તરંગ - ૭૨ - શ્રીહરિયે ચાર અસુરનો પરાજય કર્યો

Submitted by swaminarayanworld on Thu, 17/08/2017 - 6:50pm

 

 

પૂર્વછાયો

પુરૂષોત્તમ નારાયણ, છુપૈયાપુર મોઝાર । મનુષ્યદેહે ઘણી રીતે, કરે ચરિત્ર અપાર ।।૧।।

એકસમે ઘર આગળે, આંગણામાં અલબેલ । સખા સર્વેને સાથે કરતા, મલ્લકુસ્તીનો ખેલ ।।૨।।

ધર્મભક્તિ રામપ્રતાપ, પુરવાસી ઘણા જન । ચારે બાજુયે જોવા બેઠા, કુસ્તી રમે ભગવન ।।૩।।

રમત રમુજ કરતાં, થયો છે મધ્યાન કાળ । તોય આળશ આવી નહીં, એવા ધર્મના બાળ ।।૪।।

પ્રભુજીનું નથી અજાણ્યું, કરવું છે બીજું કામ । તે રમત નથી મુક્તા, જે ધારીને સુખધામ ।।૫।।

 

 

ચોપાઇ

 

રમે રમત નાના પ્રકાર, મલ્લકુસ્તીની ધર્મકુમાર । સર્વે જાણે છે જગદાધાર, આવ્યા અસુર એ સમે ચાર ।।૬।।

પૂર્વનું જેના મનમાં વેર, તેને સાંભરીને આવ્યું ઝેર । ગૌરીદત્ત શુભદત્ત જેહ, ઇંદ્રદત્ત દીનદત્ત એહ ।।૭।।

તે ચારે કાલીદત્તના મિત્ર, આવ્યાછે મારવા અપવિત્ર । સખાના જેવા ધર્યા છે વેષ, કુસ્તી રમવા આવ્યા વિશેષ ।।૮।।

તેને દેખીને શ્રીમહારાજ, જાણ્યું આવ્યા છે મારવા કાજ । શ્રીહરિયે વિચાર્યું છે સારું, ચારે જણને આ સ્થળે મારું ।।૯।।

પછે પ્રભુએ બોલાવ્યા પાસ, આવો રમવાની હોય આશ । કુસ્તી કરો તમે આણે ઠાર, મારા સર્વે સખા છે તૈયાર ।।૧૦।।

ત્યારે અસુર બોલ્યા છે એમ, સખાસાથે રમું અમે કેમ । તમ સાથે રમવાનો વિચાર, અમારે નક્કી છે નિરધાર ।।૧૧।।

એવું સુણીને શ્રી ઘનશ્યામ, પછે શું કરતા હવા કામ । વેણીરામ આદિ સખા સાર, તેને દૂર કર્યા તેહ વાર ।।૧૨।।

મોટાભાઇને કે જગતાત, સુણો અનંતજી મુજ વાત । આ બેઉની સાથે લડો તમે, બેસાથે યુદ્ધ કરીએ અમે ।।૧૩।।

બબે મલ્લ લીધા સામસામે, યુદ્ધ કરવા લાગ્યા તે ઠામે । છાતી સાથે ભિડાવી છે છાતી, બેઉ બંધુની ચાલી છે ખ્યાતી ।।૧૪।।

કર સાથે કરને ભિડાવે, મુષ્ટિ પ્રહાર વડે પીડાવે । મારે ગડદા પાટુનો માર, એકએકને ત્યાં નિરધાર ।।૧૫।। તેના કડાકા શબ્દ અપાર, થાવા લાગ્યા છે વારમવાર । દશ દિશામાં પ્રછંદા વાગે, મલ્લયુદ્ધ સામસામી માગે ।।૧૬।।

બાહુ પકડી પૃથ્વી પટકે, ખરો માર ખલને ખટકે । દાવ પેચમાં દિલ ધરેછે, તેના શબ્દ કડાકા કરે છે ।।૧૭।। સત્યલોકે ગયો તેનો નાદ, બ્રહ્માદિકે તજ્યો છે પ્રમાદ । આવ્યા આકાશે દેવ સમગ્ર, સાથે વિમાન છે ત્યાં ઉદગ્ર ।।૧૮।।

મહાપ્રભુ કરે મલ્લયુદ્ધ, મોટાભાઇ સહિત વિરુદ્ધ । ચાલ્યો દારૂણ યુદ્ધપ્રકાશ, દેખીને દેવ પામ્યા છે ત્રાસ ।।૧૯।।

તે સમે પ્રભુ જુજવે રૂપે, દીધાં દર્શન આપ અનૂપે । માતાપિતાને એમ જણાણા, દયાળુ પુત્રભાવે દેખાણા ।।૨૦।।

બીજા જન સખારૂપે દેખે, પુરના જન સુહૃદ પેખે । ઓલ્યા આવ્યા છે અસુર ચાર, તેને તો દેખાણા તરેવાર ।।૨૧।।

