૩૭ રાપર પધાર્યા, ત્યાંથી આધોઈ પધાર્યા, આત્માનંદ સ્વામીને પૂછ્યું કોનું ભજન કરો છો ? તથા બ્રહ્માનંદ સ્વામીને કલ્યાણના ખપની વાત કરી, વાણીયાને આશ્રિત કર્યો, ભચાઉ, ધમડકા, દુધઈ, ચાંદ્રાણી થઈ ભુજ પધાર્યા, મુસલમાન જમાદારની વાત.

Submitted by swaminarayanworld on Wed, 18/05/2016 - 10:29pm

અધ્યાય-૩૭   

એક દિવસે મહારાજે કહ્યું જે, કેમ આત્માનંદ સ્વામી ! ભજન કરો છો ? ત્યારે આત્માનંદ સ્વામીએ કહ્યું જે, હે મહારાજ ! સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ કરીએ છીએ. ત્યારે મહારાજે કહ્યું, અમને કહી દેખાડો. પછી સૌને મોઢા આગળ બેસાર્યા અને મહારાજ બાજોઠ ઉપર મોરનાં પીછાંની એક ચમરી હાથમાં લઇ બેઠા ને કહ્યું જે, અમારી સામું જોઇ રહો. મટકું મારશો નહી. ત્યારે સાધુ એક નજરે જોઇ રહ્યા, તે આંખમાં ને નાકમાં પાણી આવ્યાં, ત્યારે મહારાજે હાકલ કરી જે, મર આંખ્ય ફૂટી જાય, મટકું મારશો નહિ. એવી રીતે કેટલીકવાર ભજનમાં બેસાર્યા. પછી મહારાજે કહ્યું જે, ઊઠો. તમે શું ભજન કરશો ?હજી આસન પણ સ્થિર નથી કર્યું. માટે આસન જીતો. આસન સ્થિર થાશે ત્યારે ભજન એની મેળે થાશે. માટે ભજનમાં બેસવું ત્યારે સિધ્ધ આસને બેસવું. એ દિશની ઘણીક વાત કરી.

