી નવરંગ રે. મનમાં.
શોભે જામો જરીનો અંગ રે. મનમાં. ૧૨
માથે મોળિયું સુંદર રાજે રે. મનમાં.
હાર તોરા ને ગજરા બિરાજે રે. મનમાં. ૧૩
હેમ કડાં ને બાજુબંધ રે. મનમાં.
સારું શેલુ શોભે છે સ્કંધ રે. મનમાં. ૧૪
રૂડો રૂમાલ રેશમી હાથ રે. મનમાં.
મંદ મંદ હસે મારો નાથ રે. મનમાં. ૧૫
બેસી ઝુલે હિંડોળે સુખકારી રે. મનમાં.
શોભે ત્રિલોકથી છબી ન્યારી રે. મનમાં. ૧૬
વાગે વાજાં ને ઊત્સવ થાય રે. મનમાં.
હરિજન ઊમંગમાં ગાય રે. મનમાં. ૧૭
ઢોલ ત્રાંસાં ને શરણાઈ બોલે રે. મનમાં.
સુણી શેષ પાતાળમાં ડોલે રે. મનમાં. ૧૮
આવી છાયાં આકાશે વિમાન રે. મનમાં.
જોઈ શોભા ભૂલ્યા દેવભાન રે. મનમાં. ૧૯
કરે પુષ્પ વૃષ્ટિ હરિ માથ રે. મનમાં.
જય જય બોલે સુર સાથ રે. મનમાં. ૨૦
તેની ખબર દિવાનને પડી રે. મનમાં.
મેલ્યો જોવા માણસ તેહ ઘડી રે. મનમાં. ૨૧
જોઈ ચાકર ગયો પાછો ફરી રે. મનમાં.
જેવી દીઠી તેવી વાત કરી રે. મનમાં. ૨૨
ગરકાવ થઈને બહુ ફુલે રે. મનમાં.
પ્રભુ થઈને સહજાનંદ ઝુલે રે. મનમાં. ૨૩
સુણી વાતને કોપ્યો અપાર રે. મનમાં.
તુરત તેડાવ્યો ફોજદાર રે. મનમાં. ૨૪
કહે હલા કરો મલ માથે રે. મનમાં.
ફોજ લઈને તમે જાઓ સાથે રે. મનમાં. ૨૫
મલ ગંગારામનું ઘર લુટો રે. મનમાં.
થાય સામા તેને તમે કુટો રે. મનમાં. ૨૬
લાવો ઝાલી સહજાનંદ આંઈ રે. મનમાંં.
તેને પુરીયે બંગલામાંઈ રે. મનમાં. ૨૭
એમ કહ્યું તેણે બહુ વેર રે. મનમાં.
ફોજ આવી ગંગારામને ઘેર રે. મનમાં. ૨૮
ગંગારામ લાગી હરિ પાય રે. મનમાં.
ઊઠ્યા ખડગ લઈ કરમાંય રે. મનમાં. ૨૯
બહુ બોલ્યા વચન મુખ ગાજી રે. મનમાં.
કહે ઊભા રહેજો તમે પાજી રે. મનમાં. ૩૦
આજ ટુક ટુક સૌ કરી નાખું રે. મનમાં.
મર આવે ફોજ બીજી લાખું રે. મનમાં. ૩૧
એમ કહીને સામા ગયા દોડી રે. મનમાં.
વાલે દેખાડ્યા એકના ક્રોડી રે. મનમાં. ૩૨
એવું જોઈને સરવે ભાગ્યા રે. મનમાં.
સિંઘ ફાટ્યાં ને દાઢી મૂછ લાગ્યાં રે રે. મનમાં .૩૩
જેમ સિંહ આગે શિયાળ રે. મનમાં.
તેમ ભાગ્યા તે ભુંડે હાલ રે. મનમાં. ૩૪
બદ્રિનાથ કહે હરિ દ્વેષી રે. મનમાં.
