૪૦ એકાંતિક મુક્તનાં લક્ષણો તથા ગંગાજીનો મહીમા કહ્યો, પુરુષોત્તમગીતાનો મહીમા કહ્યો.

Submitted by swaminarayanworld on Wed, 18/05/2016 - 10:32pm

અધ્યાય-૪૦

રાત્રીએ સર્વે હરિભક્તોને સ્વપ્નમાં શ્રીહરિનાં દર્શન થયાં જે આપણે સર્વે ગંગાજી પ્રત્યે સ્નાન કરવા ગયા ત્યાં મહાદેવજીના દેવાલય પાસે ઓરડી મધ્યે દર્ભના આસન ઉપર વિરાજમાન એવા જે શ્રીહરિ તે પોતાને સન્મુખ દર્ભ આસન પર બેઠેલા એવા જે મુકુંદ બ્રહ્મચારી તે પ્રત્યે ગંગાજીનો મહિમા કહે છે, હે મુકુંદબ્રહ્મચારી ! આ ગંગાજી અમારા સ્પર્શથકી અનેક જીવોનાં કોટાનકોટી જન્મનાં પાપ તેને સ્નાન માત્રે કરીને હરી લેશે. ને જે કોઇ સ્નાન કરવાનો સંકલ્પ કરશે તેને પણ દશ અશ્વમેઘ યજ્ઞનું ફળ થાશે. અને જે સાક્ષાત ચાલીને સ્નાન કરવા આવશે તેને પગલે પગલે અશ્વમેઘ યજ્ઞનું ફળ થાશે.

અને સ્નાન કરીને જે કોઇ મારું નામ ઉચ્ચારણ કરશે તેને લક્ષ યજ્ઞનું ફળ થાશે. ને જે કોઇ મન, કર્મ, વચને મારું નામ ગદ્‌ગદ્‌ કંઠેથી લેશે તેને કોટાનકોટી યજ્ઞનું ફળ થાશે. અને મારી મૂર્તિનું એકાગ્રચિત્તે કરીને ચિંતવન કરતા કરતા જે કોઇ આ ગંગાને વિષે સ્નાન કરશે તો અંતે તે પ્રાણી મારા ચરણારવિંદની સેવામાં રહેશે. અને આ ગંગાજીને વિષે આવીને જે કોઇ જન પિતૃશ્રાધ્ધ, સ્નાન કરીને કરશે તો તે પિતૃ અંતે દેવમાં મોટા દેવના દેહને પામશે ને જે કોઇ આ ગંગાજીને વિષે પ્રાણીનાં અસ્થિ આદિકને તારશે તો તે પ્રાણી અંતે દેહનો ત્યાગ કરીને ઉર્ધ્વ ગતિને પામશે. ને જે કોઇ આ ગંગાજી ઉપરથી ઉડીને ગતિ કરશે તે પક્ષી પણ સાધારણ પુણ્યે કરીને દેવના દેહને પામશે. અને આ ગંગાજીને વિષે રહેલા એવા જે મચ્છ, દેડકાં, જલ-જંતુ વગેરેના જીવો તે પણ દેહનો ત્યાગ કરીને યોગીના કુળને વિષે જન્મ લઇને મારા ધામને પામશે. એવી રીતે ઘણીક વાત કરે છે અને ત્યાં તેમનાં દર્શન કરીને આપણે પણ સહુ સાંભળવા બેઠા છીએ. એવાં મહારાજે સ્વપ્નમાં દર્શન આપ્યાં.

