અધ્યાય - ૪૪ - ભગવાન શ્રીહરિનું શ્રીનગર (અમદાવાદ) શહેરમાં આગમન.
ભગવાન શ્રીહરિનું શ્રીનગર (અમદાવાદ) શહેરમાં આગમન. મોટી સત્સંગસભાનું આયોજન. સમાધિરૃપ ઐશ્વર્યનું પ્રકાશન. લોકો દ્વારા સમાધિદશાની પરીક્ષા. સમાધિમાંથી જાગ્રતજનો દ્વારા શ્રીહરિનું ઐશ્વર્યવર્ણન. વિદ્વાનોએ સમાધિ સાચી માની. આરતીપદ.
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! ભગવાન શ્રીહરિ વિસનગર અને વડનગરના હરિભક્તોને સુખ આપી તેમને પૂછીને શ્રાવણસુદ પાંચમની તિથિએ ત્યાંથી વિદાય થયા. અતિશય સ્નેહને લીધે પાછળ આવતા બન્ને પુરવાસી ભક્તજનોને પાછા વાળી માર્ગમાં આવતાં ગામો તથા નગરોના ભક્તજનોને સુખ આપતા શ્રીનગર શહેરમાં પધાર્યા.૧-૨
સૌના અતિશય વ્હાલા ભગવાન શ્રીહરિ આપણા પુર પ્રત્યે પધારે છે એવા શુભ સમાચાર સાંભળતાંની સાથે જ શ્રીનગર નિવાસી સર્વે ભક્તજનો અનેક પ્રકારનાં વાજિંત્રોનો નાદ કરતા કરતા વિવિધ પ્રકારના રથ, પાલખી આદિ વાહનો લઇ તેમની સન્મુખ ગયા, તે સમયે શ્રીનગરથી અર્ધા કોશ દૂર એક શોભાયમાન સુંદર ચાલવાળા ઊંચા અશ્વ ઉપર બિરાજમાન થયેલા શ્રીહરિનાં દર્શન થતાં સર્વે ભક્તજનોનાં નેત્રોમાંથી પ્રેમનાં અશ્રુઓ પડવા લાગ્યાં ને સૌ તત્કાળ શ્રીહરિને દંડવત્ પ્રણામ કરવા લાગ્યા.૩-૪
હે રાજન્ ! તે સમયે ભગવાન શ્રીહરિ પણ નજીક આવી સૌ ભક્તજનોને યથાયોગ્ય સન્માન આપી આવકાર્યા. ત્યારે સૌએ અતિ આદરથી શ્રીહરિને શિબિકામાં બેસાર્યા અને તેમની સાથે આવેલા સંતોને રથ આદિ વાહનોમાં બેસાર્યા.૫
હે રાજન્ ! અતિશય આનંદીત સર્વે ભક્તજનો વિવિધ પ્રકારનાં વાજિંત્રો વગાડવા લાગ્યા અને શ્રીહરિના ગુણોનાં ચરિત્રોનું ઉચ્ચસ્વરે ગાન કરી આગળ ચાલવા લાગ્યા, એમ કરતાં સર્વે જનોએ શ્રીનગર શહેરમાં પ્રવેશ કર્યો. મુનિ મંડળે સહિત ભગવાન શ્રીહરિ શ્રીનગરના નવાવાસમાં પધાર્યા ત્યાં સૌ જનો તેઓને અતિ ઊંચા નવા ભવનોમાં નિવાસ કરાવ્યો અને અતિ આદરપૂર્વક આતિથ્ય સત્કાર કર્યો.૬-૭
હે રાજન્ ! શ્રીનગર શહેરના નવાવાસની જે પોળમાં ઉતારો કરાવેલો તે પોળની જગ્યાને અત્યારે પણ લોકો 'નવાવાસ' તરીકે કહે છે.૮
ભગવાન શ્રીહરિ તથા સંતો પાર્ષદો પધાર્યા ત્યારથી શ્રીનગર નિવાસી ભક્તજનો તેઓને બહુ પ્રકારનાં ભક્ષ્ય, ભોજ્ય, લેહ્ય અને ચોશ્ય ભોજનવડે નિરંતર તૃપ્ત કરતા હતા.૯
સર્વે ભક્તજનોએ પોતપોતાના ભવનમાં શ્રીહરિની પધરામણી કરાવી ચંદન, પુષ્પોના હાર, અમૂલ્ય વસ્ત્રો અને આભૂષણો તથા દ્રવ્ય અર્પણ કરી પૂજન કર્યું.૧૦
મોટી સત્સંગસભાનું આયોજન :-- હે રાજન્ ! શ્રીસ્વામિનારાયણ ભગવાને ભક્તિ માર્ગનું પોષણ કરવા સંવત ૧૮૬૬ ના શ્રાવણ વદી જન્માષ્ટમીને દિવસે બહુ પ્રકારની સામગ્રીથી અમદાવાદના હરિભક્તો પાસે કૃષ્ણ જન્મનો મોટો ઉત્સવ ઉજવાવ્યો.૧૧
અને મોટા ચક્રવર્તી રાજાની જેમ તે ઉત્સવના બીજા દિવસે પારણામાં હજારો બ્રાહ્મણોને ઇચ્છિત ભોજનો જમાડી તૃપ્ત કર્યા, તથા તેઓને બહુ પ્રકારની દક્ષિણાઓ આપી રાજી કર્યા.૧૨
ત્યારપછી તે નગરને વિષે એકાદશીને દિવસે વિશાળ સભા કરી. તે સભામાં પુરુષો અને સ્ત્રીઓ પોતપોતાનાં યથાયોગ્ય સ્થાને આવીને બેઠાં.૧૩