જખ મારી રહ્યો પછી બેસી રે. મનમાં. ૩૫
પદ - ૩
નાથ નાવા હમીરસર જાય રે, લાલજી લટકાળો
સંત સહિત તેમાં નિત્ય નાય રે. લાલજી. ૧
ઘાટ પશ્ચિમનો સુખકારી રે. લાલજી.
તિહાં વડ હતો એક ભારી રે. લાલજી. ૨
વાલો વસ્ત્ર ઉતારે જઈ ત્યાંય રે. લાલજી.
પછી પધારે નિરને માંય રે. લાલજી. ૩
જલ ક્રિડા કરે સુખકંદ રે. લાલજી.
જોઈ જન પામે આનંદ રે. લાલજી. ૪
ભવ બ્રહ્મા આવ્યા દેવ ત્યાંઈ રે. લાલજી.
રહ્યાં આકાશે વિમાન છાઈ રે. લાલજી. ૫
નૃત્ય કરી અપસરા ગાવે રે. લાલજી.
રૂડા પુષ્પે પ્રભુને વધાવે રે. લાલજી. ૬
સંત સંગે કરે હરિ ખેલ રે. લાલજી.
છોગાંવાળો છબિલો છેલ રે. લાલજી. ૭
સંતદાસ બુડ્યા તેહ ઠામ રે. લાલજી.
જઈ નિસર્યા બદ્રિધામ રે. લાલજી. ૮
હરિજન શોધે આસપાસ રે. લાલજી.
થઈ અંતરમાંહી ઊદાસ રે. લાલજી. ૯
તેને જોઈને બોલ્યા જીવન રે. લાલજી.
એતો પોચ્યા છે બદ્રિવન રે. લાલજી. ૧૦
માટે ચિંતા ન કરો લગાર રે. લાલજી.
સહુ નીસરો જલથી બાર રે. લાલજી. ૧૧
વલિ તેહ ઠામે એક દન રે. લાલજી.
દિઠા ખાખી ઘણા ભગવાન રે. લાલજી. ૧૨
જોઈ દયા હરિને દિલ આવી રે. લાલજી.
જાણે જમાડીએ કાંઈ લાવી રે. લાલજી. ૧૩
પછી પ્રિતે કહ્યું જઈ ત્યાંઈ રે. લાલજી.
કાંઈ જમો તો લાવીયે આંઈ રે. લાલજી. ૧૪
ત્યારે બોલ્યો મોટો એક બાવો રે. લાલજી.
ભાવ તમારો હોય તો લાવો રે. લાલજી. ૧૫
પછી પેંડાને બરફી મંગાવ્યા રે. લાલજી.
વળી સાટા જલેબી ઘણી લાવ્યા રે. લાલજી. ૧૬
તેને જોઈ બોલ્યા બહુ બાવા રે. લાલજી.
કુંણ ભક્ત ભાવિક તમે આવા રે. લાલજી. ૧૭
કહો તમારું ગામને નામ રે. લાલજી.
રૂપ જોઈ લાજે કોટી કામ રે. લાલજી. ૧૮
કહે હરિ સુણો નામ કઈયે રે. લાલજી.
અમે સ્વામિનારાયણ છૈયે રે. લાલજી. ૧૯
દેશ પુરવ છપૈયા ધામ રે. લાલજી.
તેહ જાણો અમારું ગામ રે. લાલજી. ૨૦
સુણી બોલ્યા વેરાગી તૈયે રે. લાલજી.
અમે તમારું તો નહિ લૈયે રે. લાલજી. ૨૧
પછી પ્રિતમ આવ્યા શહેરમાંઈ રે. લાલજી.
મલ ગંગારામ રહે ત્યાંઈ રે. લાલજી. ૨૨
તિયાં પ્રિતેથી મલ બોલાવી રે. લાલજી.
કહ્યું જમો તમે સહુ આવી રે. લાલજી. ૨૩
બોલ્યા ગંગારામ જોડી હાથ રે. લાલજી.
