૪૨ પુરુષોત્તમગીતા અધ્યાય રઃ ભાગવત્‌ ધર્મ ને ધર્મની ઉલ્લંઘીને વર્તે છે તેની ગતી કહી.

Submitted by swaminarayanworld on Wed, 18/05/2016 - 10:35pm

અધ્યાય-૪૨

હે મુકુંદવર્ણિ ! હવે નિવૃત્ત ધર્મમાં જે વિશેષ છે તેને કહું છું. લોભ, કામ, ક્રોધ એ આદિક અંતઃશત્રુનો ત્યાગ કરવો અને દ્રવ્ય-સ્ત્રીનો ત્યાગ કરવો અને વનમાં રહેવું, તપ કરવું, અને શાન્તિ, વૈરાગ્ય, શમ, દમ એ આદિક સદ્‌ગુણો સંપાદન કરવા અને શ્રેય કરનારા બ્રહ્મયજ્ઞ, યોગયજ્ઞ, જ્ઞાનયજ્ઞ આદિક કરવા. એ આદિક નિવૃત્તકર્મ કહેલું છે અને તે શાંતિને કરનારું માન્યું છે.

હવે ભાગવત ધર્મમાં જે વિશેષ છે તેને કહું છું જે, સંસાર સંબંધી લોકભોગાદિકને વિષે મનની આસક્તિ નહિ તથા સત્સંગદીપ નામના અધ્યાયમાં કહ્યા પ્રમાણે સત્સંગ કરવો તથા પોતાને બંધન થાય નહિ તેવી દીનજન ઉપર દયા રાખવી તથા બરોબરીયા ભગવાનના ભક્તને વિષે મિત્રભાવ રાખવો, તથા ભગવાનનાં ચરિત્રનું કીર્તન-શ્રવણાદિક કરવું. તથા મોટા ભગવાનના ભક્તને વિષે દેહ, વાણી ને મને કરીને નમ્રભાવ રાખવો. તથા સંતોષ રાખવો, તથા પરમેશ્વરની પ્રસન્નતાર્થે વ્રતાદિક કરવાં. તથા મન, વાણી ને દેહ તેને નિયમમાં કરવાં. તથા ભગવાનને શરીરાદિકનું અર્પણ કરવું, તથા મૌન કહેતાં યથોચિત્ત ભાષણ કરવું, તથા શુભ એવો ઉપશમ કહેતાં સર્વે પ્રકારે મન-ઇન્દ્રિયોને ભગવાન સન્મુખ રાખવાં. એ આદિક ભાગવત ધર્મ શ્રીમદ્‌ ભાગવતને વિષે પ્રબુધ્ધ નામના યોગેશ્વરે જનક રાજાને કહ્યો છે.

હે મુકુંદ બ્રહ્મચારી ! આ ભગવાન સંબંધી જે ધર્મ છે તે ભાગવત ધર્મ અથવા એકાંતિક ધર્મ એ નામે જાણવો. અને તે શ્રી વાસુદેવના ચરણારવિંદની સેવાની પ્રાપ્તિનું કારણ જાણવો. અને પુણ્યકારી એવા નાના પ્રકારના જે આ ધર્મ તેનો વિસ્તાર તો સર્વે પ્રકારે ધર્મશાસ્ત્રાદિક થકી જાણવો. હે મુકુંદ બ્રહ્મચારી ! વેદ ને શાસ્ત્ર તેને જાણનારા પુરુષોએ કહ્યો, અને હિતને કરનારો નાના પ્રકારનો ધર્મ તેને સાંભળવામાં તત્પર એવા તમોને જે ધર્મ કહેલો છે તેને તમારે હૃદયને વિષે ધારવો. આવી રીતે અમૃત થકી શ્રેષ્ઠ પરમ હિતકારી શ્રીહરિનું વચન તેને સાંભળીને રાજી થયેલા મુકુંદવર્ણીએ નમસ્કાર કરીને ફરીવાર શ્રીહરિને પૂછ્યું જે, હે સ્વામિન્‌ ! પવિત્ર એવો અને શાંતિ દેનારો જે પ્રકારનો ધર્મ તમે કહ્યો તેને ઉલ્લંઘીને અધર્મને માર્ગે ચાલનારા જનોની મરણ પામ્યા પછી શું ? ગતિ થાય છે તેને તમો મને કહો. આ પ્રકારે મુકુંદવર્ણીએ પૂછ્યું ત્યારે ધર્મને વિષે સ્નેહવાળા શ્રીહરિજી બોલ્યા જે, હે મુકુંદ બ્રહ્મચારી ! મનુષ્ય તેમણે કર્યાં અને દુઃસહ દુઃખના સ્થાનભૂત એવાં નાનાં પ્રકારનાં પાપકર્મનાં વિચિત્ર ફળો જેમ મનુરાજા આદિકે કહ્યાં છે, તેને જાણવાને ઇચ્છતા એવા તમને તે પાપનાં ફળને સંક્ષેપે કરીને કહુંછું. તેને એકાગ્રચિત્તે કરીને સાંભળો. આ લોકને વિષે જે જન ઇંદ્રિયોને લાડ લડાવવાને અર્થે પોતાના ધર્મનો ત્યાગ કરીને પાપકર્મને કરે છે, તે દુષ્ટજન વારંવાર અતિશય પાપરૂપ દેહને પામે છે અને દુષ્ટ છે અંતઃકરણ જેમનાં એવા જન તે આ લોકને વિષે જેમ જેમ વિષય ભોગવે છે તેમ તેમ તે દુષ્ટજનોને વિષયને વિષે કુશળપણું થાય છે, કહેતાં તેઓ રાગ વૃધ્ધિને પામે છે.

