વણ કાપે નાક ગયું છે કપાઈજી, તે જાણજો જરૂર જન મન માંઈજી
તેની અપકીર્તિ ગ્રંથમાં ગવાઈજી, એથી નરસું નથી બીજું કાંઈજી
નથી બીજું કાંઈ નરસું, હરિ આજ્ઞામાં હાલવું નહિ ।।
એવા નર અમર અજ ઈશ, સુખ કયાંથી પામે સહિ ।। ર ।।
મહેશ મોટા દેવતા પણ, ભોળાનામની ભોળપ્ય રઈ ।।
મોહિની રૂપની મનમાં, જોવાને ઇચ્છા થઈ ।। ૩ ।।
ત્યારે હરિયે વાર્યા ઘણું હરને, નથી રૂપ એ જોવા સરખું ।।
પણ સનો લીધો સમજયા વિના, હરિવચનને નવ પરખ્યું ।। ૪ ।।
પછી ધરી હરિ રૂપ મોહિનીનું, આગળ આવી ઊભા રહ્યા ।।
શિવ જોઈ સુધ બુદ્ધ ભૂલ્યા, વિવેક વિના વ્યાકુળ થયા ।। પ ।।
નૈષ્ઠક વ્રત તે નવ રહ્યું, થયું જોગકળા માંહી જયાન જો ।।
તે લખાણું છે કાગળે, સહુ જન એ સાચું માનજો ।। ૬ ।।
વળી ભવનું વચન લોપી ભવાની, ગયાં દક્ષના જગનમાં ।।
ત્યાં અતિ અનાદરે તન ત્યાગી, બળી મૂવાં આપે અગનમાં ।। ૭ ।।
વચન લોપતાં દુઃખ લહે, દેવ દાનવ અહિ અતિ ।।
નિષ્કુળાનંદ ન કીજિયે, વચન લોપ રાઈ રતિ ।। ૮ ।।