૧૦.માનકુવામાં ડાહીબાઈને ઘેર કાષ્ટનાં પુતળા જળમાં પધરાવ્યાં, ગંગાજી આણ્યાંને શ્રીજીને નવડાવ્યા, રવજીભાઈને ત્યાં જમ્યા, માનકુવે પધાર્યા, એક બાઈની રસોઈ ખુટાડી, ખેડૂની ખોટ ભાંગી, નાથા ગાંડાને સિધ્ધિ આપી, ભુજ પધાર્યા, સંતદાસજી ડૂબકી મારી ગયા,

Submitted by swaminarayanworld on Tue, 03/05/2016 - 7:46pm

અધ્યાય-૧૦

એક દિવસ સુતાર ભીમજીએ શ્રીહરિને કહ્યું જે, નહાવા પધારો, ત્યારે શ્રીહરિ બોલ્યા જે, આજ તો ગંગાજી આવે તો નાહીએ. ત્યારે ભીમજીએ કહ્યું જે, ગંગાજી તો વાટ જોઇ રહ્યાં છે, જે મહારાજ ક્યારે આજ્ઞા કરે ને હું આવું. ત્યારે શ્રીહરિએ કહ્યું જે, ગંગાજીને બોલાવો ને નાહવા ઊઠીયે. પછી સુતાર ભીમજીએ બાઇઓને કહ્યું જે, શ્રીજીમહારાજને નહાવું છે, તે પાંચ સાત બેડાં લઇને વારાફરતી પાણી લાવો. પછી બાઇઓ બેડાં લઇને પાણી ભરવા ગયાં. પછી મોટો બાજોઠ લાવીને કહ્યું જે, હે મહારાજ ! નહાવા પધારો. પછી શ્રીહરિ બાજોઠ ઉપર પલાંઠી વાળીને બેઠા. પાણીનાં બેડાં બાઇયું પાસેથી લઇને હરભમ સુતાર મહારાજને નવડાવવા લાગ્યા. નવડાવતાં નવડાવતાં પચીસ બેડાં થઇ ગયાં, ત્યારે હરભમે કહ્યું જે ગંગાજી કેવાં આવ્યાં છે ? ત્યારે શ્રીહરિ કહે જે, ગંગાજીએ અમને સારી રીતે નવડાવ્યા. હવે ના પાડો, ત્યારે બાઇયુંને કહ્યું, હવે પાણી નહીં જોઇએ. પછી શ્રીહરિ નાહીને આસને પધાર્યા.

પછી રસોઇ તૈયાર થઇ એટલે ભીમજી સુતારે કહ્યું, મહારાજ ! થાળ તૈયાર છે જમવા પધારો. પછી શ્રીહરિ જમવા પધાર્યા, જમીને આસને બિરાજમાન થયા. પછી સાધુ, પાળા અને સત્સંગીઓને જમાડ્યા. પછી શ્રીહરિ પોઢ્યા. ત્યાર પછી જાગીને કહ્યું જે, પાણી લાવો. બ્રહ્મચારી પાણીનો લોટો ભરી લાવ્યા, તેણે કરીને શ્રીહરિએ મુખારવિંદ ધોઇને જળપાન કર્યું ને ઢોલિયા ઉપર બિરાજમાન થયા. એ સમયે અનંત બ્રહ્માંડોના અધિપતિ દેવો તથા અનંત ધામના મુક્તો એ સર્વે દિવ્ય દેહે વિમાનમાં બેસીને શ્રીહરિનાં દર્શને આવ્યા અને વાતું સાંભળવા લાગ્યા. એમ અનેક વાતું કરીને સુખિયા કર્યા. વળી એક દિવસે સવારમાં નહાવા પધાર્યા તે નાહીને ઢોલિયા ઉપર વિરાજમાન થયા ત્યારે શ્રીહરિ કહે, આજ તો સુતાર રવજીભાઇને ઘેર થાળ જમવો છે.

