અધ્યાય - ૧૧ - મયારામ વિપ્રનો વિસ્તારથી જાણવા માટે પુનઃ પ્રશ્ન.
મયારામ વિપ્રનો વિસ્તારથી જાણવા માટે પુનઃ પ્રશ્ન. લોભથી પરાભવ પામેલા વસિષ્ઠમુનિનું વૃત્તાંત . લોભથી પરાભૂત સહસ્રાર્જુન રાજાની કથા.
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! પૂર્વોક્ત પ્રમાણે શ્રીહરિનાં વચનો સાંભળવા છતાં મયારામ વિપ્રનું મન તૃપ્ત થયું નહિ, તેથી ફરીને બે હાથ જોડી આદર પૂર્વક નમસ્કાર કરી શ્રીહરિને પૂછવા લાગ્યા.૧
મયારામ વિપ્ર કહે છે, હે હરિ ! હે સ્વામી ! હે દયાસિંધુ ! હે સર્વજીવપ્રાણીમાત્રનું હિત કરનારા ! હે પ્રભુ ! પિતા જેમ પુત્રનું હિત કરે તેમ તમે અમારા સૌનું સર્વપ્રકારે હિત કરનારા છો.૨
હે સ્વામી ! અતિશય દુષ્ટ લોભાદિ પાંચ દોષોનું બળ આપે કહી દેખાડયું, જે દોષોથકી મુક્તપુરુષો પણ ભય પામે છે.૩
હે પ્રભુ ! વસિષ્ઠાદિ મહાપુરુષો લોભાદિ દોષોથકી જે રીતે પરાભવ પામ્યા હતા તે સર્વે કથાઓનું અમને સર્વને પૃથક્પણે શ્રવણ કરવું છે.૪
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે વિપ્રવર્ય મયારામ ભટ્ટે જ્યારે વિસ્તારથી કથાઓ સાંભળવાની ઇચ્છા કરીને પૂછયું ત્યારે ભક્તપતિ ભગવાન શ્રીનારાયણમુનિ ભક્તજનોને આનંદ ઉપજાવતા થકા પ્રેમપૂર્વક મધુર વચનો કહેવા લાગ્યા.૫
લોભથી પરાભવ પામેલા વસિષ્ઠમુનિનું વૃત્તાંત :-- શ્રીનારાયણમુનિ કહે છે, હે દ્વિજ ! મહાભારતાદિ ઇતિહાસો તથા શ્રીમદ્ ભાગવતાદિ પુરાણોમાં વસિષ્ઠાદિ મહાપુરુષોની કથાઓનું વિસ્તારપૂર્વક વર્ણન કરેલું છે. તે કથાઓ હું તમને સંક્ષેપથી સંભળાવું છું. તેમાં પ્રથમ મુનિઓમાં શ્રેષ્ઠ એવા વસિષ્ઠમુનિનો જે રીતે લોભથી પરાભવ થયો, તે કથા હું તમને સંભળાવું છું.૬-૭
હે વિપ્રવર્ય ! સૂર્યવંશમાં એક નિમી નામે રાજા ઉત્પન્ન થયા તે નિમીએ યજ્ઞા કરવાને અર્થે પોતાના કુલગુરુ વસિષ્ઠમુનિની ઋત્વિજ તરીકે વરણી કરી.૮
યજ્ઞાનો પ્રારંભ કરાવી વસિષ્ઠમુનિ નિમી રાજાને કહેવા લાગ્યા કે, હે નૃપતિ ! તમારા યજ્ઞાના પ્રારંભ પહેલાં ઇન્દ્રમહારાજાએ પોતાના યજ્ઞા માટે મારી ઋત્વિજ તરીકે વરણી કરેલી છે. તેથી પહેલાં ઇન્દ્રનો યજ્ઞા પૂર્ણ કરાવી હું જલદીથી અહીં આવું છું. પછીથી તમારો યજ્ઞા પૂર્ણ કરાવીશ. ત્યાં સુધી તમે મારી રાહ જુઓ.૯-૧૦
આ પ્રમાણે કહીને વસિષ્ઠમુનિ ત્યાંથી ચાલ્યા ગયા. ત્યારપછી નિમિરાજાએ આ દેહને ક્ષણભંગુર જાણી બીજા બ્રાહ્મણો પાસે ઉત્તમ પ્રકારે યજ્ઞા પૂર્ણ કરાવ્યો, ત્યારે ઇન્દ્રનો યજ્ઞા પૂર્ણ કરાવી વસિષ્ઠમુનિ પાછા પધાર્યા અને જોયું કે પોતાના શિષ્ય નિમિએ બીજા બ્રાહ્મણો પાસે યજ્ઞા પૂર્ણ કરાવી લીધો છે. શિષ્યનો આ અન્યાય જોઇ ધનલોભી વસિષ્ઠમુનિના અંતરમાં ક્રોધ ઉત્પન્ન થયો.૧૧-૧૨
તેથી નિમિરાજાને શાપ આપતાં કહેવા લાગ્યા કે તું તારી જાતને પંડિત માને છે, માટે તારો દેહ અત્યારે જ પડી જાઓ. ત્યારે નિમિરાજા પણ ક્રોધાયમાન થયા અને વસિષ્ઠમુનિને શાપ આપ્યો કે, હે મુનિ ! લોભના આવેગમાં તમે પણ ધર્મનું સ્વરૂપ ભૂલ્યા છો. તેથી તમારો દેહ પણ પડી જાઓ. હે વિપ્રવર્ય ! આ પ્રમાણે બન્ને પરસ્પર શાપ આપી મૃત્યુ પામ્યા.૧૩-૧૪
હે વિપ્રવર્ય ! તે સમયે યજ્ઞા કરાવનારા ઋત્વિજ બ્રાહ્મણોએ નિમિરાજાને ફરી સજીવન કર્યા. પરંતુ નિમિરાજાને મનુષ્યશરીરમાં રુચિ ન રહી હોવાથી વિદેહરૂપે રહેવા લાગ્યા. તે મનુષ્યોના નેત્રોમાં ઉન્મેષ તેમજ નિમેષના રૂપમાં અત્યારે પણ દેખાય છે.૧૫
આ બાજુ વસિષ્ઠમુનિ મિત્રાવરુણના વીર્યથકી ઉર્વશી અપ્સરાને ત્યાં પુત્ર તરીકે જન્મી આ લોકમાં વેશ્યાપુત્ર તરીકેની પ્રસિદ્ધિને પામ્યા. હે વિપ્રવર્ય ! આ પ્રમાણે સૂર્યવંશી રાજાઓના આચાર્ય મહામુનિ વસિષ્ઠ પણ લોભને વશ થઇ પરાભવ પામ્યા તે કથા તમને સંભળાવી.૧૬-૧૭
લોભથી પરાભૂત સહસ્રાર્જુન રાજાની કથા :-- હે વિપ્રવર્ય ! હવે પછી મહાયોગકળાના નિધિ તથા ભગવાન શ્રી દત્તાત્રેયના શિષ્ય એવા સહસ્રાર્જુન રાજાનો લોભથી જે રીતે પરાભવ થયો તે કથા સંભળાવું છું.૧૮
પૂર્વે ચંદ્રવંશમાં કૃતવીર્ય રાજાના પુત્રરૂપે ઉત્પન્ન થયેલા એક મહા બળવાન અને મહા પરાક્રમી એવા અર્જુન નામે મહાન રાજા થયા.૧૯
શ્રીનારાયણના અવતારરૂપ ભગવાન શ્રીદત્તાત્રેય મુનિની આરાધના કરી અર્જુન રાજાએ યુદ્ધસંગ્રામના સમયે પોતાને મનોવાંછિત હજાર ભૂજાઓ પ્રાપ્ત કરી ત્યારથી તે સહસ્રાર્જુન તરીકે પ્રસિધ્ધિ પામ્યા.૨૦
