અધ્યાય - ૨૪ - ખટ્વાંગરાજાના મુખે ભગવાન શ્રીહરિનાં જન્મથી લઇ સર્વે ચરિત્રોનું સંક્ષિપ્ત વર્ણન.
ખટ્વાંગરાજાના મુખે ભગવાન શ્રીહરિનાં જન્મથી લઇ સર્વે ચરિત્રોનું સંક્ષિપ્ત વર્ણન.
ખટ્વાંગરાજા કહે છે, હે અભયભૂપતિ ! ઉત્તર કૌશળદેશમાં અયોધ્યા પાસે એક છપૈયા નામે નાનું ગામ આવેલું છે. તે ગામમાં સાક્ષાત્ ધર્મના અવતાર અને અત્યંત સુબુદ્ધિમાન દેવશર્મા નામે વિપ્ર થયા તે સાવર્ણિગોત્રમાં જન્મ્યા હતા. તે સામવેદી અને સ્વધર્મનિષ્ઠ બ્રાહ્મણ હતા. તેઓને પતિવ્રતા ધર્મમાં નિષ્ઠાવાળાં ભક્તિદેવીનામે સુશીલ પત્ની હતાં.૧-૨
પત્ની ભક્તિદેવીની સાથે દેવશર્મા વિપ્રે વૃંદાવન તીર્થમાં અતિ મોટા વિષ્ણુયાગદ્વારા પરમ ભક્તિભાવથી અતિ આદરપૂર્વક વૃંદાવનવિહારી શ્રીકૃષ્ણનું આરાધન કર્યું. તેમના પર પ્રસન્ન થઇ સ્વયં ભગવાન આ પૃથ્વી પર એકાંતિક ધર્મની પ્રવૃત્તિ કરવા અને અધર્મનો ઉચ્છેદ કરવા તેમના થકી ભક્તિદેવીને વિષે પુત્રરૂપે પ્રગટ થયા.૩-૪
સર્વે મનુષ્યોના મનને પોતાની મૂર્તિમાં એકાએક આકર્ષણ કરી લેનારા અને ''હરિ'' નામથી વિખ્યાત થયેલા ભગવાન શ્રીહરિ બાલ્યાવસ્થાથી આરંભીને જ પોતાની કરુણામય દૃષ્ટિથી અનંત જીવાત્માઓને પાપમાંથી મુક્ત કર્યા.૫
હજુ દશ દિવસ પણ નો'તા થયા ત્યારે પોતાને મારવા આવેલ કોટરા આદિ કૃત્યાઓને દૃષ્ટિમાત્રથી બાળીને તે જ ક્ષણે ત્યાંથી નસાડી મૂકી. તેમજ ત્રણ વર્ષના બાળ શ્રીહરિએ કૃત્યાઓનું સર્જન કરનાર મહા અસુર કાલિદત્તને દૃષ્ટિમાત્રથી મોહ ઉપજાવી પૃથ્વીપર પડેલા અને તૂટેલા આંબાના વૃક્ષો સાથે આમ તેમ અથડાવી મરણને શરણ કર્યો.૬-૭
હે અભય ! પછી કૃત્યાઓ આદિ અસુરોના થતા વારંવારના ઉત્પાતોથી ભય પામી પિતા ધર્મદેવ પોતાના પુત્ર ભગવાન શ્રીહરિને અયોધ્યાપુરીમાં લાવ્યા અને પોતાના પૂર્વના મકાનમાં નિવાસ કરીને રહ્યા.૮
મનુષ્યનાટકનું અનુકરણ કરી પોતાના ઐશ્વર્યને છુપાવતા ઉદારબુદ્ધિવાળા ભગવાન શ્રીહરિ પોતાનાં બાળચરિત્રોથી સમસ્ત અયોધ્યાવાસી જનોને આનંદ ઉપજાવ્યો.૯
પછી પૌગંડ અવસ્થામાંજ તે સર્વ સાધુગુણે સંપન્ન થયા. ત્યારે પિતા ધર્મદેવે તેમનો વિધિ પ્રમાણે ઉપનયન સંસ્કાર કર્યો અને સંસ્કાર પ્રાપ્ત થતાં શ્રીહરિ પણ નૈષ્ઠિક બ્રહ્મચર્યવ્રતનું પાલન કરવા લાગ્યા.૧૦
