પૂર્વછાયો
એક સમે એકાદશીએ, જાગરણ કરે છે સાથ । ધર્મદેવ ને જોખનજી, વળી પોતે જે યોગિનાથ ।।૧।।
આંબલી હેઠે ઓટાપર, કરે પ્રભુનું ભજન । નિશાવિષે બેઠા નિરાંતે, સર્વે નિર્મલ મન ।।૨।।
આંબલીનાં પત્ર જીર્ણ થઇ, ખરી પડે છે ત્યાંય । તે દેખીને સંકલ્પ થયો, ધર્મતણા મનમાંય ।।૩।।
મહિના સુધી તે વાળીશું, તોય પડશે હમેશ, આ જગા ચોખી રહેશે નહિ, પત્ર થકી લવલેશ ।।૪।।
પિતાજીનો સંકલ્પ જાણ્યો, નારાયણે નિરધાર । પરમ વિવેકી મહાપ્રભુ, કરે છે મન વિચાર ।।૫।।
ચોપાઇ
શ્રીહરિ એ તે ધાર્યું સંબંધ, પત્ર પડતાં રેજ્યો આ બંધ । પાન ખરે નહિ તોજ સારૂં, એવું શ્રીહરિએ મન ધાર્યું ।।૬।।
એમ કરતાં વીતી ગઇ રાત, બીજે દિવસે થયું પ્રભાત । ત્યારે આવ્યા હતા જેહ જન, ગયા પોતપોતાને ભુવન ।।૭।।
ધર્મદેવ અને મોતીરામ, તે ગયા નવાબગંજ ગામ । રામપ્રતાપ ને પેલવાન, સ્નેહે કરવા ગયા તે સ્નાન ।।૮।।
સતી સુવાસિનીબાઇ ત્યાંથી, કચરો કાઢે છે ઘરમાંથી । મૂર્તિ માતા દોહવા ગયાં ગાય, હવે શું કરે છે જગરાય ।।૯।।
આંબલી નીચે ચોત્રા ઉપર, તેના મધ્યે બેઠા છે ભૂધર । સુખનંદન ને વેણીરામ, એ આદિ સખા આવ્યા તે ઠામ ।।૧૦।।
આવીને બેઠા શ્રીહરિ પાસ, કરી હાસ્ય વિનોદ વિલાસ । ઘનશ્યામજીએ ઇચ્છા કરી, આંબલી પત્ર પડ્યાં છે ખરી ।।૧૧।।
જીર્ણ પત્ર હતાં ત્યાં જેટલાં, સઘળાં ખરી પડ્યાં તેટલાં । બીજાં નવાં આવ્યાં તતકાળ, એક બાકી રહ્યું નથી ડાળ ।।૧૨।।
નવાં પત્ર ઉગ્યાં જેણીવાર, ચાલી વાત છુપૈયા મોઝાર । એક એકને કેવેથી વાત, લોક વિષે થઇછે વિખ્યાત ।।૧૩।।
આવ્યાં ધર્મને ઘેર જે જન, જુવે આંબલી સામું પાવન । નવાં પત્ર દેખી નરનારી, પામે આશ્ચર્ય મન વિચારી ।।૧૪।।
ભક્તિમાતા સુવાસિની બાઇ, તે પણ આવ્યાં જ્યાં બેઠા ભાઇ । જુનાં ખરી પડેલાં ધરણ, એવું અદ્ભુત દેખ્યું આચરણ ।।૧૫।।
આંબલી ઉપર જોયું જ્યારે, નૂતન પત્ર દીઠાં છે ત્યારે । પરસ્પર કરે છે તે વાતો, કોઇ કારણ દીશે છે આતો ।।૧૬।।
જુનાં પત્ર ખરી પડ્યાં હેઠાં, બીજાં નવાં ક્યાંથી આવી બેઠાં । કાલે તો હતાં જુનાં આ પર્ણ । આજ ખરી પડ્યાં છે ધરણ ।।૧૭।।
પત્ર ક્યાંથી આવ્યાં છે આ નવાં, ઋતુએ પ્રગટ્યાં હોય એવાં । એક એકને કહે છે ભિન્ન, ચરિત્ર કર્યું છે તે નવિન ।।૧૮।।
