વચન વિમુખ મા થાશો કોઈજી, નર અમર વિમુખનાં સુખ જોઈજી
મોટા બેઠા મોટ્યપ વચન વિના ખોઈજી, માટે હરિ વચને રહો રાજી હોઈજી
રાજી થઈ રહો વચનમાં, લોપશો મા વચન લગાર ।।
વચન લોપતાં મોટા મોટા, પામ્યા દુઃખ અપાર ।। ર ।।
નારદ સરીખા નહિ કોયે, બીજા મહા મોટા મુનિજન ।।
તેણે પણ ન તપાશિયું, લોપ્યું વાલાનું વચન ।। ૩ ।।
ત્યાગી થઈ ત્રિયા કર જોયો, ખોયો વિચાર વરવા કર્યું ।।
પર્વત પણ ઇચ્છ્યા પરણવા, બેઉનું સિદ્ધાંત એક ઠયુર્ં ।। ૪ ।।
ત્યારે કન્યા તાતે વાત કહી, સ્વયંવર રચીશ સવારમાં ।।
ઇચ્છાવર કન્યા વરશે, તમે બેઉ રે’જો તૈયારમાં ।। પ ।।
ત્યારે બેઉ ધાયા હરિ પાસળે, રૂડું માગવા રૂપ અનુપને ।।
વળી પરસ્પર ઇચ્છ્યા, થાવા રૂપ કુરૂપને ।। ૬ ।।
ત્યારે હસીને હરિ બોલિયા, થાશે અવસર પર રૂપ એમ ।।
પછી મર્કટ મુખ બન્યાં બેઉના, કહો કન્યા વરે તેને કેમ ।। ૭ ।।
લાજ ગઈ ને કાજ ન સર્યું, વળી લોપાણું હરિનું વચન ।।
નિષ્કુળાનંદ કહે એ નીપજયું, તે જગે જાણે છે સહુ જન ।। ૮ ।।