અને વિષયમાં કુશળપણું થયા પછી તે વિષયની પ્રાપ્તિને અર્થે પાપ કર્મનું વારંવાર કરવાપણું તેણે કરીને તે વિષયને ભોગવનારા દુષ્ટજનો આ લોકમાં નાના પ્રકારની જાતિને વિષે સહન થાય નહિ એવાં ઘણાંક દુઃખને પામે છે. અને તે પાપીજનો નાના પ્રકારના રોગોથી પીડાને પામે છે. અને નિવૃત્ત ન થાય એવી દુઃખરૂપ વૃધ્ધાવસ્થાને પામે છે. અને ક્ષુધા, તૃષા એ આદિક બીજા ઘણા કલેશને પામે છે. તે પાપીજન વારંવાર ગર્ભને વિષે નિવાસ અને કઠોર એવું જન્મ સમયનું દુઃખ તેને પામે છે. અને મહાકષ્ટ દેનારાં જે બંધન અને ક્રૂર એવા વિષયી પુરુષોનું દાસપણું તેને પામે છે. અને પાપીજનો પોતાના વહાલા જનનો વિયોગ તેને પામે છે, અને મિત્ર કરવાનું દુઃખ અને શત્રુ થયો તેનું દુઃખ તેને પામે છે. અને જે પ્રાણી નાના પ્રકારના સાત્વિક, રાજસ ને તામસ સ્વભાવે કરીને જે જે કર્મ કરે છે, તે પ્રાણી તેવા સત્વગુણી, રજોગુણી ને તમોગુણી દેહે કરીને તે તે કર્મના ફળને નિશ્ચે ભોગવે છે.

હે મુકુંદ બ્રહ્મચારી ! પૂર્વે કહ્યા જે દુષ્ટજન તે જે જે પાપે કરીને આ લોકમાં જે જે યોનીને અનુક્રમે કરીને પામે છે તે સંક્ષેપે કરીને તમોને હું કહું છું. તેને મધ્યે પ્રથમ તે પાપીજન તે તામિસ્ત્ર, અંધતામિસ્ત્ર, રૌરવ, મહારૌરવ, અસિપત્રવન, તપ્તસૂર્મિ, લાલાભક્ષ એ આદિક નરકને વિષે બંધન છેદન દહન એ આદિક અતિ કઠોર એવી જાતની જે નરક સંબંધી પીડા તેને પામે છે. અને પાપીજન યમદૂતે કર્યું તાડન તે રૂપ નાના પ્રકારની પીડાને પામે છે. અને બટ તથા ગીધ પક્ષી પાપીનું માંસ તોડીને ખાય છે. તથા યમના દૂતો ઘણી તપેલી વેળુમાં ચલાવે છે તથા કઠોર કુંભિપાક આદિક નરકમાં નાખે છે. તે સંબંધી ઘણા દુઃખને પામે છે. આવી રીતે યમપુરીનાં દુઃખો ભોગવીને પછી તે પાપીજન આ લોકમાં બહુ દુઃખવાળી નીચ યોનીઓને વિષે વારંવાર જન્મને પામે છે. અને ત્યાં ટાઢ તડકા સંબંધી ઘણીક પીડા અને નાના પ્રકારના ત્રાસ તેને વારંવાર પામે છે.

હે મુકુંદ બ્રહ્મચારી ! હવે જે પાપે કરીને નરકની પીડા ભોગવીને આ લોકમાં દુખઃરૂપ દેહને પામે છે તેને કહું છું પોતાના ધર્મથી ભ્રષ્ટ થયો જે બ્રાહ્મણ તે બીજા જન્મને વિષે ઓકેલા અન્નને ખાનારો અને ક્રૂરપણું તેણે યુકત એવો ઉલ્કામુખ નામે પ્રેત થાય છે. અને આ લોકમાં સુખને અર્થે પોતાના ધર્મ થકી ભ્રષ્ટ થયો જે ક્ષત્રિય તે તો વિષ્ટા ને મડદાં તેને ખાનારો કટપુતન નામે પ્રેત થાય છે. અને આ લોકમાં સુખને અર્થે પોતાના ધર્મ થકી ભ્રષ્ટ થયો જે વૈશ્ય તે મૈત્રાક્ષ વૈશ્ય જયોતિક નામે પાચનો ખાનારો પ્રેત થાય છે. અને પોતાના ધર્મ થકી ભ્રષ્ટ થયો જે શૂદ્ર તે ચૈલાસક નામે વસ્ત્રમાં પડેલી જૂઓને ખાનારો પ્રેત થાય છે. અને તે પાપીજનને મધ્યે મહાપાપનો કરનારો તે તો બહુ વર્ષ પર્યંત કઠોર એવા નરકને ભોગવીને પછી દુઃખને દેનારા જન્મને પામે છે.