ત્યારે સુતાર ભીમજીભાઇ બોલ્યા જે, રવજીભાઇ તો હમણાં પરણ્યા છે. તે નવાં-નવાં બાઇને રસોઇ પણ આવડતી નહિ હોય માટે ત્યાં જમવા જવું એ ઠીક નહિ. ત્યારે શ્રીહરિ કહે જે, એમનું સારું કરવું છે, એમ કહીને પોતે ઊઠ્યા તે સુતાર રવજીભાઇને ઘેર પધાર્યા. ત્યાં તો રવજી સુતાર કોઢમાં બેઠા ઘડતા હતા. તે પડ્યું મેલીને ઊઠ્યા, ઢોલિયો ઢાળી તે ઉપર ગાદલું પાથરીને શ્રીજીમહારાજને તે ઉપર પધરાવીને પછી પોતે બાજરી લઇને દળવા બેઠા. પછી શ્રીહરિએ એમના ઘરની સામું જોયું, ત્યારે બાઇ લાજ કાઢીને બેઠી હતી, તેને કહ્યું, રવજી સુતાર તો અમારાથી મોટા છે, અને અમે તો અવસ્થાએ નાના છીએ. તે માટે અમારી તમારે લાજ ન કાઢવી. દર્શન કરીને રસોઇ કરો. અમે જમવા આવ્યા છીએ. ત્યારે બાઇ શ્રીહરિને છેટે બેસીને પગે લાગી. ને રસોઇ કરવા બેઠી. પછી બાજરીના નાના નાના રોટલા કર્યા. પછી શ્રીહરિને જમવા બેસાડ્યા. બાજરીનો રોટલો, દહીં ને દૂધ ખૂબ સારી પેઠે જમ્યા. અને ખૂબ વખાણ કર્યા જે આવું તો અમો કોઇ દિવસ જમ્યા નથી. પછી શ્રીહરિએ ચળુ કરીને કહ્યું જે, કાલે પણ તમારે ઘેર જમવા આવશું. ત્યારે રવજીએ કહ્યું જે, હે મહારાજ ! ભલે પધારજો. મારા ઉપર બહુ કૃપા કરી. એવી રીતે ત્રણ દિવસ સુધી જમવા પધાર્યા. ને ભીમજી સુતારને ઘેર તો નિત્ય જમતા. સુતાર ભીમજીના ભાઇ રવજી તે સાધુ થયા હતા તેમનું નામ રામદાસ વૈદ્ય હતું. એવી રીતે શ્રીહરિએ કાળાતળાવમાં ઘણીક લીલા કરી.

એક દિવસે શ્રીહરિ કહે, આજે અમારે ચાલવું છે. ત્યારે સત્સંગીઓ કહે જે, હે મહારાજ ! હજી પાંચ દિવસ દયા કરીને દર્શન દ્યો. અને ઉતાવળ શા સારુ કરો છો ? ત્યારે શ્રીજી કહે, દશબાર દિવસ રહ્યા. હવે તો જાવું છે, પછી કહ્યું જે, માનકુવે જાવું છે. પછી જમીને દિવસ પહોર એક ચડ્યો ત્યારે શ્રીહરિ ત્યાંથી ચાલ્યા તે વખતે સત્સંગી સર્વ વળાવવા આવ્યા. એક ગાઉ સુધી ગયા ત્યારે શ્રીહરિએ કહ્યું જે, ઊભા રહો, ને હવે પાછા જાઓ, ત્યારે સત્સંગી સર્વે દંડવત્‌ પ્રણામ કરીને પગે લાગીને હાથ જોડીને બોલ્યા જે, મહારાજ ! જેમ કૃપા કરીને ખોળી લીધા અને દર્શન દીધાં તેમજ વહેલી સંભાળ લેજો, ને વહેલા દર્શન દેજો. ત્યારે શ્રીહરિએ કહ્યું જે, વહેલા આવશું અને તમો આનંદમાં રહીને ભગવાનનું ભજન કરજો. અને અંતરમાં ભગવાનને રાખજો. જગતનો વહેવાર છે તેતો એમની મેળે જ ચાલ્યા કરશે.

