અધ્યાય - ૩ - શ્રીહરિનું સોરઠના ગામોમાં વિચરણ.
શ્રીહરિનું સોરઠના ગામોમાં વિચરણ. શ્રીહરિનું માંગરોળપુરમાં આગમન. શ્રીહરિની લોકોપયોગી પ્રથમ કૃતિ. શ્રીહરિનાં ચતુર્ભુજરૃપે દિવ્ય દર્શન.
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પૃથ્વીપર પોતાના ભક્તજનોમાં એકાંતિકધર્મ પ્રવૃત્તિનું જ એક લક્ષ્ય રાખી ભગવાન શ્રીહરિ ફણેણી ગામેથી નીકળી કેટલાક શિષ્યમંડળની સાથે ધોરાજીપુર પધાર્યા.૧
માર્ગમાં ઘણા બધા ભક્તજનો ભાવથી શ્રીહરિનું પૂજન કરતા હતા. ભગવાન શ્રીહરિ પણ તે સર્વેનો ભાવ સ્વીકારતા ભાડેરપુર પધાર્યા. ત્યાંથી માણાવદર, પીપલાણા અને અગતરાઇ પધાર્યા. આ પ્રમાણે સર્વે ભક્તજનોને આનંદ ઉપજાવતા શ્રીહરિ ત્યાંથી કાલવાણી પધાર્યા.૨-૩
કોઇ ગામમાં એક દિવસ, કોઇ ગામમાં બે દિવસ અને કોઇ ગામમાં ત્રણ દિવસ નિવાસ કરી ભગવાન શ્રીહરિ પોતાના ભક્તજનોને સત્શાસ્ત્રના વચનોથી ધર્મમાર્ગનો મહિમા સમજાવી પોતપોતાના ધર્મમાં નિષ્ઠાપૂર્વક સ્થાપન કરતા હતા.૪
હે રાજન્ ! ભગવાન શ્રીહરિ ગુરુ શ્રીરામાનંદ સ્વામીની આજ્ઞાથી રથ આદિ વાહન ઉપર બેસતા. ક્યારેક ભક્તજનોના મનોરથ પૂરા કરવા સુવર્ણનાં અલંકારો અને નૂતન મહાવસ્ત્રોને ધારણ કરતા. સ્ત્રીઓને ધર્મમાર્ગમાં વર્તાવવા તેમની સાથે બોલતા, છતાં આત્મબળના પ્રતાપે કોઇ પણ પદાર્થમાં આસક્ત થતા નહિ.૫-૬
શ્રીહરિનું માંગરોળપુરમાં આગમન - હે ધરણીપતિ ! ધર્મના સ્થાપન માટે વિચરણ કરતા ભગવાન શ્રીહરિ સમુદ્રને તીરે આવેલા માંગરોળપુરમાં પધાર્યા.૭
પુરની નજીકમાં સમુદ્ર કિનારે એક વિશાળ વટવૃક્ષ અને કેટલીક આંબલીનાં વૃક્ષોની છાયામાં પોતાનો નિવાસ કર્યો.૮
ત્યારે શ્રીહરિનાં દર્શનથી અતિ હર્ષઘેલા થયેલા નગરવાસી મુમુક્ષુ તથા ધનાઢય વણિક ભક્તજનો શ્રીહરિની સેવા કરવા લાગ્યા. તે વણિક ભક્તોમાં ગોવર્ધનભક્ત મુખ્ય હતા. બીજા દામોદર, રામચંદ્ર, સુરચંદ્ર, રત્નજીત અને મૂળચંદ આદિ ભક્તો પણ હતા.૯-૧૦
અન્ય માનસારામ આદિ ક્ષત્રિય ભક્તો હતા. તથા ધનજી, મધુ, આણંદજી અને ત્રિકમ આદિ શૂદ્ર ભક્તજનો પણ હતા. તે સર્વે અતિ પ્રેમથી શ્રીહરિની સેવા કરવા લાગ્યા.૧૧
હે નૃપ ! વિશુદ્ધ અંતરવાળી રાજની, ભાનુ આદિ સ્ત્રી-ભક્તજનો હતી, તે પણ શ્રીહરિની પ્રેમથી યથાયોગ્ય સેવા કરવા લાગી.૧૨
શ્રીહરિની લોકોપયોગી પ્રથમ કૃતિ - હે રાજન્ ! પાણીનું દુઃખ ટાળવા પોતાના નિવાસ સ્થાન સમીપે જ લોકોપયોગી મીઠા જળની મોટી વાવ ખોદાવી ત્યારપછી શાસ્ત્રવિધિને અનુસારે તેનો પ્રતિષ્ઠાવિધિ કર્યો.૧૩
તે પૂર્તકર્મ વિધિમાં રાજાએ સહિત નગરવાસીજનો આશ્ચર્ય પામે તે રીતે મહાન ઉત્સવ કર્યો.૧૪
સુંદર લાડુ આદિ ભોજનોથી શ્રીહરિએ હજારો બ્રાહ્મણોને તૃપ્ત કર્યા તથા ઘી, દૂધપાક આદિના હવિષ્યાન્નથી અગ્નિમુખા ઇન્દ્રાદિ દેવતાઓને પણ તૃપ્ત કર્યા.૧૫
શ્રીહરીનાં ચતુર્ભુજરુપે દિવ્ય દર્શન - આ પ્રમાણે શ્રી સહજાનંદ સ્વામી સ્વયં જ્યારે પૂર્તવિધિમાં શ્રીવિષ્ણુભગવાનનું પૂજન કરવા આસન ઉપર વિરાજમાન થયા તેવામાં એક અદ્ભૂત આશ્ચર્ય ઉત્પન્ન થયું.૧૬
