વચનવિધિ કડવું - ૨૦ સમજીને સમજુ રે, વા’લાં કરો હરિનાં વચન પદ-૫

Submitted by swaminarayanworld on Thu, 22/06/2017 - 6:17pm

જો જો આ જગતમાં જીવનાં સુખજી, દેહ પરજંત ભોગવે છે દુઃખજી
અન્ન જળ તૃણ આહાર વિના વેઠે છે ભૂખજી, તે તો જન જાણજો હતા હરિથી વિમુખજી

હરિ વિમુખની વારતા, સાંભળો તો સર્વે કઉં ।।
નથી ઉધારો એહનો, નજરો નજર દેખાડી દઉં ।। ર ।।

જન્માંતરે જન જાણજો, હરિકથા ન સાંભળી કાન ।।
તે તો નર બધિર  થયા, એહ દંડ દીધો ભગવાન ।। ૩ ।।

જન્માંતરે હરિ હરિજનનું, રૂપ ન જોયું નયણે ।।
તેણે કરી થયા આંધળા, હવે સૂઝે નહિ દિન રેયણે ।। ૪ ।।

જિહ્વાયે નામ જગદીશનું, અજાણે પણ ઉચ્ચર્યા નઈ ।।
તે જન માનો મૂંગા થયા, બોલવાની હવે બંધી થઈ ।। પ ।।

જે જને હરિકથા સાંભળી, કાઢી દેશી કાલું કાલું કથી ।।
તે જન થયા તોતળા, હવે બોલી સમઝાતી નથી ।। ૬ ।।

લૂલા પાંગળા રોગી વિયોગી, દુઃખી દીન દરિદ્રી અતિ ।।
તે તો પૂર્વના પાપથી, દુઃખ ભોગવે છે દુર્મતિ ।। ૭ ।।

એહ દંડ જાણો દૈવનો, ભોગવે છે વિમુખ વળી ।।
નિષ્કુળાનંદ ન લોપિયે, હરિવચન આવું સાંભળી ।। ૮ ।।

પદ-૫
રાગ-સિંધુ રામગ્રી
‘મન રે માન્યું નંદલાલશું’ એ ઢાળ.
સમજીને સમજુ રે, વા’લાં કરો હરિનાં વચન;
દેખી પેખીને દુઃખમાં, શીદ પરાણે પડિયે જન..સમજી૦ ।। ૧ ।।
જેને વચને વિઘન વિરમે, પામિયે પરમ આનંદ;
એવાં વચન જે ઉલ્લંઘે, તે તો કા’વે મૂરખ મતિમંદ. સમજી૦ ।। ૨ ।।
અસમર્થની જે આગન્યા, મનાયે ન મનાયે મન;
પણ સમર્થના વચનમાં, રહિયે રાજી થઈ નિશદિન..સમજી૦ ।। ૩ ।।
શ્રીહરિ રીઝવી સુખ લૈયે, ખીજવીને ન ખાય ખોટ;
નિષ્કુળાનંદ કહે ન કીજિયે, એવું લઈ અવરની ઓટ૨. સમજી૦ ।। ૪ ।।