એમ શિખામણ આપીને શ્રીજીમહારાજ ત્યાંથી ચાલ્યા ને સત્સંગી સર્વે પાછા વળ્યા. તે ચાલતાં ચાલતાં ગામ માનકુવે આવ્યા. અને સુતાર નાથાને ઘેર ઉતારો કર્યો. ત્યાં નાના પ્રકારની લીલા કરી, ને સર્વે સત્સંગી શ્રીહરિની વાતો સાંભળવા લાગ્યા. એમ કરતાં રાત્રી દોઢ પહોર ગઇ ત્યારે સત્સંગી સર્વે પગે લાગીને ઊઠ્યા. ત્યારે એક બાઇએ શ્રીહરિને પગે લાગીને કહ્યું જે, મહારાજ ! કાલ અમારી રસોઇ છે, તે એંશી સાધુ સહિત જમવા પધારજો. ત્યારે શ્રીહરિએ કહ્યું જે, સારું આવશું, રસોઇ કરાવો. પછી તે બાઇ પોતાને ઘેર ગઇ. પછી શ્રીજી મહારાજે સાધુને કહ્યું જે, શ્રીગુરુ આદિક સાત મૂર્તિ રહો અને બીજા ફરવા જાઓ. ત્યારે સાધુ સર્વે પ્રાતઃકાલે ઊઠીને ચાલી નીકળ્યા. અને બાઇને સવારે ખબર પડી ત્યારે મહારાજ પાસે આવીને કહ્યું જે, હે મહારાજ ! સાધુને તમે ફરવા મોકલ્યા અને મેં તો રસોઇ કરી રાખી છે. અને સાધુ ફરવા ગયા. મારી રસોઇ એમને એમ પડી રહેશે. ત્યારે શ્રીહરિ કહે, તમારી રસોઇ પડી નહીં રહે અને તમારે ઘેર તમો જાઓ. અને અમે નાહીને આવીએ છીએ. પછી તે બાઇ પોતાને ઘેર ગઇ. શ્રીહરિ સાત સાધુને ભેળા લઇને જમવા પધાર્યા. તેના ઘરની ઓસરીમાં સાધુને બેસાડ્યા. પછી તે બાઇને કહ્યું, રસોઇ કરી હોય તો લાવો પીરસિયે. પછી જેટલી રસોઇ કરી હતી તેટલી રસોઇ મહારાજ આગળ મેલી, તે સાધુને પીરસવા લાગ્યા. તે જેટલું શ્રીહરિએ પીરસ્યું તેટલું સર્વે સંત જમી ગયા. ત્યારે શ્રીહરિએ બાઇને કહ્યું જે, જે હોય તે લાવો.

ત્યારે બાઇ ઓરડામાં જઇને ઊભી રહી. તે વખતે હરિભક્તોએ કહ્યું, કેમ છે બાઇ ? જે હોય તે લાવો. બાઇ કહે, શું લાવું ? કાંઇ નથી. જેટલી રસોઇ કરી હતી તેટલી શ્રીહરિએ સંતોને પીરસી દીધી. ત્યારે સત્સંગીઓએ કહ્યું જે, દુર્વાસા સર્વે ગોપીઓના થાળ જમી ગયા ને સદાય ઉપવાસી કહેવાણા, તેમ સાધુ પણ સર્વે તારી રસોઇ જમી ગયા છતાં ભૂખ્યા રહ્યા માટે આ સંતો પણ દુર્વાસા જેવા જ છે. અને હવે તમો મહારાજને એમ કહો જે હે મહારાજ ! હવે કંઇ નથી. ત્યારે તે બાઇએ તેમજ કહ્યું. પછી શ્રીજીમહારાજ ચળું કરીને સંતોને કહેવા લાગ્યા જે, તમો નદીમાં પાણીનો ધરો છે તેમાં જઇને ગળા સુધી પાણીમાં બેસજો અને સાંજે અમારે દર્શને આવજો. પછી સાધુઓ સાંજ સુધી પાણીમાં રહીને પાછા આવ્યા. ત્યારે શ્રીજીએ કહ્યું જે, તમને કંઇ જણાય છે ? ત્યારે સંતોએ કહ્યું જે, અમને તો આનંદ છે.