પછી તો સર્વે જાગી ગયા. ને તત્કાળ સૌએ પોતપોતાના મનમાં વિચાર કર્યો જે, મહારાજે આપણને વહેલા ઊઠીને સર્વે મંદિરમાં આવજો એમ કહ્યું છે. માટે રખેને મહારાજ વહેલા ગંગાજી પ્રત્યે ગયા હોય, એમ સંદેહ ધારતા થકા સર્વે પોતપોતાના ઘેર થકી મંદિરમાં આવ્યા. અને શ્રીહરિનાં દર્શન કરીને પાસે બેઠા. ત્યારે મહારાજે કહ્યું જે, તમે સૌ બહુ વહેલા આવ્યા. હજી તો ચારઘડી રાત્રી છે માટે કાંઇ સારાં કીર્તન બોલો. ત્યારે હરિભક્તો કીર્તન બોલ્યા. તેને સાંભળીને મહારાજ ઘણા રાજી થયા. પછી મહારાજે કહ્યું, હે ભક્તજનો ! હવે વખત થયો છે માટે ચાલો ગંગાજીએ સ્નાન કરવા.

પછી તો સર્વે હરિભક્તોએ કીર્તન બોલતાં બોલતાં ગંગાજીમાં સ્નાન કરીને મહાદેવજીનાં દર્શન કર્યા અને શ્રીજી મહારાજ પણ મહાદેવના ચોતરા ઉપર પોતાનું દેવાર્ચનાદિક નિત્યકર્મ કરવા સારુ દર્ભના આસન ઉપર પૂર્વ મુખારવિંદે વિરાજમાન થયા. અને પોતે તો અષ્ટ આવરણથી પર અને અલૌકિક દિવ્ય ગૌલોકધામ તેથી પણ પર જે અક્ષરધામ તે થકી પણ પર છે.

અને સર્વે અવતારના અવતારી અને અનંત કલ્યાણકારી ગુણ વિભૂતિ ઐશ્વર્યાદિક સુખ સંપત્તિએ યુક્ત્‌ એવા અનંતદિવ્ય સાકાર અક્ષરમુક્ત તેમણે નિરંતર દિવ્ય એવા ચંદન, પુષ્પ, વસ્ત્ર, આભૂષણ તેણે કરીને પૂજ્યા એવા સદાય સાકાર દ્વિભુજ દિવ્યમૂર્તિ થકા વિરાજે છે. એવા જે અક્ષરાધિપતિ શ્રીપુરુષોત્તમ ભગવાન તે પોતે અનંત જીવોનું આત્યંતિક કલ્યાણ જે અક્ષરધામની પ્રાપ્તિ તેને અર્થે કૃપા દૃષ્ટિ કરીને ઉત્તર કૌશલદેશમાં છપૈયાપુરને વિષે ભક્તિધર્મના ઘરને વિષે પ્રગટ થઇને માતા-પિતાને દિવ્ય ગતિ પમાડીને પૃથ્વીને વિષે એકાંતિક ધર્મ પ્રવર્તાવવા સારુ એકાંતિક ધર્મને પાળતા એવા વૈરાગ્યના વેગે કરીને ઘરનો ત્યાગ કરીને વનમાં ગયા. અને વનમાં ગોપાળ યોગી આદિક યોગી પુરુષોને પોતાની મૂર્તિમાં જોડાવાની રીતિ શીખવી. ધ્યાનીને ધ્યાનની રીતિ શીખવી. અને તપસ્વીને તપની રીતિ શીખવી. જ્ઞાનીને જ્ઞાનની રીતિ શિખવી ને અનેક વનમાં ફર્યા. અને જગન્નાથ, સેતુબંધ, રામેશ્વર તથા શિવકાંચી, વિષ્ણુકાંચી આદિક તીર્થોમાં વિચરીને તે તે તીર્થમાં રહેલા પૃથ્વીના ભારરૂપ અધર્મી પુરુષોનો પોતાને પ્રતાપે કરીને નાશ કરીને અધર્મનો નાશ કર્યો. અને એકાંતિક ધર્મ સ્થાપન કર્યો. એવી રીતે સહજાનંદ સ્વામી એકાંતિક ધર્મ સ્થાપન કરવા સારુ પ્રગટ થયા છે. માટે મુમુક્ષુ જીવને એકાંતિક ધર્મમાં પ્રવર્તાવવા સારુ ગંગાજીને કાંઠે મહાદેવના ચોતરા ઉપર દેવાર્ચનાદિક નિત્ય કર્મ કરવાને અર્થે પૂર્વ મુખે બેઠા અને નિત્ય કર્મની સમાપ્તિ કરીને પછી મહાદેવનાં દર્શન કરવા સારુ દહેરામાં પધાર્યા.

