અધ્યાય-૨૫
ભચાઉમાં શાહ વાઘાને ઘેર ઉતર્યા. અને થાળ જમીને ત્યાંથી ઘણાક મુમુક્ષુ જીવોનું કલ્યાણ કરવા સારુ દરબારમાં પધાર્યા. પછી ગામમાં કોઇ સારા માણસ હતા તેમણે એમ કહ્યું જે, સ્વામિનારાયણ દરબારમાં ઉતર્યા છે તે આપણે સર્વે ચાલો વાતો સાંભળીએ ને પ્રશ્ન પૂછીએ, એ ભગવાન કહેવાય છે તે કાંઇક પરચો પણ માંગશું. તે જો ભગવાન હશે તો જણાશે. અને અહીં ગામમાં ફકીર બહુ ડાહ્યો છે તેને સાથે લઇએ. પછી તે ફકીરને લઇને સારા સારા માણસો ભેળા થઇને ગયા. તે સર્વે જણ નાળિયેર લઇને શ્રીહરિની આગળ ભેટ મૂકી પગે લાગીને બેઠાં. પછી ખીમા પટેલે મહારાજને કહ્યું જે, હે મહારાજ ! આ અમે સર્વે વાતું સાંભળવા આવ્યા છીએ તો વાતું કરો. ત્યારે મહારાજે મયારામ ભટ્ટને કહ્યું જે, વાતો કરો. ત્યારે તેમણે કહ્યું જે, ભટ્ટની વાતું તો અમે આખી ઉંમર સાંભળી છે. અને અમો તો મહારાજની વાતું સાંભળવા આવ્યા છીએ. તે તમે વાતું કરો. પછી શ્રીજીમહારાજે ભગવાન ભજવાની વાતો બહુ પ્રકારે કરી. પછી તે લોકોએ કહ્યું જે, મહારાજ ! તમે સમાધિ કરાવો છો તે અમે સાંભળીને જોવા આવ્યા છીએ. તે અમને સમાધિ કરાવો. પછી નિર્લોભાનંદ સ્વામી જે (જેરામ ભક્ત) તે દિવસે ધોળે લુગડે ઘેર હતા તેને મહારાજે કહ્યું જે, તમે એકાંતે બેસીને ધ્યાન કરો તો સમાધિ થાય. તે એકાંતે જઇને ધ્યાન કરવા બેઠા. તેને મહારાજે પૂછ્યું જે, તમે ધ્યાનમાં શું દીઠું ? ત્યારે તે ભક્તે કહ્યું જે, બે બાઇઓ વઢતી હતી. તેમાં મારું મન ગયું હતું. તે માટે મેં તો કાંઇ દીઠું નથી. ત્યારે મહારાજે કહ્યું જે, તમે તો ખીચડીને કાંકરા ભેળા કરીને જમો છો. તે ખીચડીનો સ્વાદ ક્યાંથી આવે ? ત્યારે ભક્તે કહ્યું જે, હે મહારાજ ! તમે તો ઇશ્વર છો. તે તમારી પાસે ખીચડીને કાંકરા જુદા કરવા સારુ આવ્યા છીએ તો તે જેમ જુદા થાય તેવી રીતે બતાવો. ત્યારે મહારાજે કહ્યું જે, તમારે કયા દેવની ઉપાસના છે ? ત્યારે ભક્તે કહ્યું જે, અમારે તો રામચંદ્રજીની ઉપાસના છે. ત્યારે મહારાજે કહ્યું જે, રામચંદ્રજીની મૂર્તિ ક્યાંય જોઇ છે ? લ્યો અમે તમને રામચંદ્રજી બતાવીએ. તે આવા હતા. તે મૂર્તિનું ધ્યાન કરવું.