વળી એક દિવસ પટેલ નાનજી શ્રીહરિને દર્શને આવ્યા. પગે લાગીને બેઠા. ત્યારે મહારાજે કહ્યું જે, પટેલ ! શું કરો છો ? ત્યારે નાનજીએ કહ્યું જે, મજુરી કરું છું. ત્યારે શ્રીહરિએ કહ્યું જે, ખેડ નથી કરતા ? ત્યારે તેણે કહ્યું જે, પહેલાં બે વર્ષ ખેડ કરી હતી તેથી માથે કરજ થઇ ગયું છે એટલે ખેડ મેલીને મજુરી કરું છું. માથેથી જો કરજ ઉતરી જાય તો સુખી થાઉં. ત્યારે શ્રીહરિએ કહ્યું જે, હવે અમારી આજ્ઞાથી ખેડ કરો તેથી તમોને લાભ થશે, પણ ખોટ નહિ આવે. પછી તે દિવસથી તે ભક્તને ખેડમાંથી લાભ થયો.

એક દિવસે નાથા સુતારની માતાએ મહારાજને કહ્યું જે, હે મહારાજ ! અમારો નાથો ગાંડો છે. તે ગાંડાઇમાં એવું બોલી જાય છે જે સાંભળીને મને ઉપવાસ કરવો પડે છે. માટે નાથાને તમો તમારી સાથે લઇ જાઓ. ત્યારે શ્રીજીએ કહ્યું જે, અમોને ગાંડો આપ્યો તે બહુ સારું કર્યું. અમો તેને ભેળો રાખીશું. એમ કહીને તે નાથાને પોતાના ભેળો રાખ્યો. શ્રીજીએ તેને વૈદકના ગ્રંથો ભણાવ્યા, અંતર્યામી પણ કર્યો તેથી તે બીજાના અંતરની વાતો જાણી જતો. તેથી બીજાનાં પૂર્વજન્મનાં નામો લઇને કહેતો જે, તારો જન્મ આ ગામમાં હતો અને તારી જ્ઞાતિ આ હતી, તારા માબાપનાં નામ આ હતાં. એમ કહીને નામ પણ કહેતો. એવું સામર્થ્ય શ્રીજીએ નાથાને આપ્યું હતું.

