૪૩ પુરુષોત્તમગીતા અધ્યાય ૩: પાપીષ્ક પુરુષોની વાત તથા ધર્મ પાળવાની આજ્ઞા.

Submitted by swaminarayanworld on Sat, 21/05/2016 - 8:37pm

અધ્યાય - ૪૩

હે મુકુંદવર્ણિ! જે જન મૃગ તથા હાથી તેની ચોરી કરે છે તે નાહારના જન્મને પામે છે. અને ઘોડાની ચોરી કરીને વ્યાઘ્ર થાય છે. અને ફળ અને મૂળની ચોરી કરીને માંકડાના જન્મને પામે છે. અને સ્ત્રીની ચોરી કરનારો મનુષ્ય રીંછ થાય છે. અને ગાય વિના બીજા પશુની ચોરી કરનારો બકરો થાય છે. અને રથાદિક વાહનને ચોરે તો ઊંટ થાય છે. અને જળની ચોરી કરનારો ચાતક પક્ષી થાય છે. અને રાતાં વસ્ત્રનો ચોરનારો ચકોરપક્ષી થાય છે. અને જે દુષ્ટ મનુષ્ય દેવના દ્રવ્યને ચોરે છે કહેતાં કોઈકે આપ્યું હોય તથા પોતે આપ્યું હોય તેને અનેક પ્રકારની યુક્તિએ કરીને હરી લે છે તે દુષ્ટજન મહાવનને વિષે અજગર થાય છે. અને દુઃસહ એવાં મહાદુઃખોને ભોગવે છે અને દુષ્ટ મનવાળો નાસ્તિક મનુષ્ય ગુરુનું દ્રવ્ય અનેક યુક્તિ કરીને હરી લે છે તે મનુષ્ય ઝેરમય એવી ચંદન ઘોના જન્મને પામે છે. અને જે મનુષ્ય ભગવાનનું પ્રસાદી વસ્ત્ર આદિક વસ્તુને ચોરે છે તે મનુષ્ય આકરા ઝેરનો ભરેલો વીંછી થાય છે. અને જે અજ્ઞાની મનુષ્ય ભગવાનની ચાખડીઓ તથા વસ્ત્ર ઉપર છાપ્યાં તે ચરણારવિંદ તેને ચોરે છે તે મનુષ્ય સર્પ થકી ક્રૂર એવો રુરુ નામે જંતુના જન્મને પામે છે. અને કુત્સિત બુદ્ધિવાળો જે જન મંગળરૂપ શ્રીહરિની ચિત્ર આદિક પ્રતિમાને ચોરે છે તે દુષ્ટજન અતિક્રૂર એવો યમરાજનો દૂત થાય છે.

હે મુકુંદ બ્રહ્મચારી! અહીં સુધી મનુરાજા આદિના મતને અનુસરતું કહીને હવે યાજ્ઞવલ્કય ઋષિના મત પ્રમાણે રૌરવાદિક નરકને વિષે તથા શ્વાન આદિક જન્મને વિષે ઘોર દુઃખને ભોગવીને પછી પાપનો જે શેષ તેણે કરીને જન્મ થાય ત્યાંથી જ ક્ષયરોગાદિક રોગે યુક્તથાય છે તે કહું છું. પાપિષ્ઠ એવો બ્રહ્મહત્યાનો કરનારો જન તે નિત્યે નિશ્ચય ક્ષય રોગવાળો થાય છે. અને મદિરાનો પીનારો કાળા દાંતવાળો થાય છે. અને સુવર્ણ ચોરનારો કુત્સિત નખવાળો થાય છે. અને ગુરુસ્ત્રીની સાથે ગમન કરનારો દુષ્ટ મનુષ્ય તે ગલત કોઢ નામના રોગવાળો થાય છે. અને આ ચાર મહાપાપીને મધ્યે જે પાપીની સંગાથે જે મનુષ્ય વસે છે તે પણ તે મહાપાપીના તુલ્ય રોગવાળો થાય છે.