ત્યાં તો મહાદેવજીએ મૂર્તિમાન પ્રગટ થઇને શ્રીહરિને હસ્ત જોડીને નમસ્કાર કર્યા અને ચરણકમળનો સ્પર્શ કર્યો અને પ્રાર્થના કરી જે, હે મહારાજ ! હું ઘણાં કાળથી તમારી વાટ જોઇને આ ઠેકાણે રહેલો છું, તે આજ મારા ઉપર મોટી કૃપા કરીને તમોએ દર્શન આપ્યાં તે બહુ સારું કર્યું. ને હે મહારાજ ! તમારી આજ્ઞામાં રહીને આ બ્રહ્માંડના પ્રલય કરવાની ક્રિયાને હું કરૂં છું. અને ઐશ્વર્યને પામવાના રાગથી બંધાયેલો છું પણ હવે તમારાં દર્શન થયાં અને તમારા ચરણકમળનો સ્પર્શ થયો તેથી આત્યંતિક કલ્યાણનો અધિકારી થયો છું, એવી રીતે ઘણીક પ્રાર્થના કરીને મહાદેવજી અદૃશ્ય થયા. પછી શ્રીજીમહારાજ તે દેવળ પાસે ઓરડી છે તેમાં દર્ભના આસન ઉપર વિરાજમાન થયા.અને મુળજી બ્રહ્મચારી પણ દર્ભના આસન પર બેઠા અને મહારાજ સાથે ગંગાજીમાં સ્નાન કરવા આવેલા હરિભક્તો પણ મહારાજનાં દર્શન કરીને ઓરડીથી બારણે બેઠા. અને ફરતાં ગામડાંના હરિભક્તો પણ મહારાજને ગંગાજીએ પધારેલા સાંભળીને ગંગાજીએ આવ્યા હતા. તે પણ સર્વે ગંગાજીમાં સ્નાન કરીને શ્રીહરિને સાષ્ટાંગ દંડવત્‌ પ્રણામ કરીને દર્શન કરીને સભામાં બેઠા.

આવી રીતે ગંગાજીને કાંઠે મોટી સભા થઇ. તે સમયે મહારાજની પાસે દર્ભના આસન ઉપર બેઠેલા મુકુંદાનંદ બ્રહ્મચારી હસ્ત જોડીને નમસ્કાર કરીને એમ બોલ્યા જે, હે મહારાજ ! અષ્ટાવરણ થકી પર ને દિવ્ય તેજોમય એવું અક્ષરધામ તેમાં દિવ્ય અનંત મુક્તોએ દિવ્ય એવા ચંદન પુષ્પાદિક ઉપચારે કરીને પૂજી છે મૂર્તિ જેમની એવા અને અક્ષરાદિક અનંત મુક્તો પણ જેમની આજ્ઞાને વિષે રહેલા છે અને અનંત કોટી બ્રહ્માંડમાં રહેલા જે અનંતકોટી દેવ, દૈત્ય, મનુષ્ય, પશુ, પક્ષી, કીટ, પતંગ, વૃક્ષ, તૃણ, ગુચ્છ તે સર્વેની ક્રિયાને સદા એક કાળાવચ્છિન્ન સ્વતંત્રપણે પ્રત્યક્ષ જેમ હોય તેમ જે જાણે છે તે ભગવાન સ્થાવર, જંગમ, બદ્ધ, મુક્ત તથા ચૈતન્ય વર્ગ, તે સર્વેને કર્મફળ દેવાને અર્થે સર્વને વિષે મૂર્તિમાનની પેઠે વ્યાપક રહ્યા છે. અને આ પૃથ્વીને વિષે જ્યારે જ્યારે અધર્મ વૃધ્ધિ પામે છે, અને એકાંતિક ધર્મ નાશ પામે છે ત્યારે ત્યારે પોતાના ઐશ્વર્યથી જ રૂપ-સામર્થ્ય તેને પોતાની મૂર્તિમાં છુપાવીને મનુષ્યરૂપે થયેલ જે ભગવાન તે અધર્મનો નાશ કરીને એકાંતિક ધર્મનું સ્થાપન કરે છે, એવા પુરુષોત્તમ ભગવાન જે તમે તે તમારા સ્વરૂપનું જ્ઞાન મુમુક્ષુ જીવોને કેમ કરવાથી થાય તે વાર્તા કહો. એવી રીતે મુકુંદાનંદ બ્રહ્મચારીએ પૂછ્યું.