પછી મહારાજે પોતાનાં સર્વે અંગ બતાવ્યાં. તેમાં પ્રથમ તો ચરણારવિંદ સોળે ચિહ્ન સહિત દેખાડ્યાં. જે રામચંદ્રજીનાં ચરણારવિંદ સોળે ચિહ્ન ઉર્ધ્વરેખાઓ સહિત આવાં જ હતાં. તે જુઓ, પિંડીને ઢીંચણ ને સાથળ તે પણ આવી જ હતી. ને પેટ, છાતી, તે પણ આવી ને આવી જ હતી. ને મુખારવિંદ ને નેત્ર ને નાસિકા, મસ્તક તે પણ આવાં ને આવાં જ હતાં. ને રામચંદ્રજીનું સ્વરૂપ પણ આવું જ હતું. તે અંગ ધારીને ધ્યાન કરવું. તે વાત સાંભળીને ભક્તે કહ્યું જે, હે મહારાજ ! જેવી રીતે તમે ધ્યાન કરવાનું કહ્યું તેવી રીતે ધ્યાન કરનારાને એ સુગમ માર્ગ છે. એમ કહીને પગે લાગીને ઊઠ્યા. પછી ફકીર જે ભેળો આવ્યો હતો તેને પૂછ્યું જે, તમે શું નિર્ધાર કર્યો ? ત્યારે તે ફકીરે કહ્યું જે, હું અમારા પીર, ફકીર ને ઓલીયા તેને દર્શને જ્યારે જાઉં ત્યારે મારી લાકડીને લગારેક પૃથ્વી ઉપર પછાડું તો જેમ બંદુકનો ભડાકો થાય તેમ ભડાકો થાય છે. અને સ્વામિનારાણ આગળ તો મેં ત્રણ વાર લાકડી પછાડી તો પણ લગાર બોલી નહિ. તે સ્વામિનારાયણ તો હિંદુ છે ને તમે પણ હિંદુ છો. માટે તમે ગમે તો માનો અથવા ન માનો પણ મારી લાકડી સ્વામિનારાયણ આગળ બંધ થઇ ગઇ, તે જોઇને મને અતિ આશ્ચર્ય લાગ્યું. માટે મને અલ્લા બોલાવે છે જે, સ્વામિનારાયણ તો નિશ્ચે ખુદા છે તે મને તો પરચો આપ્યો.
પછી તે સર્વે મનુષ્ય પગે લાગીને ઘેર ગયા. ને મહારાજે અખંડાનંદ સ્વામીને બોલાવીને કહ્યું જે, આ ગામમાં સત્સંગ થાય એવું છે. તે માટે તમે દશ દિવસ અહીં રહીને વાતું કરો. અમારે ભુજ જાવું છે તે આજ ચાલશું. એમ કહીને મહારાજ ચાલ્યા. ને અખંડાનંદ સ્વામી ત્યાં રહ્યા. ને જે મનુષ્ય મહારાજને દર્શને આવ્યા હતા ને પ્રશ્ન પૂછ્યા હતા અને સમાધિ કરાવ્યાનું કહ્યું હતું, તે સર્વે સત્સંગી થયા. ને અખંડાનંદ સ્વામીને તે સત્સંગીઓએ કહ્યું જે, મહારાજે અમારા ઉપર દયા કરીને અમને કહ્યું જે, રામચંદ્રજીનું સ્વરૂપ આવું હતું. એમ કહીને પોતાનાં ચરણારવિંદ સોળ ચિહ્ન સહિત દેખાડ્યાં ને પિંડી, ઢીંચણ, સાથળ, ઉદર, છાતી, મસ્તક, નાસિકા, કાન ને નેત્ર એ સર્વે અંગો બતાવ્યાં, પણ અમને એ વાત સમજ્યામાં ન આવી. અને જ્યારે તમારી વાતો સાંભળીને સત્સંગ કર્યો ત્યારે એ વાત સમજ્યામાં આવી.
રામચંદ્રજી તથા શ્રીકૃષ્ણાદિક અવતારના ધરનારા શ્રીજી મહારાજ છે, તે અમારા ઉપર કૃપા કરીને તમને અહીં મૂકી ગયા. તે તમે અમને કાળના મુખમાંથી કાઢ્યા. નહિ તો સંસાર સમુદ્રરૂપ પ્રવાહમાં તણાઇ જાત. ને મનુષ્યનો દેહ કેવળ વૃથા ખોઇ નાખત ને યમનો માર ખાઇને મરી જાત. લખ ચોરાસીમાં ફરતાં પાર ન આવત. માટે શ્રીજીમહારાજે અમારી ઉપર બહુ જ કૃપા કરીને સત્સંગ કરાવ્યો. હવે તો કલ્યાણનો નિશ્ચય થયો. જે અમારું કલ્યાણ થયું તે પ્રતાપ મહારાજનો છે.
પછી ભચાઉથી શ્રીજીમહારાજ ખોખરે પધાર્યા. સુતાર વાલજીને ઘેર ઉતર્યા. ને તેણે પોતાને ઘેર થાળ કરાવીને મહારાજને પાર્ષદે સહિત જમાડ્યા. ને સુતાર માવજીએ પણ પોતાને ઘેર થાળ કરાવીને મહારાજને પાર્ષદે સહિત જમાડ્યા. ત્યાંથી ચાલ્યા તે મહારાજ માધાપુર પધાર્યા.
