વચનવિધિ કડવું - ૨૪ સંત સાચા તે કહિયે રે, કાઢે ખોટ્ય ખોળી ખોળી બા’ર; પદ-૬

Submitted by swaminarayanworld on Thu, 22/06/2017 - 6:21pm

હરિના જનને જાણજો એહ ખોટ્યજી, ગુણ વિના ગણે છે મનમાં મોટ્યજી
તેમાં તો રહ્યા છે કલેશ કોટ્યજી, દગહીણા દીયે છે તેમાંહી દોટ્યજી

દોટ્ય દિયે છે ખોટ્ય ટાળવા, પણ ખોટ્ય રજ ખસતી નથી ।।
ઈર્ષ્યા રહી તેને આવરી, તે અળગી ન થાયે ઉરથી ।। ર ।।

ઈર્ષ્યા દેખે દોષ પરના, ભાળે નહિ પોતાની ભૂલ ।।
અમાપને જાય માપવા, વળી કરે અમૂલનું મૂલ ।। ૩ ।।

ત્રાજુ લઈ બેસે તોળવા, સહુનો કાઢવા સમાર ।।
બીજા થકી વળી બમણો, ભાળે પોતામાં ભાર ।। ૪ ।।

એવી અભાગણી ઈરષ્યા, જેને ગુરુ સંતની ગણતી નહિ ।।
વિનાશ એવો નહિ વિમુખ સંગથી, જેવો ઈર્ષ્યા કરે છે રહી ।। પ ।।

જે જળમાંહિ મળ  ટળે, તે જળમાં મળ ભૂંસે જઈ ।।
તેને શુદ્ધ થવા શરીરે કરી, ઉપાય એકે મળે નઈ ।। ૬ ।।

જેવી વચનદ્રોહીની ખોટ્ય વર્ણવી, તેવી જ માન માંહી રહી ।।
તેમ ઈર્ષ્યામાંહી ઓછી નથી, છે પરિપૂર્ણ માનો સહિ ।। ૭ ।।

હરિજનને હાણ હમેશે, ઈર્ષ્યા કરે છે ઉર તણી ।।
નિષ્કુળાનંદ કહે નિત્ય પ્રત્યે, ખાટ્ય નથી છે ખોટ્ય ઘણી ।। ૮ ।।


પદ - ૬
રાગ-સિંધુ રામગ્રી
‘મન રે માન્યું નંદલાલશું’ એ ઢાળ.

સંત સાચા તે કહિયે રે, કાઢે ખોટ્ય ખોળી ખોળી બા’ર;
અંતરમાં રહે ઊજળા, ડાઘ લાગવા ના’પે લગાર..સંત૦ ।। ૧ ।।
દેખે નહિ દોષ પારકા, ભાળે પોતાની ભૂલ;
ગણે અવગુણ આપણા, માને સંત હરિના અમૂલ..સંત૦ ।। ર ।।
સમજે સુખદાયી સંતને, દુઃખદાયી પોતાનું મન;
અરિ મિત્રને ઓળખી, તજે ભજે તે હરિજન..સંત૦ ।। ૩ ।।
અંતરે ન પડે અવળી, આંટી હરિ હરિજન સાથ;
નિષ્કુળાનંદ નિશ્ચે કરી, રીઝે એવા જનપર નાથ..સંત૦ ।। ૪ ।।