૩૮ માથકથી અંજાર પધાર્યા, ત્યાંથી માથક થઈ દેવળીયા, કુંભારીયા, બંધરે થઈ ભુજ પધાર્યા, શેખજીના અંતરની વાત કહી, માનકુવે પધાર્યા, ત્યાંથી દહીંસરા થઈ સરલી વાડી થઈ વડુ પધાર્યા.

Submitted by swaminarayanworld on Wed, 18/05/2016 - 10:30pm

અધ્યાય-૩૮

પછી બીજે દિવસે વાણિયે પોતાની સ્ત્રીને કહ્યું જે, સ્વામિનારાયણ મોટા પુરુષ છે, તું દર્શને જા. પછી તે બાઈયું પાંચ સાત ભેળી થઈને આવી. ત્યારે મહારાજે તે બાઈયુંને કહ્યું જે, અમારા સાધુ સ્ત્રીને અડે નહીં. ને તે સાથે બોલે નહિ ને તે સામું જુવે પણ નહીં. આ તો અમે છૈયે માટે બેઠા છે. તમારે વાત સાંભળવી હોય તો ગંગારામ મલ્લને ઘેર બાઈયું કથા કરે છે ત્યાં જાઓ. પછી તેણે કહ્યું જે, સારું મહારાજ. પણ તમે કાલે અમારે ઘેર જમવા આવજો. ત્યારે મહારાજે કહ્યું જે, આવશું. પછી બીજે દિવસે શાહુકારને ઘેર બ્રાહ્મણે રસોઈ કરી હતી તે મહારાજ ને સાધુ જમવા પધાર્યા. ત્યાં જમ્યા, ને વાંસેથી ભાત પીરસીને મહારાજની આગળ મૂક્યો. ત્યારે બાઈએ કહ્યું જે, મહારાજને દૂધ પીરસો. ત્યારે મહારાજ કહે, અમારે તો દૂધ ને પાણી બરાબર છે. પછી મહારાજે જમીને થાળ આત્માનંદ સ્વામીની પાસે ખેસવી મૂકી ને કહ્યું જે,ધીરે ધીરે જમજો. એમ કહીને પછી મહારાજે એક સવૈયો બોલીને વાત કરી જે,

छांड भये नर भाडके दोनां आगे कुछ नहीँ

हाथ पर्यो पुनी पिछे बिगार गयो निज भोना |

એની બહુ વાત કરીને કહે, આ તો સાધુ ભેળા અમે છીએ તે સારુ જમવા આવ્યા છીએ પણ એકલા દોકલા કોઇને ઘેર જમવા ન જઇએ. એ દિશની ઘણીક વાત કરીને મહારાજ ને સાધુ પાછા ઉતારે પધાર્યા. રાત્રે મહારાજે આત્માનંદ સ્વામીને કહ્યું જે, તમે મુક્તાનંદ સ્વામીને પ્રશ્ન પૂછો. ત્યારે તેમણે કહ્યું જે, મને તો નથી આવડતું.

ત્યારે મહારાજે કહ્યું જે, અમે કહ્યું હતું જે વેદાંતમાં પ્રશ્ન શીખો. ત્યારે તમે કહ્યું જે, એ તો મને આવડે છે ને આજ કેમ ના પાડો છો ? ત્યારે તેમણે કહ્યું જે, મુક્તાનંદ સ્વામીને કેમ પૂછાય ? ત્યારે મહારાજે કહ્યું જે, એ તો પ્રશ્ન શીખવા સારુ પૂછાય. એમ કહીને મહારાજ તો રાત્રે પોઢી ગયા. અને સવારમાં જમીને આત્માનંદ સ્વામીને આજ્ઞા કરી જે, તમે તુણે થઇને ચાલો. પછી પોતે ચાલી નીકળ્યા, ને તે બીજે ત્રીજે દિવસે ગામ માથક છે ત્યાં મહારાજને લોક જમવા સારુ તેડી લાવ્યા. પછી આત્માનંદ સ્વામીની મહારાજને ખબર થઇ જે તુણે એક સાધુ છે. પછી મહારાજે માણસ મૂકીને તેડાવ્યા. પછી મહારાજે તેમને કહ્યું જે, કેમ થયું ? ત્યારે તેમણે કહ્યું જે, વહાણવાળો પૈસા માગે છે, તે ક્યાંથી લાવું ? ત્યારે તેમણે કહ્યું જે, કાંઇક લૂગડું દઇને ઉતરી જાઇએ નહિ ? એમ કહ્યું. તે દિવસ એકાદશી હતી, તે સુતારની કોઢમાં જૂવા બહુ હતા. સૌને અર્થે ખાટલા લાવ્યા. ને રાત્રે ખાટલા ઉપર સૂતા.

