પૂર્વછાયો
રામશરણજી બોલિયા, સુણો ધર્મના ધીર । ત્યારપછી છુપૈયા વિષે, શું કરે છે નરવીર ।।૧।।
અમૃતરૂપી આ કથા છે, સ્વાદતણો નહિ પાર । સ્નેહે સંભળાવો મુજને, બાલચરિત્ર વિસ્તાર ।।૨।।
રાત દિન લાગી રટના, હરિચરિત્રમાં સાર । આ લીલા સાંભળતાં હૃદે, વાધે છે હર્ષ અપાર ।।૩।।
અમૃતવત છે આ કથા, સાંભળતાં સુખ થાય । અહો નિરંતર પ્રેમથી, શ્રવણ કરૂં એ સદાય ।।૪।।
એવું સુણી પછે ઉચર્યા, પોતે તે અવધપ્રસાદ । બહુ સારૂં તમે પ્રશ્ન પુછ્યું, સુણો તમે તજીને પ્રમાદ ।।૫।।
ચોપાઇ
બોલ્યા મહારાજધારી ધીર, સુણો રામશરણ મતિ સ્થિર । ધર્મદાદાને ઘેર જે ગાય, ગોમતી તેનું નામ કેવાય ।।૬।।
તેને વાછડીઓ થઇ બન્ને, નામ ગોરી કપીલા છે તને । મંગલ આહિરની ગાયો જ્યાંય, ધર્મદેવ મુકે નિત્ય ત્યાંય ।।૭।।
ચરવા જાય છે ગાયો હમેશ, તેની ચિંતા નથી લવલેશ । એક દિવસ શું બની પેર, ગોરી ગાય આવી નહિ ઘેર ।।૮।।
ધર્મભક્તિ વિચારે છે કાજ, કપિલા એકલી આવી આજ । ગોરી આવી નહિ તે ક્યાં ગઇ, ધર્મમૂર્તિને ચિંતા તે થઇ ।।૯।।
મોટા પુત્રને બોલાવ્યા પાસ, પ્રેમવતી કહે છે હુલાસ । તમે ભાઇ જુવો ગોરી ગાય, ઘેર આવી નથી તે શું થાય ।।૧૦।।
વળતાં ચડી ગઇ હોય વન, તેની ચિંતા થઇ મારા તન । માટે જાઓ તમે શોધી લાવો, ગાય લેઇ વેલા ઘેર આવો ।।૧૧।।
એવું સુણીને ચાલ્યા સુધીર, ગયા નારાયણસર તીર । તેની આજુબાજુમાં સઘળે, જોયું તો ગોરી ગાય ન મળે ।।૧૨।।
ભાઇ થયા મનમાં નિરાશ, પાછા આવ્યા છે નિજ ૧આવાસ । એવું જાણીને શ્રીઘનશ્યામ, બોલ્યા ધર્મ પ્રત્યે પૂર્ણકામ ।।૧૩।।
મોટાભાઇ જુવો પાછા આવ્યા, ગોરી ગાયનો પત્તો ન લાવ્યા । એવું સુણીને શ્રી ધર્મદેવ, ચાલ્યા શોધવા અવશ્યમેવ ।।૧૪।।
ઘનશ્યામને ભાઇ જોખન, સાથે લીધા છે નિર્મલ મન । લીધી લાકડી દોરડું સાથે, એક છડી લીધી દીનાનાથે ।।૧૫।।
પિતા બંધુ સંગે સુખકારી, ગયા બહિરી કુવે વિહારી । મંગલ આહિરને બોલાવ્યો, સર્વે વાતે તેને સમજાવ્યો ।।૧૬।।
ઘેર આવી નથી ગોરી ગાય, શોધી લાવો ત્યારે શાંતિ થાય । એવું સુણી મંગલ આહિર, ચારે તરફ જુવે ધરી ધીર ।।૧૭।।
છુપૈયા ફરતાં તેણીવારે, શોધી વળ્યો કિલ્લાને આકારે । હતી વાંસની કોઠીઓ ત્યાંયે, ખંત રાખીને ખોળી તે માંયે ।।૧૮।।
ગોરી ગાય મળી નહિ ક્યાંઇ, પાછો આવ્યો શ્રીહરિ છે ત્યાંઇ । ભાઇને મળ્યા તે કહ્યું નથી, ગાય ખોવાણી તે આવે ક્યાંથી ।।૧૯।।
પછે ધર્મે કર્યો છે વિચાર, સાથે લેઇને બેઉ કુમાર । પીરોજપુર નરેચા ગામ, જોયું સર્વે ગામે ઠામોઠામ ।।૨૦।।
સુરભી ન મળી થયા ઉદાસી, ત્યાંથી પાછા વળ્યા અવિનાશી । અસનાગરે ગયા સોહાગ, ત્યાં છે સુંદર એક તડાગ ।।૨૧।।
પશ્ચિમ તીરે ઉભા તીવારી, ભીક્ષુકરામ છે હિતકારી । તેને પુછીને નિરાશ થયા, ગામ લોહગંજરીએ ગયા ।।૨૨।।
સંધ્યાગિરજીને પુછી ભાળ, નેહાડામાં જોયું તતકાળ। ત્યાંથી ચાલવા તૈયાર થયા, બખરોલી બગીચામાં ગયા ।।૨૩।।
ત્યાંતો દેખી નહિ ગોરી ગાય, ખુરધા ભણી તે ચાલ્યા જાય । બાબુરામની હવેલી પાસ, રાજની ગાયોમાં જોયું ખાસ ।।૨૪।।
