અધ્યાય - ૪૬ - બન્ને આચાર્યોએ શ્રીહરિને દીક્ષાવિધિ સંબંધી પૂછેલો પ્રશ્ન.

Submitted by swaminarayanworld on Thu, 03/08/2017 - 6:29pm

અધ્યાય - ૪૬ - બન્ને આચાર્યોએ શ્રીહરિને દીક્ષાવિધિ સંબંધી પૂછેલો પ્રશ્ન.

બન્ને આચાર્યોએ શ્રીહરિને દીક્ષાવિધિ સંબંધી પૂછેલો પ્રશ્ન. 'દીક્ષા' શબ્દનો અર્થ. સામાન્ય અને મહા દીક્ષાના બે પ્રકાર. સામાન્યદીક્ષા ગ્રહણનો શુભ અવસર. મુમુક્ષુનાં લક્ષણ. ધર્મવંશી આચાર્યનાં લક્ષણ. સામાન્યદીક્ષાનો વિધિ. ઊર્ધ્વપુંડ્ર તિલક ધારણ કરવાની રીત.

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! સંવત ૧૮૮૨ ના વૈશાખ વદ પાંચમના દિવસે ભોજન સ્વીકારી પોતાના નિવાસ સ્થાને સુખપૂર્વક વિરાજમાન થયેલા ભગવાન શ્રીહરિની સમીપે બન્ને પુત્રો અયોધ્યાપ્રસાદજી અને રઘુવીરજી આવી નમસ્કાર કરીને બેઠા.૧

તે સમયે ભગવાન શ્રીહરિ બન્ને પુત્રોને શુભાશીર્વાદથી અભિનંદન આપી કહેવા લાગ્યા કે, હે પુત્રો ! તમારે કંઇ પૂછવું હોય તો અત્યારે પૂછી શકો છે.૨

તેથી બન્ને પુત્રો અતિશય પ્રસન્ન થયા ને તેમને પૂછવા લાગ્યા કે, હે પ્રભુ ! મુમુક્ષુજનોને શિષ્યો કરવા, આવી તમોએ અમને આજ્ઞા કરેલી છે.૩

તેથી તમારી પાસેથી તેનો દીક્ષાવિધિ સાંભળવા ઇચ્છીએ છીએ, માટે જેમ હોય તેમ સમગ્ર દીક્ષાવિધિ અમને યથાર્થ કહી સંભળાવો. પછી જ અમો પુરુષોને ભાગવતી દીક્ષા આપશું.૪

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે વિનયથી યુક્ત થઇ બન્ને પુત્રોએ પૂછયું. ત્યારે ભગવાન શ્રીહરિ શ્રીકૃષ્ણ ભગવાન અને ગુરુ રામાનંદ સ્વામીનું સ્મરણ કરી કહેવા લાગ્યા.૫

હે પુત્રો ! સકલ ઐશ્વર્ય સંપન્ન શ્રીકૃષ્ણ ભગવાન પોતાના અક્ષરધામમાં અનંત અક્ષરમુક્તોથી સેવાયેલા દિવ્ય સ્વરૂપે શોભી રહ્યા છે, જેમ સર્વત્ર જગતમાં જવાળાસ્વરૂપે વ્યાપી રહેલા અગ્નિદેવ અને જેમ સર્વત્ર જળસ્વરૂપે વ્યાપી રહેલા વરુણદેવ પોતાના અગ્નિલોક તથા વરુણલોકમાં પૃથક્ પૃથક્ મૂર્તિ સ્વરૂપે સાકારપણે રહેલા છે, તેમ જે શ્રીકૃષ્ણ ભગવાન પોતાના અક્ષરધામથી ઓરા(નિકટ) મૂળપુરુષ ને મૂળમાયા, ને તેથી ઓરા(નિકટ) મૂળમાયામાંથી ઉત્પન્ન થયેલાં અનંતકોટિ બ્રહ્માંડોમાં સર્વત્ર પોતાના સત્ય, જ્ઞાન અને અંતર્યામીપણું આદિક અનંત શક્તિથી સર્વના કર્મફલ પ્રદાતાપણે વ્યાપી રહેલા છે, તે જ શ્રીકૃષ્ણ ભગવાન પોતાના અક્ષરધામમાં પૃથક્પણે સદાય કિશોરઅવસ્થામાં મૂર્તિમાન દિવ્ય એવા વ્યતિરેક સ્વરૂપે વિરાજે છે. અને વળી તેજ શ્રીકૃષ્ણ ભગવાન આ પૃથ્વી પર પોતાના એકાંતિક ભક્તજનોને સુખ આપવા અને એકાંતિક ધર્મનું સ્થાપન કરવા માટે દિવ્ય મનુષ્યાકૃતિ ધરીને પણ વિરાજે છે, તે આપનું કલ્યાણ કરો.૬