જાણે ઉભો ભયંકર કાળ, એવા દેખ્યા છે ધર્મના બાળ । ત્રાસ પામી ગયા મનમાંયે, હવે નાસીને જાવુંરે કયાંયે ।।૨૨।।

નાસી છુટયાનું શોધે છે ઠામ, પણ છોડે નહીં ઘનશ્યામ । ઘણીવાર સુધી તો રમાડ્યા, ચારે અસુરને ત્યાં ભમાડ્યા ।।૨૩।।

નેત્રે સમસ્યા કરી છે શ્યામે, ભાઇને સમઝાવ્યા તેઠામે । હવે તો લાગીછે ઘણી વાર, માટે મુકીદ્યો એમનો પાર ।।૨૪।।

આકાશે જુવો દેવ રયાછે, જોતાં જોતાં તે થાકી ગયાછે । એમ કૈ ધીર આપવા સારૂં, નિજ જમણા હાથેથી વારૂં ।।૨૫।।

ફેરવી ફેરવીને ફગાવ્યા, વ્યોમ મારગે તેને ભગાવ્યા । પ્રવાહીક પવનના જોરે, બન્ને જુદા થયા ચારે કોરે ।।૨૬।।

જઇ એક પડ્યો છે જરૂર, શ્રવણ તલાવડીયે ભૂર । મનોરમા નદીનું જે વન, તેમાં બીજો પડ્યો અઘવન ।।૨૭।।

એવા સમર્થ અશરણ શરણ, પાપીને એમ પમાડ્યા મરણ । હવે શું કર્યું છે ૧અહિનાથે, બે જણાને ઝાલ્યા નિજ હાથે ।।૨૮।।

ફેરવ્યા ચક્રની પેરે ત્યાંયે, ઉછાળી દીધા આકાશમાંયે । વાયુભેગા ભમ્યા ઘણી વાર, પછે પડ્યા તે પૃથ્વી મોઝાર ।।૨૯।।

વિશ્વામિત્રી તણે સામે પાર, એક પડ્યો તે વન મોઝાર । સર્જુ ગંગા કિનારો છે જ્યાંયે, બિલ્વાબજારનું વન ત્યાંયે ।।૩૦।।

બીજો જઇ પડ્યો છે તે ઠાર, એમ ઉતર્યો ભૂમિનો ભાર । મારવા આવ્યાતા એ અસુર, પણ મૃત્યુ પામી ગયા ભૂર ।।૩૧।।

રહ્યા અમર અભ્ર મોઝાર, કરે પુષ્પની વૃષ્ટિ અપાર । ગાંધર્વ સઘળા ગુણ ગાવે, વળી દુંદુભી નાદ બજાવે ।।૩૨।।

ત્યાર પછી થઇ ઘણી વાર, ધર્મદેવ પુછે તેહ ઠાર । કોણ આવ્યાતા એ ચ્યાર આંહી, સાચી વાત કહો મુને સહી ।।૩૩।।

ત્યારે બોલ્યા છે રામપ્રતાપ, હે દાદા સત્ય સાંભળો આપ । ચારે અસુર આવ્યાતા આજ, હરિકૃષ્ણને મારવા કાજ ।।૩૪।।

અસુરે કર્યાં દુષ્ટ આચરણ, મંદમતિ પામી ગયા મરણ । એવું સાંભળી ભક્તિ ધરમ, થયા પ્રસન્ન આનંદ્યા પરમ ।।૩૫।।

હરિકૃષ્ણ છે જીવનપ્રાણ, મસ્તકે ફેરવ્યા રૂડા પાણ । પછે બન્ને ભાઇઓને સંગે, રસોઇ કરી જમાડ્યા રંગે ।।૩૬।।

વળી કોઇ સમયની વાત, અયોધ્યામાં હતા જગતાત । દિલ્લીસંગ આદિ સખા જન, તેની સાથે ચાલ્યા ભગવન ।।૩૭।।

એકાદશીનો દિન છે આજ, હે દિલ્લીસંગ ચાલો સમાજ । નવગજાની આંબલી જ્યાંયે, ભારતકથા ચાલે છે ત્યાંયે ।।૩૮।।

કોઇને આ વાત નહિ કૈયે, આપણ સર્વે ચાલો ત્યાં જૈયે । ભાઇયે ના પાડી છે મુજને, ખરી વાત કહું છું તુજને ।।૩૯।।

જ્યારે નિદ્રાને વશ એ થાય, આપણે કરો જાવા ઉપાય । છાંના માના આપણ જઇશું, કથા સુણીને સુખી થઇશું ।।૪૦।।

મોટાભાઇ સુતા સહુ જોતે, નિદ્રાને વશ કર્યા છે પોતે । પછે ચાલ્યા સંધ્યાકાળ ટાણે, કોઇ બીજું આ વાત ન જાણે ।।૪૧।।

