વચનવિધિ કડવું - ૨૩

Submitted by swaminarayanworld on Thu, 22/06/2017 - 6:20pm

મનનું ગમતું મૂકવું મોટાને પાસજી, વર્તવું વશ્ય થઈ દાસના દાસજી
તો તન મને નાવે કે દી ત્રાસજી, જો રહે એવો અખંડ અભ્યાસજી

અભ્યાસ એવો રાખવો, મોટા આગળ મેલવું માન ।।
જોઈ લિયો સહુ જીવમાં, એમાં જાણો નથી કાંઈ જયાન ।। ર ।।

માન મૂકે માન વધે, માન રાખ્યે ઘટી જાય માન ।।
એમ સમજી સંત શાણા, માન મૂકવા છે અતિ તાન ।। ૩ ।।

દેહધારી દુઃખી માનથી, નિરમાની રે’ સુખી સદાઈ ।।
વિઘન રહે એથી વેગળાં, વળી કષ્ટ ન આવે કાંઈ ।। ૪ ।।

માને કરી મોટા તણો, અપરાધ તે આવે બની ।।
તે કથા સુણી છે શ્રવણે, ચિત્રકેતુ સુરેશ ને શિવની ।। પ ।।

વચનદ્રોહી વિમુખથી, ખોટ્ય માનીની મોટી અતિ ।।
અવગુણ લિયે હરિજન હરિનો, એવી માન ફેરવે છે મતિ ।। ૬ ।।

માની કેનું માને નહિ, મર હોયે વાલપ્યનાં વેણ ।।
આપ ડા’પણમાં દેખે નહિ, રહે અંધધંધ દિન રેણ ।। ૭ ।।

કામી ક્રોધી લોભીને લજજા, કેદી આવી જાયે ઉરમાંઈ ।।
નિષ્કુળાનંદ માનીને મને, લાજ શરમ નહિ કાંઈ ।। ૮ ।।