હે પુત્રો ! ઉધ્ધવાવતાર સદ્ગુરુ શ્રીરામાનંદ સ્વામી આ પૃથ્વી પર સર્વનું મંગલ કરો. એ રામાનંદ સ્વામી અતિશય શોભાયમાન શરદઋતુના પૂર્ણિમાના પૂર્ણચંદ્ર જેવા મુખકમળની શોભાને ધરી રહ્યા છે. તેમના બન્ને નેત્રો કમળના પત્રની સમાન શોભી રહ્યાં છે, ઉજ્જવળ પ્રકાશમાન શરીર છે, વિશાળ વક્ષઃસ્થળ છે, આજાનબાહુ છે, કરુણામય દિવ્ય શરીરધારી છે, સદાય શ્વેત વસ્ત્રમાં તે શોભે છે, જમણા હાથમાં કમળનું ફૂલ ધાર્યું છે, આવા સદ્ગુરુવર્ય સર્વનું મંગલ કરો.૭

હે પુત્રો ! ભક્તિએ સહિત ધર્મનું રક્ષણ કરવામાં તત્પર તેમજ પોતાના આશ્રિત ભક્તોને સુખ ઉપજાવે તેવાં ચરિત્રો કરનારા સદ્ગુરુ રામાનંદ સ્વામીએ મને જે ભાગવતી દીક્ષાનો વિધિ કહ્યો છે. તેજ વિધિ હું તમને કહું છું.૮

ઉધ્ધવસંપ્રદાયની પરંપરામાં આવતા આચાર્યોએ સામાન્યદીક્ષા અને મહાદીક્ષા મુમુક્ષુ પુરુષોને કઇ રીતે આપવી જોઇએ, તેનો વિધિ હું કહું છું.૮-૯

'દીક્ષા' શબ્દનો અર્થ :- આત્મા પરમાત્માના દેદીપ્યમાન જ્ઞાનને યથાર્થતા પૂર્વક પ્રદાન કરે, તેમજ પાપોનો ક્ષય કરે તેને પંચરાત્ર શાસ્ત્રના જ્ઞાતા આચાર્યોએ ''દીક્ષા'' કહી છે.૧૦

હે પુત્રો ! ગોલોકાધિપતિ શ્રીકૃષ્ણ ભગવાન સ્વયં આ દીક્ષામાં ઉપાસ્ય ઇષ્ટદેવ છે.૧૧

કારણ કે પોતાના ઇષ્ટદેવના સંબંધે કરીને તે દીક્ષાનું નામકરણ થાય છે, તે માટે જ આ ઉધ્ધવ સંપ્રદાયમાં તે દીક્ષાનું નામ ''વાસુદેવી દીક્ષા'' પડેલું છે. બીજાં નામ વૈષ્ણવીદીક્ષા, ભાગવતીદીક્ષા પણ એજ અર્થમાં પ્રયોજાય છે.૧૨

સામાન્ય અને મહાદીક્ષાના બે પ્રકાર :- હે પુત્રો ! મુમુક્ષુજનોને ભવબંધનમાંથી મૂકાવતી તેથી જ તેઓની હિતકારી એવી આ દીક્ષા સામાન્યદીક્ષા અને મહાદીક્ષા એવા બે પ્રકારની છે, એમ જાણવું.૧૩

આ બન્ને પ્રકારની દીક્ષામાંથી જે પુરુષ સામાન્ય દીક્ષા ગ્રહણ કરે તેને સત્સંગી એવા નામથી સંબોધવામાં આવે છે. અને જે પુરુષો મહાદીક્ષાનો સ્વીકાર કરે છે, તેને આત્મનિવેદી એવા નામથી સંબોધવામાં આવે છે, તે બન્નેમાંથી પહેલી સામાન્ય દીક્ષાનું નિરૂપણ કરૂં છું.૧૪

સામાન્યદીક્ષા ગ્રહણનો શુભ અવસર :- હે પુત્રો ! પોતાનો દેહ ક્ષણભંગુર હોવાથી અને દેશકાળની શુભ અશુભ એવી વિષમતાને કારણે તથા દીક્ષા લેવામાં અધિકાર ભેદના કારણે પહેલી દીક્ષા સામાન્યદીક્ષા કહેલી છે.૧૫

સામાન્યદીક્ષામાં કોઇ કાળનો (એકાદશી આદિક મોટા દિવસોનો) નિયમ નથી. દેશનો કે જાતિનો પણ નિયમ નથી.૧૬

જે મનુષ્યના મનમાં સત્શાસ્ત્રનું શ્રવણ કરવાથી કે સંતોનો સમાગમ કરવાથી મુમુક્ષુતાનો અંકુર પ્રગટ થાય તે જ માણસ આ સામાન્ય દીક્ષાનો અધિકારી થાય છે.૧૭

સેંકડો સાધનો કરતાં પણ ન મળે તેવો દુર્લભ સદ્ગુરુનો સમાગમ પ્રાપ્ત થાય, ત્યારે સામાન્ય દીક્ષા ગ્રહણ કરવામાં શુભાશુભ તિથિનો વિચાર ન કરવો. વ્રતનો કે પૂજા અર્ચનાનો કે ઉપવાસાદિક ક્રિયાનો પણ વિચાર ન કરવો. સદ્ગુરુનો ભેટો થયો ને દીક્ષા લેવાની ઇચ્છા પ્રગટી, એ જ સામાન્ય દીક્ષાનો શુભ અવસર છે.૧૮