તેમજ વર્ણીઓ, સંતો, પાર્ષદો અને ગૃહસ્થ ભક્તજનો પણ તે સભામાં મર્યાદા પ્રમાણે બેઠા.૧૪
શ્રીનગરનિવાસી નથુભટ્ટ વગેરે પુરુષો અને ગંગાબા આદિ સ્ત્રીઓ વગેરે હજારો ભક્તજનો પણ તે સભામાં સુખપૂર્વક બેઠાં.૧૫
તે સમયે શ્રીહરિના આશ્રિત નહિ એવાં હજારો નરનારીઓ હાસ્ય વિનોદ કરતાં કરતાં કુતૂહલ જોવાને માટે ત્યાં આવી શ્રીહરિને પ્રણામ કર્યા વિના સભાની ચારે બાજુ ઊભાં રહ્યાં.૧૬
હે રાજન્ ! ઊભા રહેલા જનોમાં સેંકડો બ્રાહ્મણો હતા કે જેઓ વેદાંતશાસ્ત્રીઓ હતા. તેમજ ન્યાય અને વ્યાકરણ શાસ્ત્રના પણ વિશારદ હતા. તેમજ ઘણા બધા વિપ્રો તો પૂર્વમીમાંસા, યોગશાસ્ત્ર, કાવ્યાલંકાર અને વૈદિક કર્મકાંડમાં નિપુણ હતા. કેટલાક પંચરાત્ર આદિક તન્ત્ર શાસ્ત્રોમાં અને શ્રીમદ્ ભાગવતાદિ પુરાણોમાં પણ પ્રવીણ હતા.૧૭-૧૮
હે રાજન્ ! આ પ્રમાણે સભામાં આવેલા તે પુરુષો અને સ્ત્રીઓમાં કોઇ કોઇ પોતાની ડોક અને દૃષ્ટિ ઊંચી રાખીને બેઠાં હતાં અને કોઇ ઊભાં રહ્યાં હતાં.૧૯
હે ભૂપતિ ! તે સમયે સભાની મધ્યે ઊંચા સિંહાસન પર સ્વયં ભગવાન શ્રીહરિ બિરાજી રહેલા છે અને સભામાં બેઠેલા સમસ્ત સંતો, ભક્તો તેમનાં મુખકમળ સામે એકાગ્ર દૃષ્ટિથી નિહાળી રહ્યા છે.૨૦
સમાધિરૂપ ઐશ્વર્યનું પ્રકાશન :-- હે રાજન્ ! અતિશય સ્નેહની સાથે ભગવાન શ્રીહરિનાં દર્શન કરી રહેલા કેટલાક સંતો, ગૃહસ્થ ભક્તો અને સ્ત્રીઓને શ્રીનારાયણમુનિની કૃપાથી કોઇ સાધનસંપત્તિ વિના તત્કાળ સમાધિ થઇ. તે હજારો નરનારીઓને સમાધિમાં ભગવાન શ્રીહરિનાં ગોલોકાદિ જુદાં જુદાં ધામોમાં દર્શન થયાં.૨૧-૨૨
સમાધિ સ્થિતિને પામેલા હજારો સ્ત્રી પુરુષોનાં નેત્રો નિર્નિમેષ થયાં. તેમજ તેઓ કાષ્ઠ તથા પાષણની મૂર્તિની જેમ ચેષ્ટા રહિત સ્થિર બેઠા રહ્યા. અને જે ઊભા હતા તે થાંભલાની જેમ સ્થિરને સ્થિર ઊભા જ રહ્યા. તે સમયે તે સર્વે સમાધિસ્થ જનોની કાંતિ સુવર્ણ અને ચંપાના પુષ્પની જેમ ચળકતી હતી.૨૩-૨૪
હે રાજન્ ! સમાધિનિષ્ઠ નરનારીઓને આત્મસ્વરૂપમાં પ્રાણવૃત્તિનો નિરોધ થયો હોવાથી કોઇ કોઇ બહાર જોતા હોય તેમ તેની નાસાગ્રવૃત્તિ સ્થિર જણાતી હતી. તો કોઇ કોઇની વૃત્તિ અંતર સન્મુખ થયેલી જણાતી હતી.૨૫
આવી સમાધિદશા પામેલા જનોને જોઇને કુતૂહલ જોવા આવેલાં સર્વે જનો અતિશય વિસ્મય પામી ગયાં. તેમાં કેટલાક ભગવાનનો મહિમા જાણનારા ભક્તો હતા તે, આ શ્રીનારાયણમુનિનોજ પ્રતાપ છે, એમ જાણવા લાગ્યા.૨૬
અને કેટલાક પુરવાસી જનોમાં શાસ્ત્રોને જાણનારા બ્રાહ્મણો હતા તે અસદ્ બુદ્ધિવાળા હોવાથી આવા પ્રકારની સમાધિને જોઇને એક પ્રકારનું કપટ છે એમ માનવા લાગ્યા. અને આતો પોતાના સંપ્રદાયની ખ્યાતિ માટે આ સ્વામિનારાયણીયા કપટથી સમાજને છેતરવા દંભ કરી રહ્યા છે એમ બોલતા હતાં. કેટલાક કુમતિજનો સમાધિમાં ગયેલા જનોની પરીક્ષા કરવા લાગ્યા.૨૭-૨૮
લોકો દ્વારા સમાધિદશાની પરીક્ષા :-- તેમાંથી કેટલાક નાડી પારખું વૈદ્યો હતા તે સમાધિમાં ગયેલાના હાથની નાડી પારખી પરીક્ષા કરવા લાગ્યા. કેટલાક સમાધિવાળાના પગ વગેરે અંગો ઉપર બળતો અગ્નિ નાખવા લાગ્યા.૨૯