રાત્રી બહુ ગઇ ત્યારે ગામનાં માણસ વાતું સાંભળવા આવ્યાં. ત્યારે આત્માનંદ સ્વામી બેઠા થયા. ને બહુ વાતો કરી. ને બહુ રાત ગઇ ત્યારે ઊઠ્યા. ને મહારાજે કહ્યું જે, વાત સારી કરતાં આવડે છે. ત્યારે અંજારનો બ્રાહ્મણ પાંચો હતો તે સવારમાં રસોઇ કરીને તેડવા આવ્યો તેથી મહારાજ ને સાધુ અંજાર પધાર્યા ને તે બ્રાહ્મણને ઘેર જમ્યા. ને જમીને બેઠા. ત્યારે એક સાધુ નરહર્યાનંદ સ્વામી સામું જોઇને કહ્યું જે, ‘ક્યાં ગઇ બે અકલ તેરી, ક્યાં ગઇ બે અકલ તેરી, સાંઇ નહીં સંભારતે હે, ગાફલ મુઢ ગમાર, ફૂલ્યા ક્યું ફિરતા હે.’ એ કીર્તન બોલ્યા. પછી મહારાજે કહ્યું જે, આ ગામમાં વૈરાગી સુરદાસ વેદાંતી છે. પછી મહારાજ વૈરાગીની જગ્યામાં પધાર્યા.

વૈરાગીને જાણ થઇ જે, સ્વામિનારાયણ આવ્યા છે તેથી તે વૈરાગી આવીને મહારાજ પાસે બેઠા. તે પછી પરસ્પર ચર્ચા કરવા માંડી. તેમાં વૈરાગી જેટલા વખત બોલ્યા, તેટલા વખત તેનાં વચન મહારાજે ખોટાં કરી નાખ્યાં. પછી મહારાજના શરીર ઉપર હાથ ફેરવીને કહ્યું જે, આ તો મનુષ્ય નથી. ને ત્યાંથી ચાલ્યા તે ગામ માથક પધાર્યા. ને રાત્રી રહીને વહેલી રસોઇ કરાવીને જમાડીને સાધુને શીખ દીધી જે, વહાણ મળે તો બેસી જજો, અમે આવીશું, પણ અમારી વાટ જોશો માં. પછી સાધુ તો ચાલી નીકળ્યા. અને મહારાજ હરિભક્તો સાથે લઇને ભુજને માર્ગે ચાલ્યા તે ગામ દેવળીયાના તળાવ સોંસરા થઇને ગામ કુંભારીયાના ઉગમણા તળાવની પાળે વાવની આથમણી કોરે બાવળના વૃક્ષ હેઠે વસ્ત્ર ઉતારીને સરોવરમાં સ્નાન કરીને જળપાન કર્યું, ત્યાંથી ચાલ્યા તે બંધરે થઇને ભુજ પધાર્યા.