મયારામ વિપ્ર આદિ બ્રાહ્મણો વિષ્ણુ ભગવાનનું પૂજન કરી રહેલા ભગવાન શ્રીહરિની સામે જ જોઇ રહ્યા હતા તે જ ક્ષણે તેઓને શ્રીહરિનાં ચતુર્ભુજરૂપે દર્શન થયાં.૧૭
ગદા, પદ્મ, શંખ અને ચક્રધારી ભગવાને મસ્તક ઉપર મુગટ ધારણ કર્યો હતો. સુંદર પીતાંબર ધારણ કર્યું હતું અને નવીન મેઘની સમાન શ્યામ સુંદર વેષ હતો. શ્રીવત્સના ચિહ્નથી વક્ષઃસ્થલ શોભી રહ્યું હતું.૧૮
તે ચતુર્ભુજ ભગવાન શ્રીહરિની ડાબે પડખે બ્રાહ્મણોને સાક્ષાત્ ધર્મદેવનાં દર્શન થયાં. તે શરીરે શ્વેતવર્ણના હતા. ચાર મુખ અને ચાર ચરણ હતાં, આઠ નેત્રો અને ચાર ભુજાઓ હતી. એવા ધર્મદેવ બે હાથજોડીને ઊભા હતા અને એક હાથમાં પૂજાની સામગ્રી ધારણ કરી હતી, અને બીજા હાથમાં ધર્મશાસ્ત્રના પુસ્તકને ધારણ કર્યું હતું. શરીર ઉપર શ્વેતવસ્ત્રો ધારણ કર્યાં હતાં અને અનેકવિધ અલંકારોથી શોભી રહ્યા હતા. સુંદર રત્નો જડીત મુગટ મસ્તક ઉપર ધારણ કર્યો હતો. અને તે અતિશય શાંત આકૃતિમાં શોભતા હતા.૧૯-૨૧
ત્યારપછી મયારામ આદિ બ્રાહ્મણોને શ્રીહરિની જમણી બાજુએ ભક્તિમાતાનાં દ્વિભુજરૂપે દર્શન થયાં. તે પણ ગૌર શરીરે શોભતાં હતાં. અમૂલ્ય વસ્ત્રો તથા આભૂષણોથી સુશોભિત ભક્તિમાતાએ એક હાથમાં અનેકવિધ પૂજાના ઉપચારો ભરેલી સુવર્ણની થાળી ધારણ કરી હતી. અને બીજા હાથમાં પુષ્પની માળા ધારણ કરી હતી.૨૨-૨૩
હે રાજન્ ! મનુષ્ય નાટયને કરી રહેલા ભગવાન શ્રીહરિની ઇચ્છાથી મયારામ આદિ વિપ્રોને તેમનું ભક્તિ ધર્મ સહિત દિવ્ય વિષ્ણુ સ્વરૂપે દર્શન થયું.૨૪
આ પ્રમાણે તે વિપ્રોએ એક મુહૂર્ત પર્યંત આશ્ચર્ય સાથે શ્રીહરિનાં દિવ્ય સ્વરૂપનાં દર્શન કર્યાં ત્યારપછી તેઓ સ્વેચ્છાએ મનુષ્યશરીરને ધારણ કરી રહેલા ભગવાન શ્રીહરિને જ સાક્ષાત્ વિષ્ણુરૂપે માનવા લાગ્યા.૨૫
એક મુહૂર્તને અંતે પૂર્વની માફક જ દેવતાઓનું પૂજન કરી રહેલા મૂળ સ્વરૂપમાં શ્રીહરિનાં દર્શન કરી વિપ્રોએ શ્રીહરિને નમસ્કાર કરી પૂર્તકર્મ સંબંધી વિધિની સમાપ્તિ કરાવી. ત્યારપછી સર્વે વિપ્રોએ શ્રીહરિનો દૃઢ આશ્રય કર્યો.૨૬
અંતરમાં શ્રીહરિનો અતિશય દૃઢ નિશ્ચય થવાથી તે મયારામ આદિ વિપ્રો વિષ્ણુસૂક્ત આદિના વેદમંત્રોનો ઘોષ કરી ભગવાન શ્રીહરિની વેદોક્ત માર્ગથી મહાપૂજા કરી.૨૭
હે રાજન્ ! ત્યારપછી તે મયારામાદિ સર્વે વિપ્રો ઇતર દેવતાઓની ઉપાસનાનો ત્યાગ કરી ભગવાન શ્રીહરિનો જ એક આશ્રય કર્યો અને તેમની જ આજ્ઞામાં સ્થિર વર્તી સર્વભાવથી શ્રીહરિનું ભજન સ્મરણ કરવા લાગ્યા.૨૮
હે રાજન્ ! આ પ્રમાણે ભગવાન શ્રીહરિએ સર્વે બ્રાહ્મણોને પોતાને વિષે સાક્ષાત્ પરમેશ્વરપણાનો નિશ્ચય કરાવવા માટે દયાએ કરીને પોતાનાં દિવ્યસ્વરૂપનું દર્શન કરાવ્યું. આ પ્રમાણે પોતાનો અલૌકિક પ્રતાપ વિસ્તારતા થકા ભગવાન શ્રીહરિ માંગરોળપુરમાં વસંતઋતુ પર્યંત નિવાસ કરીને રહ્યા.૨૯
આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના દ્વિતીય પ્રકરણમાં માંગરોળપુરમાં ભગવાન શ્રીહરિએ પોતાના દિવ્ય વિષ્ણુસ્વરૂપનું દર્શન કરાવ્યું એ નામે ત્રીજો અધ્યાય પૂર્ણ થયો. -૩-