ત્યારે સહજાનંદ સ્વામી બ્રહ્મસભામાં બેઠેલા સર્વેજનોને સંબોધી મેઘના સરખી ગંભીર વાણીએ કરીને કહેવા લાગ્યા જે, હે મુકુંદાનંદવર્ણી ! રામકૃષ્ણાદિક સર્વે અવતારનો અવતારી અને સર્વેનો નિયંતા ને સદા સાકાર દિવ્ય દ્વિભુજ મૂર્તિ અને અનંત જીવોનો ઉધ્ધાર કરવાને અર્થે મનુષ્ય સ્વરૂપે વિચરતો એવો જે હું તે મારા સ્વરૂપનું જ્ઞાન તો મારા એકાંતિક ભક્તના સમાગમે કરીને થાય છે. તે એકાંતિક ભક્ત કેવા છે તો નિરંતર મારી આજ્ઞાને વિષે વર્તિને મારાં સર્વે ચરિત્રનું રાત્રી દિવસ ગાન કરે છે અને ધર્મ, જ્ઞાન ને વૈરાગ્ય એ ત્રણ અંગે સહિત મારા સ્વરૂપને વિષે ભક્તિ તેને નિરંતર કરે છે એવા મારા એકાંતિક ભક્તના સમાગમ થકી મારા સ્વરૂપને વિષે પુરુષોત્તમપણાનો નિશ્ચય થાય છે. તે હું કેવો છું તો આ મારા ચરણારવિંદના અંગૂઠે કરીને અનંતકોટી બ્રહ્માંડોને ડગાવવાને સમર્થ છું. અને વળી અષ્ટ આવરણ થકી પર જે અક્ષર તે થકી પર ને તેનો નિયંતા ને સર્વ બધ્ધ, મુક્ત, નિત્ય મુક્ત ને અક્ષરધામ તે પર્યંત પણ કોઇ જેના મહિમાના પારને પામતા નથી એવો હું છું. આવી રીતનો જે મારો મહિમા તેને અહોનિશ શ્રવણ, મનન અને નિદિધ્યાસ કરતા એવા સંતનો સમાગમ કરીને મારા સ્વરૂપનો દૃઢ નિશ્ચય કરે છે તેના હૃદયને વિષે હું નિરંતર નિવાસ કરીને રહું છું.