અને દેવ-બ્રાહ્મણની નિંદાનો કરનારો મનુષ્ય સ્ખલિત વાણી બોલનારો તોતળીયો થાય છે. ને ઝેર તથા અગ્નિ દેનારા મનુષ્યો તે ગાંડા થાય છે. અને ગુરુને હણનારો મનુષ્ય વાયુના રોગવાળો થાય છે. અને ગાયનો હણનારો મનુષ્ય આંધળો થાય છે. અને ધર્મવાળી પોતાની સ્ત્રીનો ત્યાગ કરીને પરસ્ત્રીનું ગમન કરનારો મનુષ્ય શબ્દવેધી નામે પ્રાણી થાય છે. અને બ્રાહ્મણનું ધન હરનારો મનુષ્ય પાંડુરોગવાળો થાય છે. અને બ્રાહ્મણી સાથે વ્યભિચાર કરનારો જન નપુંસક થાય છે. અને થાપણને ઓળવનારો જન કાણો થાય છે. અને પોતાની સ્ત્રીને વેચીને જીવનારો પુરુષ તે પણ નપુંસક થાય છે.

હે મુકુંદ બ્રહ્મચારી! આ વાર્તાને વિષે કાંઈ પણ સંશય નથી. અને નહિ ભક્ષણ કરવા યોગ્ય જે લસુન, ડુંગળી આદિકનું ભક્ષણ કરનારા જે મનુષ્યો તેને કંઠમાળ થાય છે. અને સારા મિષ્ટ અન્નને એકલો જ જમનારો મનુષ્ય તે નિશ્ચય વાયુના ગોળાના રોગવાળો થાય છે. અને વસ્ત્રને ચોરનારો મનુષ્ય પતંગીઓ થાય છે. અને ક્રૂર કર્મને કરનારો મનુષ્ય ઠીંગણો થાય છે. અને પુત્રની સ્ત્રીની સાથે ગમન કરનારો મનુષ્ય દુષ્ટ બુદ્ધિવાળો થાય છે. અને અંતરગળના રોગવાળો થાય છે. અને જુઠી સાખ પુરનારો મનુષ્ય બરોળના રોગવાળો થાય છે.

અને કેટલાક ઋષિઓ કહે છે કે, ભાંગી ગયાં છે પિંડિયો ને પગ જેનાં એવો થાય છે. અને પોતાની માતાને હણનારો જન તે આંધળો થાય છે. અને કન્યાને દૂષણ પમાડનારો મનુષ્ય નપુંસક થાય છે. અને વેદને વેચનારો કહેતાં મૂલ્ય લઈને ભણાવનારો જે વિપ્ર તે વ્યાઘ્ર થાય છે. અને મત્સરવાળો જે મનુષ્ય તે ભમરો થાય છે. અને જેનું તેનું ખાનારો અને દુષ્ટકર્મ કરનારો મનુષ્ય તે બિલાડો થાય છે. અને આપ્યા વિના પારકાં પદાર્થને લેનારો જન બળદ થાય છે. અને અગ્નિ સંબંધી હોમાદિક કર્મને ત્યાગ કરનારો વિપ્ર તે છૂટા છૂટા ધોળા કોઢવાળો થાય છે. અને શૂદ્રનું આચરણ કરનારો વિપ્ર તે અંત્યજ થાય છે. અને ઈર્ષાવાળો મચ્છરિયાના જન્મને પામે છે. અને શાસ્ત્રના અર્થને અવળા કરીને સમજાવનારો મનુષ્ય તે મૂંગો થાય છે.