તે વાત માધાપુરના હરિભક્તોએ ભુજનગરને વિષે આવીને સુતાર સુંદરજીભાઇ તથા હીરજીભાઇ તથા જેઠી ગંગારામભાઇ તથા મહેતા શિવરામ તથા મહેતા હરજીવન તથા ભગવાનજીભાઇ આદિક હરિભક્તોને કહી. તે સર્વે હરિભક્તો વિચાર કરીને દરબારમાં રાઓશ્રી ભારમલજી પાસે ગયા. ત્યારે રાઓશ્રી ભારમલજીએ પૂછ્યું જે, સર્વે હરિભક્તો ભેળા થઇને શા કામે આવ્યા છો ? ત્યારે સુંદરજીભાઇ તથા હીરજીભાઇ બોલ્યા જે, રાઓશ્રી સાહેબ ! અમારા ગુરુ સ્વામિનારાયણ ભગવાન માધાપુરથી અહીં પધારે છે. માટે તેમનું આપના તરફથી સારી રીતે સન્માન થવું જોઇએ. એવાં હરિભક્તોનાં વચન સાંભળીને રાઓશ્રી ભારમલજી બોલ્યા જે, હે સુંદરજીભાઇ ! સ્વામિનારાયણ તમારા ગુરુ, ત્યારે અમારા પણ ગુરુ. માટે મારે સન્માન કરવું જ ઘટે, એમ કહીને પોતાના દીવાન આદિ સર્વે અમલદારોને સૂચના આપી જે, તમો સૌ ક્યાંય જશો નહિ. આજ સ્વામિનારાયણ આપણા પુર પ્રત્યે પધારે છે. માટે સવારી કરીને આપણે તેમના સન્મુખ જવું છે. એવી સૌને આજ્ઞા કરીને રાઓશ્રી પોતાની રાજસાહેબી સર્વે તૈયાર કરાવી, અને મદને ઝરતા મોટા મોટા હસ્તી તેના ઉપર જરીયાની તથા રત્નજડિત સોનેરી અંબાડીઓ ધારણ કરાવી ને હાથીને સોનાની ઘુઘરમાળા પહેરાવી. રેશમી દોરથી બાંધેલ મોટા સૂચનાઘંટને લટકાવ્યો. અતિ વેગવાન જે સુંદર ઘોડા તેને સોનેરી સાજે કરીને શોભાયમાન કર્યા. ને મોટા મોટા રથને પણ સોનેરી સાજે કરીને તૈયાર કરાવ્યા. ને સર્વે હાથીઓને પણ તૈયાર કરાવ્યા.
પછી તો ત્રાંસા, ઢોલ, નગારાં, દદામાં શરણાઇઓ આદિક વાજિંત્રોને વગાડનારા ચાલ્યા. તેની પાછળ બેન્ડવાજાં વગાડનારા ચાલ્યા. તેની પાછળ મેઘ સરખા શ્યામ, અતિ ઊંચા, મદ ઝરતા એવા ને સોનેરી સાજે કરીને શોભાયમાન કરેલા, ને જેના ઉપર સોનેરી ઝૂલ ને સોનેરી અંબાડીઓ ધારણ કરી છે, એવા હાથીની હાર ચાલતી હતી. તેની પાછળ મોટાં મોટાં ત્રંબાળું નગારાં જેના ઉપર છે એવા ઊંટોની હાર ચાલતી હતી. તેની પાછળ ઉઘાડી તલવારોવાળા હથિયારબંધ સવારોની પલટન ચાલતી હતી. તેની પાછળ આરબની બેરખ ચાલતી હતી. તેની પાછળ ડંકો, નિશાન, અબદાગીરીવાળા ચાલતા હતા. તેની પાછળ શ્રીહરિને બેસવા માટે શણગારેલો હસ્તી તથા રાઓ ભારમલજીનો હસ્તી ચાલતો હતો. તેની પાછળ સવારોની પલટણ ચાલતી હતી. તેની પાછળ દેશી પરદેશી પલટણો ચાલતી હતી. ને મેઘના સરખા છે ગંભીર શબ્દો જેના, તે સોનારૂપાની શિંગડિયુંવાળા ને સોનેરી ઝૂલવાળા બળદો જોડેલા રથ ચાલતા હતા. તેની પાછળ મેના, પાલખીઓ, તાવદાન ચાલતાં હતાં. તેની પાછળ ચિત્રવિચિત્ર સિગરામની કતાર ચાલતી હતી. તેની પાછળ મોટા મોટા ઉમરાવ તથા નગરશેઠ આદિકની ગાડીઓ ચાલતી હતી. તેની પાછળ હજારો હજાર શહેરનાં લોકો ચાલતાં હતાં. આવી રીતે અદ્ભુત શોભાએ યુક્ત સવારી લઇને રાઓશ્રી ભારમલજી માધાપુર સુધી શ્રીજી મહારાજને સન્મુખ ગયા. શ્રીહરિને દૂરથી જોઇને પોતાનો હાથી હેઠો બેસાર્યો. મહારાજને પણ સુંદરજીભાઇ આદિક હરિજનોએ આગળથી સૂચના આપી જે, રાઓશ્રી ભારમલજી પોતાની સવારી લઈને હાથીએ બેસીને સન્મુખ આવે છે, તેથી શ્રીહરિ તૈયાર થયા. ભારમલજીએ હાથીથી નીચે ઉતરીને મહારાજને સમીપે જઇને સાષ્ટાંગ નમસ્કાર કર્યા ને શ્રીહરિનો હસ્ત ઝાલીને સુંદર સર્વોપરી શોભાયમાન હાથી તે ઉપર નંગ જડીત સોનાની અંબાડીમાં શ્રીજીમહારાજને બેસાર્યા. શ્રીજીમહારાજ ઉપર મુળજી બ્રહ્મચારી તથા અખંડાનંદ બ્રહ્મચારી રત્નના ડાંડાવાળાં બે ચામરો ઢોળતા હતા. ભગુજીએ મહારાજના ઉપર સોનાના ઇંડાવાલું ને સોનાના ડાંડાવાળું છત્ર ધારણ કર્યું હતું.
મહારાજની આગળ ઘોડેદાર કુબેરસિંહ છડીદાર તે સોનાની છડી ખભે ધારણ કરીને નેકી પોકારતા હતા ને મુક્તાનંદ સ્વામી, મહાનુભાવાનંદ સ્વામી, આદિ સદ્ગુરુઓને પાલખી તથા મેના, તાવદાન તેમાં બેસાર્યા; કેટલાક સંતોને રથમાં બેસાર્યા, કેટલાક સંતોને સિગરામમાં બેસાર્યા. એવી રીતે રાઓશ્રી ભારમલજી સર્વેને વાહનમાં બેસારીને વાજતે ગાજતે શ્રીજીમહારાજને માધાપુરથી ભુજનગર પ્રત્યે લાવ્યા. ને ભુજનગરને વિષે પણ અદ્ભૂત શોભા કરાવી હતી. નગરના દરવાજે પણ જરીનાં તોરણો ને આસોપાલવનાં તોરણો, પતાકાઓ, મોટા મોટા ધ્વજ બાંધીને શોભા કરી હતી ને શહેરમાં પણ રાજમાર્ગ ને ચૌટા, ચોક, ગલીઓ તેને વળાવી કરીને ગુલાબજળ છંટાવેલ હતાં. પુષ્પ વેરેલાં હતાં, તેણે કરીને શોભાયમાન કરેલ હતું ને શહેરમાં દરેક ઘેર બારણે બારણે કેળોના સ્તંભ તથા આસોપાલવનાં તોરણો તથા ધૂપ, દીપ, અબીર, ગુલાલ આદિકની શોભા કરાવીને રાજદરબારમાં પોતાના મહેલો તેને અતિશય શોભાયમાન કર્યા હતા. આવી રીતનું શોભાયમાન જે ભુજનગર તેને વિષે શ્રીજીમહારાજે તથા રાઓશ્રી ભારમલજીએ સવારી સાથે લક્ષાવધિ જનોએ વિંટાણા થકા પ્રવેશ કર્યો.
ઇતિ શ્રીસહજાનંદસ્વામી શિષ્ય અચ્યુતદાસવિરચિતે શ્રીપુરુષોત્તમલીલામૃતસુખસાગર મધ્યે શ્રીજીમહારાજે ભચાઉમાં ચમત્કાર જણાવ્યો અને ત્યાંથી ભુજ પધાર્યા ને રાઓશ્રી ભારમલજીએ ભવ્ય સામૈયું કર્યું એ નામે પચીસમો અધ્યાય. ૨૫