એમ જમાય નહિ દિનાનાથ રે. લાલજી. ૨૪
જુવો રમત અમારી તમે રે. લાલજી.
પછી બેસીને મલ સહુ જમે રે. લાલજી. ૨૫
મલ નથુને આંગણે ઓટો રે. લાલજી.
અતિ સુંદર મનોહર મોટો રે. લાલજી. ૨૬
ત્યાં બેસીને મલ રમાડ્યા રે. લાલજી.
પોતે જમીને સૌને જમાડયા રે. લાલજી. ૨૭
શ્યામ છબી શોભે સુખકારી રે. લાલજી.
ભાલ વિશાળ ઝળકે ભારી રે. લાલજી. ૨૮
શિર સોનેરી પાઘ બિરાજે રે. લાલજી.
મુખ જોઈ મદન મન લાજે રે. લાલજી. ૨૯
નાસા નેણ તિલક છબી જોઈ રે. લાલજી.
ભવ બ્રહ્માદિ દેવ રહે મોઈ રે. લાલજીજ. ૩૦
દંત દાડમ કળી જેવા કહીયે રે. લાલજી.
મંદ હાસ જોઈને સુખ લૈયે રે. લાલજી. ૩૧
કાને કુંડળ જડાવના કાજુ રે. લાલજી.
બાંધ્યા ઝુલ તણા બે બાજુ રે. લાલજી. ૩૨
વેઢ વીંટિ કનક કડાં હાથ રે. લાલજી.
સોના સાંકળાં પેર્યાં છે મારે નાથ રે. લાલજી. ૩૩
ઓપે અંગો અંગ શણગાર રે. લાલજી.
જોઈ મોહ પામે નરનાર રે. લાલજી. ૩૪
શોભે સુંદર છબિ અતિ સારી રે. લાલજી.
દાસ બદ્રિનાથ જાય વારી રે. લાલજી. ૩૫
પદ - ૪
હરિ હીરજીભાઈને ધામ રે, ભુજમાં ભાવેથી
સારી સભા કરે ઘનશ્યામ રે. ભુજમાં. ૧
તિયાં આવે પુરાણી પંડિત રે. ભુજમાં.
જોઈ પ્રતાપ થાય ચક્તિ રે. ભુજમાં. ૨
એક દિન ફકીર તિહાં આવ્યો રે. ભુજમાં.
તેને હેતે હરિએ બોલાવ્યો રે. ભુજમાં. ૩
વળી એમ પૂછ્યું અવિનાશ રે. ભુજમાં.
સાંઈ શું છે તમારી પાસ રે. ભુજમાં. ૪
સુણી સાંઈ બોલ્યો જોડી હાથ રે. ભુજમાં.
એ તો કુરાન હે દિનાનાથ રે. ભુજમાં. ૫
ત્યારે એમ બોલ્યા ભગવાન રે. ભુજમાં.
આ બાળક ભણ્યો છે કુરાન રે. ભુજમાં. ૬
એનું ખલબલસા છે નામ રે. ભુજમાં.
રામ રામ રટે આઠું જામ રે. ભુજમાં. ૭
સુણી સાંઈ બોલ્યો તે ટાણે રે. ભુજમાં.
એ ગભરુ કુરાન કયા જાણે રે. ભુજમાં. ૮
પછી હરિયે કરી એને સાન રે. ભુજમાં.
ત્યારે તુરંત બોલ્યો કુરાન રે. ભુજમાં. ૯
સુણી સાંઈ થયો ચકચુર રે. ભુજમાં.
કહે આ તો અલ્લનું નુર રે. ભુજમાં. ૧૦
જાણી હરિને સર્વેના નાથ રે. ભુજમાં.
નમ્યો વારંવાર જોડી હાથ રે. ભુજમાં. ૧૧
એવી લીલા કરી બહુ વાર રે. ભુજમાં.
કેતાં શેષ પામે નહિ પાર રે. ભુજમાં. ૧૨
જીહાં નાતા હરિવર દાડી રે. ભુજમાં.