એક દિવસ મહારાજ ઢોલિયા ઉપર ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા. ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ સભા ભરાઈને બેઠી હતી. તે વખતે એક છોકરો મોઢા આગળ રમતો હતો. તેનું નામ કાનુડો હતું. મહારાજે તેને રમૂજ કરતા થકા કહ્યું જે, તારું નામ કાનુડો ? ને કહ્યું જે, ગોકુળમાં ગાયું તું ચારતો ? તો કહે ‘ભો’ ગોપીયુંનું દહીં દૂધ તું લૂંટી ખાતો ? તો કહે ‘ભો’ એવી રીતે હાસ્યવિનોદ રમૂજ કરતા હતા ત્યાં બે ચકલાં આવીને બેઠાં. તે આકળાં થાય ને ચરક કરે. પછી મહારાજે તે ચકલાં સામું જોયું તે ચકલો ઠરી ગયો. તેને કાનુડો ઉડાડવા ગયો ત્યારે મહારાજે હાકલ કરી જે, ઉડાડીશ નહિ.

પછી મહારાજે પરમચૈતન્યાનંદ સ્વામીને કહ્યું જે, શેખજીને કાંઇક પ્રશ્ન પૂછો. પણ તે બોલ્યા નહિ. ને મહારાજે બે-ત્રણ વખત પૂછો, પૂછો એમ કહ્યું પણ તે બોલ્યા નહિ. ત્યારે શેખજી બોલ્યા જે, મહારાજ ! તુમારા વચન નહિ માનતા હે સો હમકું ક્યા પૂછેગા ? ત્યારે મહારાજે આત્માનંદ સ્વામીને કહ્યું જે, તમો પૂછો. ત્યારે આત્માનંદ સ્વામીએ પૂછ્યું જે, મહારાજ પાસે બેઠા હોય, ત્યાં સુધી જેવો મલાજો રહે છે. અને ઇન્દ્રિયો, અંતઃકરણ સંકોચમાં રહે છે તેમ સો ગાઉ છેટે જાય તો પણ એમને એમ કેમ રહે ? પછી મહારાજે શેખજીને કહ્યું જે, ઉત્તર કરો. ત્યારે શેખજીએ કહ્યું જે, હે મહારાજ ! એ તો મેરે અંતરકી લેકર બોલ્યા. સો ઇસકા ઉત્તર તો આપ કરો. ત્યાર પછી મહારાજે વાત તો ન કરી પણ એક જ કડી બોલ્યા જે, ‘કોઇ હે સોહાગણ નારીરે, પ્રેમ ગલી દેખ બારીરે.’ એક જ કડીમાં ભાવ દેખાડ્યો.

વળી એક દિવસ શ્રીજીમહારાજ સુતાર હીરજીભાઇને ઘેર પાટ ઉપર પોઢ્યા હતા. તે સમયે જેઠી ગંગારામ ને બીજા પણ પાંચ છ જણ હતા તે ભેળા થઇને શ્રીજીમહારાજનાં ચરણારવિંદ તથા શરીર ચાંપવા મંડ્યા. ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, તમને દરબાર પેટિયાં નથી આપતા ? ને જો આપતા હોય તો જમો છો કે નથી જમતા ? ત્યારે મલ્લે કહ્યું જે, દરબાર તો મનમાન્યાં પેટિયાં આપે છે. અને અમે મનમાન્યું જમીએ છીએ. ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, જમતા હો તો બળ ક્યાં ગયું ? જોર કરીને ચાંપો. ત્યારે તે મલ્લ છ જણે ખૂબ જોર કરીને ચાંપવા માંડ્યું. ને પરસેવે કરીને પહેર્યાનાં વસ્ત્ર સર્વે પલળી ગયાં, ને થાકી ગયા. તો પણ મહારાજને તો કાંઇ પણ જણાયું નહીં ને હસતા હતા. ત્યારે મલ્લ સર્વે એમ બોલ્યા જે, હે મહારાજ ! આપ તો ભગવાન પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણ છો. તે તમે ક્યાં ને અમે ક્યાં ? ને આજ અમારાં ઉપર બહુ દયા કરીને અમને તો તમે બહુજ મોટો પરચો આપ્યો. ને જ્યાં સુધી જીવશું ત્યાં સુધી સાંભળશે. ને અંત સમયે અમારી સહાય કરજો. ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, તમે તો અમારા જ છો, તે તમારી સર્વે પ્રકારે રક્ષા કરીશું. શ્રીજીમહારાજ ભુજનગરમાં રહ્યા થકા પોતાનું અનેક પ્રકારનું ઐશ્વર્ય ભક્તજનોને જણાવતા, અને હમીર સરોવરમાં નિત્ય પ્રત્યે સ્નાન કરવા પધારતા અને પોતાના ભક્તજનોને ઘણે પ્રકારે સુખ પમાડ્યું.