મુમુક્ષુનાં લક્ષણ :- જે સત્ અસત્ના વિવેકને જાણતો હોય, શ્રદ્ધાવાન અને પોતાના કલ્યાણના સાધનમાં તત્પર વર્તતો હોય, સત્શાસ્ત્રોમાં કે સુશીલ સ્વભાવના સંતોમાં પ્રીતિ ધરાવતો હોય, ભગવાનની ભક્તિ કરવાનું મન થતું હોય, આસ્તિક અને ધર્મનિષ્ઠ હોય, તેમજ યમદૂત થકી અને જન્મ-મરણરૂપ સંસૃતિથકી ભય પામતો હોય તેવા મુમુક્ષુ શિષ્યોએ ધર્મવંશી આચાર્યનો ભક્તિભાવપૂર્વક આશ્રય કરવો.૧૯-૨૦

ધર્મવંશી આચાર્યનાં લક્ષણ :- જે ધર્મવંશી આચાર્ય પોતાના સમીપ સંબંધ વિનાની સ્ત્રીઓની સાથે ભાષણ કે તેમનો સ્પર્શ ન કરતા હોય, પોતાની પત્ની સિવાય અન્ય સ્ત્રીઓમાં મા, બહેન અને પુત્રીની ભાવના કરતા હોય, ધર્મમાં નિયમપૂર્વક વર્તતા હોય, ઉધ્ધવ સંપ્રદાયમાં તેમની સ્થિતિ હોય, શ્રીહરિના ભક્ત હોય, તેમજ ભગવાનની મૂર્તિની સમીપે બેસી પોતાનો આહ્નિકવિધિ કરતા હોય, એવા સદ્ગુરુ ધર્મવંશી આચાર્યનો આશ્રય કરવો.૨૧-૨૨

હે પુત્રો ! જે સદ્ગુરુના સર્વે લક્ષણોએ સંપન્ન હોય છતાં જો ધર્મવંશી ન હોય તો તેવા ગુરુનો આશ્રય સંસૃતિમાંથી મૂકાવા ઇચ્છતા પુરુષે ન કરવો. તેવી જ રીતે ઉપરોક્ત ગુરુનાં લક્ષણ કહ્યાં તે ધર્મવંશીમાં ન હોય તો તેમનો પણ આશ્રય ન કરવો.૨૩

હવે દીક્ષાર્થી શિષ્યોએ ગુરુ પાસે કેમ જવું ? તે કહું છું. હે પુત્રો ! મુમુક્ષુ શિષ્યો શુદ્ધજળથી સ્નાન કરી ધોયેલા અને સૂકાયેલાં વસ્ત્રો પરિધાન કરી આહ્નિકવિધિ કરવો ને પછી હાથમાં શ્રીફળ લઇ ધર્મવંશી ગુરુના શરણે જવું.૨૪

તેમની આગળ ફળ સ્થાપન કરી પ્રણામ કરી શિષ્યે બે હાથ જોડીને એમ બોલવું કે, હે ભગવાન ! હું સંસૃતિથી ભયભીત છું. અને તેથી જ તમારે શરણે આવ્યો છું. મારૂં સંસૃતિના ભયથકી રક્ષણ કરો.૨૫

હે પુત્રો ! આ પ્રમાણે કહીને જે શરણે આવે તેમને ધર્મવંશી ગુરુએ પ્રથમથી જ 'તું ભય ન પામ, તારૂં શ્રીકૃષ્ણ ભગવાન ચોક્કસ સર્વ પ્રકારે રક્ષણ કરશે,' એમ અભયદાન આપીને તેજ ક્ષણે સામાન્યદીક્ષા આપવી.૨૬

कालमायापापकर्मयमदूतभयादहम् । श्रीकृष्णदेवं शरणं प्रपन्नोऽस्मि स पातु माम् ।। २७

સામાન્યદીક્ષાનો વિધિ :- હે પુત્રો ! દીક્ષા આપતી વખતે શિષ્યના જમણા હાથમાં જળ ધારણ કરાવી પ્રથમ ગુરુએ બોલતાં શિષ્ય પાસે તે શરણમંત્ર બોલાવવો. તે મંત્ર આ પ્રમાણે છે કે, 'કાળ, માયા, પાપકર્મ તેમજ યમદૂતના ભયથી હું શ્રીકૃષ્ણ પરમાત્માને શરણે આવ્યો છું.' તેથી હે શ્રીકૃષ્ણ પરમાત્મા ! મારૂં રક્ષણ કરો.૨૭

આ પ્રમાણે સંકલ્પ કરાવીને ગુરુએ શ્રીકૃષ્ણ ભગવાનની પ્રસાદીનું કેસર ચંદન અથવા ગોપીચંદનથી ઉધ્ધવસંપ્રદાયની રીત અનુસારનું ભાલમાં ઊર્ધ્વપુંડ્ર તિલક કરાવી શ્રીહરિના ચરણકમળનો સ્પર્શ કરાવેલી તુલસીના કાષ્ઠની બેવળી કંઠી તે શિષ્યના કંઠમાં પહેરાવવી. ત્યારપછી ગુરુએ શિષ્યના જમણા કાનમાં શ્રીકૃષ્ણ ભગવાનના અષ્ટાક્ષર મંત્રનો ત્રણ વખત ઉપદેશ કરવો.૨૮-૨૯

