તરંગ - ૮૭ - શ્રીહરિ છુપૈયાપુરથી ધર્મદેવ સહિત હિંદીપુર મોટાભાઇ પાસે ગયા

Submitted by swaminarayanworld on Thu, 17/08/2017 - 7:37pm

 

પૂર્વછાયો

એક સમે મોટાભાઇએ, વિમલ કર્યો વિચાર । હું નોકરી કરવા જાઉં, કોઇ પરદેશ મોઝાર ।।૧।।

એમ ધારીને આજ્ઞા માગી, માતપિતાની પાસ । શ્રીઘનશ્યામને પુછિયું, કરી અંતરમાં આશ ।।૨।।

આજ્ઞા પામી ચાલ્યા ૧બળજી, ગયા છે દક્ષિણ દેશ । હિંદીપુરે રાજ્યમાં જઇ, મળ્યા રાજાને શેષ ।।૩।।

એ રાજની નોકરી લીધી, રહ્યા છે તેહ ઠામ । રાજાએ પછે વિચારીને, કર્યું છે પોતે શું કામ ।।૪।।

બીજા નોકર બોલાવિયા, માંડ્યાં છે ત્યાં નિશાન । કોઇ નોકરે પાડ્યું નહિ, મળ્યું નહિ કાંઇ માન ।।૫।।

 

ચોપાઇ

કોઇએ પાડ્યું નહિ નિશાન, મોટાભાઇએ આપ્યું તે ધ્યાન । સાઠ નિશાન પાડ્યાં છે જોતે, રાજા પ્રસન્ન થયા છે પોતે ।।૬।।

બીજી પરીક્ષા નાના પ્રકાર, આપી તેમાં થયા છે પસાર । રાજાએ જાણ્યા છે શૂરવીર, ગુણવંત બળિયા સુધીર ।।૭।।

શૂરા પુરા કળામાં છે કેવા, રાજા રાજી થયો જોઇ એવા । લડાઇ કામમાં હુંશિયાર, નક્કી જાણી લીધા નિરધાર ।।૮।।

વળી શેષજીનો અવતાર, તેને બીજાનો ન પડે માર । ધર્મદેવના પુત્ર તે થયા, તેમના ગુણ ન જાય કયા ।।૯।।

એમ જાણીને કર્યો ઠરાવ, ભૂપતિને વધ્યો ઘણો ભાવ । અસ્ત્ર શસ્ત્ર સજાવ્યાં તે વાર, રાખ્યાં તૈયાર ત્યાં હથિયાર ।।૧૦।।

કરે નોકરી નિરભે થૈને, હિંદીપુર રાજાને ત્યાં રૈને । ગયે આઠમો માસ વિતિયો, તોયે ઘેર પત્ર ન આવિયો ।।૧૧।।

ત્યારે મૂર્તિમાતા એમ કહે છે, ધર્મદેવ ધ્યાનમાં લહે છે । ભાઇની ખબર આવી નથી, કાગળ આવિયો નથી ત્યાંથી ।।૧૨।।

એમ કરે છે મન વિચાર, એવે પત્ર આવ્યો તેણીવાર । પત્ર વાંચી જાણ્યા સમાચાર, પામ્યા આનંદ મન અપાર ।।૧૩।।

સગાં સંબંધી સર્વે જે જન, ધર્મે વાત કરી પાવન । હકીકત આનંદની પુછી, સંબંધી સહુ થયાં છે ખુશી ।।૧૪।।

પછે સંબંધી સર્વેએ કહ્યું, પત્ર આવ્યો ઘણું સારૂં થયું । હવે તો પત્ર આવ્યો છે આજ, ત્યાં ખબર કરી આવો કાજ ।।૧૫।।

એમ કહી ભાતું કર્યું સાર, ધર્મદેવ થયા છે તૈયાર । સાથે વશરામ આદિ જન, ચાલ્યા વળાવા નિર્મળ મન ।।૧૬।।

સંબંધી મળીને તે વિચર્યા, ત્યારે શ્રીઘનશ્યામ ઉચર્યા । હે દાદા મુને તેડી લ્યો સંગે, ભાઇ પાસે આવું હું ઉમંગે ।।૧૭।।

એમ કહી કરે છે રુદન, ત્યારે ભક્તિ બોલ્યાં છે વચન । સંગાથે લઇ જાઓ અભિતા, તમે છો એટલે શું છે ચિંતા ।।૧૮।।

સ્નેહ વડે કર્યા છે તૈયાર, પ્રભુ ખુશી થયા છે અપાર । સુત સહિત ચાલતા થયા, એક યોજન આગળ ગયા ।।૧૯।।

ત્યારે થાકી ગયા ઘનશ્યામ, ધર્મદેવ કહે અભિરામ । થોડું ચાલ્યા એમાં થાકી જાશો, ત્યારે ભાઇને ભેગા શું થાશો ।।૨૦।।

આમ ચાલો તો કેમ નભાશે, ભાઇ પાસે તે કેમ જવાશે । માટે પાછા વળો ઘનશ્યામ, આ નજીક છે આપણું ગામ ।।૨૧।।