જેસંગપુર બજારે થૈને, નવગજા પીરે ઉભા જૈને । આંબલીનાં વૃક્ષતળે ગયા, કથા ચાલે છે તે જોઇ રહ્યા ।।૪૨।।

તે સમે રાજા દર્શનસંગ, બેઠા છે ઘણા માણસસંગ । પાટ ઉપર તે મન ભાવ્યા, રૂડા ગાદી તકિયા બિછાવ્યા ।।૪૩।।

તેમાં બેઠા છે રૂડા રાજન, એણે દેખ્યા છે જગજીવન । ભાળીને કર્યો બહુ સત્કાર, પાસે બોલાવ્યા છે તેહવાર ।।૪૪।।

બેસાર્યા બહુ દેઇને માન, પાસે બિરાજ્યા શ્રી ભગવાન । કથા સુણી પોતે ઘણી વાર, પછે સમાપ્તિ થઇ નિરધાર ।।૪૫।।

પરમ વિવેકી શ્રીભગવાન, કર્યું કથાનું બહુ સનમાન । શ્રીહરિ સમજણના ૧સંચ, ભેટ મુકી ત્યાં રૂપૈયા પંચ ।।૪૬।।

દિવ્યરૂપ સદાય સાકાર, ચતુર્ભુજ થયા તેહ વાર । દર્શન દીધું રામને રૂપે, ઘડી વાર સુધી તે અનૂપે ।।૪૭।। એવું ઐશ્વર્ય બતાવી દીધું, પાછું પોતામાં સમાવી લીધું । ત્યાંથી ઉઠ્યા છે આનંદ ભેર, પુરૂષોત્તમ જાય છે ઘેર ।।૪૮।।

ઘેર જાતાં વચ્ચે અવિનાશ, આવ્યા રાજાના દરબાર પાસ । ત્યાં અસુર આવી ફરી વળ્યા, વ્હાલાને વિઘ્ન કરવા મળ્યા ।।૪૯।।

બે બાજુયે દરવાજા સીધા, પાપીએ બંધ કરાવી દીધા । મહારાજે કરાવ્યો વિરોધ, પરસ્પર મુવા કરી યુદ્ધ ।।૫૦।।

તાળાં દીધાં હતાં દરવાજે, ઉઘાડી નાખ્યાં શ્રી મહારાજે । જાણી શકે નહિં કોઇ જેમ, પોતે ઘેર પધાર્યા છે એમ ।।૫૧।।

મોટાભાઇ જાણે નહિ વાત, પોઢી ગયા છે ભૂધરભ્રાત । એમ અવધમાંહી સદાય, સારી સારી કથાઓ કેવાય ।।૫૨।।

ભાગવત શ્રીરામચરિત્ર, ધર્મશાસ્ત્ર આદિ જે પવિત્ર । પુરૂષોત્તમજી કરી પ્રીત, બે ટાણાં જાય સુણવા નિત્ય ।।૫૩।।

કોઇ સમે નિશા પડી જાય, ઘેર પધારતાં મોડું થાય । મોટાભાઇ ના પાડી કહેછે, સારા માટે શિખામણ દે છે ।।૫૪।।

મારી વાત સુણો ઘનશ્યામ, તમે મોડું ન કરો એ કામ । નિશાસમે જાવું નહિ તમારે, કથા સાંભળવા કોઇ વારે ।।૫૫।।

તમો મન રહો છો મગન, પણ દુષ્ટ કરશે વિઘન । માટે માનો અમારૂં વચન, તમ કેડે ફરે મુજ મન ।।૫૬।।

એવું સુણી કહે ઘનશ્યામ, બોલો છો તમે શું બલરામ । આવે એક કે બેઉ વિઘન, તેને કોણ ગણે છે રે મન ।।૫૭।।

સામટાં વિઘન આવે જો કોટી, પણ કથા કરૂં નહિ ખોટી । કથા વિના તો કેમ રેવાય, દિન રાત્રિ કેવી રીતે જાય ।।૫૮।।

મોટા મોટા મંદિરનો ઠાઠ, નામાંકિત છે ત્રણસો સાઠ । એવી અવધપુરીની શોભા, મોટા સંત મહંત ત્યાં લોભા ।।૫૯।।

જ્યાં સુધી છે અવધપુરમાં, નથી દર્શન ભુલ્યા ઉરમાં । કરે દર્શન પ્રાણજીવન, ત્યારે પોતે જમે નિત્ય અન્ન ।।૬૦।।

એમ અયોધ્યામાં મહારાજ, ઘણી લીલા કરે સુખસાજ । ત્યાર પછે થોડા દિન સાર, સર્વે આવ્યા છુપૈયા મોઝાર ।।૬૧।।

 

 

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રીઅયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિયે ચાર અસુરનો પરાજય કર્યો એ નામે બોતેરમો તરંગ ।।૭૨।।