અધ્યાય - ૧૯ - લલિતાબાએ પોતાની પૂજાના ઠાકોરજી આગળ ગોઠવેલ અન્નકૂટનું દર્શન.

Submitted by swaminarayanworld on Wed, 02/08/2017 - 5:31pm

અધ્યાય - ૧૯ - લલિતાબાએ પોતાની પૂજાના ઠાકોરજી આગળ ગોઠવેલ અન્નકૂટનું દર્શન.

લલિતાબાએ પોતાની પૂજાના ઠાકોરજી આગળ ગોઠવેલ અન્નકૂટનું દર્શન. લલિતાબાનું અષ્ટપદીગાન.

સુવ્રતમુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન્ ! ભગવાન શ્રીસહજાનંદ સ્વામીના આદેશથી લલિતાબા પણ પોતાની નિત્ય પૂજાની મૂર્તિ શ્રીરાધાકૃષ્ણ હરિકૃષ્ણની આગળ અલગથી અન્નકૂટની રચના કરવા પોતાના ઓરડામાં પૃથ્વીને સ્વચ્છ કરી, ગુલાલ, હળદર આદિ દ્રવ્યોથી શોભાયમાન મંડળની રચના કરી, રંગોળી પૂરી, તે જગ્યાએ ઊંચી પીઠ ઉપર લલિતાબાએ કોમળ આસન બિછાવી તેના પર પોતાની પૂજાનાં અર્ચા સ્વરૂપો પધરાવ્યાં. તેમજ મોટીબા, જયાબાને સાથે રાખી અતિ આદરપૂર્વક વસ્ત્ર, ચંદન, કુંકુમ, કેસર, અનેક પ્રકારના પુષ્પોના હારો અને આભૂષણોથી તેમની પૂજા કરી.૧-૨

જયાબાએ ઉજ્જવળસુવર્ણના મોટાપાત્રને મૂર્તિઓની આગળ પધરાવ્યું ને રમાબાએ તે મોટા થાળની ચારે બાજુએ ગોળાકાળે ચાંદીના પાત્રોની પંક્તિ કરી નાની વાટકીઓ ગોઠવી, રતિબાએ આવી જળભરેલો ઉજ્જવલ ચાંદીનો કળશ ઠાકોરજીની જમણી બાજુએ સ્થાપન કર્યો, પછી લલિતાબાની નાની બહેન પાંચાલીએ સુંદર સુવર્ણનું જળપાન કરવાનું પાત્ર ભગવાનની આગળ સ્થાપન કર્યું. અને કમલાબા, રતિબા, ફુલ્લજયા અને રેવતી આદિ સ્ત્રીભક્તજનો પણ ભગવાનને રાજી કરવા માટે આગળ પધરાવેલાં પાત્રોમાં પોતપોતાની પીરસવાની ચતુરાઇ દેખાડતી હોય તેમ વિવિધ પ્રકારનાં પદાર્થો લાવીને પીરસવા લાગી.૩-૫

હે રાજન્ ! તે સમયે અમરી, દેવિકા, ક્ષેમા, ફુલ્લી, રમા, અમલા આદિ સ્ત્રીભક્તજનો પોતે બનાવેલાં પદાર્થો અતિહર્ષથી અન્નકૂટ નિર્માણ માટે લાવવા લાગી અને પોતે તૈયાર કરેલાં પકવાન્નોમાં જે વસ્તુ અતિ ચીવટથી બનાવેલી હોય તે ભગવાનને રાજી કરવા અન્નકૂટ રચના સમયે પીરસવા લાગી.૬-૭

મોટા મંદિરમાં શ્રીવાસુદેવનારાયણ ભગવાનની આગળ નિવેદન કરેલા અન્નકૂટની જેમ જ પોતાની પૂજાના ઠાકોરજી આગળ એકસોને એક પદાર્થો પીરસાઇ ગયાં છે, હવે કાંઇ બાકી રહ્યું નથી એમ જાણી લલિતાબા ભક્તિભાવની સાથે ભગવાન શ્રીહરિને નિવેદન કરવા પૂર્વક અનેક પદાર્થો અર્પણ કરવા લાગ્યાં.૮

તે અવસરે રમાબા હસતાં હસતાં કહેવા લાગ્યાં કે, હે લલિતા ! 'પ્રભુ, તમે ભોજન આરોગો' આ પ્રમાણે તમારા પ્રભુને પ્રાર્થના કરો, કારણ કે અમે સર્વે સ્ત્રીઓ અન્નકૂટમાં ભોજન આરોગતા પ્રગટ ભગવાન શ્રીહરિનાં દર્શન કરવા ઇચ્છીએ છીએ.૯

રમાબાના કહેવાથી લલિતાબા ભગવાન શ્રીહરિકૃષ્ણમહારાજનાં મુખકમળ સામે નેત્રોની વૃત્તિ સ્થિર કરી બે હાથજોડી હે પ્રભુ ! તમે ભોજન આરોગો, એવી મનથી પ્રાર્થના કરતાં મૂર્તિ સન્મુખ ઊભાં રહ્યાં.૧૦