પછી કોઇ પણ જગ્યાએ સર્વત્ર સર્વકાળે જપી શકાય તેવો અને સમગ્ર પાપને બાળીનાખનારો ''સ્વામિનારાયણ'' આવો ષડાક્ષરી મંત્રનો ગુરુએ શિષ્યને ઉપદેશ કરવો.૩૧

મંત્રનું પ્રદાન કરતી વખતે ગુરુએ ત્રણ વર્ણના પુરુષને જમણા કાનમાં અને શુદ્રવર્ણના પુરૂષને ડાબા કાનમાં સ્પર્શ કર્યા વગર દૂરથી જ મંત્રનું પ્રદાન કરવું.૩૨

હે પુત્રો ! ત્યારપછી ગુરુએ શિષ્યને શ્રીકૃષ્ણ ભગવાનનો મહિમા સમજાવવો, કે હે શિષ્ય ! અત્યારે તમે વાસુદેવ શ્રીકૃષ્ણ ભગવાનના ભક્ત થયા છો.૩૩

તેજ વાસુદેવ ભગવાન પૃથ્વીલોકમાં મનુષ્યોના કલ્યાણને માટે પોતાના સર્વોત્તમ અક્ષરધામમાંથી મનુષ્યમાં ''સ્વામિનારાયણ'' સ્વરૂપે પ્રગટ થયા છે.૩૪

પોતાના આશરે રહેલા ધર્મ-ભક્તિનું અતિ દુષ્ટ અસુરજનો થકી રક્ષણ કરવાને માટે આ પૃથ્વી પર પ્રગટેલા તે સ્વામિનારાયણ ભગવાનની દયાનો કોઇ પાર નથી. તેની દયાનું વર્ણન કરવા કોણ સમર્થ થાય એમ છે ?.૩૫

આવા દયાળુ એ ભગવાન વૈરભાવથી પોતાનું ચિંતવન કરતા, માંસાહારી, આતતાયી, અસુર પુરુષોને પણ પોતાની એક દયાને કારણે પોતાના ધામમાં લઇ જાય છે.૩૬

ગુણગ્રાહી એવા તે શ્રીસ્વામિનારાયણ ભગવાન આવી રીતે વૈરભાવે પણ પોતાનું સ્મરણ કરનારા દ્વેષી જનોના અવગુણને પોતે ગણતા નથી.૩૭

જો આવી રીતે અસુરજનો ઉપર દયા વરસાવતા હોય તો જે જનો અનન્ય એકાંતિકી ભક્તિથી પોતાનું ભજન સ્મરણ કરે તેમના ઉપર તે કરુણાસાગર ભગવાન પ્રસન્ન થાય તેમાં શું કહેવું ?.૩૮

આવી રીતે સર્વનું હિત કરનારા શ્રીસ્વામિનારાયણ ભગવાનના શરણે અત્યારે તમે થયા છો. તેથી સંસૃતિના બંધન થકી તમે મૂકાઇ ગયા. એમ નક્કી માનો.૩૯

હે શિષ્ય ! જે પુરુષો શ્રીકૃષ્ણ ભગવાનને શરણે જાય છે તે તત્કાળ નિશ્ચે માયાના બંધન થકી મૂકાઇ જાય છે. તેના સિવાયના કોઇ મૂકાતા નથી. આ બાબતમાં શ્રીકૃષ્ણ ભગવાનાંજ વચનો છે, તેને તમે સાંભળો.૪૦

કે સત્ત્વ, રજ અને તમ આ ત્રણ ગુણવાળી આ મારી દૈવી માયા ઉલ્લંઘવી બહુ કઠીન છે. પરંતુ જો મનુષ્યો મારે શરણે આવે છે, તે એ માયાને તત્કાળ તરી જાય છે.૪૧

તેથી હે શિષ્ય ! મેં કહેલા પાળવાના નિયમો અને ધર્મોનો આશ્રય કરી, તે પ્રમાણે વર્તીને ધર્મ-ભક્તિનું રક્ષણ કરવા તેમના થકી પ્રગટ થયેલા શ્રીવાસુદેવ એવા શ્રીસ્વામિનારાયણ ભગવાનનું તમે સર્વભાવે ભજન કરો.૪૨

ભગવાન શ્રીહરિ કહે છે, હે પુત્રો ! આ પ્રમાણે સર્વશાસ્ત્ર સંમત શ્રીકૃષ્ણ ભગવાનનું માહાત્મ્ય કહેતા ગુરુને પ્રણામ કરી શિષ્યે અતિશય રાજી થઇને ગુરુ પ્રત્યે એમ કહેવું કે, હે ગુરુજી ! અતિશય ભયંકર કાળમાયાના દારુણ ભયથી ને સંસૃતિના બંધનથી આજ હું મુક્ત થઇ નિર્ભય થયો, ને શ્રીકૃષ્ણ ભગવાનનો ભક્ત થયો છું.૪૩-૪૪