એક દિવસે જેરામ બ્રહ્મચારીએ મહારાજ સારુ રસોઇ કરી, તે ઘઉંની રોટલી ને   તાંદળજાની ભાજી કરી. તે તૈયાર થઇ ને આરતી પછી મહારાજ જમવા પધાર્યા. તે આસન નાંખ્યું તે ઉપર બેઠા. તે થાળીમાં રોટલી અને તાંસળીમાં ભાજી મૂકી. પછી મહારાજે કહ્યું જે, દીવો ઢૂકડો લાવો. પછી દીવો ઢૂકડો લાવ્યા. ત્યારે મહારાજે તાંસળી સામું જોઇ ને બોલ્યા જે, આ શાક તો બ્રહ્મચારી જમે તેવું છે. પછી મહારાજ સારુ હરિભક્તો શાક લાવ્યા તે મહારાજ જમ્યા. પછી એક દિવસ બાઇએ મહારાજને અર્થે મીઠાઇ મોકલી અને બ્રહ્માનંદ સ્વામીને કહેવડાવ્યું જે, મહારાજને જમાડો. પછી બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું જે, મીઠાઇ જમો. પછી મહારાજે કહ્યું જે, જમાડો, ક્યાં જમાડવાવાળો નથી ? જ્યાં જમાડશો ત્યાં જમશે. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું જે, ઠોર ઠોર આવો જમવાવાળો હોય? ને કાંઇ ઠોર ઠોર આવો સમાસ કરવાવાળો હોય ? ત્યારે મહારાજ કહે કેમ ના હોય ? આ થાંભલી સમાસ કરે. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ હાથ જોડીને કહ્યું જે, હે થાંભલીબાઇ ! જીવનું કલ્યાણ થાય એવું કહો. પછી મહારાજ સામું જોઇને બ્રહ્માનંદ સ્વામી બોલ્યા જે, લ્યો, થાંભલી કાંઇ બોલે છે ? ત્યારે મહારાજે કહ્યું જે, એ તો બોલે છે, પણ તમે સમજતા નથી. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું જે, બોલ્યા વિના કેમ સમજાય ? ત્યારે મહારાજે કહ્યું જે, આ થાંભલી એમ કહે છે જે, તમારે કલ્યાણનો ખપ હોય તો મારી આ સ્થિતિનું ગ્રહણ કરો. એ રીતની વાત કરી અને મીઠાઇ હતી તે જમ્યા, પછી સાધુને બેસાર્યા અને આત્માનંદ સ્વામીએ કહ્યું જે, તમે ચાર પરમહંસ મોરબી જાઓ. ત્યારે મૂળું લંઘે કહ્યું જે, બ્રહ્માનંદ સ્વામી જાય તો ઠીક. ત્યારે મહારાજે કહ્યું જે, બ્રહ્માનંદ સ્વામી શું વાત કરશે ? વાત તો વર્તમાન કરશે. ને આત્માનંદ સ્વામી ગયા અને મહારાજ સાધુને સાથે લઇને માંડવી પધાર્યા. ને ત્યાંથી નાવમાં બેસીને જોડીયે ગયા. તે પછી હાલારમાં ફરીને સોરઠમાં પધાર્યા. ત્યાં બે માસ ફરીને ઝાલાવાડ દેશમાં પધાર્યા. ત્યાંથી ગોતરકે તથા સાંતલપુર થઇને ગામ આડેસર પધાર્યા. ત્યાંથી ચાલ્યા તે ગામ ભીમાસર, ભૂટકીયાના તળાવમાં સ્નાન કરી ગામમાં ગરાસીયાને ઘેર રાત રહ્યા. ને તે ગરાસીયાને પોતાના ચોવીસે અવતારે સહીત અલૌકિક દર્શન આપીને ત્યાંથી ચાલ્યા તે ગામ રાપર દરબારમાં ઉતર્યા. ત્યાં સરવૈયા સામંતજીએ શ્રીજીમહારાજને રસોઇ કરાવીને જમાડ્યા. ને શ્રીજીમહારાજને અને સામંતજીને પ્રશ્ન ઉત્તર થયા. તે સામંતજી વેદાંતી હતા, તેથી બે દિવસ અને બે રાત્રી એમને એમ વાતું કરતા કરતા શ્રીજીમહારાજે તેમનો પરાભવ કર્યો.

