શિયા સુખ સારુ લોપે છે વચનજી, એમ મોટા મુનિ વિચારે છે મનજી
જુવો જડબુદ્ધિવાળા જનજી, પોતાના સુખમાં પાડે છે વિઘનજી
વિઘન પાડે છે વણ સમઝે, કાપે છે ડાળ બેસવા તણી ।।
તેને પડ્યાનું શું પૂછવું, પડશે જરૂર એના ધણી ।। ર ।।
બહુ બૂકી૯ બીજ ધતુરનાં, જાણે ખાઈ ભાંગીશ ભૂખને ।।
પણ ઘડીક પછી ઘાંટો ઝલાઈ, મરીશ પામી બહુ દુઃખને ।। ૩ ।।
કાપે છે સર્પનો કંડિયો, માગ થાતાં મૂષો મલકાય છે ।।
પણ જાણતો નથી આખુ આંધળો, જે હમણાં ખીજી નાગ ખાય છે ।। ૪ ।।
ચાલે છે ચોરને મારગે, ખરાખરું માને છે ક્ષેમ રે ।।
પણ શીશ કપાણાં જયાં સોયે સોયનાં, ત્યાં કુશળ રહીશ કેમ રે ।। પ ।।
એમ વાઢી વેલી વચનની, ફેર પાકેલ ફળ કેમ મળશે ।।
ફળ એનું ફજેત થઈને, વેઠ્યે વેકર્ય દળશે ।। ૬ ।।
કાં તો ખર ઊંટ અવતાર પામી, અણતોળ્યો ભાર ઉપાડશે ।।
કસર કરશે ચાલતાં તો, ધણી એનો ધોકે તાડશે ।। ૭ ।।
માટે જોઈ વિચારી જગદીશનાં, વિમુખ રે’જો મા વચનથી ।।
નિષ્કુળાનંદ કહે નાથના, ઘરમાં અંધારું ઘોર નથી ।। ૮ ।।