વૈદ્યો વારંવાર નાડી તપાસે અને અન્ય જનો શરીર ઉપર બળતો અગ્નિ મૂકે, છતાં નાડી હાથમાં ન આવતાં વૈદ્યો અને અગ્નિ મુકનારાઓ અતિશય વિસ્મય પામી ગયા.૩૦
હે રાજન્ ! બીજા કેટલાક દુષ્ટજનો હતા તે સમાધિમાં ગયેલા જનોનાં અંગને છરી આદિક શસ્ત્રો વડે કાપતા હોવા છતાં તેમને કોઇ ક્ષોભ નહીં થયેલો જોઇને મનમાં ભય પામી અતિશય વિસ્મય પામી ગયા.૩૧
ત્યારે પોતાના આવાં અનૈતિક કૃત્યોથી ભય પામેલા તે દુષ્ટજનો એક બીજા સામે પરસ્પર જોવા લાગ્યા ને મનમાં પોતાને અપરાધી માનવા લાગ્યા. અને ભગવાન શ્રીહરિને સાક્ષાત્ યોગેશ્વર પરમાત્મા માનવા લાગ્યા.૩૨
પરીક્ષા કરનારા બ્રાહ્મણો પોતાના મનમાં ચાલતો અભિપ્રાય અને શંકાઓને શ્રીનારાયણમુનિને પૂછવા માટે શ્રીહરિની આગળ જ બેઠેલા ભક્ત નથુભટ્ટ વિપ્રને પ્રેરણા કરી.૩૩
તે ભટ્ટ પણ કુમતિ વિપ્રોનો હૃદયગત અભિપ્રાય જાણી તેમને નિઃસંશય કરવા માટે જ યોગેશ્વર પરમાત્મા ભગવાન શ્રીનારાયણમુનિને પ્રણામ કરી બે હાથ જોડી વિનયથી પૂછવા લાગ્યા કે, હે ભગવાન ! આ શાસ્ત્રવેત્તા સર્વે વિદ્વાન વિપ્રો સમાધિમાં ગયેલા ભક્તજનોને જોઇ મનમાં અત્યંત વિસ્મય પામ્યા છે. તેથી તેઓ મારા મુખે તમને પ્રશ્નો પૂછી કંઇક જાણવા માગેછે.૩૪-૩૫
હે શ્રીહરિ ! આ પૃથ્વી ઉપર આજ દિવસ સુધી અનેક પુરુષોએ વેદાંત, ઉપનિષદ્ વિગેરે ગ્રંથોનું નિરંતર શ્રવણ મનન ખૂબ જ કર્યું છે, અને કેટલાક નિરંતર અષ્ટાંગયોગની સાધનાઓ પણ કરે છે.૩૬
છતાં તે વેદાંતીઓ કે અષ્ટાંગયોગના અભ્યાસીઓની મધ્યે કોઇ એકને પણ સમાધિ પ્રાપ્ત થઇ હોય તેવું જોવામાં આવ્યું નથી. અરે !!! આ સ્ત્રી પુરુષો સમાધિમાં ગયાં છે. તેમ અભ્યાસ કરવા છતાં સમાધિને પામ્યા હોય તેવા કોઇ શ્રીનગરમાં અમોને સાંભળવામાં પણ આવ્યા નથી.૩૭-૩૮
હે પરમેશ્વર ! આ સભામાં તો આવા અત્યંત હીન જાતિમાં જન્મેલા જનોને પણ સર્વશ્રેષ્ઠ સમાધિદશા પ્રાપ્ત થયેલી જોવામાં આવે છે.૩૯
આ લોકોએ અષ્ટાંગયોગનો અભ્યાસ કર્યો નથી. વેદાંતાદિ ગ્રંથોનો અભ્યાસ કે શ્રવણ કર્યું નથી છતાં પણ કેવળ આપનાં દર્શનમાત્રથી તેઓને સમાધિ પ્રાપ્ત થયેલી જણાય છે.૪૦
સર્વે નરનારીઓ સમાધિમાં શું જોતા હશે ? આ બાબતનું અમને મોટું આશ્ચર્ય થાય છે. તેથી તેમના અનુભવો વિષેની વાત અમને જણાવો.૪૧
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! કૃપાનિધિ શ્રીહરિ નથુ ભટ્ટનું વચન સાંભળી મંદ મંદ હસવા લાગ્યા અને સંશયગ્રસ્ત તે પુરવાસી વિદ્વાન વિપ્રો પ્રત્યે કહેવા લાગ્યા કે, હે વિદ્વાન વિપ્રો ! તમેજ સમાધિમાં ગયેલા જનોને જગાડીને પૂછી જુઓ કે તેઓએ સમાધિમાં શું જોયું ? અને શું શું અનુભવ્યું ? તે તમને કહેશે.૪૨-૪૩ હે
રાજન્ ! આપ્રમાણે શ્રીહરિનાં વચનો સાંભળી શાસ્ત્રવેત્તા વિદ્વાન બ્રાહ્મણો શ્રીજગદીશને કહેવા લાગ્યા કે, હે વિભુ ! મૃતપ્રાય થઇ ગયેલા આ જનોને અમે જગાડવા સમર્થ નથી. અમે અમારા દુષ્ટ સ્વભાવને વશ થઇ તેઓનાં અંગને અગ્નિથી બાળ્યાં તથા છરી આદિક શસ્ત્રોથી છેદ્યાં, આવી ઘણી પીડાઓ આપી છતાં તે સમાધિમાંથી જાગ્રત થયા નહિ. તેથી અમોને અતિશય આશ્ચર્ય થયું તેથી તમોને પૂછવા આવ્યા છીએ.૪૪-૪૫