આ રીતે કહેતા શિષ્યને ગુરુએ પોતાને પ્રિય એવી શ્રીકૃષ્ણ ભગવાનની પ્રતિમા પ્રતિદિન પૂજવા માટે અર્પણ કરવી.૪૫

ને વળી ગુરુએ શિષ્યને ઉપદેશ કરતાં કહેવું કે, હે શિષ્ય ! તમે સદાય ધર્મનું આચરણ કરજો, કારણ કે, ધર્મ બ્રહ્માદિ ઇશ્વરોએ સહિત આ આખા વિશ્વને ધારણ કરે છે.૪૬

હે શિષ્ય ! તમારે પ્રતિદિન પ્રાતઃ સ્નાન કરી ઊર્ધ્વપુંડ્ર તિલક ધારણ કરવું. પોતાનો નિત્યવિધિ કરી અંદર અને બહાર ભગવાનનું પૂજન કરવું, અર્થાત્ માનસી અને બાહ્ય પૂજા કરવી.૪૭

પછી પવિત્ર એવા તમારે શ્રીકૃષ્ણ ભગવાનના અષ્ટાક્ષરમંત્રનો પોતાની શક્તિને અનુસારે નક્કી કરેલી સંખ્યામાં દિવસે અને રાત્રીએ પ્રતિદિન જપ કરવો.૪૮

એકાદશીના દિવસે અને ભગવાનના જન્માષ્ટમીના દિવસે ઉપવાસ કરવો, અને પોતાની શક્તિને અનુસારે ઉત્સવો પણ કરવા.૪૯

હે શિષ્ય ! મદ્ય અને માંસનું ભક્ષણ, પરસ્ત્રીગમન, પરધનની ચોરી, પોતાની કે પારકી હિંસા અને જાતિથી ભ્રષ્ટ કરે એવા કર્મના આચરણનો તમારે સર્વ પ્રકારે ત્યાગ કરવો.૫૦

તેમજ ભાંગ, ગાંજો, અફીણ અને તમાકુ આદિક કેફ કરનારી વસ્તુનું તથા લોકનિંદિત કોઇ પણ વસ્તુનું ક્યારેય પણ ભક્ષણ કરવું નહિ.૫૧

ગાળ્યા વિનાનું જળ, કે દૂધ ક્યારેય પણ પીવું નહિ. ગાળ આદિક અપશબ્દો બોલવા નહિ. પોતાને કે પારકાને દુઃખ ઉપજે એવું સત્ય વચન પણ બોલવું નહિ.૫૨

પોતાના સમીપ સંબંધવાળી વિધવા નારી સિવાય બીજી વિધવા નારીઓનો ક્યારેય પણ બુદ્ધિપૂર્વક આપત્કાળ પડયા વિના સ્પર્શ કરવો નહિ.૫૩

અને જો અજાણતાં સ્પર્શ થઇ જાય તો સ્નાન કરવું અને જો જાણી જોઇને સ્પર્શ થાય તો સ્નાન કરી એક ઉપવાસ કરવો.૫૪

કામભાવથી જાણી જોઇને જો વિધવા સ્ત્રીનો સ્પર્શ થાય તો બે ઉપવાસ કરવા, અને જો કામબુદ્ધિપૂર્વકનો વિધવાનો સ્પર્શ કર્યો હોય તેને લોકો જો જાણી જાય તો એક ચાંદ્રાયણ વ્રત કરવું.૫૫

ખરીદી, વેચાણ આદિકના અવશ્ય કાર્યમાં તથા ક્યારેક જળમાં બૂડવું, અગ્નિદાહ આદિકનો આપત્કાળ આવી પડે, ત્યારે જાણી જોઇને કરેલા વિધવાના સ્પર્શમાં દોષ નથી.૫૬

હે શિષ્ય ! સ્ત્રીલંપટ, અતિલોભી, વામમાર્ગી, નાસ્તિક, શુષ્કજ્ઞાની તેમજ બ્રહ્મહત્યાદિક મહાપાપ કરનારા પુરુષનો ક્યારેય પણ સંગ ન કરવો.૫૭

પરંતુ હે શિષ્ય ! તમારે હમેશાં સત્શાસ્ત્ર અને સંતોનો સંગ કરવો અને ભગવાન શ્રીહરિની નવધા ભક્તિ કરવી ને કોઇના ઉપર મિથ્યાપવાદનું આરોપણ ન કરવું.૫૮

ભગવાનની કથાવાર્તા પણ કુસંગી વક્તા થકી ન સાંભળવી. કોઇ પણ શિવ આદિક દેવતાઓનું વાણીથી પણ મૂળ ઉખેડવું નહીં.૫૯

કારણ કે આજે તમને સત્ શબ્દ વાચ્ય ભાગવતધર્મનો સંગ પ્રાપ્ત થયો છે, તેથી આજથી પૃથ્વી પર તમે 'સત્સંગી' એવા નામથી પ્રખ્યાત થશો.૬૦