આ પ્રમાણે માનકુવામાં ઘણાક દિવસ રહીને અનેક લીલાઓ કરીને પછી શ્રીજીમહારાજ ભુજ પધાર્યા. અને ત્યાં મહીદાસ ભટ્ટની વાડીમાં ઉતર્યા. પછી સુતાર જીવરામનાં માતુશ્રી હરબાઇને કહ્યું જે, અમારે માટે રસોઇ કરીને લાવો. પછી બાઇએ રસોઇ કરી અને બીજાં પકવાનો પણ બનાવ્યાં. પછી બધી સામગ્રી મહારાજ પાસે લઇ આવ્યા અને મહારાજને સારી રીતે જમાડ્યા. અને મહારાજની સાથે આવેલા સર્વ હરિભક્તોને પણ જમાડ્યા. તેથી શ્રીજીમહારાજ તે બાઇ ઉપર ઘણા જ પ્રસન્ન થયા. પછી ત્યાંથી ચાલીને શહેરમાં પધાર્યા. તે સમયે સંતદાસજી શ્રીજીને દર્શને આવ્યા. તે સંતદાસજી સમાધિનિષ્ઠ હતા. તેમને જમાડવા, ઉઠાડવા. બેસાડવા એ બધું શ્રીજીમહારાજ પોતે જ કરાવતા. તેમને તો રાતદિવસની પણ ખબર ન હતી. અહોનિશ મૂર્તિની સાથે તેમની એકતા હતી. એવા સમર્થ સંતદાસજીને તથા બીજા સંતોને તથા હરિભક્તોને સાથે લઇને હમીર સરોવરની પશ્ચિમ બાજુ એક વડ હતો ત્યાં પધાર્યા. ત્યાં વસ્ત્રો ઉતારીને સર્વે સ્નાન કરવા લાગ્યા. શ્રીહરિ પોતે સ્નાન કરીને બહાર નિસર્યા. બીજા પણ નીકળ્યા, પણ સંતદાસજી તો ડૂબકી મારીને અંદર પેઠા તે બહાર નીકળ્યા જ નહિ. શ્રીજી તો વસ્ત્ર પહેરીને જવા તૈયાર થયા. ત્યારે બીજા સંતોએ કહ્યું જે, સંતદાસજી તો પાણીમાંથી હજુ બહાર નીકળ્યા નથી. ત્યારે શ્રીજીએ કહ્યું જે, એ તો બદરિકાશ્રમમાં ગયા છે, માટે એમને કોઇ ખોળશો નહિ.

એક દિવસે ભુજ નગરમાં જેઠી ગંગારામના ફળીઆમાં ઠક્કર ગંગાધરનાં પત્ની રાણબાઇ આવ્યાં. મહારાજની પ્રાર્થના કરીને પોતાને ઘેર તેડી ગયાં. અને આસન પાથરીને તે ઉપર પધરાવ્યા અને એક તાંસળી ભરીને સાકર ને શ્રીફળ શ્રીહરિની આગળ મેલ્યું. પછી આગળ ઊભાં રહીને પગે લાગ્યાં. પછી તે રાણબાઇએ શ્રીહરિને પૂછ્યું જે, હે મહારાજ ! અમારા પતિને દરબારે બે માસ થયા કેદમાં નાખ્યા છે તે હવે આઠ દશ દિવસમાં છુટકો થાય તો સારું. ત્યારે શ્રીહરિએ કહ્યું જે, વહેલા બહાર નીકળશે. તે વખતે બાઇએ કહ્યું જે, હે મહારાજ ! દરબાર કહે છે કે પચીશ હજાર કોરી લેશું. તે પચીસ હજાર કોરી ક્યાંથી લાવીએ ? તે વખતે શ્રીહરિએ કહ્યું જે, આ શ્રીફળ અમારી પાસે કેટલાં મૂક્યાં છે ? ત્યારે બાઇએ કહ્યું, દશ શ્રીફળ મૂક્યાં છે. ત્યારે શ્રીહરિએ કહ્યું, જેટલાં શ્રીફળ અમારી પાસે મૂક્યાં છે, તેટલા હજાર કોરી ઓછી લેશે. પંદર હજાર તો આપવી પડશે. ત્યારે બાઇ કહે, બીજાં શ્રીફળ લાવું ? ત્યારે શ્રીહરિ કહે, હવે નહિ. પછી સાત આઠ સત્સંગી ભેળા આવ્યા હતા તેમને શ્રીહરિએ સાકરની પ્રસાદી આપી. બાકી રહેલી જે પ્રસાદીની સાકર તે બાઇને આપી. પછી શ્રીજીમહારાજ પોતાને આસને પધાર્યા. શ્રીહરિએ બાઇને જે પ્રમાણે કહ્યું હતું તે પ્રમાણે દંડ ઓછો થયો. એવી રીતે ગંગાધરને અનેક પ્રકારના પરચા આપ્યા છે.