એક દિવસે સુતાર સુંદરજીભાઇને શ્રીજીમહારાજે ભગવાનના ધ્યાનની વાત કરી ને શીખવવા લાગ્યા. તે જેવી રીતે શ્રીજીમહારાજે ધ્યાનની રીત શીખવી તેવી રીતે સુંદરજીભાઇ ધ્યાન કરવા લાગ્યા. તે સુંદરજીભાઇ પોતાના ઉત્તરાદા ઓરડામાં જઇને હાથ પગ ધોઇને પવિત્ર થઇને આસને બેસીને ઉત્તરાદે મુખે ધ્યાન કરવા બેઠા. ત્યારે શ્રીજીમહારાજ તો એમના ડેલામાં વિરાજમાન હતા ત્યારે શ્રીજીમહારાજ ને સુંદરજીભાઇના વચમાં પાંચ ભીંતો આડી હતી. તે પાંચે ભીંતોમાંથી શ્રીજીમહારાજનાં દર્શન થયાં. ત્યારે સુંદરજીભાઇએ વિચાર કર્યો જે, મારે કાંઇ નિદ્રા પણ નથી, ને સ્વપ્ન પણ નથી. પણ હું જ્યારે મહારાજ પાસે બેઠો હતો ત્યારે બીજા સત્સંગી બેઠા હતા, ને મહેતા ગણપતરામ ન હતા. ને હમણાં બોરીનો ચોફાળ ઓઢીને બેઠા છે. ને હું અહીંથી ઊઠીને શ્રીજીમહારાજની પાસે જાઉં, ને જો ગણપતરામ હોય તો શ્રીજીમહારાજને કહું જે, આવી રીતે ધ્યાન કરે તેને દ્રષ્ટિ આડું આવરણ કાંઇ ન આવે તે વાત યથાર્થ કહેવાય. પછી સુંદરજીભાઇ શ્રીજીમહારાજની પાસે આવીને પગે લાગીને બેઠા. ત્યારે શ્રીજીમહારાજ સુંદરજીભાઇ સામું જોઇને હસ્યા. ને સુંદરજીભાઇને કહ્યું જે, કેમ છે ? ત્યારે સુંદરજીભાઇએ કહ્યું જે, જેમ કોઇક પુરુષના હાથમાં ચિંતામણી આવ્યો હોય તે પુરુષ જે જે પદાર્થને ચિંતવે તે તે પદાર્થ પ્રાપ્ત થાય છે. તો ચિંતામણી ને કલ્પવૃક્ષને વિષે જે ઐશ્વર્ય છે ને દૈવત છે તે ભગવાનનું આપેલું છે. તે ભગવાન અમને પ્રગટ મળ્યા છો ને બેઠા બેઠા અમને દર્શન દ્યો છો, અને ભગવાન ભજવાની રીતિ ને ધ્યાન કરવાની રીતિ તે સર્વેને શીખવો છો અને અમારા સર્વે મનોરથ પૂર્ણ કરો તેમાં શું આશ્ચર્ય છે ? અને જ્યારે અમે સંભારીએ ત્યારે દર્શન આપજો. ને હે મહારાજ ! તમારે વિષે જેવો આજ સ્નેહ છે તેવો નિરંતર સ્નેહ રહે એમ વર માગું છું. ત્યારે શ્રીજીમહારાજે વર આપ્યો જે, સારું રહેશે. ને શ્રીજીમહારાજે કહ્યું જે, અમારે માનકૂવે જવું છે.