હે પુત્રો ! ગુરુ આ પ્રમાણે જ્યારે ઉપદેશ આપે ત્યારે ''હું આજથી એમજ વર્તીશ'' એ પ્રમાણે કહીને શિષ્યે ગુરુના વચનો શિરોધાર્ય કરી ગુરુનું અતિ હર્ષથી પૂજન કરવું.૬૧

પૂજનમાં નવીન વસ્ત્રો, ચંદન, પુષ્પની માળા, તોરાઓ, સુવર્ણના અલંકારો, સુવર્ણ અને રૂપાની મુદ્રાઓ, તેમજ ઘી સાકર યુક્ત સુંદર ભોજનવડે ગુરુનું પોતાની શક્તિ પ્રમાણે વિધિપૂર્વક પૂજન કરવું.૬૨

પછી શક્તિ પ્રમાણે સાધુ અને બ્રાહ્મણોનું પણ પૂજન કરવું. ત્યાર પછી ગુરુને સાષ્ટાંગ પ્રણામ કરી ગુરુની આજ્ઞાથી પોતાને ઘેર જવું.૬૩

પછી તે દીક્ષિત શિષ્યો ગુરુએ કહેલા વર્ણાશ્રમને ઉચિત ધર્મનું નિરંતર પાલન કરવું, અને ઉત્સાહપૂર્વક શ્રીકૃષ્ણ ભગવાનનું ભજન કરવું .૬૪

ઊર્ધ્વપુંડ્ર તિલક ધારણ કરવાની રીત :- પ્રતિદિન તે શિષ્યોએ ભગવાનની પ્રસાદીના કેસર ચંદન કે ગોપીચંદનથી ઊર્ધ્વપુંડ્ર તિલક કરવું ને વચ્ચે ગોળ ચાંદલો કરવો.૬૫

અથવા ગૃહસ્થ,વર્ણી તથા સાધુજનોને રાધા તથા લક્ષ્મીજી ના પ્રસાદીના કુંકુંમ વડે વચ્ચે ગોળ ચાંદલો કરવો.૬૬

હે પુત્રો ! સંન્યાસી, વાનપ્રસ્થી કે અગ્નિહોત્રી વિપ્રોએ માટીથી કે ચંદનથી મધ્યના ચાંદલા વિના કેવળ શોભાયમાન ઊર્ધ્વપુંડ્ર તિલક કરવું.૬૭

તેમાં ઉધ્ધવસંપ્રદાયના દીક્ષિત ગૃહસ્થ ભક્તજનોએ તથા સાધુજનોએ દર્પણમાં જોઇને ચાર ઊર્ધ્વપુંડ્ર તિલક કરવાં.૬૮

તેમાં સંન્યાસી ચાર પ્રકારના કહેલા છે, કુટીચક, બહુદક, હંસ અને પરમહંસ.૬૯

તેઓના મધ્યે પહેલા ત્રણ પ્રકારના સન્યાસીઓએ મસ્તક, લલાટ અને હૃદય આ ત્રણ જગ્યાએ ઊર્ધ્વપુંડ્ર તિલક કરવાં ને ચોથા પરમહંસ નામના સન્યાસીએ કેવળ એક ભાલમાં જ ઊર્ધ્વપુંડ્ર તિલક ધારણ કરવું.૭૦

પછી વાનપ્રસ્થ અને બ્રહ્મચારીઓએ ભાલ, કંઠ, હૃદય તથા બન્ને બાહુમાં એમ પાંચ જગ્યાએ ઊર્ધ્વપુંડ્ર તિલક નિત્ય ધારણ કરવાં.૭૧

ઉધ્ધવ સંપ્રદાયની દીક્ષા પામેલા સત્શૂદ્રોએ પણ ચાર જગ્યાએ ઊર્ધ્વપુંડ્ર તિલક ધારણ કરવાં, જ્યારે અસત્શૂદ્રાદિક જનોએ તો કેવળ ભાલમાં કુંકુમનો ચાંદલો કરવો.૭૨

પુરુષ ભક્તો જ્યારે ચાર ઊર્ધ્વપુંડ્ર તિલક ધારણ કરે ત્યારે ભગવાનના વાસુદેવાદિ ચાર નામ મંત્રોનું ઉચ્ચારણ કરવું. તેમાં ''વાસુદેવાય નમઃ'' એ મંત્ર બોલીને ભાલમાં, ''સંકર્ષણાય નમઃ'', એ મંત્ર બોલીને હૃદયમાં, ''પ્રદ્યુમ્નાય નમઃ'', એ મંત્ર બોલીને જમણાબાહુમાં અને ''અનિરુદ્ધાય નમઃ'' એ મંત્ર બોલીને ડાબા બાહુમાં તિલક ધારણ કરવું.૭૩