ત્યારે મૂર્તિમાંથી સાક્ષાત્ પ્રગટ થયેલા શ્રીહરિકૃષ્ણ ભગવાન પોતાના હાથથી પકવાન્નનો કોળીયો લઇ આરોગવા લાગ્યા અને વચ્ચે જલપાન કરવા લાગ્યા. તે સમયે મૂર્તિમાંથી પ્રગટ થઇ શ્રીરાધીકાજી પણ ભગવાન શ્રીહરિની પાસે ઊભાં રહી પોતાના જમણા હાથમાં રૂમાલ ધારણ કરી, મંદમંદ હાસ કરતાં, ચંચળ નેત્રોવાળાં શ્રીહરિકૃષ્ણ ભગવાનને વીંજણો ઢોળવા લાગ્યાં.૧૧
હે રાજન્ ! ભગવાન પ્રત્યક્ષ થાળ આરોગી રહ્યા હતા તે સમયે રમાબા આદિ સર્વે સ્ત્રી ભક્તજનો અને અન્ય ભક્તજનો પણ ભોજન આરોગતા પ્રત્યક્ષ ભગવાન શ્રીહરિનાં આશ્ચર્ય પૂર્વક દર્શન કરવા લાગ્યા.૧૨

સકલ ઐશ્વર્યના સ્વામી શ્રીહરિકૃષ્ણ મહારાજ પોતાના ભક્તજનોને આનંદ ઉપજાવતા રમાબાને તે તે પદાર્થોનાં નામ પૂછતાં ભોજન કરવા લાગ્યા.૧૩

આ પકવાન્ન અતિ સ્વાદિષ્ટ છે. કયા ભક્તે બનાવ્યું છે ? આ પ્રમાણે તે પદાર્થો બનાવનાર તે સ્ત્રી ભક્તનાં વારંવાર નામ પૂછીને તેની ખૂબ પ્રશંસા કરતા હતા.૧૪

અને સર્વે સંતો, પુરુષો તથા સ્ત્રીઓ દૂરથી પ્રત્યક્ષ ભોજન કરતા પોતાના સ્વામી ભગવાન શ્રીહરિકૃષ્ણનાં દર્શન કરતાં અતિશય આનંદ પામવા લાગ્યાં.૧૫

ત્યારે અલ્પાહારી શ્રીહરિ થોડુંક કાંઇક રુચિ અનુસાર જમીને ઊભા થવાની ઇચ્છા કરી. ત્યારે વધારે જમાડવાની ઇચ્છાથી ગદ્ગદ્ કંઠવાળાં લલિતાબા પ્રાર્થના કરતાં અષ્ટપદી ગાવવા લાગ્યાં.૧૬

લલિતાબાનું અષ્ટપદીગાન :- હે પ્રભુ ! તમારી ઇચ્છાનુસાર હજુ પણ કાંઇક ભોજન સ્વીકારો, આમ રમતમાં ઝટ ઉઠીને ચાલતા ન થાઓ. હે સહેજે સહેજે સુખ આપનારા સહજાનંદ સ્વામી ! તમે મારા રમણીય મંદિરમાં થોડું ભોજન કરવા બિરાજો. હે અતિશય ચંચળમૂર્તિ ! બાળકની જેમ થોડું જમીને ઉઠવાનો સ્વભાવ છોડો. સુંદર રસોથી શોભતી, શુદ્ધ સુવર્ણ જેવી કાંતિવાળી વડીઓ ચારેબાજુ મૂકેલી વાટકીમાં શોભી રહી છે, તે જમો. સૂર્ય જેવા પ્રકાશિત આપના સાંનિધ્યથી ચળકી રહેલા આ શુદ્ધ સુવર્ણના પાત્રમાં પીરસવામાં આવેલા ભક્ષ્ય, ભોજ્યાદિ ચાર પ્રકારનાં અન્ન તમે જમો. હે પ્રભુ ! ઇચ્છાનુસાર કાંઇક જમો. રમતમાં ઝટ ઉઠીને ચાલતા ન થાઓ.૧૭

હે પ્રભુ ! ભોજનમાં રસીયા જનોને ખૂબજ ગમે તેવો સફેદ સુગંધીમાન આ ભાત તમે જમો. શ્વેત સાકરમિશ્રિત ધોળો દૂધપાક આરોગો. તુવેરની દાળ, દહીંની સાથે મિશ્રિત કરેલ રાઇ અને ખારેકના ચૂર્ણવાળું રાયતું હે પ્રભુ ! તમે જમો, તમારી સમીપે પાત્રમાં મૂકેલા આ પુડલા અને મોટી મોટી પૂરણપોળી પણ જમો. ઘી અને સાકરથી લચપચતા આ લાડુ, સ્વાદિષ્ટ ગોરસની તર, ફુલેલી શ્વેત પોળીઓ, સુંવાળી રોટલીઓ, વાટેલી અડદની દાળમાંથી બનાવેલાં આ બે વડાં પણ હે પ્રભુ ! તમે જમો.૧૮-૧૯