ચાંડાળ અને પુંષ્કલની સ્ત્રીને પામનારો જે મનુષ્ય તે આ લોકને વિષે મનુષ્યના તિરસ્કારને પામીને અજગર થાય છે. અને સંસારનો ત્યાગ કરીને રહી જે સ્ત્રી તેને પામનારો મનુષ્ય તે જળથી રહિત એવા મારવાડ દેશને વિષે પિશાચ થાય છે. અને શૂદ્રીને પામનારો મનુષ્ય તે આ લોકમાં લાંબો કીડો થાય છે. અને તેલની ચોરી કરનારો મનુષ્ય ચામાચીડિયાના જન્મને પામે છે. અને ચાડી કરનારો જે મનુષ્ય તે પશુપક્ષીના જન્મને પામે છે. આ પ્રકારે પાપી એવાં પ્રાણીઓ પોત પોતાના કર્મને અનુસારે નાના પ્રકારના કલેશને પામે છે. અને નાના પ્રકારની યોનિયોમાં વારંવાર જન્મને પામે છે. તે હેતુ માટે બુદ્ધિમાન એવા મનુષ્યોએ આ પ્રકારે પાપી એવા જનોએ દુઃસહ એવું ઘણુંક દુઃખ જેને વિષે છે એવી ગતિઓને જાણીને પ્રતિદિન ધર્મનું જ આચરણ કરવું અને પાપકર્મનો ત્યાગ કરવો. અને અધર્મ જેવું કોઈ બીજું દુઃખ નથી. અને ધર્મ જેવું બીજું સુખ નથી. એટલા માટે સુખને ઈચ્છતા એવા મનુષ્યોએ અધર્મનો ત્યાગ કરીને ધર્મનું આચરણ કરવું. અને ધર્મનું પોષણ કરનારા બ્રહ્માદિક દેવો તથા મોટા ઋષિઓ તથા સાધુ પુરુષો ધર્મવાળા મનુષ્યોને જ વખાણે છે. માટે હે મુકુંદ બ્રહ્મચારી ! જે જન વેદશાસ્ત્રમાં કહ્યો એવો વર્ણાશ્રમને યોગ્ય જે ધર્મ તેને પ્રતિદિન પાળે છે, તે મનુષ્ય મને નિરંતર વહાલો છે.

હે સન્મતે ! અલ્પ બુધ્ધિવાળા અને ધર્મમાં શિથિલ રહેનારા મનુષ્ય તે ઉપર નિશ્ચય અમારી અરુચિ વર્તે છે. તે હેતુ માટે જે મનુષ્યોને અમોને પ્રસન્ન કરવાની ઇચ્છા હોય તેમણે નિરંતર શુભ એવા પોતપોતાના ધર્મને વિષે રહીને નારાયણ એવો જે હું તે મારી સેવા કરવી કહેતાં નવ પ્રકારની ભક્તિ કરવી. આ પ્રકારનાં અમૃતમય શ્રીહરિનાં વચન સાંભળીને મુકુંદ બ્રહ્મચારી તથા સભાને વિષે બેઠેલા અન્ય હરિભક્તો અત્યંત આનંદને પામ્યા અને તે મુકુંદ બ્રહ્મચારી અને સર્વે સભાજનો પોતાના ઇષ્ટદેવ જે શ્રીહરિ તેમના પ્રત્યે વચન કહેવા લાગ્યા જે, હે હરિ ! તમારા આશ્રિત જે સમગ્ર અમો તે જીવંત પર્યંત તમારા કહેવા પ્રમાણે જ વર્તીશું. આવી રીતનાં દીનપણાનાં ભક્તજનોનાં વચનને સાંભળીને શ્રીહરિ બહુ પ્રસન્ન થયા. અને સર્વે ભક્તજનોને બાથમાં ઘાલીને મળ્યા.

ઇતિ શ્રીસહજાનંદસ્વામી શિષ્ય અચ્યુતદાસવિરચિતે શ્રીપુરુષોત્તમલીલામૃતસુખસાગર મધ્યે જે પુરુષોત્તમ ગીતા તેમાં ચોર કર્મ કરનારા એવા પાપિષ્ઠ પુરુષોની ગતિ કહી તથા સભામાં બેઠેલા ભક્તજનોને ધર્મ પાળવાની આજ્ઞા કરી એ નામે ત્રીજો અધ્યાય. ૩ સળંગ અધ્યાય. ૪૩