હે વિપ્રવર્ય ! શ્રીદત્ત ભગવાનની પ્રસન્નતાથી તે સહસ્રાર્જુન રાજાએ યોગૈશ્વર્યની સિદ્ધિ પ્રાપ્ત કરી તથા કોઇનાથી પરાભવ ન પામે તેવા શરીર અને ઇન્દ્રિયોના બળ તથા પરાક્રમરૂપ સંપત્તિથી સમૃધ્ધ થઇ તે સમગ્ર પૃથ્વીનું શાસન ભોગવવા લાગ્યા.૨૧
તે એક વખત ઘોર વનમાં મૃગયા કરવાના નિમિત્તે ફરતા ફરતા દૈવીચ્છાથી મહાતપોનિધિ જમદગ્નિ ઋષિના આશ્રમમાં આવ્યા. ત્યારે જમદગ્નિ ઋષિએ કામધેનુ ગાયના પ્રભાવથી સૈન્ય, મંત્રીમંડળ તથા અશ્વાદિ વાહનોએ સહિત મહારાજા સહસ્રાર્જુનનો આદરપૂર્વક ખૂબ જ મોટો સત્કાર કર્યો.૨૨-૨૩
તે વખતે કોઇ દિવસ કોઇ જગ્યાએ પણ નહિ જોયેલા અને નહિ સાંભળેલા અને પોતાના રાજવૈભવો કરતાં પણ અતિશય ચડિયાતા એવા મુનિના વૈભવો જોઇને સહસ્રાર્જુન રાજા અતિશય વિસ્મય પામી ગયા. ત્યારપછી તેણે જાણ્યું કે, મુનિના વૈભવનું કારણ આ કામધેનુ ગાય છે. તેથી વાછરડાંએ સહિત બરાડા પાડતી તે કામધેનુ ગાયને બળજબરીપૂર્વક પોતાની માહિષ્મતી નગરીમાં લઇ ગયા.૨૪-૨૫
તે સમયે વિદ્યાભ્યાસ કરવા બહાર ગયેલા મુનિના પુત્ર એવા ભગવાનના અવતારરૂપ પરશુરામ ત્યાં આવ્યા. ત્યારે તેણે સહસ્રાર્જુન રાજાની દુષ્ટતા સાંભળી. ત્યારે સાંભળતાની સાથે જ જેમ દંડના ઘાતથી સર્પ ક્રોધ કરે તેમ તેનો ક્રોધ ભભૂકી ઉઠયો.૨૬
ઘોર પરશુ ઉઠાવીને તે માહિષ્મતી નગરીમાં ગયા અને મહાકાળની જેમ દુર્જય એવા પરશુરામે સહસ્રાર્જુન રાજાની સાથે યુદ્ધ કર્યું અને સત્તર અક્ષૌહિણી સેનાએ સહિત તે સહસ્રાર્જુન રાજાનો શિરછેદ કરી કામધેનુ ગાયને લઇ પોતાના આશ્રમમાં પાછા પધાર્યા.૨૭-૨૮
હે વિપ્રવર્ય ! ત્યારે ક્ષમાના નિધિ એવા જમદગ્નિ મહર્ષિએ પુત્ર પરશુરામનું રાજાના વધ કરવારૂપ કર્મ જાણ્યું. તેથી તે કહેવા લાગ્યા કે, હે પુત્ર ! તમે આ ઘોર કર્મ કરેલું છે તે આપણા બ્રાહ્મણકુળને ઉચિત નથી.૨૯
આપણે તો બ્રાહ્મણ છીએ. ક્ષમાના ગુણથી આપણે જગતમાં પૂજનીય થયા છીએ. અને બ્રહ્માજી પણ ક્ષમા રાખવાથી જ સત્યલોકની પદવી પામ્યા છે. તેમજ ક્ષમા રાખવાથી સાક્ષાત્ ભગવાન શ્રીહરિ પ્રસન્ન થાય છે. પણ તે વિના બીજા કોઇ સાધનથી પ્રસન્ન થતા નથી. માટે હે પુત્ર ! તમે આ ઘોર પાપ કર્યું છે તેમાં કોઇ શંકાને સ્થાન નથી.૩૦-૩૧
કારણ કે રાજ્યાભિષેક થયેલા રાજાનો વધ બ્રહ્મહત્યા કરતાં પણ વધુ પાપવાળો દોષ કહેલો છે. તેથી તમે તત્કાળ તીર્થયાત્રા કરી તેનું પ્રાયશ્ચિત કરો.૩૨