હે પ્રભુ ! તમે જ તેઓને સમાધીમાંથી જાગ્રત કરો. પછી અમે તેઓને અમારા અનુભવ પ્રમાણે પૂછીશું.૪૬
હે રાજન્ ! આ પ્રકારનાં વિદ્વાન વિપ્રોનાં વચનો સાંભળી ભગવાન શ્રીનારાયણમુનિએ સમાધિમાં ગયેલા જનો ઉપર પોતાની કૃપા દૃષ્ટિ કરી. તેથી સર્વે જનો સમાધિમાંથી જાગ્રત થયા. ઊભા થઇ શ્રીહરિને પ્રણામ કરી ફરી સભામાં બેઠા.૪૭
તે સમયે તે સર્વેને શાસ્ત્રવેત્તા વિપ્રો આશ્ચર્યપૂર્વક પૂછવા લાગ્યા કે, હે ભક્તજનો ! તમે સમાધિમાં જે કાંઇ પણ જોયું હોય તે અમને કહી સંભળાવો.૪૮
સમાધિમાંથી જાગ્રતજનો દ્વારા શ્રીહરિનું ઐશ્વર્યવર્ણન :-- હે રાજન્ ! વિદ્વાન વિપ્રોનું વચન સાંભળી સમાધિમાંથી જાગ્રત થયેલા જનોએ ભગવાન શ્રીહરિની અનુમતિ લઇ પોતે સમાધિમાં જે કાંઇ અનુભવ્યું હતું તે સર્વે વૃત્તાંત સૌ પૃથક્ પૃથક્ બ્રાહ્મણોને કહેવા લાગ્યા કે, પ્રાકૃત માયાના ગાઢ અંધકારથી પર ચિદાકાશ બ્રહ્મપુર ધામને વિષે આ નારાયણમુનિનાં અમે રાધા અને લક્ષ્મીએ સહિત દિવ્ય દર્શન કર્યાં.૪૯-૫૦
વળી કેટલાક જનો કહેતા હતા કે, એક સાથે ઉદય પામેલા દશહજાર સૂર્યના તેજપૂંજની સમાન અતિશય પ્રકાશમાન શ્વેતદ્વિપધામને વિષે પરમેશ્વર એવા આ નારાયણમુનિને શ્વેતમુક્તોની સાથે વિરાજતા શ્રીવાસુદેવ સ્વરૂપે અમે જોયા.૫૧
હે રાજન્ ! વળી કેટલાક જનો એમ કહેતા હતા કે, અનંત પ્રકારનાં ઐશ્વર્ય સંપત્તિથી યુક્ત ગોલોકધામને વિષે આ નારાયણ ભગવાનને ગોપગોપીઓથી સેવાયેલા રાસમંડળના આભૂષણરૂપ રાધિકેશ્વર ભગવાન શ્રીકૃષ્ણ સ્વરૂપે અમે જોયા.૫૨-૫૩
કેટલાક કહે, મહાવૈકુંઠ લોકને વિષે આ નારાયણમુનિનાં મહાલક્ષ્મીદેવી, વિષ્વક્સેન આદિ પાર્ષદોથી યુક્ત સ્વયં શ્રીહરિનાં અમે ભૂમાપુરુષરૂપે દર્શન કર્યાં.૫૪
વળી કોઇ કહે અમે આ નારાયણમુનિનાં વૈકુંઠલોકને વિષે લક્ષ્મીએ સહિત નંદ, સુનંદ આદિ પાર્ષદોથી સેવાયેલા વિષ્ણુસ્વરૂપે દર્શન કર્યાં.૫૫
કોઇ કહે સમાધિમાં અમો ક્ષીરસાગરને વિષે શેષશય્યાપર બિરાજમાન અને લક્ષ્મીદેવી જેમનાં ચરણની નિરંતર સેવા કરી રહ્યાં છે એવા યોગેશ્વર સ્વરૂપે અમે આ સાક્ષાત્ નારાયણમુનિનાં દર્શન કર્યાં.૫૬
વળી કેટલાક મનુષ્યો વિદ્વાન બ્રાહ્મણોને કહેતા હતા કે અમે આ નારાયણમુનિનાં બદરિકાશ્રમને વિષે તપશ્ચર્યા કરી રહેલા ભગવાન શ્રીનરનારાયણ સ્વરૂપે પ્રગટ દર્શન કર્યાં.૫૭
વળી કોઇ કહેતા કે અમે આ નારાયણને સૂર્યમંડળના મધ્યે વિરાજમાન મહાતેજોમય મૂર્તિ એવા હિરણ્યમય પુરુષ સ્વરૂપે પ્રત્યક્ષ જોયા.૫૮
વળી કોઇ વિદ્વાનો પ્રત્યે કહેતા હતા કે, અમે આ નારાયણમુનિને દેદીપ્યમાન અગ્નિમંડળને વિષે યજ્ઞાનારાયણ સ્વરૂપે પ્રત્યક્ષ જોયા.૫૯
વિદ્વાનોએ સમાધિ સાચી માની :-- હે રાજન્ ! આ પ્રમાણે સમાધિમાં ગયેલા જનો જે જે લોકમાં ગયા હતા તે તે લોકમાં રહેલાં અણિમાદિક અનંત પ્રકારનાં ઐશ્વર્યો તથા અનંત પ્રકારના દિવ્ય વૈભવોનું દર્શન કર્યું હતું, તેનું વિસ્તારપૂર્વક વર્ણન કરતા હતા.૬૦
તે સમયે શાસ્ત્રવેત્તા વિદ્વાન વિપ્રો તથા પુરાણોના જ્ઞાતા વિપ્રો શાસ્ત્રને નહિ ભણેલા એવા સમાધિમાં ગયેલા મનુષ્યોના મુખેથી શાસ્ત્રમાં કહેલા બ્રહ્મપુર આદિક ધામોનું યથાર્થ વચન સાંભળી પરમ વિસ્મય પામી ગયા.૬૧
