અધ્યાય-૧૧
બીજે દિવસે ગામ માનકૂવે અબોટી બ્રાહ્મણ ડાહીબાઇએ શ્રીહરિને જમવાનું આમંત્રણ આપ્યું. ત્યારે તેમને ઘેર જમવા પધાર્યા. અને ઓસરીમાં આસન હતું તે ઉપર વિરાજમાન થયા. પછી શ્રીહરિએ એમના ઓરડા સામે દૃષ્ટિ કરી, ત્યાં તો ઓરડામાં લાકડાંનાં તથા લોખંડનાં પૂતળાં સીંદુર લગાવેલાં દીઠાં. તેને શ્રીહરિએ જોઇને કહ્યું જે, આટલાં બધાં દેવલાં છે ત્યાં અમારું શું કામ છે ? એટલા માટે અમે તમારે ઘેર નહિ જમીયે, અમે અમારે મુકામે જાશું. ત્યારે ડાહીબાઇના પતિ વિપ્ર લવજીએ કહ્યું જે, હે મહારાજ ! શીદ પધારો છો ? શ્રીહરિએ કહ્યું જે, પાખંડને સાથે અમારે બને નહિ. કાં તો અમને રાખો, કાં તો દેવલાંને રાખો. ત્યારે લવજીએ કહ્યું જે, હે મહારાજ ! જેમ તમે કહો તેમ કરું. ત્યારે શ્રીહરિએ તેમને કહ્યું જે, તમારે માથે ચોટલો છે તે ઉતરાવી નાખો. જંત્ર-મંત્ર, નાટક-ચેટક, પાખંડ વિગેરે કાંઇ કરવું નહિ. અને ધૂણવું પણ નહિં. અને આજથી તારા જંત્ર-મંત્ર ખોટા થઇ ગયા. તે કાંઇ ચાલશે નહિ. અને દેવલાં છે તેને જળમાં પધરાવી આવો. ત્યારે વિપ્ર લવજીએ ગાંઠડી બાંધીને દેવલાં જળમાં પધરાવી દીધાં. પછી શ્રીહરિને જમાડ્યા, જમીને ઉતારે પધાર્યા. તે કેડે વિપ્ર પણ જમીને શ્રીહરિ પાસે ગયો, અને ત્યાં વાળંદને તેડાવીને પોતાના માથાના વાળ ઉતરાવી નાખ્યા. નાહી ધોઇને વ્રતમાન લીધાં. ત્યારથી તે શ્રીહરિનો પાકો સત્સંગી થયો.
શ્રીહરિને બ્રાહ્મણ કેશવજીએ પોતાને ઘેર રસોઇ કરાવીને સારી રીતે જમાડ્યા ને જમી ચળુ કરી મુખવાસ લઇ પછી સુતાર તેજસી તથા સુતાર શામજી તથા પટેલ શિયાંણી વિશ્રામ તથા ભક્ત વાગજી એ સર્વે જનોએ પોત પોતાને ઘેર રસોઇ કરાવી ને શ્રીજીને સંતો-પાર્ષદો સહિત જમાડ્યા. અને ઠાકોર અદાભાઇએ પણ પોતાના દરબારમાં રસોઇ કરાવીને અતિભાવપૂર્વક દૂધપાક-પૂરી ને ભજીયાં વિગેરે શ્રીહરિને જમાડીને પ્રસન્ન કર્યાં. પછી શ્રીહરિ આચમન કરીને ઊઠ્યા. પછી અદાભાઇએ બીજા ઘરમાં ઢોલિયા ઉપર શ્રીહરિને પધરાવ્યા. ને પોતે વાતો સાંભળવા બેઠા. રસોઇયા બ્રાહ્મણને કહ્યું જે, તમે આ સાધુ-પાળા-સત્સંગીઓને સારી પેઠે જમાડો. પછી વિપ્રે સર્વેને જમાડ્યા. અને ઠાકોર અદાભાઇએ કેસરીયાં ચંદન, પુષ્પના હાર તથા વસ્ત્રો તેણે કરીને શ્રીજીમહારાજની પૂજા કરી. પૂજા કરતાં બાકી રહેલા પ્રસાદીના ઉપચારોથી સંતો-પાર્ષદો વિગેરેનું પણ પૂજન કર્યું. પછી શ્રીહરિને નમસ્કાર કરીને ઉતારે પધરાવ્યા. પછી શ્રીહરિ ત્યાંથી કણબી વિશ્રામ શિયાણીની વાડીએ પધાર્યા. ત્યાં સ્નાન કરીને પાછા ગામમાં આવ્યા, વિપ્ર શામજીએ પોતાને ઘેર રસોઇ કરાવીને શ્રીહરિને પધરાવીને સારી રીતે જમાડ્યા.