હે અભય ! પોતાના જ ભવનમાં નિવાસકરી ભગવાન શ્રીહરિએ વિદ્યાગુરુ એવા પિતા ધર્મદેવને અત્યંત વિસ્મય પમાડી અલ્પકાળમાંજ સમસ્ત વેદાદિ સત્શાસ્ત્રોનો અભ્યાસ પૂર્ણ કર્યો.૧૧
ત્યારપછી અગિયાર વર્ષની વય પ્રાપ્તથતાં સકલ ઐશ્વર્યે સંપન્ન ભગવાન શ્રીહરિ જનની ભક્તિદેવીને અને જનક ધર્મદેવને દિવ્યગતિ આપી ઘરમાંથી વૈરાગ્ય પામી વનની વાટ લીધી.૧૨
પૃથ્વીપર પુલહાશ્રમાદિ તીર્થોમાં વિચરણ કરતા કરતા સ્વયં શ્રીહરિએ ધર્મોનું આચરણ કરી નૈષ્ઠિક બ્રહ્મચારીઓને તેમનો નૈષ્ઠિક બ્રહ્મચર્યવ્રતના ધર્મોનું શિક્ષણ આપ્યું.૧૩
હે અભય ! ભગવાન શ્રીહરિએ ઉગ્ર તપશ્ચર્યા કરી તપસ્વીઓને તપ કરવાની રીતિ દેખાડી અને અષ્ટાંગયોગની સાધના કરી યોગીજનોને અષ્ટાંગયોગ સાધનાની રીતિ શીખવાડી.૧૪
ત્યારપછી શ્રીહરિએ સિરપુર શહેરમાં સિદ્ધાઇનું અભિમાન ધરાવતા શક્તિપંથી સિદ્ધોનો ગર્વ હર્યો અને હાથી આદિનું મહાદાન સ્વીકારવાથી શ્યામવર્ણના થઇ ગયેલા તૈલંગદેશના વિપ્રને કરુણામય દૃષ્ટિથી પુનઃ ગૌરવર્ણવાળો કર્યો.૧૫
તથા હજારો વીરવિદ્યાના ઉપાસકો, કૃત્યાઓના ઉપાસકો અને મહાકાલીના ઉપાસકો એવા પિબેક આદિકનો પરાભવ કરી પોતાને શરણે આવેલા હજારો આશ્રિતોને પાપના પંથથી પાછા વાળ્યા.૧૬
હે અભય ! ભગવાન શ્રીહરિ જગન્નાથપુરીને વિષે દુષ્ટ કર્મ કરવામાં આસક્ત દશ હજાર અસુરોમાં પરસ્પર પોતાની માયાથી મોહ ઉપજાવી તેઓનો વિનાશ કર્યો.૧૭
અને માનસપુરને વિષે રહેતા ધર્મના દ્રોહી એકહજાર જેટલા અસુરોનો ધર્મમાર્ગનું રક્ષણ કરવા માટે સત્રધર્મારાજા દ્વારા વિનાશ કરાવ્યો.૧૮
આમ અનેક તીર્થોમાં વિચરણ કરતા ભગવાન શ્રીહરિએ તે તે તીર્થોમાં નિવાસ કરીને રહેલા અનંત જીવોને પોતાનાં દર્શન, સ્પર્શ અને ભાષણાદિનું સુખ આપી સંસારમાંથી મુક્ત કર્યા.૧૯
આ પ્રમાણે ભગવાન શ્રીહરિ પૃથ્વીપર રહેલા અધર્મનો ઉચ્છેદ કરી ધર્મનું સ્થાપન કરતા કરતા સૌરાષ્ટ્રપ્રાંતમાં આવેલ લોજપુર ગામે પધાર્યા.૨૦
એ લોજપુરમાં કૃષ્ણ ભક્તિનું પ્રવર્તન કરી રહેલા વૈષ્ણવાચાર્યોમાં અગ્રેસર ઉધ્ધવાવતાર શ્રીરામાનંદ સ્વામીના શિષ્યો મુક્તાનંદ સ્વામી આદિ સંતો રહેતા હતા તેમણે ભગવાન શ્રીહરિનું સ્વાગત કરી ત્યાં રોક્યા.૨૧