પછી શ્રીજીમહારાજ ચાલ્યા તે ગામ આધોઇ પધાર્યા ને જાડેજા લાધાજીના દરબારમાં ઉતર્યા. રાયધણજી તથા અદોજી બે ભાઇ ભેળા થઇને શ્રીજીમહારાજને પોતાને ઘેર મેડા ઉપર ઢોલિયો ઢાળીને ગાદલું, ઓશીકું ને ઢીંચણીયા સર્વે સામાન ઢોલિયા ઉપર પાથરીને તે ઉપર શ્રીજીમહારાજને પધરાવ્યા. પછી રસોઇ કરીને રાયધણજીનાં માતુશ્રી જીજીબાએ તથા બાઇ મોટીબાએ શ્રીજીમહારાજને પાર્ષદે સહિત જમાડ્યા. પછી શ્રીહરિ ઢોલિયા ઉપર પોઢ્યા અને પાછા જાગ્યા ત્યારે મહારાજે પાણી માગ્યું. પછી રાયધણજીએ પાણીનો લોટો ભરીને આપ્યો. પછી શ્રીજીમહારાજ મુખારવિંદ ધોઇને જળપાન કરીને લોટો પાછો આપ્યો. તે પ્રસાદીનું જળ સૌએ પીધું. પછી મહારાજે વાતો કરવા માંડી. તે વાતો સાંભળીને સર્વેનાં ચિત્ત મહારાજની મૂર્તિ વિષે એકાગ્ર થયાં. જેમ ચંદ્રમા સામું ચકોર જોઇ રહે તેની પેઠે સામું જોઇ બેસી રહ્યા. ને કામકાજ કાંઇપણ કરવા સમર્થ ન થયા ને ઊઠીને ફરી ફરીને પાછા આવીને મહારાજ સામું જોઇને બેસી રહે. ને જ્યારે મહારાજ નદીએ નહાવા પધારે ત્યારે ભાઇઓ સર્વે મહારાજ ભેળા સ્નાન કરવા જાય. ને બાઈઓ તો ત્યાં સુધી આઘાંપાછાં થઇ જાય ને એકબીજાને કહે જે, મહારાજ હજી કેમ ન પધાર્યા ? એમ વાતું સાંભળવામાં અતિશય પ્રીતિવાળાં થયાં હતાં. તે એવી રીતે વાતો કરતાં સાંભળતાં એક માસ વીતી ગયો ત્યારે શ્રીજી મહારાજે કહ્યું જે, હવે અમારે કંથકોટ જાવું છે. ત્યારે તે સત્સંગી બોલ્યા જે, હે મહારાજ ! હમણાં પધાર્યા છો ને પાંચ દિવસ તો દર્શન આપો. હમણાં શી ઉતાવળ છે ? પછી શ્રીજીમહારાજે કહ્યું જે, માસ એક થયો, હવે નહિ રહીએ. ત્યારે અદોજી બોલ્યા જે, કાલ વહેલા થાળ કરાવશું, જમીને ભલે પધારજો. ત્યારે મહારાજે કહ્યું જે, બહું સારું. કાલે ચાલશું.

પછી મહારાજ રાત્રી રહ્યા ને સવારમાં નદીએ સ્નાન કરવા પધાર્યા. ને સ્નાન કરીને આવ્યા ત્યારે રાયધણજી શ્રીજીમહારાજને બોલાવવા આવ્યા જે, હે મહારાજ ! પધારો. રસોઇ થઇ છે. પછી મહારાજ જમવા પધાર્યા. ને ભાત ભાતનાં ભોજન, શાક, પાક, દૂધ, સાકર આદિક ભોજન સારી પેઠે જમ્યા અને પેટ ઉપર હાથ ફેરવીને બોલ્યા જે, આજ તો બહુ જમ્યા. એમ કહીને આચમન કરીને ઊઠ્યા. ત્યારે બાઇ મોટીબા બોલ્યા જે, હે મહારાજ ! આની પ્રસાદી કરી દ્યો. ત્યારે મહારાજે પ્રસાદી કરી આપી. તે પછી મહારાજ જમ્યા ને થાળની પ્રસાદી પણ ભેળવી ને દરબારમાં જેટલા માણસો હતા તે સર્વે જમ્યા. પછી અદોજી તથા રાયધણજી ત્રણ ઘોડા તૈયાર કરીને લાવ્યા. ને મહારાજ એ ઘોડા ઉપર બેઠા ને બે ઘોડા ઉપર બે ભાઇ બેઠા ને ત્યાંથી ચાલ્યા તે કંથકોટ ઠક્કર કચરા ભગતને ઘેર ઉતર્યા.