વાત સાંભળીને સુંદરજીભાઇને તાવ આવી ગયો. પછી તે વાત હીરજીભાઈએ મહારાજને કરી જે, હે મહારાજ ! તમોએ માનકૂવે જવાનું કહ્યું તેથી સુંદરજીભાઇને તાવ આવી ગયો છે. ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, હવે તમે જઇને સુંદરજીભાઇને કહો જે, મહારાજ માનકૂવે નહીં પધારે. ત્યારે હીરજીભાઇએ સુંદરજીભાઇને કહ્યું જે, મહારાજ માનકુવે નહીં જાય, ત્યારે તાવ ઉતરી ગયો. ને જ્યારે મહારાજ ચાલવાનું નામ લે ત્યારે સુંદરજીને તાવ આવી જાય. એમ કરતા થકા પોતે પોતાનું અનેક પ્રકારે કરીને ઐશ્વર્ય જણાવતા થકા પોતાના ભક્તજનોને ઘણેક પ્રકારે કરીને સુખ આપ્યું હતું. એવી રીતે બે માસ પર્યંત રહ્યા ત્યાર પછી મહારાજ માનકૂવે પધાર્યા.

તે આપણી વાડીમાં છત્રી કરી છે ત્યાં હરિભક્તે લૂગડું પાથર્યું ને ત્યાં શ્રીહરિ વિરાજમાન થયા. સત્સંગી સર્વે કોઇ બરફી, કોઇ પતાસાં લઇને મહારાજ આગળ ભેટ મૂકીને પગે લાગીને બેઠા, ને શ્રીહરિની વાતો સાંભળવા લાગ્યા. ત્યારે જેઠી ગંગારામભાઇએ કહ્યું જે, આ સત્સંગી પ્રસાદ લાવ્યા છે તે જમો. એમ કહીને શ્રીજીમહારાજના હાથમાં આપ્યો, તે મહારાજ જમ્યા. અને મહારાજે કહ્યું જે, હવે રાખો. ને આ પ્રસાદી સર્વેને વહેંચી દ્યો.

તે વચન સાંભળીને સુંદરજીભાઇએ સર્વે હરિભક્તોને તે પ્રસાદી વહેંચી દીધી. અને શ્રીજીમહારાજ ઊઠ્યા ત્યારે સત્સંગી સર્વે પગે લાગીને કેટલાક પાછા વળી ગયા અને કેટલાક સાથે ચાલ્યા. તે રા’લાખાની છતરડીએ જાતાં ફતેહમહંમદ અસવાર સહિત સામો આવ્યો. તેણે ઘણાં મનુષ્યો જોઇને ગંગારામભાઇને એમ કહ્યું જે, આટલાં બધાં મનુષ્યો કેમ અહીં આવ્યાં છે ? ત્યારે ગંગારામભાઇએ કહ્યું જે, અમારા ગુરુ માનકૂવે જાય છે. તેમને વળાવવા આવ્યા છીએ. ત્યારે તે ફતેહમહંમદે એમ કહ્યું જે, ક્યા તમારા ગુરુ સ્વામિનારાયણ ? ત્યારે ગંગારામભાઇએ બતાવ્યા જે, આ. ત્યારે મહારાજને જોઇને બહુ ભાવ આવ્યો. ને એમ બોલ્યો જે, આ કોઇ ઓલિયા પુરુષ છે, કેમ જે આટલાં મનુષ્યો જેને માને છે તેને કાંઇ અભિમાન જ નથી આવતું. એમ કહીને મહારાજને વંદના કરીને એમ બોલ્યો જે, હે મહારાજ ! મારી માંડવી ક્યારે આવશે ? ત્યારે શ્રીહરિએ કહ્યું જે, માંડવી આવો કે ભુજ જાઓ એનું અમે કાંઇ કહેતા નથી. પણ અમારું જે જે વચન માને છે તેનું અમે કલ્યાણ કરીએ છીએ.