પાંચ ઊર્ધ્વપુંડ્ર તિલક ધારણ કરવાનાં જે કહ્યાં તેમાં કેશવાદિ પાંચ નામ મંત્રોનું ઉચ્ચારણ કરવું, ભાલમાં ''કૃષ્ણાય નમઃ'', કંઠમાં ''કેશવાય નમઃ'', હૃદયમાં ''નારાયણાય નમઃ'', જમણા બાહુમાં ''માધવાય નમઃ'', અને ડાબા બાહુમાં ''ગોવિંદાય નમઃ'' બોલવું, અથવા પાંચે સ્થાને વિષ્ણુગાયત્રી મંત્રનું ઉચ્ચારણ કરી ઊર્ધ્વપુંડ્ર તિલક ધારણ કરવું.૭૪

હવે જે ત્રણ ઉર્ધ્વપુંડ્ર ધારણ કરવાનાં જે કહ્યાં તેમાં અ, ઉ, મ, આ ત્રણ માત્રાવાળા ૐ-કારનો જપ કરીને તિલક કરવાં, અને જે પરમહંસને એક તિલક ધારણ કરવાનું કહ્યું તેમાં ''ૐ નારાયણાય નમઃ'' આ મંત્ર બોલીને તિલક કરવું.૭૫

હે પુત્રો ! ઊર્ધ્વપુંડ્ર તિલક તર્જની આંગળીથી કરવું. તે સમાન રેખાકૃતિમાં સૌમ્ય આકાર વાળું, છેલ્લી કનિષ્ઠિકા આંગળી જેટલા માપની સરળ રેખાવાળું તેમજ દંડના જેવી આકૃતિવાળું હોવું જોઇએ.૭૬

જે ભક્તોને તર્જની આંગળીથી તિલક કરવાની કુશળતા ન હોય તેમણે શળી આદિકથી જે રીતે શોભાયમાન થાય એમ કરવું.૭૭

પરંતુ ગોળાકાર, ઉપર વાંકુ, વચ્ચે જગ્યા રહિતનું, એકદમ નાનું, નાકની ડાંડીથી શરૂ કરેલું , અતિશય લાબું, બહુ પહોળું, અથવા બહુ સાંકડું, નીચેથી ઉપર વાંકુ, વિરૂપ, નીચે સાકડું -ઉપર પહોળું, નીચે મૂળમાં તૂટેલું, લલાટના મધ્ય ભાગને છોડી આડુ અવળું કરેલું, મલિન દેખાતું, જળના મિશ્રણ વિના કોરા ચંદનથી કરેલું, લાલ રંગવાળું, જળમાં જોઇને કરેલું, સુગંધી રહિતનું, અવસહ્ય અર્થાત ડાબા હાથે કરેલું ઊર્ધ્વપુંડ્ર તિલક અનર્થને કરનારૂં કહેલું છે.૭૮-૭૯

કંઠી ધારણ કરવાની રીત :- હે પુત્રો! નિયમમાં તત્પર ભક્તજને ભગવાનની પ્રસાદી કરાવીને તુલસીની બેવળી કંઠી ગળામાં ધારણ કરવી અને તેવી જ તુલસીના કાષ્ઠમાંથી બનાવેલી જપમાળા પણ રાખવી. ૮૦

દીક્ષા પામેલા પુરુષે તુલસીની કંઠી ન મળે તો ચંદનાદિકથી નિર્મિત કંઠી ભગવાનની પ્રસાદીની કરાવી ધારણ કરવી.૮૧

વળી તે દિક્ષીત ભક્તે પ્રાતઃકાળે નિરંતર સ્નાન કરી, નિત્યકર્મ કરી ભગવાન શ્રીહરિની મૂર્તિપૂજા કરવી ને પવિત્રપણે રહીને આચાર્યે ઉપદેશ કરેલા અષ્ટાક્ષરમંત્રનો યથાશ્શક્તિ જપ કરવો.૮૨

તે જપ મૌન અને સ્વસ્થચિત્તે સ્થિર આસને બેસીને શાન્તિથી માળાને વસ્ત્રમાં ઢાંકીને અથવા ગૌમુખીમાં રાખીને શ્રીવાસુદેવ ભગવાનનું હૃદયમાં સ્મરણ કરવા પૂર્વક જપ કરવો.૮૩

હે પુત્રો ! દીક્ષિત શિષ્યે દ્વારકાની યાત્રા અવશ્ય કરવી. તે દ્વારિકામાં લક્ષ્મીપતિ શ્રીકૃષ્ણ ભગવાનના આયુધોની તપ્તમુદ્રાઓ બન્ને બાહુમાં ધારણ કરવી.૮૪

વળી તે દીક્ષિત ભક્તે જન્માષ્ટમી આદિક ઉત્સવોમાં પોતાના આચાર્યનાં દર્શન કરવા તેમની સમીપે જવું ને તેમને જોઇ દંડવત્ પ્રણામ કરવા.૮૫

સદ્ગુણી શિષ્યે ગુરુની જમણી બાજુએ કાંઇક થોડે દૂર રહીને આદરપૂર્વક દંડવત્ પ્રણામ કરવા, ગુરુની આજ્ઞા લીધા વિના તેમના ચરણાદિક અંગોનો ક્યારેય સ્પર્શ કરવો નહિ.૮૬