હવે શું તમને સમઝાવું, ચાલો પાછા મુકવા હું આવું । તમારાથી તો ચલાશે નહિ, ઘણું દૂર જાવું છે તે સહિ ।।૨૨।।

દક્ષિણ દેશમાં હિંદીપુર, પાંચસે ગાઉ જાવું જરૂર । ત્યારે બોલ્યા છે શ્રીનરવીર, સુણો દાદા રાખો મન ધીર ।।૨૩।।

માર્ગમાં ચાલો જેટલું તમે, તેટલું પણ ચાલીએ અમે । પછે કહો કરવું છે કેમ, દાદા મને ન રાખશો વેમ ।।૨૪।।

ત્યારે તો ધર્મ કે બહુ સારૂં, એથી ખુશી થાશે મન મારૂં । એવું કહીને તે ચાલ્યા જાય, બેઉ સાથે સાથે સમુદાય ।।૨૫।।

થાય રજની ત્યાં રેછે રાત, બીજે દિવસે ચાલે પ્રભાત । એમ વિતિ ગયો દોઢમાસ, ત્યારે પોક્યા હિંદીપુર પાસ ।।૨૬।।

ગયા રાજાના દરબારમાંય, મળ્યા મહીપને જઇ ત્યાંય । કર્યો ભૂપતિએ સત્કાર, કે છે ભાઇતણા સમાચાર ।।૨૭।।

તમારા રામપ્રતાપ-ભાઇ, અમે રાખ્યા આંહિ સુખદાઇ । સૈન્ય ઉપરી અમલદાર, સ્થાપીને આપ્યો એ અધિકાર ।।૨૮।।

પંદર ગાઉ તે તો ગયા છે, લાખ યોધા લઇને રહ્યા છે । એક ગામનો રાજા તે ઠાર, તેનાથી ચાલે છે તકરાર ।।૨૯।।

જમીન તણી ત્યાં છે લડાઇ, યુદ્ધ કરવા ગયા છે ત્યાંઇ । બેઉ સૈન્ય મળ્યા તે ઠામ, ઘણું દારુણ થશે સંગ્રામ ।।૩૦।।

થોડા દિવસમાં ચાલુ થાશે, રણસ્તંભ રણમાં રોપાશે । માટે આંહી રહો હવે તમે, બંદોબસ્ત કરી દેશું અમે ।।૩૧।।

જે જે જોઇએ તમારે વસ્તુ, તે તે લાવી આપીશું સમસ્તુ । કરીશું સત્કાર રૂડી રીતે, તમે બન્ને રહો આંહિ પ્રીતે ।।૩૨।।

પછે તો જેમ ઇચ્છા તમારી, એમ વર્તી લેજ્યો સુખકારી । ધર્મદેવ કહે ઘનશ્યામ, કહો હવે શું કરવું કામ ।।૩૩।।

તમે રહો આ રાયને પાસ, ત્યારે બોલી ઉઠ્યા અવિનાશ । દાદા આંહિ રહેવું નથી મારે, ભાઇને મળવું છે આ વારે ।।૩૪।।

એવું કહી ચાલ્યા બેઉ સાથે, ત્યારે વિચાર્યું છે નરનાથે । ધર્મદેવને આપી છે ગાડી, વળી સ્વાર બે ચાલ્યા અગાડી ।।૩૫।।

ગાડીમાં બેસીને ચાલ્યા બન્ને, મોટા ભાઇ પાસે શુભ મને । બીજે દિવસે પોક્યા આપ, જ્યાં રહ્યા છે શ્રીરામપ્રતાપ ।।૩૬।।

અહિપતિને મળ્યા તે વાર, પામ્યા આનંદ મન અપાર । પછે બોલ્યા છે ભાઇ જોેખન, હે દાદા સુણો મુજ વચન ।।૩૭।।

તમે આવ્યા મારે મન ભાવ્યા, ભાઇને શું કરવા તેડી લાવ્યા । કાલ સવારમાં છે લડાઇ, બળીયા મરશે અટવાઇ ।।૩૮।।

ધર્મ કહે મેં ના પાડી સહી, પણ લાલે તો માન્યું જ નહિ । રાજા પાસે પણ નવ રહ્યા, મારી સાથે જ તૈયાર થયા ।।૩૯।।

પછે બોલ્યા છે જીવનપ્રાણ, અહિનાથ સુણો મુજવાણ । તમે મંડાવ્યો છે જે પગાર, સાઠ રૂપિયા જે નિરધાર ।।૪૦।।

આંહિ નોકરી કરવા રહ્યા છો, લશ્કરના ઉપરી થયા છો । પણ ખરો સમો સચવાય, ત્યારે જશ જગમાં ગવાય ।।૪૧।।

વળી બોલ્યા ઘનશ્યામ એમ, કહો તમારી ઇચ્છા છે કેમ । કહે અનંતજી ઘનશ્યામ, કહું છું રૂડું તમને કામ ।।૪૨।।