હે મયારામ વિપ્ર ! આ પ્રમાણે પિતા જમદગ્નિનું વચન સાંભળી પુત્ર પરશુરામજી શાસ્ત્રવિધિને અનુસાર એક વર્ષની તીર્થયાત્રા કરી ફરી પોતાના આશ્રમમાં પધાર્યા.૩૩
ત્યારપછી કોઇ એકવખત પોતાના ભાઇઓની સાથે પરશુરામજી પોતાના આશ્રમથી બહાર વનમાં ગયા હતા. તે સમયે સહસ્રાર્જુન રાજાના પુત્રો અવકાશ જોઇ જમદગ્નિઋષિના આશ્રમમાં આવ્યા.૩૪
અતિ ક્રૂર સ્વભાવના તેઓએ અત્યંત આક્રંદ કરતાં જમદગ્નિનાં પત્ની રેણુકાદેવીની પણ પરવા કર્યા વિના જમદગ્નિમુનિનું મસ્તક કાપી તત્કાળ માહિષ્મતી નગરીમાં લઇ ગયા.૩૫
હે વિપ્રવર્ય ! માતાનું કરુણ આક્રંદ સાંભળી પરશુરામજી તત્કાળ દોડીને આશ્રમમાં આવ્યા અને ઉધ્ધત ક્ષત્રિયોનું આવું દુષ્ટકર્મ દેખી અતિશય ક્રોધાયમાન થયા. પછી માહિષ્મતી નગરી પ્રત્યે જઇ સહસ્રાર્જુન રાજાના પાંચહજાર પુત્રોનો વિનાશ કર્યો. તેમનાં લોહીની ઘોર નદી વહેવડાવીને તેઓનાં મસ્તકનો મોટો પર્વત જેવો ઢગલો કર્યો.૩૬-૩૭
ત્યારપછી ભગવાન પરશુરામે પિતાનું મસ્તક લાવી તેમને સજીવન કર્યા અને સપ્તર્ષિઓના મંડળમાં તેમને સ્થાન આપ્યું. પછી મહાકાળ જેવા ભયંકર અને મોટી પરશુને હસ્તમાં ધારણ કરનારા પરશુરામજી પૃથ્વીપર એકવીસ વાર પરિભ્રમણ કરી ધરતીને ક્ષત્રિય વગરની કરવાની ઇચ્છા કરી.૩૮-૩૯
હે વિપ્રવર્ય ! આ પ્રમાણે લોભથી જેની બુદ્ધિ વિનાશ પામેલી હતી એવા સહસ્રાર્જુન રાજા પુત્રોની સાથે વિનાશ પામ્યા અને સમસ્ત ક્ષત્રિયોના સંહારનું કારણ થયા, તેની કથા તમને મેં સંભળાવી. તેવી જ રીતે બીજા અનેક મુક્તો, સિદ્ધો, મહર્ષિઓ અને રાજાઓ પણ લોભથી મોટા વિનાશને પામ્યા છે.૪૦-૪૧
હે બુદ્ધિમાન વિપ્ર ! આ પ્રમાણે પોતાના હૃદયમાંથી લોભનો ત્યાગ નહીં કરવાથી વસિષ્ઠમુનિ અને સહસ્રાર્જુન રાજાની જે દશા થઇ તે મેં તમને કહી સંભળાવી. હવે કામથી પરાભવ પામેલા બ્રહ્મા અને સૌભરી આદિકની પુરાણોમાં પ્રસિદ્ધ કથા હું તમને કહું છું. તે તમે સ્થિરમન કરીને સાંભળો.૪૨
આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના દ્વિતીય પ્રકરણમાં લોભથી વસિષ્ઠમુનિ અને સહસ્રાર્જુન રાજા પરાભવ પામ્યાનું નિરૂપણ કર્યું એ નામે અગિયારમો અધ્યાય પૂર્ણ થયો. --૧૧--