ત્યારે તે પગે લાગીને રાજી થઇને વખાણતો વખાણતો પોતાને માર્ગે ચાલ્યો ગયો. અને મહારાજ ત્યાંથી ચાલ્યા તે જ્યાં જેઠી ત્રિકમજીએ છત્રી કરેલ છે. ત્યાં લીંબડા નીચે સત્સંગીએ લુગડું પાથર્યું તે ઉપર મહારાજ બેઠા. ત્યાં સત્સંગીઓ મહાદેવને દરવાજેથી આવ્યા. તે બરફી, પેંડા, પતાસાં લઇને આવ્યા. ને શ્રીજીમહારાજને પગે લાગીને બેઠા. ને વાતું સાંભળવા લાગ્યા. અને સુંદરજીભાઇએ બરફી, પેંડા તથા પતાસાં શ્રીજી મહારાજના હાથમાં આપ્યાં તે મહારાજ જમ્યા. પછી શ્રીજીમહારાજે કહ્યું જે, પ્રસાદી સૌને આપો. પછી સુંદરજીભાઇએ સર્વેને પ્રસાદી વહેંચી આપી. અને મહારાજ ત્યાંથી ચાલ્યા અને સત્સંગી સર્વે પાછા વળ્યા.

અને મહારાજ માનકૂવે પધાર્યા. અને બ્રાહ્મણ કેશવજીને ઘેર ઉતર્યા. તે કેશવજીએ થાળ કરીને પોતે પોતાને ઘેર શ્રીહરિને જમાડ્યા. ને ત્યાં દશ દિવસ રહીને જાડેજા અદોભાઇ તથા સુતાર તેજસી તથા સુતાર શામજી આદિક તેમને સુખ આપીને ત્યાંથી ચાલ્યા, તે ગામ દહીંસરાના હરિસરોવરમાં સ્નાન કરીને તે ગામમાં બ્રાહ્મણ ગોવર્ધન વ્યાસને ઘેર તથા ભક્ત કચરાને ઘેર થાળ જમીને ચાલ્યા. તે ગાજતે વાજતે હરિભક્તો સહિત કુઇ વાડીએ સભા કરીને ત્યાં ગામના હરિભક્તોને પોતાના સ્વરૂપના મહિમાની ઘણીક વાર્તા કરી, જે સર્વે અવતારનો અવતારી ને સર્વે ધામનો ધામી તે સાક્ષાત્‌ હું તમને મળ્યો છું. તે તમે સર્વે મારો આશ્રય દૃઢ કરીને રાખજો. તથા અમારાં વર્તમાન, નિયમ, ધર્મ, તેમાં સૌ દૃઢપણે કરીને વર્તશો તો હું સર્વોપરી મારું ધામ તેને તમોને પમાડીશ. એવી રીતે ભક્ત કચરા તથા કરમશી આદિકને ઘણીક વાર્તા કરીને ત્યાંથી ચાલ્યા તે ગામ સરલીની વાડી પીપળી વાડીએ પધાર્યા. ત્યાં પીપળીના વૃક્ષ તળે વિરાજમાન થયા. અને ત્યાં જળપાન કરીને પોતાના ભક્તજનને દર્શન આપીને ચાલ્યા તે વડુવાડીએ પધાર્યા.

ઇતિ શ્રીસહજાનંદસ્વામી શિષ્ય અચ્યુતદાસવિરચિતે શ્રીપુરુષોત્તમલીલામૃતસુખસાગર મધ્યે મહારાજ ભુજમાં શાહુકારને ઘેર જમવા પધાર્યા ને ત્યાંથી માથક થઇને ભુજમાં બે માસ રહ્યા અને ત્યાંથી માનકુવે થઇને દહીંસરાથી સરલીની પીપળીવાડી થઇ વડુવાડીએ પધાર્યા એ નામે આડત્રીસમો અધ્યાય. ૩૮