તમે દાદા બેઉ જણ સંગે, જાતા રહો શેરમાં ઉમંગે । ત્યારે બોલ્યા ત્રિભુવનરાય, દાદાને જાવું હોય તો જાય ।।૪૩।।

પણ હું નહિ જાઉં આ પળે, તેમના બોલને કોણ કળે । શું કરવા આવ્યા છૈએ અમે, ભાઇ નથી જાણતા તે તમે ।।૪૪।।

એવાં મર્મ ભરેલાં વચન, જ્યારે બોલ્યા છે જગજીવન । મોટા મોટા લશ્કરી છે જેહ, બીજા રહ્યા છે સૈન્યમાં એહ ।।૪૫।।

સુણ્યાં તેમણે આવાં વચન, વિચારીને બોલ્યા નિજમન । બલરામ સુણો સુખકારી, આતો છે કોઇ ચમત્કારી ।।૪૬।।

માટે રેવા દ્યો તમારી પાસ, ભલે ભેગા રહે સુખરાશ । એવું કહી રસોઇ કરાવી, જમાડ્યા બેઉને મન ભાવી ।।૪૭।।

એમ કરતાં નિશા થઇ જ્યારે, સર્વે ભેગા મળી બેઠા ત્યારે । પરસ્પર કરે છે વિચાર, હવે શું કરવું આણીવાર ।।૪૮।।

કાલે સવારે થાશે લડાઇ, સૌનો શું મત છે કહો ભાઇ । એમ ધારે છે સઘળા ધીર, પાસે બેઠા છે શ્યામ શરીર ।।૪૯।।

ત્યાં તો આજુ બાજુનાં જે ગામ, વાર્તા ચાલી રહી ઠામોઠામ । લશ્કર આવે છે લુંટી જાશે, અરર હવે શી ગતિ થાશે ।।૫૦।।

ભય પામીને નાઠા લોક, જ્યાં ત્યાં ધરી મન બહુ શોક । પોતપોતાના પ્રાણ બચાવા, દશે દિશ નાશી જતા હવા ।।૫૧।।

ઘરબાર ભર્યાં સર્વ મુક્યાં, ખરિ વખતે વતન ચુક્યાં । આવી લશ્કર આગળ તે વાત, સૈન્યવાળા થયા રળિયાત ।।૫૨।।

લશ્કરી લોક ગયા તે ઠામ, જેમ લુંટાય તેમ લુંટ્યું ગામ । જેને જે વસ્તુ આવી હાથ, તે લઇને આવ્યા સહુ સાથ ।।૫૩।।

હવે શ્રીહરિએ શું કર્યું છે, દહીં ગોરસ એક હર્યું છે । કંદોઇના ઘરે ગયા નાથ, દહીં માટ આવી ગયું હાથ ।।૫૪।।

તે લઇને આવ્યા છે તતકાળ, ત્યારે કેવા લાગ્યા અહિપાળ । ઘનશ્યામ આમાં તે શું લાવ્યા, દહીંનું ઠામ ઉપાડી આવ્યા ।।૫૫।।

પછી બોલ્યા હરિકૃષ્ણ ત્યાંય, ખરું કામ કર્યું છે મેં આંય । કાલે સવારે થાશે લડાઇ, દહીંના શુકન સુખદાઇ ।।૫૬।।

એથી જ થાશે તમારી જીત, ખરી વાત માની લ્યો ખચીત । તે શુકન જાણી લાવ્યા અમે, તેનાથી જય પામશો તમે ।।૫૭।।

બીજા લાવ્યા છે મીલકત માલ, એમાં શું આવશે કામ હાલ । મરણ પામ્યા કદી યુદ્ધમાંય, રખડતો રેશે માલ આંય ।।૫૮।।

કોણ જાણે તે કોણ આ ખાશે, કોના નશીબનું કેમ થાશે । કામમાં આવશે તતકાળ, આ જમવા થાશે અહિપાળ ।।૫૯।।

એવું સુણીને બેઠા સબળા, સુખે ભેગા મળી ત્યાં સઘળા । શ્રીહરિ પુછે છે ત્યાં વાત, હવે કેમ કરવું કો ભ્રાત ।।૬૦।।

હવે તો તમે કો તેમ કરીએ, ભરાવો તે પગ ભરીએ । ત્યારે કેવા લાગ્યા ઘનશ્યામ, તમો ભાઇ સુણી લ્યો તમામ ।।૬૧।।

અમે કૈયે તે રીતે કરશો, તો જીતી શૂરવીર ઠરશો । ભેગા રાખો બરકમદાર, પેલવાન તે આઠ હજાર ।।૬૨।।

અમે આવીશું તમારી લારે, કેવો રંગ જામે છે તે વારે । બીજા માણસ રેવાદ્યો આંહી, બધાને સાથે લાવશો નહિ ।।૬૩।।

 

 

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિ છુપૈયાપુરથી ધર્મદેવ સહિત હિંદીપુર મોટાભાઇ પાસે ગયા એ નામે સત્યાશીમો તરંગ ।।૮૭।।