ત્રણે જણા તો ત્યાંથી સધાવ્યા, વિશ્વામિત્રીના ગૌઘાટે આવ્યા । ઘાટ જોયો તે બધો ગંભીર, ચારે તરફે તપાસ્યું છે ધીર ।।૨૫।।
ગોરીનો પત્તો લાગ્યો નથી, પાછા વળવા ધારે છે ત્યાંથી । એટલામાં આવ્યા બે આહિર, તેને પુછી જોયું મન ધીર ।।૨૬।।
બોલ્યા આહિર બે તેણીવાર, બેઠી છે ખરી આ સામી પાર । થયો છે જન્મ વત્સનો ત્યાંયે, ગૌવા બેઠી છે મારગમાંયે ।।૨૭।।
એવું સુણીને હરખ્યા ધર્મ, નદી પાર ગયા અનુકર્મ । ભાઇને ઇચ્છા મનમાં આવી, ઉંચે સ્વરે ગૌવાને બોલાવી ।।૨૮।।
સુણ્યો મોટાભાઇનો જ્યાં સોર, ભાળ, ઉઠી હિંસોરા કરતી જોર । સાદ ઓળખ્યો સંશે રહિત, સામી આવે છે પ્રેમ સહિત ।।૨૮।।
ધર્મ કહે હવે શું થાશે, કેવી રીતે માર્ગમાં ચલાશે । ઝીણો ઝીણો આવે ઘનઘોર, નદી ઉતરવી છે કઠોર ।।૩૦।।
ત્યારે બોલ્યા વળી ઘનશ્યામ, હે દાદા રાખો હૃદે હામ । મારે વાંસે આવો ધરી ધીર, દીલમાં ન ડરશો લગીર ।।૩૧।।
વાલીડો એમ કરે છે વાત, ત્યાં તો દેખ્યો મોટો ઉતપાત । વડના વૃક્ષ નીચે વિશેક, ઉંઘેલો કેસરી સિંહ એક ।।૩૨।।
નાસિકાનો ચાલે છે પવન, જાણે ગંભીર ગાજે છે ઘન । એનો શબ્દ સુણ્યો ધર્મદેવે, તન ત્રાસ પામી ગયા તેવે ।।૩૩।।
હવે ક્યાં જૈશું કેમ કરીશું, સિંહ આગે કેમ ઉગરીશું । આપણ ત્રણને ગોરી ગાય, મારી નાખશે નિશ્ચે તે આંય ।।૩૪।।
ત્રાસ પામીને બોલ્યા ધરમ, અતિ ઉંચે સ્વરેથી પરમ । ત્યારે વાઘ ઉઠ્યો તન ત્રોડી, ઉભો થયો આળસ મોડી ।।૩૫।।
દીઠો મૃગેન્દ્ર કેરો જ મર્મ, સુણી ભયભીત થયા છે ધર્મ । અરર આતો મારી નાખશે, હે વ્હાલા હવે શી વલે થશે ।।૩૬।।
તેવો દેખી પિતાજીનો ત્રાસ, થયા સત્વર શ્રી અવિનાશ । વાઘ પાસે ગયા ઘનશ્યામ, તેના સામું જોયું અભિરામ ।।૩૭।।
પછી વાઘને થયું છે જ્ઞાન, જાણ્યા અંતરમાં ભગવાન । પગે લાગીને તે સુઇ ગયો, પાછો હતો તેમ પડી રહ્યો ।।૩૮।।
વળી બોલ્યા વ્હાલો તે વચન, હે દાદા તમે બીશો ન મન । ધીરજ આપે છે પુણ્યશ્લોક, હવે ન કરશો કાંઇ શોક ।।૩૯।।
સાવજ કદીયે નહિ મારે, તેનું જોખમ શિર અમારે । એમ કહીને આગળ ચાલ્યા, પછી પિતા બંધુ કેડે હાલ્યા ।।૪૦।।
પછે આવ્યા છે ગૌઘાટ ગામે, ઉગારી લીધા સુંદરશ્યામે । નિશા વીતી ગઇ ઘણી ત્યાંયે, રજની રહ્યા ગૌઘાટમાંયે ।।૪૧।।
માન ઓઝાને ઘેર રહ્યા છે, ગાય સહિત સુખી થયા છે । બીજે દિવસે પ્રાતઃકાળ, છુપૈયા આવ્યા છે તતકાળ ।।૪૨।।
ભક્તિમાતા સુવાસિની સતી, દેખીને સુખ પામ્યાં છે અતિ । પામ્યાં આનંદ મન અપાર, જોયા ગાય સહિત જે વાર ।।૪૩।।
કરી ગાયતણી આસવાસ, દયાળુ માતાજી સુખરાશ । ધર્મદેવ ને બન્ને કુમાર, પામ્યા છે પરિશ્રમ અપાર ।।૪૪।।
સ્નાન કરાવ્યાં શુભ શરીર, આપીને ઉનાં નિર્મલ નીર । કરી રસોઇ દીધાં છે માન, પ્રીતે કરાવ્યાં ભોજન પાન ।।૪૫।।
ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિ ગાયને શોધવા ગયા ને ત્યાં વાઘ થકી રક્ષા કીધી એ નામે એંશીમો તરંગઃ ।।૮૦।।