હે પ્રભુ ! પકવાન્નો તૈયાર કરવામાં ચતુર સ્ત્રીભક્તજનોએ બનાવેલી સેવ અને સૂતરફેણી, તેમજ અનેક દેશોમાં થતાં અને અહીં લાવીને તૈયાર કરેલાં નાના પ્રકારનાં શાક પણ તમે જમો. ઘી સાકરમિશ્રિત કેળાં, ચંદ્રના અર્ધભાગ જેવા શોભતા અને ઘીમાં પકાવેલા આ ઘુઘરા પણ તમે જમો.૨૦

હે પ્રભુ ! તમને બહુ ગમતાં આ ચિભડાં તથા કાકડી જમો. મરીમિશ્રિત પાપડ, જલેબીનાં ગુચ્છ, ઘાટું દહીં, ઘાટાં વસ્ત્રથી ગાળેલું શુદ્ધ અને સુવર્ણના પાત્રમાં ભરેલું સુગંધીમાન ગાયનું ઘી પણ તમે આરોગો.૨૧

હે હરિ ! કર્પૂર, જીરું, મીઠું અને મરીનું ચૂર્ણ નાખી તૈયાર કરેલું દહીં અને ભાત તમને સદાય ગમે છે. તે તમારી સમીપે લાવી છું. તો તમે ધીરે ધીરે તે દહીંભાત પણ જમો.૨૨

અને તમને બહુ જ પ્રિય છે તેથી પકડી રાખેલો આ સાકરમિશ્રિત માખણનો પિંડ છે તે પણ તમે જમો. નવીન ઘાટાં વસ્ત્રથી ગાળેલું, વીરણના વારાથી સુગંધીમાન એવું આ ઉન્મત્તગંગાનું જળ લાવીછું તેનું તમે પાન કરો.૨૩

હે હરિ ! તમારા હસ્તકમળ ધોઇ મુખની પણ શુદ્ધિ કરો, અને યોગ્ય પાનબીડાંનો મુખવાસ સ્વીકારી સુંદર સિંહાસન પર બિરાજમાન થાઓ. ભક્તજનોનું રક્ષણ કરતા મારાં નેત્રો આગળ સદાય નિવાસ કરીને રહો.૨૪

હે રાજન્ ! આ પ્રમાણેનાં અને બીજાં અનેક પ્રેમભરેલાં વચનોથી લલિતાબા ભગવાન શ્રીહરિને ધીરેધીરે ભોજન કરાવતાં હતાં ત્યારે શ્રીહરિ પણ લલિતાબા તથા રમાબા આદિ સર્વે સ્ત્રીભક્તોને અતિશય હસાવી આનંદ આપતા તેઓની પ્રશંસા કરતા ભોજન આરોગતા હતા.૨૫

આ રીતે શ્રીહરિ સતત વાતોળિયાની જેમ વાતો કરતાં હતા અને સાંભળતાં લલિતાબા આદિ સ્ત્રીઓને રંજન કરાવતા હતા, અને તેઓને રાજી કરવા વળી થોડું જમી રમત કરતા કરતા ચળુ કરી હસ્ત, મુખારવિંદની શુદ્ધિ કરી.૨૬

હે રાજન્ ! ભગવાન શ્રીહરિ પોતાની સમીપે આવી જયાબાએ અર્પણ કરેલા મુખવાસને હસ્તકમળમાં સ્વીકારીને મૂખમાં મૂકી જમી રહ્યા છે, તેવામાં રાધાજી પણ ભગવાન શ્રીહરિનું પ્રસાદિઅન્ન થોડું જમ્યાં. પછી લલિતાબાએ આરતી કરી, ત્યાર પછી તે બન્ને તત્કાળ પાછાં મૂર્તિમાં લીન થઇ ગયાં. તે સમયે લીંબતરુ નીચે સિંહાસન પર વિરાજતા સાક્ષાત્ શ્રીહરિ પણ ભક્તની જેમ નાટક કરતા લલિતાબા આદિ ક્ષત્રિયસ્ત્રીઓએ પોતાની પૂજાના ઠાકોરજી આગળ ધરેલો અન્નકૂટ ભગવાન પ્રત્યક્ષ આવીને જમ્યા. આ વાત સાંભળીને શ્રીહરિ ખૂબજ પ્રસન્ન થયા અને ભક્તજનોની સાથે અતિશય આશ્ચર્યમાં ગરકાવ થયા. પછી સમગ્ર સંતો, પાર્ષદો અને હરિભક્તોને ભોજન કરવાની તત્કાળ આજ્ઞા આપી.૨૭-૨૯

આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના તૃતીય પ્રકરણમાં અન્નકૂટોત્સવમાં લલિતાબાની સામે ભગવાને મૂર્તિમાંથી પ્રગટ થઇ પ્રત્યક્ષ ભોજન કર્યું એ લીલાનું નિરૂપણ કર્યું, એ નામે ઓગણીસમો અધ્યાય પૂર્ણ થયો. --૧૯--