સર્વ કરતાં અધિક શ્રેષ્ઠ એવા ધર્મ, જ્ઞાન, તપ, યોગ, વિદ્યા, વૈરાગ્ય અને ભક્તિ આદિક અનંત સદ્ગુણોથી સંપન્ન એવા ભગવાન શ્રીહરિએ તેવા જ ધર્મવાળા મુક્તાનંદ સ્વામી આદિ સંતોને બહુ જ આશ્ચર્ય ઉપજાવ્યું.૨૨
હે અભય ! ત્યારપછી ભગવાન શ્રીહરિ મુક્તાનંદ સ્વામી આદિ સંત મંડળની સાથે પિપલાણા ગામે પધાર્યા. ત્યાં હજારો શિષ્યોની વચ્ચે શોભતા આચાર્યશ્રી ઉધ્ધવાવતાર રામાનંદ સ્વામી સાથે મિલન થયું.૨૩
સ્વયં ભગવાન શ્રીહરિ સર્વે ગુરુઓના પણ ગુરુ હોવા છતાં આ પૃથ્વીપર દીક્ષાગ્રહણની રીતિ પ્રવર્તાવવાને માટે ગુરુ શ્રીરામાનંદ સ્વામી થકી વૈષ્ણવી મહાદીક્ષાનો સ્વીકાર કર્યો.૨૪
અને સદ્ગુરુ શ્રીરામાનંદ સ્વામીએ ભગવાન શ્રીહરિનાં અતિ હર્ષપૂર્વક ''સહજાનંદ સ્વામી'' અને ''નારાયણમુનિ'' એવાં બે સાર્થક નામ રાખ્યાં.૨૫
પછી સદ્ગુરુ શ્રીરામાનંદ સ્વામી સમગ્ર સદ્ગુણોથી સંપન્ન એવા તેમને પોતાની ધર્મધુરા સોંપી ટૂંક સમયમાં જ ભગવાનના ધામમાં સિધાવ્યા.૨૬
હે અભયનૃપ ! સમગ્ર ગૃહસ્થભક્તો તથા ત્યાગી સંતો ભગવાન શ્રીહરિના ગુરુભાઇઓ હતા, છતાં શિષ્યોની જેમ તેમની આજ્ઞામાં નિરંતર વર્તવા લાગ્યા.૨૭
ત્યારપછી શ્રીહરિ પૃથ્વીપર ભાગવતધર્મના પ્રવર્તનને અર્થે વિચરણ કરતા કરતા પ્રથમ સંવત ૧૮૫૮ ના પોષ સુદિ પૂનમના દિવસે સમુદ્ર કિનારે આવેલા માંગરોળપુરમાં પધાર્યા.૨૮-૨૯
ત્યાં દૈવી જીવાત્માઓનું અધર્મ થકી રક્ષણ કરવા પોતાના અલૌકિક પ્રતાપનું દર્શન કરાવી વેદોક્ત સનાતન ધર્મનું પ્રવર્તન કરતા કરતા ભગવાન શ્રીહરિ ત્યાં આઠ માસ પર્યંત નિવાસ કરીને રહ્યા.૩૦
તે માંગરોળપુરમાં ભગવાન શ્રીહરિએ મીઠા જળની મોટી વાવ ગળાવી. તેના પૂર્તકર્મમાં મહામોટો વિષ્ણુયાગ ઉત્સવ ઉજવ્યો. તેમાં પોતાનું ચતુર્ભુજ વિષ્ણુરૂપનું બ્રાહ્મણોને દર્શન કરાવ્યું. ત્યારે બ્રાહ્મણોએ ભગવાન શ્રીહરિની અતિ હર્ષપૂર્વક વૈદિક મંત્રોથી સાક્ષાત્ ભગવાનપણે પૂજા કરી.૩૧
ત્યારપછી માંગરોળપુરમાં મોટો જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવ્યો. તે ઉત્સવમાં પણ દેશાંતરોમાંથી આવેલા સર્વે જનોને પોતાનાં અલૌકિક દિવ્ય કૃષ્ણસ્વરૂપનું દર્શન કરાવ્યું.૩૨