શ્રીજીમહારાજ પધાર્યા એવું સાંભળીને સત્સંગી સર્વે દર્શને આવ્યા. અને પગે લાગીને સત્સંગી સર્વેએ કહ્યું જે, હે મહારાજ! અમે તો વ્યવહારને વિષે ગુંચાઇ રહ્યા છીએ. હે મહારાજ ! આપે દયા કરી દર્શન દીધાં. તે બહુજ કૃપા કરી, અમારાં ઘર પવિત્ર કર્યાં, ને અમારો જન્મ સફળ કર્યો. ત્યારે હરિજનનાં વચન સાંભળીને શ્રીજીમહારાજે કહ્યું જે, ભગવાનના ભક્તને ભગવાન ઓળખાણા ત્યારે ભગવાનનું ભજન કરવું, સ્મરણ કરવું તથા માનસીપૂજા કરવી, તથા પટપૂજા કરવી ને ખાતાંપીતાં ને કામકાજ કરતાં ભગવાનને સંભારવા, ને બેસતાં ઊઠતાં જો ભક્ત ભગવાનને સંભારે તો તે ભગવાન જોઇ રહ્યા છે. તે જુવોને, આ હમણાં જ અમને તમે સંભારો છો તો અમે પણ તમને સંભારીએ છીએ. ને ચાલ્યા ચાલ્યા અહીં આવીએ છીએ ને તમારી ખબર લઇએ છીએ. ત્યારે સત્સંગીએ કહ્યું જે, મહારાજ ન સંભાળે તો અમારા શા હાલ થાય ? તે જેમ હમણાં સંભાળો છો તેમ અંતકાળે સંભાળી લેજો.

ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, અમને સંભાળશો તો અમે પણ તમને ખોળતા ખોળતા આવીશું. એમ વાતો કરતા હતા ત્યાં તો કચરો ભક્ત શ્રીજીમહારાજને જમવા તેડવા આવ્યા તેથી મહારાજ જમવા પધાર્યા અને જમીને પોતાને આસને પધાર્યા. એવી રીતે અનેક લીલા કરતા કરતા પાંચ દિવસ રહીને પછી ગામ ભચાઉ પધાર્યા ને શાહ વાઘા તથા લખુને ઘેર ઉતર્યા. ને થાળ જમીને ચાલ્યા તે ગામ ધમડકે પધાર્યા. ને રામસંગજી તથા કલ્યાણ સંગજીના દરબારમાં ઉગમણે બારનો આથમણો ઓરડો છે તેમાં ઉતર્યા અને આથમણે બારના ઉગમણા ઓરડામાં કરણીબા અને આછુબા તેમણે થાળ કરીને શ્રીજીમહારાજને પાર્ષદે સહિત રૂડી રીતે સારી પેઠે જમાડ્યા. એવી રીતે ત્યાં ઘણીક લીલા કરતા કરતા પાંચ દિવસ રહીને ચાલ્યા તે ગામ દૂધઇમાં સુતાર વિશ્રામભાઇને ઘેર ઉતર્યા. ત્યાં એક રાત્રી રહીને થાળ જમીને તે ભક્તના મનોરથ પૂર્ણ કરીને ત્યાંથી ચાલ્યા તે ગામ ચાંદ્રાણી બ્રાહ્મણ અબોટી જેઠો તથા હરિ બે ભાઇ હતા તેને ઘેર ઉતર્યા અને ત્યાં પાંચ દિવસ રહ્યા.

નિત્યે તળાવમાં નહાવા પધારતા. ને ગામ ને તળાવ વચ્ચે પાળીયા ઘણા છે. તે પાળિયાની ઉગમણી કોરે થડમાં અડીને વરખડાનું ઝાડ તે વાંકુ હતું તેની ઉપર ઘોડો પલાણીને બેસીને હાંકતા, ત્યારે સત્સંગીઓ સર્વે હસતા, ને પૂછતા જે, હે મહારાજ ! આ શું કરો છો ? ત્યારે મહારાજ કહે જે, ઘોડું હાંકીએ છીએ. તે ઘોડું નઠારું છે તે હીંડતું નથી. પછી સત્સંગીઓએ કહ્યું જે, મહારાજ બિરાજ્યા છે તે હવે ચાલશે, અને હવે સ્નાન કરવા પધારો.