પુરુષોત્તમગીતા મહિમા

એવી રીતે શ્રીહરિએ મુકુંદાનંદ બ્રહ્મચારીને આધ્યાત્મિક પુરુષોત્તમગીતા પંદર દિવસ સંભળાવી. અને પછી પુરુષોત્તમગીતાનો મહિમા પોતે કહ્યો જે, જેવો મારો મહિમા છે તેવો જ આ પુરુષોત્તમગીતાનો મહિમા છે. અને જેમ હું સર્વ વ્યાપક છું તેમ આ ગીતા પણ સર્વ શાસ્ત્રમાં વ્યાપક છે. ને જેમ મારે આધીન સર્વે બધ્ધ, મુક્ત, ચૈતન્યવૃંદ છે તેમ સર્વ વેદ ને વેદાંત, તથા ન્યાય શાસ્ત્ર, અઢાર પુરાણ, ભારતાદિક ઇતિહાસ, સર્વ ધર્મશાસ્ત્ર તે સર્વે આ પુરુષોત્તમગીતાને આધીન છે. ને જેમ હું સર્વ અવતારનો અવતારી છું તેમ આ ગીતા પણ હંસગીતા, નારદગીતા, સતીગીતા, અર્જુનગીતા, પાંડવગીતા, રૂપગીતા, રામગીતા, તુલસીગીતા, લક્ષ્મણગીતા, વ્યાસગીતા, ગણેશગીતા, શિવગીતા, હનુમાનગીતા, ગુરુગીતા, કપિલગીતા અને ભગવદ્‌ગીતા એ આદિક સર્વે ગીતા કરતાં આ ગીતા સર્વોપરી છે. એવો ઘણોક પુરુષોત્તમગીતાનો મહિમા કહ્યો. અને રૂકમાવતી નદીને કિનારે ગૌમુખી ગંગા છે તેનો મહિમા શ્રીહરિએ કહ્યો જે, હે મુકુંદબ્રહ્મચારી ! આ ગંગાજીને કાંઠે પૂર્વે રામચંદ્રજી ભગવાન જ્યારે સીતાજીની શોધ કરવા નીકળ્યા હતા ત્યારે એક માસ પર્યંત અહીં તપ કર્યું છે અને શ્રીકૃષ્ણ ભગવાન પણ જ્યારે જરાસંઘ આગળ અઢારમી વાર હારીને ભાગ્યા ત્યારે આ ગંગાજીને કાંઠે આવીને ઘણા માસ પર્યંત નિવાસ કરીને રહ્યા હતા અને મરિચ્યાદિક અઠ્યાસી હજાર ઋષિઓ પણ નિરંતર આ રૂકમાવતી નદીના કિનારે ગૌમુખી ગંગાજીનું સેવન કરે છે અને નિરંતર આ ગંગાજીના મહિમાનું વર્ણન કરે છે. કેમ જે ભાગીરથી ગંગાજી તે તો વામનજીના ચરણ સ્પર્શે કરીને પ્રગટ થઇ પણ વામનજી તેને કાંઠે નિવાસ કરીને રહ્યા નથી. ને આ ગંગાજીને વિષે તો સર્વ અવતારનો અવતારી સાક્ષાત્‌ પુરુષોત્તમ નારાયણ એવો જે હું તે મેં ઘણીવાર સ્નાન કર્યું છે અને પંદર દિવસ લાગલગાટ નિવાસ કરીને શ્રીમદ્‌ ભાગવતની પારાયણ કરાવી છે, માટે આ ગંગાજીને તુલ્ય કોઇ તીર્થ નથી થાતું. એવી આ રૂકમાવતી નદીને કાંઠે ગૌમુખી ગંગાજી સર્વોપરી તીર્થ છે. એવી રીતનો આ ગંગાજીનો ઘણો મહિમા છે. એવાં શ્રીજીમહારાજનાં વચન સાંભળીને સર્વે હરિભક્તો ઘણું આશ્ચર્ય પામ્યા અને રૂકમાવતી નદીમાં તથા ગૌમુખી ગંગાજીમાં સ્નાન કરવાનો નિયમ લીધો.

ઇતિ શ્રીસહજાનંદસ્વામી શિષ્યઅચ્યુતદાસવિરચિતે શ્રીપુરુષોત્તમલીલામૃતસુખસાગર મધ્યે મહારાજે એકાંતિક મુક્તનાં લક્ષણો કહ્યાં અને ગંગાજીનો મહિમા કહ્યો એ નામે ચાલીશમો અધ્યાય. ૪૦