તે સમયે સદ્ગુરુ શ્રીરામાનંદસ્વામીના શિષ્યો મુક્તાનંદ સ્વામી વગેરે ભગવાન શ્રીહરિને પોતાના ઇષ્ટદેવ રાધિકાપતિ શ્રીકૃષ્ણ ભગવાન પ્રત્યક્ષ પધાર્યા છે, એમ નિશ્ચય કરી તેમનો આશરો કરી તેમનું જ ત્યારથી ભજન સ્મરણ કરવા લાગ્યા.૩૩
અને બીજા અનેક મુમુક્ષુ નરનારીઓ પણ ભગવાન શ્રીહરિનું શરણું સ્વીકારી પરમ આદરથી તેમનું જ ભજન સ્મરણ કરવા લાગ્યા.૩૪
હે નિષ્પાપ અભયરાજા ! તે અવસરે હું પણ તે સભામાં ઉપસ્થિત હતો. મને પણ તેનું સાક્ષાત્ દર્શન થયું તેથી આ શ્રીહરિ છે તેજ સાક્ષાત્ શ્રીકૃષ્ણ છે, એમ મનથી નિશ્ચય કરી તેમનો આશ્રય કર્યો, અને ત્યારથી તેમનું જ ભજન-સ્મરણ કરું છું.૩૫
તેણે પોતાનું અલૌકિક ઐશ્વર્ય દર્શાવી હજારો નરનારીઓને સમાધિદ્વારા તેમની પ્રાણવૃત્તિનો નિરોધ પોતાની મૂર્તિને વિષે કરાવ્યો.૩૬
એ સમાધિની સ્થિતિ પ્રાપ્ત કરવામાં કેટલાક જનો અધિકારી હતાં અને કેટલાક અનધિકારી હતાં, છતાં વર્ષાઋતુના મેઘની સમાન નિષ્પક્ષપાતી ભગવાન શ્રીહરિએ યોગ્યાયોગ્યનો ભેદ રાખ્યા વિના સર્વેને સમાધિ કરાવી.૩૭
તેમાં ભગવાન શ્રીહરિનાં અદ્ભૂત ઐશ્વર્યને નિહાળી સર્વેજનો બહુજ આશ્ચર્ય પામ્યા. ત્યારપછી ભગવાન શ્રીહરિનો આશ્રય કરી ધર્મમાર્ગમાં વર્તવા લાગ્યાં.૩૮
અને સર્વમતવાદીઓને પણ પોતપોતાના ઇષ્ટદેવરૂપે દર્શન આપ્યાં અને તેઓ પણ અતિ આશ્ચર્ય પામી પોતપોતાના મતનો ત્યાગ કરી ભગવાન શ્રીહરિનો અનન્ય ભાવે આશ્રય કરવા લાગ્યા.૩૯
વળી સકલ ઐશ્વર્ય સંપન્ન શ્રીહરિએ કાલવાણી ગામમાં સમગ્ર જનોને તેમના સર્વ સંશયો દૂર કરવા માટે સમાધિ કરાવવારૂપ બહુ પ્રકારનાં અલૌકિક યોગૈશ્વર્યનાં દર્શન કરાવ્યાં.૪૦
હે અભયનૃપ ! આ રીતે ભગવાન શ્રીસ્વામિનારાયણ સાધન સંપત્તિ વિના માત્ર કૃપા દૃષ્ટિથી પોતાના હજારો ભક્તોને સમાધિમાં સ્વતંત્રતા અર્પણ કરી અને ઓજસ્વતીનદીને તીરે છ મહિના સુધીનો મહામોટો વિષ્ણુયાગ ઉત્સવ ઉજવી તેમાં બ્રાહ્મણોને ઇચ્છિત ભોજનો જમાડી તૃપ્ત કર્યા.૪૧-૪૨
અને વર્ષાઋતુના જળની માફક કોઇ પણ જાતનો પક્ષપાત કર્યા વિના ઉદાર હાથે બ્રાહ્મણોને સોના, રૂપા આદિ દ્રવ્યો, રથ, ઘોડા આદિ વાહનો અને મહામૂલાં વસ્ત્રોનાં ઘણાં બધાં દાન અર્પણ કર્યાં.૪૩
