વચન વાલાનું લોપશો મા લેશજી, એટલો તો માની લેજો ઉપદેશજી
લોપતાં વચન આવશે કલેશજી, હેરાનગતિ પછી રહેશે હમેશજી
હમેશ રહેશે હેરાન ગતિ, અતિ તુચ્છ કરશે તિરસ્કાર ।।
આજ્ઞા હરિની લોપતાં, ભવમાં નહિ રહે ભાર ।। ર ।।
બ્રહ્માએ ભાંગી હરિ આગન્યા, જોયું નિજસુતાનું શરીર ।।
જોતાં મતિ રતી નવ રહી, વળી ગઈ હૈયેથી ધીર ।। ૩ ।।
અણઘટિત ઘાટ ઊપજયો, જે મટાડતાં મટ્યો નહિ ।।
તે પાંચમે મુખે પ્રકાશિયો, નેક અતિ નિર્લજજ થઈ ।। ૪ ।।
એવાને પણ એમ થયું, મરજાદા હરિની મેલતાં ।।
ત્યારે બીજાની બકાત્ય સહી, ખેલ અખેલ્યા ખેલતાં ।। પ ।।
એવી અભંગ છે આગન્યા, અખંડ હરિની આકરી ।।
તેને લોપતાં ત્રિલોકમાં, કહો કોણ બેઠો ઠરી ।। ૬ ।।
સુખ કરણી છે દુઃખ હરણી, આગન્યા શ્રીમહારાજની ।।
આસુરી જનને અર્થ ન આવે, છે દૈવી જીવના કાજની ।। ૭ ।।
આસુરી મતિને જે આશર્યા, તેને આજ્ઞાની આડી કશી ।।
નિષ્કુળાનંદ એ નરનું, નાક કાપવું ઘટે ઘશી ।। ૮ ।।