વચનવિધિ કડવું - ૦૮ વચન લોપી જાણે સુખ લેશું રે, પદ-૨

Submitted by swaminarayanworld on Thu, 22/06/2017 - 5:52pm

ઇચ્છે કોઈ કરવા અવળું આપણુંજી, તે જન લોપે વચન હરિતણુંજી
જેણે કરી થાય દુઃખ ઘણું ઘણુંજી, પામી દુઃખ પછી મુખ થાય લજામણુંજી

લજામણું મુખ લઈને, જન જીવે જે જગમાંઈ ।।
ધિક ધિક એ જીવિતવ્યને, કામ ન આવ્યું કાંઈ ।। ર ।।

સારપ્ય એની શું રહી, આવ્યો હરિવચનના વાંકમાં ।।
મોર્યથી નાખી કર મૂછ પર, પછી છરી મંડાવી નાકમાં ।। ૩ ।।

શું થયું જપ તપ તીરથે, શું થયું વળી જોગ જગને ।।
શું થયું વિદ્યા ગુણ ડહાપણથી, જો ન રહ્યો હરિને વચને ।। ૪ ।।

સુરગુરુ  સરિખો નહિ, વળી બીજો કોઈ બુદ્ધિમાન ।।
વીરની  વધૂ  વિલોકીને, ઉર આવી ગયું અજ્ઞાન ।। પ ।।

વિચાર વિના વચનનો, લોપ કર્યો લજજા તજી ।।
માથે મેષ બેસી ગઈ, તે હરકોઈ કે’છે હજી ।। ૬ ।।

જે જે વચન જેને કહ્યાં, તેમાં રે’વું સહુને રાજી થઈ ।।
આજ્ઞા અદ્રિ ઉલ્લંઘતાં, સમજો સહુને સારું નઈ ।। ૭ ।।

શીદ  લૈયે  સંતાપને,  વચનથી  વરતી બા’ર ।।
નિષ્કુળાનંદ ન લોપિયે, વચન હરિનું લગાર ।। ૮ ।।

પદ-૨
રાગ : જકડી
વચન લોપી જાણે સુખ લેશું રે,
તે તો કે’શું કે’વાને જો રે’શું રે... વચન૦ ટેક.
જયારે પશ્ચમે પ્રગટશે રવિ રે, થાશે બીજ રહિત પૃથ્વી રે;
તોયે નહિ થાય રીત એ નવી રે... વચન૦ ।। ૧ ।।
જયારે શૂન્ય સુમનની  સ્રજ  થાશે રે, ઝાંઝુજળ  પાને જન ધાશે રે;
તોયે એ વાત કાંઈ મનાશે રે... વચન૦ ।। ૨ ।।
સુત ષંઢથી  પામશે નારી રે, મળશે માખણ વલોવતાં વારિ રે;
તોયે વિમુખ સુખ રે’શે હારી રે... વચન૦ ।। ૩ ।।
એહ વાત પ્રમાણ છે પકી રે, તે તો ખોટી ન થાય કોઈ થકી રે;
કહે નિષ્કુળાનંદ એમ નકી રે... વચન૦ ।। ૪ ।।