બ્રાહ્મણને હણનારો મનુષ્ય તે શ્વાન, ગર્દભ, ઊંટ, ભુંડ, મૃગ, બળદ, બકરો, ચાંડાળ અને પુષ્કસ જે ભીલ થકી શૂદ્રીને વિષે થયેલો અને પક્ષી આ સર્વેના જન્મને પામે છે. અને મદિરાનું પાન કરનારો મનુષ્ય વિષ્ટા ખાનારાં જંતુ કરમિયા, ક્રીડા, પતંગ, પક્ષી અને હિંસક પક્ષી અને હિંસક વ્યાઘ્રાદિક પ્રાણીઓ આ સર્વેના જન્મને પામે છે. અને સુવર્ણની ચોરી કરનારો મનુષ્ય તે કરોળિયા, સર્પ, કાકીંડો અને જળમાં ફરનારાં પક્ષી અને હિંસક જે વ્યાઘ્રાદિક તથા પિશાચ આ સર્વેના જન્મને પામે છે. અને ગુરુની સ્ત્રી સાથે વ્યભિચારનો કરનારો મનુષ્ય તે કવ્યાદ જે કાચું માંસ ખાનારાં જંતુ અને દાઢોવાળાં સિંહાદિક તથા ક્રૂર કર્મને કરનારાં વ્યાઘ્રાદિક તથા ગળો આદિક વેલીયો ને તાડ આદિક વૃક્ષ અને ધ્રો આદિક સર્વ તૃણ આ સર્વના જન્મને વારંવાર પામે છે. અને કાચું માંસ ખાનારા જન તે હિંસક બિલાડાના જન્મને પામે છે.

અને ચાંડાલની સ્ત્રી સાથે વ્યભિચાર કરનારા પ્રેતના જન્મને પામે છે. અને બ્રાહ્મણનું ધન હરી લેનારા બ્રહ્મરાક્ષસ થાય છે. અને નાના પ્રકારનાં રત્ન જે હીરા આદિક તથા પરવાળાં તથા મુક્તાફળ અને માણિક્ય એ આદિક વસ્તુને ચોરનારા મનુષ્યો તે હેમકાર જે સોની તેના જન્મને પામે છે, અને કેટલાક મુનિઓ એમ કહે છે જે, હેમકાર નામના પક્ષીના દેહને પામે છે. અને મનુષ્ય અન્નની ચોરી કરીને ઉંદરના જન્મને પામે છે. અને કાંસાની ચોરી કરીને હંસના જન્મને પામે છે. અને મધની ચોરી કરીને વનની મક્ષિકાના જન્મને પામે છે. અને જળની ચોરી કરીને કવ નામે પક્ષી થાય છે.

અને દૂધની ચોરી કરીને કાગડાના જન્મને પામે છે. અને મનુષ્ય રસની ચોરી કરીને શ્વાનના જન્મને પામે છે. અને ઘૃતની ચોરી કરીને નોળીયાના જન્મને પામે છે. અને દહીંની ચોરી કરીને બલાકા નામે પક્ષી થાય છે. અને મીઠાની ચોરી કરીને ચીરવાક નામે ઊંચા સ્વરવાળો કીટ એટલે તમરાંના જન્મને પામે છે. અને હીરાગળ વસ્ત્રની ચોરી કરીને તેતર પક્ષીના જન્મને પામે છે. અને કપાસનાં વસ્ત્રની ચોરી કરીને ક્રૌંચ પક્ષીના જન્મને પામે છે. અને ગાયની ચોરી કરીને ગોધાના જન્મને પામે છે. અને ગોળની ચોરી કરીને ગોવાળના જન્મને પામે છે. અને બથુવાની ભાજી ચોરનારો જન મયૂર થાય છે. અને કસ્તુરી આદિક સુગંધીમાન દ્રવ્યની ચોરી કરનારો જન છછુંદર થાય છે. અને રાંધેલા અન્નની ચોરી કરનારો જન શ્વાવિધ નામે પ્રાણી થાય છે એટલે સેઢાઈ થાય છે. અને કાચા અન્નને ચોરનારો તે સાવઢીના જન્મને પામે છે.

ઇતિ શ્રીસહજાનંદસ્વામી શિષ્ય અચ્યુતદાસવિરચિતે શ્રીપુરુષોત્તમલીલામૃતસુખસાગર મધ્યે જે પુરુષોત્તમ ગીતા તેમાં ભાગવત ધર્મ કહ્યો તથા તે ધર્મને ઉલ્લંધીને વર્તે છે તેની ગતિ કહી એ નામે બીજો અધ્યાયઃ ૨ સળંગ અધ્યાય. ૪૨