વળી શાસ્ત્રને નહિ ભણેલા અને નહિ સાંભળેલા બાળકો તથા સ્ત્રીઓ પણ સમાધિમાંથી જાગ્યા પછી તેમના મુખેથી શાસ્ત્રોક્ત વર્ણન થતું સાંભળી વિદ્વાન વિપ્રો પોતાના મનમાં વિચાર કરવા લાગ્યા કે, પુરાણાદિ શાસ્ત્રો નહિ ભણવા અને નહિ સાંભળવા છતાં શાસ્ત્રોક્ત યથાર્થ વર્ણન કરે છે તેથી તેઓની સમાધિ સાચી છે, એમાં હવે કોઇ સંશય નથી.૬૨-૬૩
જેમનાં દર્શન કે દૃષ્ટિ માત્રથી આવા પ્રકારની આશ્ચર્યકારી સદ્યસમાધિ પ્રાપ્ત થઇ જાય તેમનાથી બીજો સાક્ષાત્ પરમેશ્વર કોણ હોઇ શકે ? આજ સાક્ષાત્ પરમેશ્વર છે. એ નક્કી છે.૬૪
જે પ્રયત્ન વિના આ સમાધિવાળા જનોના નાડીપ્રાણનું આકર્ષણ કરી શકે, તે અખિલ વિશ્વજન સમુદાયનાં નાડીપ્રાણનું આકર્ષણ ન કરી શકે એમ કોણ કહેશે ? કરી જ શકે છે.૬૫
માટે આ નારાયણમુનિ છે તેજ સાક્ષાત્ પ્રત્યક્ષ પરમેશ્વર છે. તેમાં કોઇ સંશય રહ્યો નથી. આ સાક્ષાત્ પરમેશ્વર શ્રીહરિનો આશ્રય કરવાથી જ આપણું આત્યંતિક કલ્યાણ થશે. પરંતુ બીજાં સાધનોથી નહિ, એ નક્કી માનો.૬૬
હે રાજન્ ! આ પ્રમાણે બરાબર નક્કી કરીને સર્વે વિદ્વાન વિપ્રો મહાપ્રભુ ભગવાન શ્રીહરિને નમસ્કાર કરી તેમનું શરણ સ્વીકારવાની ઇચ્છાથી પોતાનાં પૂર્વે કરેલાં દુષ્કર્મોનો વિચાર કરવા લાગ્યા.૬૭
પૂર્વે ધન પ્રાપ્તિના હેતુથી લોકોને છેતરવા માટે દંભે યુક્ત ભક્તિનું આચરણ કરવા પૂર્વક જે જે દુષ્કર્મો કર્યાં હતાં તે સર્વેનું મનમાં સ્મરણ કરી વિદ્વાનો પશ્ચાતાપ કરવા લાગ્યા.૬૮
માત્ર ધર્માભાસથી જે જે પાપકર્મો કર્યાં હતાં તે સર્વેનું સ્મરણ થઇ આવતાં બ્રાહ્મણોનાં આખમાં આંસુઓ આવ્યાં.૬૯
કામે કરી પરસ્ત્રીના સંગ કર્યા હતા, ક્રોધથી નિર્દોષોને તાડન કર્યું હતું, ગર્વથી સત્પુરુષોની અવગણના કરી હતી, ઇર્ષ્યાથી સ્વજનોનો પણ દ્રોહ કર્યો હતો, અને લોભને કારણે જે કંજૂસાઇ તથા હલકાઇ કરી હતી તે સર્વે પાપોનું અંતરમાં સ્મરણ થઇ આવવાથી મૂર્છિત જેવા જઇ ગયા.૭૦
હે રાજન્ ! આ પ્રમાણે વિદ્વાન વિપ્રોએ બહુજ અનુતાપ કર્યો તે અગ્નિથી તેમનાં પાપના સઘળા પુંજ બળીને ભસ્મીભૂત થયા, અને ભગવાન શ્રીહરિનાં દર્શન તથા માહાત્મ્યથી તેમનાં અંતર અતિશય નિર્મળ થયાં.૭૧
તેથી વિદ્વાનો શ્રીહરિને સાક્ષાત્ પરમેશ્વર જાણી પોતાના મનને શ્રીહરિને વિષે ધારવા ખૂબજ પ્રયત્ન કર્યો, છતાં સફળ થયા નહિ, ત્યારે શ્રીનારાયણમુનિને શરણે ગયા.૭૨
તેમનાં ચરણમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી બે હાથ જોડી વિદ્વાનો કહેવા લાગ્યા કે, હે સ્વામિન્ ! અમે સર્વે આજથી તમારા છીએ, અમારા સૌનું જન્મમરણરૂપ ઘોર સંસૃતિથી રક્ષણ કરો.૭૩
આ પ્રમાણે કહી તે સર્વે વિદ્વાન બ્રાહ્મણો નવીન વસ્ત્રો, કડાં આદિ આભૂષણો, ચંદન, ચોખા, પુષ્પના હાર, ધૂપ અને દીપ આદિ અનંત પદાર્થોથી ભગવાન શ્રીનારાયણમુનિનું આદર સાથે પૂજન કર્યું. અને કપૂરથી આરતી ઉતારતાની સાથે તાલિકાનો ધ્વનિ કરતા ઉચ્ચે સ્વરે આરતીનું પદ ગાવા લાગ્યા.૭૪-૭૫