પછી તળાવમાં નાહીને પધાર્યા. ને દિવસ પાંચ રહ્યા. ને થાળ જમીને ચાલ્યા તે ગામ શ્રી ભુજનગર પધાર્યા ને સાધુની જાયગામાં પાટ ઉપર વિરાજમાન થયા. ને સંત હરિજનોની સભા ભરાઇને બેઠી હતી. પછી સુંદરજીભાઇએ પ્રશ્ન પૂછ્યો જે, અમારું સંતની બરોબર કલ્યાણ થાય એવું જણાતું નથી. શા માટે જે એ નિવૃત્તિપરાયણ છે. માટે એના કલ્યાણમાં તો સંશય નથી. ને અમે તો પ્રવૃત્તિમાર્ગમાં છીએ, તે હજારો જાતના વિક્ષેપ થાય છે. માટે સાધુની બરોબર કલ્યાણ કેમ થાય ? પછી મહારાજે કહ્યું જે, તે સાધુનું ને તમારું તો બરોબર કલ્યાણ છે, કેમ જે આ ભુજનગર ઉપર લશ્કર આવ્યું હોય ત્યારે સરકારના ચાકર લડવાને જાય. ત્યારે શાહુકાર શહેરમાં હોય તે અન્ન, પાણી, દારૂગોળા વગેરે કરીને તેનું પોષણ કરે છે, તેને બળે કરીને તે લડે છે. તેમ સાધુ ત્યાગી છે તેની તમે અન્ન, પાણીએ સેવા કરો છો તથા પુસ્તક આદિકની તમે ખબર રાખો છો માટે તમારે બળે નિરાંતથી ભજન કરે છે. માટે તમારું ને સાધુનું બરોબર કલ્યાણ છે. શા માટે જે, તમે સંતની સેવા કરો છો, અને સંત સુખે ભજન ધ્યાન કીર્તન કરે છે. એ વાત સાંભળીને સત્સંગી સર્વે બહુ રાજી થયા. પછી રાત્રીએ મહારાજ આડે પડખે થયા હતા તે પેટ ઉપર હાથ ફેરવ્યો ત્યારે સુંદરજીભાઇએ કહ્યું જે, હે મહારાજ ! કાંઇ ભૂખ લાગી છે ? ત્યારે મહારાજે કહ્યું જે, ભૂખ તો લાગી છે ખરી પણ રાત બહુ ગઇ માટે માણસ સર્વે સૂઇ ગયાં છે તે જમ્યાનું ક્યાંથી મળે ?

ત્યારે સુંદરજીભાઇએ બ્રાહ્મણને કહ્યું જે, કંદોઇને હાટેથી મીઠાઇની માટલી લઇ આવ. ત્યારે બ્રાહ્મણ જલેબીની માટલી લાવ્યો, ત્યારે સુંદરજીભાઇએ લઇને હીરજીભાઇને આપીને કહ્યું જે, તમે મહારાજને જમાડો. ને તમે જમાડતાં થાકો છો કે હું મંગાવતાં થાકું છું ! પછી હીરજીભાઇએ મહારાજના હાથમાં ડબો આપ્યો. તેમાં જલેબી પીરસતા જાય ને મહારાજ જમતા જાય. ને પૂછે જે, હવે જલેબી કેટલી છે ? ત્યારે હીરજીભાઇ કહે, હે મહારાજ ! જમ્યા જ ક્યાં છો ? બધી જલેબી પડી છે. ને સુંદરજીભાઇને કહે જે, એ તો જમી રહ્યા છે. ત્યારે બીજી જલેબી મંગાવીને આપી ને મહારાજ હસતા જાય ને પાટ ઉપર લાંબા થાય ને હસે ને વળી માટલી સામું જુવે ત્યારે હીરજીભાઇ કહે જે, જો પડી રહેશે તો મારી લાજ જાશે ને મને નહીં રહેવા દે. પછી મહારાજ એમને એમ હસતા જાય ને વળી જમતા જાય. અને હીરજીભાઇ કહે જે, આ તો આવી રહ્યું. તમથી એમનું પૂરું નહીં થાય. ત્યારે બીજી જલેબીની માટલી મંગાવી. ત્યારે મહારાજે ના પાડી, તો પણ મંગાવી. પછી હીરજીભાઇ પીરસતા જાય ને મહારાજ જમતા જાય, ને ત્રીજી માટલી મંગાવી તેમાંથી અર્ધી જલેબી જમ્યા. પછી વાંસે પડી રહી તે પ્રસાદી સાધુ હરિભક્તોને વહેંચી આપી પછી મહારાજ હાથ ધોઇને કોગળા કરીને પોઢી ગયા. બીજે દિવસ સવારમાં આત્માનંદ સ્વામી ના’વા ગયા. ત્યાં એક મુસલમાન આગળ વાત કરી. પછી જમાદાર મધ્યાહ્ને ઉતારે આવ્યો. સાધુ માટે તો રસોઇ તૈયાર થઇ તે સાધુને હરિભક્તો તેડવા આવ્યા તેથી સાધુ જમવા ગયા. અને મહારાજને તેમણે પૂછ્યું જે, ઊંડાથી ઊંડા કયા હે ? ને ઊંચાથી ઊંચા ક્યા હે? પછી મહારાજે કહ્યું જે, ચૌદ તબક હે, સો સાત ઊંચા હે, ને સાત હેઠા હે. પછી મહારાજે ચૌદ તબકની રચનાની વાત કરી ને હેઠે પાતાળ સુધી ઊંડા હે, ને ઊંચા સત્યલોક છે. તિસકે ઉપર અરસ હે. ત્યાં એકલા નૂર હે. તિસકે બીચ ખુરશી ઉપર સાહેબ બેઠા હે. એ ઊંચાથી ઊંચા હે. એ દિશની મહારાજે ઘણીક વાત કરી.