શ્રીજીમહારાજ જેટલા દિવસ માનકૂવામાં રહ્યા તેટલા દિવસ ગામથી પશ્ચિમ બાજુ જે વિચેન્દ્રસર નામનું સરોવર છે ત્યાં દરરોજ સ્નાન કરવા જતા અને માર્ગમાં એક મારવાડ નામે વાડી છે ત્યાં નદીની ભેખડ ઉપર બેસતા. એક દિવસે ત્યાં જઇને શ્રીહરિએ સંતોને કહ્યું જે, આ ભેખડ પરથી કૂદકા મારીએ. એમ કહીને પ્રથમ પોતે કૂદ્યા તે બાર તેર હાથ છેટે પડ્યા. પછી સાધુ તથા પાળા હતા તે પણ એક પછી એક કૂદ્યા. આ સર્વે કૂદ્યા પણ શ્રીહરિ જેટલું કોઇ પણ દૂર ન કૂદી શક્યા. શ્રીજીમહારાજ આ રમત જોઇને હાસ્ય વિનોદ કરતા થકા કહેવા લાગ્યા જે, અમારા જેટલું કોઇ પણ ન કૂદી શક્યા. અમો સહુથી અધિક કૂદ્યા છીએ. ત્યારે સર્વે સંતો-ભક્તજનોએ કહ્યું જે, હે મહારાજ ! તમો મોટા છો માટે મોટાનું કૂદવું પણ મોટું હોય અને નાનાનું કૂદવું નાનું હોય. ત્યારે શ્રીહરિ તે સાંભળીને હસ્યા. પછી વિચેન્દ્રસરમાં સ્નાન કરવા પધાર્યા. વસ્ત્રો ઉતારીને તે સરોવરના જળમાં પ્રવેશ કર્યો, અને ડૂબકી મારીને જળક્રીડા કરવા લાગ્યા. પાણીમાં ઘણીવાર સુધી રહીને જળથી બહાર નીકળે, ક્યારેક બહુ છેટે જઇને નીસરે અને ક્યારેક સર્વના વચ્ચે આવીને નીસરે. આવી રીતે ઘણીવાર સુધી જળક્રીડા કરીને બહાર નીકળ્યા, અને તે સરોવરની પાળ ઉપર હાલમાં જ્યાં છત્રી છે ત્યાં બિરાજ્યા. ત્યાં ઘણીવાર સુધી જ્ઞાનવાર્તા કરી. પછી ત્યાંથી ચાલીને મારવાડ વાડીએ આવ્યા. ત્યાં ભૂતીઆ વડની વડવાઇ ગ્રહણ કરીને પોતે ઉંચે આસને બિરાજ્યા. અને ચારે બાજુ સંતો તથા હરિભક્તો બેઠા. તે સમયે આ બ્રહ્મસભામાં બેઠેલા સંતો અને હરિભક્તોને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ સંબંધી ઘણીક વાતો કરીને સર્વ ભક્તજનોને આનંદિત કર્યા, તેમજ પોતાના સ્વરૂપના મહિમા સંબંધી વાતો કરીને સર્વ ભક્તજનોને પોતાના સ્વરૂપનો દૃઢ નિશ્ચય કરાવ્યો.
તે વખતે સર્વ ભક્તજનોને ઇન્દ્રિયો તથા અંતઃકરણની વૃત્તિઓ શ્રીજીમહારાજની મૂર્તિમાં સ્થિર થઇ ગઇ. તે સમયે સર્વ બ્રહ્માંડના અધિપતિ દેવતાઓ પણ વિચાર કરવા લાગ્યા જે, આપણે સર્વે મહારાજનાં દર્શને જઇએ, ત્યાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ સંબંધી વાતો સાંભળશું. અને તેથી શ્રીજીનો મહિમા પણ સારી રીતે સમજશું, અને પુરુષોત્તમ નારાયણ ભગવાનની પૂજા કરીશું તથા બ્રહ્મસભાની પણ પૂજા કરીશું. આવો વિચાર કરીને સર્વે ભૂતીઆ વડ નીચે જ્યાં શ્રીજી મહારાજ બિરાજમાન હતા ત્યાં આવીને શ્રીજીમહારાજની સ્તુતિ તથા પ્રાર્થના કરીને ભારે ભારે પોતાના લોકના અદ્ભુત આશ્ચર્યકારી જે વૈભવો-નૈવેદ્ય, વસ્ત્ર, અલંકારો તથા ચંદન, કેસર, પુષ્પના હાર તથા સાચાં મોતીના હાર લાવ્યા હતા, તેણે કરીને તથા અન્ય ઉપચારે કરીને પૂજા કરી. ત્યાર પછી તે સભામાં બેઠેલા શ્રીહરિને તેમણે સાષ્ટાંગ દંડવત્ પ્રણામ પૂર્વક નમસ્કાર કર્યા અને તે સભાને વિષે બેઠેલા જે બ્રહ્મઋષિઓ તેમને પણ સાષ્ટાંગ દંડવત્ પ્રણામપૂર્વક નમસ્કાર કર્યા. ત્યાર પછી તે બ્રહ્માંડાધિપતિ જે દેવ આવેલા હતા, તે પોતપોતાને સ્થાનકે ગયા.