તિયાં કરી નવી ફુલવાડી રે. ભુજમાં. ૧૩
વળી વડ હતો જેહ ઠામ રે. ભુજમાં.
કરી છત્રી ત્યાં શોભા ધામ રે. ભુજમાં. ૧૪
જુની વાડીની જગ્યા માંય રે. ભુજમાં.
બહુ વાર બેઠા હરિ ત્યાંય રે. ભુજમાં. ૧૫
જયારે જાતાં માનકુવે ગામ રે. ભુજમાં.
ત્યારે તિહાં બેસે જઈ શ્યામ રે. ભુજમાં. ૧૬
હરિજન વળાવવા આવે રે. ભુજમાં.
બહુ પેંડાને બરફી લાવે રે. ભુજમાં. ૧૭
તેહ જમી તિહાં જદુનાથ રે. ભુજમાં.
આપે સૌને પ્રસાદી હાથ રે. ભુજમાં. ૧૮
તિહાં છત્રી કરાવી છે પાસે રે. ભુજમાં.
અતિ ઊમંગે અચ્યુત દાસે રે. ભુજમાં. ૧૯
પછી ત્યાંથી ઊઠે અવિનાશ રે. ભુજમાં.
ચાલે ભેળા વળાવવા દાસ રે. ભુજમાં. ૨૦
આગે આવે લિંબ બે ભારી રે. ભુજમાં.
જેની ઘેરી છાયા અતિ સારી રે. ભુજમાં. ૨૧
તેના હેઠે બેસે અવિનાશ રે. ભુજમાં.
હરિજન બેસે સહુ પાસ રે. ભુજમાં. ૨૨
કરી વાત ધિરજ દૈ હરિ રે. ભુજમાં.
સૌને પાછા વાળે પ્રિત કરી રે. ભુજમાં. ૨૩
મલ ત્રિકમજી જેનું નામ રે. ભુજમાં.
કરી છત્રી તેણે તેહ ઠામ રે. ભુજમાં. ૨૪
જણસાલિ તલાવડી કૈયે રે. ભુજમાં.
તેના મહિમાનો પાર ન લૈયે રે. ભુજમાં. ૨૫
તેમાં નાહ્યા હરિ બહુ વાર રે. ભુજમાં.
તેનો કેતાં આવે નહી પાર રે. ભુજમાં. ૨૬
વળી તિહાં બેસીને દયાળ રે. ભુજમાં.
બહુ વાર જમ્યા હરિ થાળ રે. ભુજમાં. ૨૭
જીહાં બેસી જમ્યા ગિરધારી રે. ભુજમાં.
તિહાં કરી છે છત્રી સારી રે. ભુજમાં. ૨૮
જીહાં નાતા નિત્યે નર નાટ રે. ભુજમાં.
તિહાં બાંધ્યો છે સુંદર ઘાટ રે. ભુજમાં. ૨૯
ઘાટ બંધાવ્યો દૈ જેણે દામ રે. ભુજમાં.
જણસાલી ટોપણ તેનું નામ રે. ભુજમાં. ૩૦
જેમાં નાહ્યા જઈ અવિનાશ રે. ભુજમાં.
તેમાં સર્વે તીરથ એ જાણો રે. ભુજમાં. ૩૧
માટે મોટું તીરથનો વાસ રે. ભુજમાં.
સાચી પ્રતિત ઊરમાં આણો રે. ભુજમાં. ૩૨
મારી મતિ તણે અનુસાર રે. ભુજમાં.
ગાયા ગરબા કરી મ પ્યાર રે. ભુજમાં. ૩૩
જેહ ગાશે ગરબા ભાવ ભરી રે. ભુજમાં.
વળી સાંભળશે પ્રિત કરી રે. ભુજમાં. ૩૪
તેના ઊપર રાજી હરિ થાય રે. ભુજમાં.
દાસ બદ્રિનાથ એમ ગાય રે. ભુજમાં. ૩૫