હે માનદ ! આવા ભગવાન શ્રીહરિ પોતાના ભક્તોનાં ગામે ગામ મોટા મોટા ઉત્સવો ઉજવી અત્યારે સરધારપુરમાં આવીને વિરાજે છે.૪૪
ત્યાં વિશાળ ભક્તજનોની સભાને મધ્યે મેં ઊભા થઇ બે હાથ જોડી મારે ગામ કારિયાણી આવવાની પ્રાર્થના કરી. ત્યારે તેમણે કાર્તિકી પૂનમ ઉપર કારિયાણી આવવાની પ્રતિજ્ઞા કરી છે. અને તે ચોક્કસ મારે ગામ પધારવાના છે.૪૫
તે અત્યારે નારાયણમુનિ, સહજાનંદ સ્વામી, સ્વામિનારાયણ અને સ્વામી એવા નામે જગતમાં પ્રસિદ્ધિ પામેલા છે. તેમના ગુણ અને ચરિત્રો આધારિત બીજાં હરિકૃષ્ણ, હરિ, કૃષ્ણ, નીલકંઠ આદિ મંગળકારી અનંત નામો રહેલાં છે.૪૬-૪૭
હે અભય ! હજારો ત્યાગી એવા બ્રહ્મચારી, સાધુઓ તથા હજારો ગૃહસ્થ ભક્તજનો તથા હજારો સ્ત્રી ભક્તજનો પોતપોતાના ધર્મમાં દૃઢ રહી ભક્તિભાવ પૂર્વક તે ભગવાન શ્રીહરિની સેવાપૂજા કરે છે.૪૮
દિવ્યદેહધારી સાક્ષાત્ ધર્મ પણ પોતાનાં પત્ની ભક્તિદેવી તથા જ્ઞાન, વૈરાગ્યાદિ પુત્ર પરિવારની સાથે રહી શ્રીસ્વામિનારાયણ ભગવાનની સેવાપૂજા કરે છે. ભગવાન શ્રીહરિની ઇચ્છાથી કોઇક જ પુણ્યશાળી ભક્તજનોને તેમનાં દિવ્ય સ્વરૂપનાં દર્શન થાય છે. એમ મારા સાંભળવામાં આવ્યું છે.૪૯
હે અભયરાજા ! તે સ્વામિનારાયણ ભગવાન કોઇ ભક્તજનોને ગોલોકધામ તથા તેને વિષે રહેલાં રાધિકા તથા નંદ, સુનંદ, શ્રીદામા આદિક પાર્ષદોએ સહિત તથા ધામનાં સકલ ઐશ્વર્યોએ સહિત પોતાનું શ્રીકૃષ્ણ સ્વરૂપનું દિવ્ય દર્શન આપે છે.૫૦
વળી કોઇ કોઇ ભક્તોને વૈકુંઠધામે સહિત તેને વિષે વિરાજમાન લક્ષ્મીજી તથા ગરુડજી વિગેરે પાર્ષદોએ સહિત વિષ્ણુસ્વરૂપે પોતાનું અલૌકિક દર્શન આપે છે.૫૧
તેમજ કોઇ કોઇ ભક્તોને અતિશય તેજોમય શ્વેતદ્વીપધામ અને તેને વિષે વિરાજમાન નિરન્નમુક્તોએ સહિત મહાપુરુષરૂપે પોતાનું દર્શન આપે છે.૫૨
વળી કેટલાક ભકતોને અવ્યાકૃતધામ તથા લક્ષ્મીઆદિ શક્તિઓ તથા સુનંદ આદિ પાર્ષદોએ સહિત ભૂમાપુરુષરૂપે પોતાનું દિવ્ય દર્શન આપે છે.૫૩
તથા કોઇક ભક્તજનોને બદરિકાશ્રમધામ તથા તેને વિષે રહેલા તપોનિષ્ઠ અનેક મુનિઓએ સહિત શ્રીનરનારાયણસ્વરૂપે પોતાનું દિવ્ય દર્શન આપે છે.૫૪
તેમજ કોઇ કોઇ ભક્તજનોને ક્ષીરસાગર તથા તેને વિષે વિરાજમાન શેષ અને લક્ષ્મીએ સહિત યોગેશ્વરસ્વરૂપે પોતાનું દિવ્ય દર્શન આપે છે.૫૫