તે વખતે શ્રીહરિએ તે સભા પ્રત્યે કહ્યું જે, હવે ગામમાં ચાલો. એમ કહીને ત્યાંથી ચાલ્યા. તે મીઠી વાડીના ખળામાં આવતાં કણબી વિશ્રામે આવીને કહ્યું જે, હે મહારાજ ! આ મારો પુત્ર દેવશી તે તમારા ભેળો ફરે છે, તો તેને સાધુ કરશો નહિં. શ્રીહરિએ કહ્યું જે, તમારી સાત પેઢી સુધી કોઇને સાધુ નહિ કરીએ. એવી રીતે હાસ્ય વિનોદ કરતા થકા ત્યાંથી ચાલ્યા તે સુતાર નાથાને ઘેર પધાર્યા. તે સમે નાથા સુતારની દીકરી દેવબાઇને ગામ વિથોણ પરણાવી હતી. તેનો સસરો તેડવા આવ્યો હતો. ત્યારે તે બાઇએ કહ્યું જે, હું તો સાસરે નહિ જાઉં. ત્યારે નાથા સુતારે શ્રીહરિને કહ્યું જે, આ બાઇ કહે છે જે, સાસરે નહિ જાઉં. તે વખતે શ્રીહરિએ બાઇના સસરાને તેડાવીને કહ્યું જે, આ બાઇ કહે છે જે સાસરે નહિ જાઉં, તો હવે તમારા દીકરાને બીજી સ્ત્રી પરણાવો. તેનું ખર્ચ થાશે તે અમો આપીશું. ત્યારે તે સુતાર બોલ્યા જે, અમે તો અમારું મનુષ્ય તેડી જાશું. એ વખતે શ્રીહરિએ કહ્યું જે, તેડી જાશો તો એ બાઇ થકી તમારો વંશ નહિ રહે. એમ કહ્યું તો પણ સુતાર કહે અમો તો તેડી જાશું. ત્યારે શ્રીહરિએ બાઇને કહ્યું જે, સાસરે જાઓ. એ વખતે તેમણે કહ્યું જે, આપ ત્યાં પધારો તો હું જાઉં. ત્યારે શ્રીહરિએ કહ્યું જે, અમો આવીશું. શ્રીહરિ બીજે દિવસે થાળ જમીને ગાડા ઉપર બિરાજમાન થયા, અને બીજા ગાડે બાઇ બેઠાં. પછી પોતાના સાસરાને ગામ વિથોણ ગયાં. અને શ્રીહરિએ ત્યાં સુતારની વાડીમાં, ગામથી ઉત્તરાદે કોરે છે ત્યાં વડના વૃક્ષ ઉપર ચડીને વાડીના કૂવામાં ધૂબાકા મારીને ઘણીક લીલા કરી. તેને જોવા સારુ ઇન્દ્રાદિક દેવો વિમાને બેસીને આકાશ માર્ગે આવ્યા. અને તેઓએ શ્રીહરિ ઉપર ચંદન-પુષ્પની વૃષ્ટિ કરી. તથા તે જ પ્રકારે ગુચ્છ, કલંગી, તોરા, ઇત્યાદિકે કરીને પણ શ્રીહરિની પૂજા કરી. ને ત્યાંથી પાછા શ્રીહરિ ગામ વિથોણ પધાર્યા. ને ત્યાં થાળ જમીને પાંચ દિવસ રહીને પાછા માનકૂવે પધાર્યા અને ત્યાં નાથા સુતારને ઘેર ઉતારો કર્યો.
ઇતિ શ્રીસહજાનંદસ્વામી શિષ્ય અચ્યુતદાસવિરચિતે, શ્રીપુરુષોત્તમલીલામૃતસુખસાગર મધ્યે મહારાજ ગામ માનકૂવે ગયા અને ડાહીબાઇને ઘેર ઓરડામાં કાષ્ઠ આદિકનાં પૂતળાંને જળમાં પધરાવ્યાં એ નામે અગિયારમો અધ્યાય. ૧૧