પછી મિયાં બોલ્યો જે, અહો ! અમારી સમજણ ક્યાં ને તમારી સમજણ ક્યાં ! હમે તો ઊંડાથી ઊંડા પેટ સમજતે થે. ને ઊંચાથી ઊંચા દિલ સમજતે થે. પછી તે જમાદાર બોલ્યો જે, જન્મથી ભરતે હે પણ પેટ નહીં ભરતા હે. અને ઊંચાથી ઊંચા દિલ સો રાત-દિન દોડતા હે, સો પાર નહીં આતા હે. એમ કહીને મિયાં બોલ્યો જે, તુમ તો આપોઆપ ખુદા હો. પછી એ મિયાં ગયો ને સાધુ જમી આવ્યા.

ત્યારે મહારાજ બોલ્યા જે, આજ મુસલમાન આગળ વાત કોણે કરી હતી ? પછી આત્માનંદ સ્વામી બીના એટલે બોલ્યા નહીં. ત્યારે હર્યાનંદ સ્વામીએ કહ્યું જે, આત્માનંદ સ્વામી વાતું કરતા હતા. પછી મહારાજ બહુ હેત જોઇને બોલ્યા જે, મુસલમાન આગળ વાત કરશો માં. શા સારુ જે મુસલમાન આગળ વાત કરીએ જે, ખુદા અવતાર લે છે. એમ કહીએ તો માથું કાપી નાંખે. માટે એની આગળ વાત ન કરવી. પછી બીજે દિવસે મહારાજની પાસે વાણિયો આવ્યો તે નાળિયેર મેલીને મહારાજને પગે લાગીને બેઠો. પછી મહારાજે કહ્યું જે, નાળિયેર ભાંગો ત્યારે નાળિયેર ભાંગ્યું તે ખોરું નીકળ્યું ને વાણિયે પોતાના માણસને કહ્યું, નાળિયેર બીજું લાવ. ત્યારે મહારાજે કહ્યું જે, આ તો બહુ સારું છે. જે એનો અમે ધૂપ કરાવીશું. તે ઠાકોરજીને ઝાઝા દિવસ ચાલશે, ને સારો હોત તો કટકો વહેંચી ખાત.