નિરંતર ગુરુની સેવામાં તત્પર અને ગુરુ આગળ હમેશાં સત્ય બોલનારા તે શિષ્યે સમયે સમયે યથાયોગ્ય મર્યાદામાં રહીને ગુરુનાં દર્શન કરવાં.૮૭

ગુરુની શય્યા કે આસન ઉપર બેસવું નહિ. તેમની પાદુકા પહેરવી નહિ, તેના જલપાત્રથી પાણી પણ ક્યારેય પીવું નહિ.૮૮

હે પુત્રો ! આવી રીતે સદ્ગુરુની આજ્ઞાથી ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં પણ તે ભક્તને બીજા માણસોની જેમ ફરી જન્મ-મરણરૂપ સંસૃતિનો ભય રહેતો નથી.૮૯

વર્ણાશ્રમના લીધે અધિકારના ભેદથી તેમજ શ્રીકૃષ્ણ ભગવાનની દીક્ષામાં આપવામાં આવતા મંત્રભેદથી આ સામાન્ય દીક્ષાનો વિધિ પણ બે પ્રકારનો કહેલો છે.૯૦

તેમાં અત્યાર સુધી કહેલો આ સર્વે વિધિ ચાર વર્ણના દીક્ષાર્થી માટે છે.તેમજ ચાર આશ્રમના દીક્ષાર્થી માટે પણ છે.૯૧

પરંતુ ચારે વર્ણથી બહારના મનુષ્યો છે તેમના માટે સામાન્ય દીક્ષાનો વિધિ હવે કહું છું. આવા વર્ણાશ્રમથી બહારના મનુષ્યોએ બે હાથ જોડી ગુરુના ઘરથી બહાર ઊભા રહેવું.૯૨

ગુરુએ તેવા શિષ્યોને બીજા ત્રણ અક્ષરવાળા ''શ્રીકૃષ્ણ'' અથવા ''સ્વામિનારાયણ'' ષડાક્ષર એવા મંત્રનો ઉપદેશ કરવો. મદ્ય માંસનો ત્યાગ, પરસ્ત્રીગમન ત્યાગ, ચોરીનો ત્યાગ, પોતાની કે પરની હિંસાનો ત્યાગ, જાતિથી કોઇને ભ્રષ્ટ કરે તેવા કર્મનો ત્યાગ, આદિક નિયમોનો ઉપદેશ કરવો.૯૩

પછી તેવા દીક્ષિત શિષ્યોએ આળસનો ત્યાગ કરીને ગુરુએ ઉપદેશેલા ધર્મનું સર્વદા પાલન કરવું, સાધુનાં દર્શન કરવા, સાધુની આજ્ઞા વિના તેમના ચરણાદિ અંગોનો સ્પર્શ કરી દર્શન કરવાં નહિ.૯૪

હે પુત્રો ! તેવા શિષ્યોએ જે પોતાના ગામમાં ઉધ્ધવ સંપ્રદાયના મંદિરમાં શ્રીરાધાકૃષ્ણની પ્રતિમા હોય તેનાં નિરંતર દર્શન કરવા જવું.૯૫

બાહ્યપૂજા ન કરવી, પરંતુ નિત્યે માનસીપૂજા કરવી. મંદિરમાં ચિત્ર પ્રતિમાના દર્શન માત્રથી તેઓને બાહ્યપૂજાનું ફળ મળી જાય છે.૯૬

વળી આચાર્યે ઉપદેશેલા "સ્વામિનારાયણ'' નામ મંત્રનો નિરંતર નિયમપૂર્વક જપ કરવો. ભાલમાં ચંદનથી કે ગોપીચંદનથી કેવળ ચાંદલો કરવો.૯૭

પોતાના ગામમાં જો ભગવાનની પ્રતિમા ન હોય તો ભગવાનની પ્રસાદી એવી ફૂલ માળા અને વસ્ત્રનો ખંડ આદિકની વસ્તુ હમેશાં પોતાની સમીપે રાખવી.૯૮

અને તેનાં દર્શન, સ્પર્શ પ્રતિદિન કરવાં, પરંતુ ભગવાન પ્રતિમાનો સ્પર્શ તો ક્યારેય કરવો નહિ.૯૯ હે પુત્રો ! આ પ્રમાણે મેં સામાન્ય દીક્ષાના બીજા પ્રકારના વિધિનું નિરૂપણ કર્યું.૧૦૦

આ લોકમાં ઉદ્ધવસંપ્રદાયમાં રહેલા ગુરુશિષ્યોએ તેમનું યથાર્થ પાલન કરવું. આ રીતે શાસ્ત્રની મર્યાદા અનુસાર સામાન્ય દીક્ષાવિધિના બે પ્રકાર મેં તમોને કહ્યા. હવે મહાદીક્ષાનો વિધિ પણ મારા આશ્રિત જનોના હિત માટે કહું છું.૧૦૧

આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૂપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં દીક્ષાવિધિમાં સામાન્ય દીક્ષા વિધિનું નિરૂપણ કર્યું, એ નામે છેતાલીસમો અધ્યાય પૂર્ણ થયો. --૪૬--