આરતીપદ :-- હે દેવ ! તમારો જય થાઓ જય થાઓ, હે મંગલમૂર્તિ ! આપનો સર્વત્ર હમેશાં વિજય થાઓ, વિજય થાઓ, હે નારાયણ ! હે પુરુષોત્તમ ! હે પોતાના ભક્તજનોની ઇચ્છા પૂરી કરનારા ! આપનો વિજય સર્વત્ર સદાય થતો રહે, આપ પ્રકૃતિરૂપ મૂળ માયાના ગાઢ અંધકારથી પર, દેશકાળના પરિણામે રહિત, અતિશય વિસ્તરેલા મહાતેજોમય બ્રહ્મપુર ધામને વિષે રાધા અને રમાએ સહિત સદાય નિવાસ કરીને રહો છો. તેમજ મહાશ્વેતદ્વિપ રૂપ અને દશહજાર સૂર્યના તેજની સમાન અતિશય પ્રકાશિત એવા અમૃતધામને વિષે શ્વેતમુક્તો દ્વારા સદાય સ્તુતિ કરાતા આપ ત્યાં સદાય વિરાજમાન છો. એવા હે દેવ ! આપનો જય થાઓ જય થાઓ.૭૬
વળી હે દેવ ! લક્ષ્મીજીની રુચિને પોષવા આપે રચેલા અતિશય વિશાળ તથા કાળમાયાના ભયે રહિત વૈકુંઠ નામના ધામને વિષે લક્ષ્મીજીની સાથે વિષ્ણુસ્વરૂપે આપ સદાય નિવાસ કરીને રહો છો. તેમજ ચાતુર્માસના સમયમાં આપ ક્ષીરસાગરને વિષે અતિશય વિશાળ અને કોમળ શેષશય્યાને વિષે યોગેશ્વર સ્વરૂપે શયન કરી યોગનિદ્રાનો સ્વીકાર કરો છો. ત્યારે લક્ષ્મીજી આપનાં ચરણની ચંપી કરતાં હોય છે. એવા હે દેવ ! આપનો સદાય જય થાઓ જય થાઓ.૭૭
વળી હે દેવ ! સૂર્યમંડળના તેજના મધ્યે હિરણ્યમય પુરુષરુપે આપ જ બિરાજો છો. તેવીજ રીતે પ્રકાશિત દક્ષિણાગ્નિ, આહવાનિયાગ્નિ અને ગાર્હપત્યાગ્નિ આ તેત્રાગ્નિના મધ્ય ભાગને વિશે અનેક પ્રકારના યજ્ઞોના પતિ એવા યજ્ઞાનારાયણ સ્વરૂપે પણ તમે જ વિરાજો છો. તેમજ બદ્રિકાશ્રમ ધામને વિષે વિરાજમાન અને પાપના પૂંજને બાળીનાખનારું નામ ધારણ કરનારા તથા તપ કરી ભરતખંડના નિવાસી પોતાના ભક્તજનોને અતિશય સુખઆપનારા એવા શ્રીનરનારાયણ સ્વરૂપે પણ તમેજ વિરાજો છો. એવા હે દેવ ! આપનો સદાય જય થાઓ જય થાઓ.૭૮
હે દેવ ! પોતાના ભક્તજનોના અંતરમાંથી કામ ક્રોધાદિ કલિયુગના દોષોનું તમે નિવારણ કરો છો. રાધાના સંગે વિહાર કરનારા, મુરલીનો સુંદર નાદ કરતા, ગોલોકાધિપતિ સાક્ષાત્ ભગવાન શ્રીકૃષ્ણ પણ તમે જ છો. તેમજ મહાવૈકુંઠ નામના અવ્યાકૃત ધામને વિષે પોતાના ભક્તજનોને સુખ આપનારા અને અખિલ વિશ્વનું રક્ષણ કરનારા તથા મહાલક્ષ્મીએ સહિત ભૂમાપુરુષ સ્વરૂપે પણ આપજ વિરાજો છો. એવા હે દેવ ! આપનો સદાય જય થાઓ જય થાઓ.૭૯
હે યોગેશ્વર ! સકલ જીવપ્રાણીમાત્રના અંતર્યામી આત્મા સ્વરૂપે એક તમે જ વિરાજો છો. અને પોતાને શરણે આવનારા જનોનું કાળમાયાદિકના ભયને હરનારા તથા પ્રાણધારી જનોને આત્યંતિક કલ્યાણનું પ્રદાન કરનારા પણ એક તમેજ છો. તેથી હે હરિ ! એક તમારા ચરણકમળનો જ અમે પાકો આશ્રય કરીએ છીએ, તમો અમને માયાના બંધનમાંથી મુક્ત કરો અને અમારી દુર્મતિને દૂર કરો. એવા હે દેવ ! આપનો સદાય જય થાઓ જય થાઓ.૮૦
સુવ્રતમુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન્ ! આ પ્રમાણે વિદ્વાન વિપ્રોએ આરતીનું ગાન કરતાં કરતાં ભગવાન શ્રીહરિની આરતી કરી મંત્ર પુષ્પાંજલિ અર્પણ કરી. પછી ફરી સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીને કહ્યું કે, હે ભગવાન શ્રીહરિ ! અમારું સંસૃતિ થકી રક્ષણ કરજો.૮૧
તેમની પ્રાર્થનાના શબ્દો સાંભળી સંતોના પતિ ભગવાન શ્રીહરિ અતિશય પ્રસન્ન થયા અને વિદ્વાન વિપ્રોને આશ્વાસન આપી અભયવરદાન આપ્યું, તેથી ભૂદેવો અંતરમાં સુખનો અનુભવ કરવા લાગ્યા.૮૨