વળી એક દિવસ શ્રીહરિ ગામ માનકૂવે પધાર્યા. તે રસ્તામાં છત્રીઓની પેલી બાજુ ઢાળ છે, તે ઢાળે ચડ્યા. ત્યારે હરિભક્તોને સર્વેને આજ્ઞા આપી જે, હવે પાછા વળો. ત્યારે સર્વે દર્શન કરીને પાછા વળ્યા. ને સુતાર નારાયણજીભાઇ ભેળા ચાલ્યા, ત્યારે તેને પણ મહારાજે કહ્યું જે, તમો પણ પાછા વળી જાઓ, ત્યારે નારાયણજીએ વિનંતી કરીને કહ્યું જે, હું તો નહિ વળું. ત્યારે શ્રીહરિએ કહ્યું જે, આગળ ચાલો. ને પોતે હરડી ઘોડી ઉપર વિરાજમાન હતા. માનકુવાના ઠાકોર અદોભાઇ ભેળા હતા. તથા બે-ચાર સાધુ અને પાળા ભેળા હતા. તે બે-ત્રણ ખેતર આગળ ચાલ્યા, ત્યારે નારાયણજીભાઇ ડાબી બાજુ આવીને ઊભા રહ્યા. ત્યારે શ્રીહરિએ કહ્યું જે, તમારો એક હાથ ઉંચો કરો. ત્યારે તેમણે જમણો હાથ ઉંચો કર્યો. તેને શ્રીહરિએ ઝાલીને ઘોડી ઉપર પોતાની પાછળ બેસાર્યા અને કહ્યું જે, તમારા બે હાથને મારી બગલ હેઠે કાઢીને બાથ ભરાવો. ત્યારે નારાયણજીભાઇએ બાથ લઇને અંકોડા ભીડ્યા. ત્યારે શ્રીહરિએ સાધુ-પાળાને કહ્યું જે, આ બોરડીમાં બોરાં બહુ જ સારાં છે, તે નારાયણજીને માટે વીણતા આવો. તે સાધુએ બોરાં વીણવા માંડ્યાં. શ્રીહરિએ ઘોડે બેઠા થકા માર્ગમાં વાતો કરવા માંડી, તે માનકુવા સુધી કરી. પછી ત્યાં સુતાર નાથાનું ઘર આવ્યું. ત્યારે નારાયણજીને શ્રીજીએ કહ્યું, હવે ઉતારશો ? એમ કહીને હેઠે ઉતાર્યા. પોતે પણ ઘોડીએથી ઉતર્યા. પછી સુતાર નાથાના ફળિયા વચ્ચે ઢોલિયો ઢળાવીને હાથ-પગ ધોઇને તે ઉપર વિરાજમાન થયા. પછી સાધુને કહ્યું જે, પેલાં બોરાં છે તે લાવો.  પછી તે બોરાં શ્રીહરિને આપ્યાં, તેમાંથી સારાં સારાં જોઇને પોતે જમવા લાગ્યા. બીજાં નારાયણજીને આપ્યાં. બાકી વધ્યાં તે સૌ સાધુને વહેંચી દીધાં. પછી નાથા સુતારને ઘેર પોતે જમવા પધાર્યા ને જમીને ચળુ કરી મુખવાસ લઇ પછી સંતો તથા પાર્ષદો તથા સત્સંગીઓને જમાડ્યા.

ઇતિ શ્રીસહજાનંદસ્વામી શિષ્ય અચ્યુતદાસવિરચિતે શ્રીપુરુષોત્તમલીલામૃતસુખસાગર મધ્યે મહારાજ ગામ કાળાતળાવ પધાર્યા ને ભીમજીને કહ્યું જે, ગંગાજી લાવો તો નાહીએ તથા સુતાર રવજીને ઘેર ત્રણ દિવસ જમ્યા તથા ગામ માનકુવે નાથાને ઘેર જમ્યા એ નામે દશમો અધ્યાય. ૧૦