પછી વાણિયે કહ્યું જે, તમે તો સાધુ છો તે તમારે તો એમજ જોઇએ, કેમ જે એક ગામમાં મોટા સાધુ રહેતા હતા. તે ગામમાં એક વાણિયો રહેતો હતો તે સાધુને ચપટી આપે નહીં. ત્યારે તે સાધુએ કહ્યું જે, એનું કલ્યાણ નહીં થાય. એના ઘરની ચીજ સંતના ઉપયોગમાં આવે તો એનું કલ્યાણ થાય. ત્યારે એક દિવસ તે વાણિયો હાટે કેરાંનાં ડીંટાં વીણતો હતો તેને જોઇ સાધુએ વિચાર્યું જે, એ ડીંટાં એને કામ નહીં આવે. પછી એ વાણિયો ઘરની માંહેલી કોરે ગયો ત્યારે વાંસેથી સાધુએ ડીંટાં લઇ લીધા. પછી વાણિયાએ હાકલ કરી જે, કોણ છે ? તો પણ સાધુએ પાછું વાળી ન જોયું, પછી તે સાધુએ ગુરુની આગળ આવીને કહ્યું જે, આ ડીંટાં વાણિયે આપ્યાં નથી, પણ હું તો દુકાનમાંથી ઉપાડી લાવ્યો છું, ત્યારે ગુરુએ કહ્યું જે, ઠીક. મીઠું, મરચાં, આદુ નાખીને ચટણી કરીને સંતોની પંક્તિમાં ફેરવો. ત્યારે ચટણી કરીને સંતોની પંક્તિમાં ફેરવી. પછી બીજે દિવસ તે વાણિયે કહ્યું જે, હે સાધુ ! એ ડીંટાં તમારે કામમાં આવ્યાં ? ત્યારે તેમણે કહ્યું જે, એ તો ચટણીમાં નાંખ્યાં ને સંતો જમીને રાજી થયા.

પછી વાણિયે કહ્યું જે, તાંદળજાનાં ડાંખળાં કામમાં આવશે ? ત્યારે સાધુએ હા પાડી. પછી ડાંખળાં સુધારીને દાળમાં નાખ્યાં ને જમ્યા. પછી ત્રીજે દિવસે વાણિયે કહ્યું જે, ડાંખળાં તમારે કામમાં આવ્યાં? પછી સાધુએ હા પાડી. ત્યારે કહે જે લ્યો, તાંદળજો લઇ જાવ. ને પછી કહ્યું જે, આજ તો સીધું લ્યો. ને પછી કહ્યું જે, નિત્ય અહીંથી સીધું લેતા જજો. એમ સંતે વાણિયાનું કલ્યાણ કર્યું.

ત્યારે મહારાજે ડાબે હાથે કરીને વાણિયાનો હાથ ઝાલ્યો, ને જમણા હાથમાં કળશીયો લીધો ને કહ્યું જે, એ સાધુએ કેરાનાં ડીંટાં ખાઇને એ વાણિયાનું કલ્યાણ કર્યું, અને તમો તો નાળિયેર લાવ્યા છો માટે અમે તમારું કલ્યાણ કરીએ. પછી મહારાજે કળશિયો ઊંચો કરીને કહ્યું જે, લ્યો નિયમ. અમે તમારું કલ્યાણ કરીએ. તે વાણિયો હાથ પાછો તાણે અને મહારાજ તેનો હાથ ઝાલીને પાણી નાખે. એવી રીતે બહુજ હસ્યા ને બહુ રમુજ કરી.

ઇતિ શ્રીસહજાનંદસ્વામી શિષ્ય અચ્યુતદાસવિરચિતે શ્રીપુરુષોત્તમલીલામૃતસુખસાગર મધ્યે મહારાજે આત્માનંદ સ્વામીને પૂછ્યું જે, કોનું ભજન કરો છો ? તથા બ્રહ્માનંદ સ્વામીને કહ્યું જે, થાંભલી કહે છે જે, તમારે કલ્યાણનો ખપ હોય તો મારી સ્થિતિ ગ્રહણ કરો, તથા વાણિયાને આશ્રિત કર્યો એ નામે. સાડત્રીસમો અધ્યાય. ૩૭