હે અભયનૃપ ! સંતોના સ્વામી ભગવાન શ્રીહરિ વળી કોઇ કોઇ ભક્તજનોને સૂર્યમંડળે સહિત વિરાજમાન હિરણ્યમય પુરુષરૂપે પોતાનું અલૌકિક દર્શન આપે છે.૫૬
આવી રીતે ભક્તવત્સલ ભગવાન શ્રીહરિ કોઇ કોઇ ભક્તજનોને અગ્નિમંડળે સહિત તેમાં વિરાજમાન યજ્ઞાનારાયણ સ્વરૂપે પોતાનું અલૌકિક દર્શન આપે છે.૫૭
તે કારણથી ભગવાન શ્રીસ્વામિનારાયણ છે તે જ સાક્ષાત્ ભગવાન છે. જગતના સ્વામી છે. તેમનાથી કોઇ પર નથી, શ્રેષ્ઠ પણ નથી. તે જ સર્વે કારણના કારણ પરમેશ્વર છે. એમ મેં સત્શાસ્ત્રોને અનુરૂપ નિશ્ચય કર્યો છે.૫૮
હે અભયનૃપ ! તે ભગવાન શ્રીહરિ અષ્ટાંગયોગના અભ્યાસ વિના પણ નાડીપ્રાણનો નિરોધ કરાવી સમાધિમાં પોતાનું આવું દિવ્ય દર્શન આપે છે. તેથી સર્વે મનુષ્યો અતિશય આશ્ચર્ય પામે છે. અને તે મનુષ્યોની મધ્યે જે મુમુક્ષુઓ હોય છે, તે સર્વે તેમનું ભજન સ્મરણ કરે છે.૫૯-૬૦
હે ભાગ્યશાળી અભયનૃપ ! આ અખિલ ભૂમંડળમાં ભગવાન શ્રીહરિનો બીજો ઘણો બધો પ્રતાપ પ્રસિદ્ધ છે જેનો સર્વે મનુષ્યો પ્રત્યક્ષ અનુભવ કરે છે. તે તમને સંભળાવું છું.૬૧
હે અભયનૃપ ! આ પૃથ્વી પર ભગવાન શ્રીહરિનું ભજન સ્મરણ કરતા કોઇ જ્ઞાની, અજ્ઞાની, બાળક, યુવાન, વૃદ્ધ તેમજ નર, નારી અને નપુંસક હોય તે સર્વેને પ્રત્યક્ષ ભગવાન શ્રીહરિનું દર્શન કરવાનું કે સેવન કરવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું હોય કે ન થયું હોય છતાં કેવળ શ્રીહરિના સંતો કે ભક્તોના વચનોમાં વિશ્વાસ રાખી મહિમાએ સહિત નિશ્ચય કર્યો હોય કે આ શ્રીહરિ છે તે જ સાક્ષાત્ ભગવાન છે. અને પછી તેનું ભજન, સ્મરણ કરતા હોય તો એવા સર્વે ભક્તજનોને અંત સમયે કોઇ પણ જાતની પીડાનો અનુભવ થયા વિના વિમાનમાં બેઠેલા પાર્ષદોએ સહિત ભગવાન શ્રીહરિનું દિવ્ય દર્શન થાય છે.૬૨-૬૪
અને શ્રીહરિની સાથે આવેલા પાર્ષદો તેમને અલૌકિક અને આશ્ચર્યકારી તે દિવ્ય વિમાનમાં બેસારી યોગીજનોને પ્રાપ્ત કરવા યોગ્ય ભગવાનનાં ધામમાં સાથે લઇ જાય છે.૬૫
એ સમયે કેવળ શરીરનો ત્યાગ કરનારાઓને જ દર્શન થાય એમ નથી, તે સિવાયના તેમની સમીપે રહેલા અન્ય ભક્તજનો અને અભક્તોને પણ ભગવાન શ્રીહરિનું સાક્ષાત્ દર્શન થાય છે.૬૬