પછી ભગવાન શ્રીહરિની આજ્ઞાથી સર્વે વિદ્વાનવિપ્રો સભામાં બેઠા. અને પોતાની જાતને અને જીવનને ધન્ય માનવા લાગ્યા.૮૩
શ્રીહરિ વિદ્વાન બ્રાહ્મણો પ્રત્યે કહેવા લાગ્યા કે, હે ભૂદેવો ! આજ દિવસથી આરંભી તમે સૌ અમારા થયા તેથી તમારે કોઇએ હવેથી જન્મમરણરૂપ સંસૃતિના ત્રાસનો ભય રાખવો નહિ.૮૪
માત્ર પોતપોતાના ધર્મમાં રહીને તમે દેવસંબંધી અને પિતૃસંબંધી કર્મનું અનુષ્ઠાન કરતાં કરતાં ભગવાન શ્રીકૃષ્ણની અતિ આદરપૂર્વક ગાઢ પ્રેમથી ઉપાસના કરતા રહેજો. દેહના અંતે ગોલોક ધામને પામશો.૮૫
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! શ્રીહરિએ આ પ્રમાણે કહ્યું તેને સાંભળી સર્વે શાસ્ત્રવેત્તા વિપ્રો શ્રીહરિને જ સાક્ષાત્ શ્રીકૃષ્ણ પરમાત્મા પુરુષોત્તમ જાણી વિનયથી કહેવા લાગ્યા કે, હે નારાયણ ! હે હરિ ! હે સ્વામિન્ ! હે મુમુક્ષુજનોના એક પરમ આશ્રયરૂપ ! આજે અમને અમારા મનુષ્ય જન્મની સફળતા પ્રાપ્ત થઇ છે.૮૬-૮૭
વેદ, શાસ્ત્રો અને પુરાણોને વિષે જે સર્વનિયંતા પરમેશ્વરનું વર્ણન આવે છે તે જ પરમેશ્વર અત્યારે અહીં પ્રત્યક્ષ સ્વરૂપે તમે જ વિરાજો છો. આવો નિઃસંશય નિશ્ચય અમને અમારા અંતરમાં થયો છે.૮૮
હે ભગવાન ! અમે હવે કર્મબંધનમાંથી મુક્ત થયા તેથી આજથી અત્યંત કૃતાર્થ થયા છીએ. સર્વે શાસ્ત્રો સર્વ થકી પર પુરુષોત્તમપણે જે વર્ણન કરે છે તે તમને જ વર્ણવે છે. એવો અમે આજથી નિશ્ચે કર્યો છે.૮૯
શ્વેતદ્વિપ, વૈકુંઠ, ગોલોક, બ્રહ્મપુર, મહાવૈકુંઠલોક, બદરિકાશ્રમ, ક્ષીરસાગર, અગ્નિ અને સૂર્યમંડળમાં વિરાજમાન ઇશ્વરના સ્વરૂપોને અમે તમારો નિશ્ચય નહોતો થયો ત્યારે જુદા જુદા માનતા હતા.૯૦-૯૧
અને અમુક ધામના ઇશ્વર સત્ય છે અને અમુક ધામના ઇશ્વર સત્ય નથી. આવા બહુ પ્રકારના વાદવિવાદો અમે વિદ્વાન પંડિતો સાથે કર્યા છે.૯૨
પરંતુ અત્યારે આ સમાધિમાં જઇ જોઇ આવેલા જનોના વચનો સાંભળી, તમને જ એક સર્વ સ્વરૂપોને ધારણ કરનારા સર્વકારણના કારણ એક પરમેશ્વર છો, એમ અમે જાણીએ છીએ.૯૩
હે સ્વામિનારાયણ ! હે વિભુ ! અમે આજથી તમે જે શ્રીકૃષ્ણની ભક્તિ કરવા કહ્યું તે શ્રીકૃષ્ણ નામધારી આપનીજ નવ પ્રકારની ભક્તિ કરીશું.૯૪
વળી હે પ્રભુ ! તમે દેવસંબંધી અને પિતૃસંબંધી કર્મ કરવાનું જે કહ્યું તેના વિષયમાં જરા અમને પૂછવાનું છે તે તમે સાંભળો.૯૫
આજથી અમે આપનાં ચરણકમળના અનન્ય આશ્રયથી કૃતાર્થ થયા છીએ, તેથી દેવસંબંધી અને પિતૃસંબંધી કર્મ કરવાનું શું પ્રયોજન છે ?૯૬
કારણ કે, હે વિભુ સ્વરૂપ પરમાત્મા ! પ્રયોજન વિનાના તે કર્મકાંડના અનુષ્ઠાનથી ઉત્પન્ન થતા શરીરના વૃથા કલેશને અમે હવે છોડવા માગીએ છીએ. કારણ કે અમારા અંતરમાં સ્વર્ગાદિ લોકનાં નાશવંત અને તુચ્છ સુખની જરા સરખી પણ ઇચ્છા રહી નથી.૯૭
તેથી હે પ્રભુ ! અમે આ નિરધાર કરેલો કર્મ ત્યાગનો વિચાર યોગ્ય છે કે નહિં ? આ પ્રશ્ન અમો તમને પૂછીએ છીએ. તેનો યથાર્થ ઉત્તર અમને કહો.૯૮
