વચનવિધિ કડવું - ૧૨ સંતો વિમુખ થકી રહીએ વેગળા, ડરિયે દિવસ ને રાત રે; પદ-૩

Submitted by swaminarayanworld on Thu, 22/06/2017 - 5:58pm

વચનવિરોધીની વડાઈ કશીજી, જે જન વચનમાંથી ગયા ખશીજી
મનમુખી થઈ મુખે ભૂસી મશીજી, જુવે જે વદન તે જન દિયે હસીજી

હસી હસી હાંસી કરે, જોઈ એવા જનનું જોણ  ।।
કરી કાળું મુખ માન્યું રૂપાળું, કહો કહે હવે એને કોણ ।। ર ।।

વિધવા નારી કરે વડાઈ, સુત એક સારો જણી ।।
પણ જાણતી નથી એ યોષિતા, જે શિર ઉપર નથી ધણી ।। ૩ ।।

વળી બીજીનો પતિ પરદેશ છે, ઇયાં સુત જનમ્યા છે સાત ।।
નથી ખબર એહ ખોટ્ય તણી, ધણી કેમ થાશે રળિયાત ।। ૪ ।।

એમ વચન ઉલ્લંઘી વા’લા તણું, જે જે જન કરે છે કામ ।।
તે લાજ જાશે આ લોકમાં, વળી થાશે જીવિત હરામ ।। પ ।।

હરામી જીવને હોય નહિ, હૈયે ડર હરિના વચનનો ।।
આસુરી મતિ આવી અતિ, તેણે જોરો દેખાડે જોબનનો ।। ૬ ।।

કહો કામદુઘાનું ત્યાં કામ કશું, જયાં ઘણા ગદ્ધા ઘર બારણે ।।
એમ આજ્ઞાકારીનું શું ઉપજે, જયાં વિમુખ હોય કાજ કારણે ।। ૭ ।।

પણ હરિજનને હમેશ કરવો, વિચાર વારમવાર ।।
હરિવચન વિમુખ ન થાવું, કહે નિષ્કુળાનંદ નિરધાર ।। ૮ ।।

પદ-૩
રાગ-ધોળ ‘આજ મારે ટાણું આવ્યું છે મહાસુખનું’ એ ઢાળ.

સંતો વિમુખ થકી રહીએ વેગળા, ડરિયે દિવસ ને રાત રે;
સંતો વિશ્વાસ કરતાં વિમુખનો, વણશી જાયે જો વાત રે.સંતો૦ ।। ૧ ।।
સંતો વિમુખ વિખ આપે વાતમાં, કરી હેત અપાર રે;
સંતો રગરગમાં તે રમી રહે, ન રહે વચનનો ભાર રે.સંતો૦ ।। ૨ ।।
સંતો સોબત ન ગમે પછી સંતની, વા’લા લાગે વિમુખ રે;
સંતો નિયમ ન ગમે નાથનાં, માને મોકળે સુખ રે.સંતો૦ ।। 3 ।।
ત્યારે કરવાનું છે તે કયાંથી કરે, થાયે ન કર્યાનું કામ રે;
કહે નિષ્કુળાનંદ નિશ્ચે નર, ન પામે સુખ ઠામ રે. સંતો૦ ।। ૪ ।।