ત્યારે બુદ્ધિમાન મનુષ્યો પણ આશ્ચર્ય પૂર્વક ભગવાન શ્રીહરિનાં દર્શન કરી આ પરમેશ્વર છે કે નહિ એવા પ્રકારના સંશયોને છોડીને તત્કાળ તેમનો આશ્રય કરે છે.૬૭
પરમેશ્વર સિવાય આવા પ્રકારનું સામર્થ્ય કે ઐશ્વર્ય અન્ય કોઇ દેવ મનુષ્યાદિકમાં સંભવે નહિ તેથી તમે પણ ભગવાન શ્રીહરિ છે તે સાક્ષાત્ શ્રીકૃષ્ણ જ છે એમ દૃઢ નિશ્ચય કરો અને તમો સર્વે તમારાં હૃદયમાં તેમનું ધ્યાન કરો. જેથી તમારાં હૃદયમાં તે પ્રત્યક્ષ ભગવાન શ્રીહરિનાં ચોક્કસ દર્શન થશે. તેમાં કોઇ જાતનો સંશય નથી.૬૮-૬૯
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણેનાં ખટ્વાંગ રાજાનાં વચનો સાંભળી અભયરાજા અને તેનાં સર્વે સંબંધીજનો આ શ્રીહરિ છે તે જ સાક્ષાત્ શ્રીકૃષ્ણ ભગવાન છે. એવો દૃઢ નિશ્ચય કર્યો.૭૦
હે પ્રતાપસિંહ રાજન્ ! અભયરાજા અને તેના પરિવારનાં સર્વેજનો પ્રસન્ન થઇ ખટ્વાંગ રાજાની ખૂબજ પ્રશંસા કરવા લાગ્યાં. ત્યારપછી સર્વેની સંમતિથી અભયરાજા ફરી ખટ્વાંગ રાજાને પૂછવા લાગ્યા.૭૧
હે ખટ્વાંગ રાજર્ષિ ! તમે જે ભગવાનનું પ્રાગટય સંબંધી વૃત્તાંત કહ્યું તે સર્વે સત્ય છે. તમે ધન્ય છો. કારણ કે તમને પ્રગટ ભગવાનનાં દર્શન થયાં છે. અને શાસ્ત્રોના આધારે તેમનો અંતરમાં નિશ્ચય પણ કર્યો છે.૭૨
આજથી આરંભીને અમે સર્વે ભગવાન શ્રીહરિનાં છીએ એ નિશ્ચય વાત છે. હે રાજર્ષિ ! તેમના ધ્યાનની તમે જે વાત કરી તે ધ્યાન અમારે કેમ કરવું ? તે અમને કહો.૭૩
સુવ્રતમુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન્ ! આવી રીતે અતિ આદરપૂર્વક અભયરાજાએ જ્યારે વિનંતી કરી ત્યારે ભગવાન શ્રીકૃષ્ણનાં ચરણકમળને વિષે ભ્રમરની પેઠે આસક્ત થયેલા ચિત્તવાળા અને નૈષ્ઠિક બ્રહ્મચારી એવાં ખટ્વાંગ રાજા અતિશય હર્ષ પામ્યા અને પરિવારે સહિત અભયરાજાને પ્રસન્ન કરવા ભગવાન શ્રીહરિના ધ્યાનનો પ્રકાર કહેવાનો આરંભ કર્યો.૭૪
આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના દ્વિતીય પ્રકરણમાં ખટ્વાંગરાજાના મુખે કહેવાયેલાં ભગવાન શ્રીહરિનાં ચરિત્રોનું સંક્ષેપથી વર્ણન કર્યું એ નામે ચોવીસમો અધ્યાય પૂર્ણ થયો. --૨૪--