સુવ્રતમુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન્ ! વિદ્વાન વિપ્રોએ જ્યારે આવો પ્રશ્ન કર્યો ત્યારે શ્રીસ્વામિનારાયણ ભગવાન અતિશય પ્રસન્ન થઇને તેમની પ્રશંસા કરી તેમને મનોહર વાણીથી કહેવા લાગ્યા.૯૯
શ્રીનારાયણમુનિ કહે છે, હે વિપ્રો ! તમને ધન્ય છે. તમે તમારી ભણેલી વિદ્યાને સફળ કરી છે. કારણ કે ભક્તિ રહિત વિદ્વાન પુરુષોને માટે શાસ્ત્રો કેવળ ભારરૂપ છે. તેથી તેને કાંઇ જ ફળ નથી.૧૦૦
માટે શાસ્ત્રાધ્યયન કરી જે જાણી લેવું જોઇએ તે તમે આજે જાણ્યું છે. જે કાંઇ પ્રાપ્ત કરવાનું હોય તેની તમને પ્રાપ્તિ થઇ ગઇ છે. એમ તમે નક્કી જાણો.૧૦૧
હે વિદ્વાનો ! વેદોક્ત દેવસંબંધી અને પિતૃસંબંધી કર્મરૂપ સ્વધર્મનો ત્યાગ કરવાનું જે તમે કહો છો, તે અમારા સિદ્ધાંતમાં નથી.૧૦૨
તેથી જ્યાં સુધી દેહની સ્મૃતિ રહે ત્યાં સુધી મારા આશ્રિત ભક્તજનોએ આળસ પ્રમાદનો ત્યાગ કરી વર્ણાશ્રમને ઉચિત પોત પોતાના ધર્મનું યથાર્થ પાલન કરવું અતિ જરૂરી છે.૧૦૩
બુદ્ધિમાન એવા ડાહ્યા મારા આશ્રિતે જાણી જોઇને પોતાના વર્ણાશ્રમના ધર્મરૂપ સ્નાન સંધ્યાદિ વૈદિક નિત્ય કર્મનો ક્યારેય ત્યાગ ન કરવો. પરંતુ સમાધિદશા જેવી પરતંત્ર સ્થિતિ પ્રાપ્ત થશે ત્યારે કર્મ સ્વયં તેનો ત્યાગ કરી દેશે. માટે દેહની સ્મૃતિ રહે ત્યાં સુધી કર્મ છોડાય જ નહિ.૧૦૪
હે વિદ્વાન ભક્તો ! સ્વતંત્રપણે સમાધિમાં જતા હોય તેવી મુક્તસ્થિતિને પામેલા પુરુષો પણ પોતાના ધર્માચરણની ક્રિયા છોડી શકે નહિ, તો પછી મુમુક્ષુ ભક્તજનો મૂઢ માણસની જેમ કર્મનો કેવી રીતે ત્યાગ કરી શકે ?૧૦૫
જે પુરુષો ભક્તિ અને જ્ઞાનના મહિમાનો ઓથ લઇ બુદ્ધિ પૂર્વક ધર્માચરણનો ત્યાગ કરે છે. તે પુરુષો ભક્તિ અને જ્ઞાન બન્ને થકી નિશ્ચે ભ્રષ્ટ થાય છે. અને અંતે નરકને પામે છે.૧૦૬
હે વિપ્રો ! આ સમસ્ત ધર્મનો વિસ્તાર તમારે સ્વ-સ્વ બુદ્ધિથી સ્કંદ પુરાણ અંતર્ગત રહેલા શ્રીવાસુદેવમાહાત્મ્ય થકી અવશ્ય જાણી લેવો.૧૦૭
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! ભગવાન શ્રીહરિનાં આવાં ઉત્તમ વચનો સાંભળીને વિદ્વાન વિપ્રોએ તેમને નમસ્કાર કર્યા ને કહ્યું કે, તમે જેમ કહેશો તેમ જ અમે સર્વે કરીશું, આ પ્રમાણે ભગવાન શ્રીહરિએ શ્રીનગરમાં સમાધિ પ્રકરણ દ્વારા પોતાના પ્રગટ પ્રતાપનું અલૌકિક દર્શન કરાવ્યું.૧૦૮
આ રીતે ભગવાન શ્રીહરિ પ્રતિદિન સભામાં પધારતા ભક્તજનોને સદ્ધર્મનો ઉપદેશ કરતા તેથી યૂથે યૂથ મળી હજારો મનુષ્યો દરરોજ શ્રીહરિનો આશ્રય કરી સત્સંગી થતા હતા.૧૦૯
હે રાજન્ ! ભગવાન શ્રીહરિ ભક્તજનોને આનંદ ઉપજાવી ભક્તિ ધર્મનું પોષણ કરતા કરતા શ્રીનગર શહેરમાં પ્રબોધિની એકાદશીના ઉત્સવ પર્યંત નિવાસ કરીને રહ્યા.૧૧૦
હે નરેન્દ્ર ! ધર્મનંદન ભગવાન શ્રીહરિ સર્વે શ્રીનગરનિવાસી ભક્તજનોને સંતોષ પમાડી અને ત્યાં ધર્મમર્યાદાનું સ્થાપન કરી, ગુજરાતની રાજધાની શ્રીનગરથી વિદાય થયા.૧૧૧
આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના દ્વિતીય પ્રકરણમાં ભગવાન શ્રીહરિએ શ્રીનગર શહેરને વિષે પોતાનો ભગવાનપણાનો પ્રતાપ જણાવી મોટા મોટા વિદ્વાન વિપ્રોને પોતાનો આશ્રય કરાવ્યાનું નિરૂપણ કર્યું એ નામે ચુમાલીસમો અધ્યાય પૂર્ણ થયો. --૪૪--