શ્રીહરિએ પેર્યો છે ૧સમીર, આવ્યો વંટોળિયો થઇ ધીર । વેદિકાપર પડ્યાં જે અગ્ર, તે ખેંચી લીધાં પત્ર સમગ્ર ।।૧૯।।
સર્વે કાઢી નાખ્યાં ભૂમિપર, વાળીને જગ્યા કરી સુંદર । વિસ્મે પામી ગયાં સહુ જન, છુપૈયાપુરવાસી પાવન ।।૨૦।।
હરિપ્રસાદને મોતીરામ, બેઉ આવી પોક્યા તેહ ઠામ । દેખીને પુછ્યું છે તેણીવાર, આ શું થયું છે આપણે દ્વાર ।।૨૧।।
ત્યારે બોલ્યા છે ભૂધરભ્રાત, સુણો દાદા કહું સત્ય વાત । એ સંકલ્પ થયો તો તનમાં, ગઇ કાલે તમારા મનમાં ।।૨૨।।
પત્ર ખરતાં હતાં આ ઠાર, તે તમને થયો તો વિચાર । માટે કર્યું છે મેં આવું કાજ, મન જાણી લેજ્યો તમે આજ ।।૨૩।।
તમે રેશો ત્યાં સુધી ન ખરે, નવાં આવ્યાં છે આ તરુવરે । એવું સુણીને થયા પ્રસન્ન, હરિપ્રસાદજી નિજ મન ।।૨૪।।
વળી એક દિવસને સમે, ધર્મના બારણે નટ રમે । કરી પોતાની રમત સાર, ખેલ કરી બતાવ્યા તેવાર ।।૨૫।।
નટે સર્વે જનોને રિઝવ્યા, તિયાં શ્રીહરિ જોવાને આવ્યા । સખા સહિત ધર્મકુમાર, વેણી માધવ ને ગુલઝાર ।।૨૬।।
વળી પ્રયાગને ઇચ્છારામ, ફકીરી આદિ છે અભિરામ । કેટલા ત્યાં બીજા હતા સખા, જોઇ રમતને દિલ હરખ્યા ।।૨૭।।
એ રમત જોઇ ઘણીવાર, નટ રમી રહ્યા તેહઠાર । મોતીરામ ને હરિપ્રસાદે, શીખ આપી છે સારી આનંદે ।।૨૮।।
નટ રાજી થયા અતિ ઉર, ત્યાંથી ગયા તે પીરોજપુર । શ્રીહરિ સખા લઇને સંગે, ગયા પીરોજપુરે ઉમંગે ।।૨૯।।
નટ જોવાની મરજી સારી, માટે ગયા ત્યાં દેવ મોરારી । આનંદ ત્રવાડીને ત્યાં રમ્યા, નટ સર્વે લોકને તે ગમ્યા ।।૩૦।।
ત્યારે જોયા છે ત્યાં ઘણીવાર, પછે ઉઠ્યા પોતે કીરતાર । સખા સહિત તે ચાલ્યા જાય, અતિ આનંદ ઉર ન માય ।।૩૧।।
સોનીને બગીચે ગયા આપ, ત્યાંથી પણ ચાલ્યા છે અમાપ । દુંદ ત્રવાડીનોે કૂપ જેહ, નામ બહિરિ આવ્યો છે તેહ ।।૩૨।।
બેઠા કૂવા ઉપર બહુનામી, સખા સહિત સુંદર સ્વામી । ધ્યાન ચુક્યા સર્વ તેહ ઠામ, કુવામાં પડિયા ઇચ્છારામ ।।૩૩।।
જુડાવર વણિકનો તન, તેણે દેખ્યા તે થાતા પતન । બુમ પાડીને ઉભો થયો છે, ગિરિધારીને પાસે ગયો છે ।।૩૪।।
હે હરિકૃષ્ણ હે ઘનશ્યામ, કુવામાં પડ્યા છે ઇચ્છા-રામ । એવું સુણીને શ્રીઅલબેલ, બેઠા બેઠા કર્યો જુવો ખેલ ।।૩૫।।
કુવા સામી દૃષ્ટિ કરી જોયું, પાણી પાતાળે સમાઇ ગયું । કુપમાંહિ બોલ્યા ઇચ્છારામ, તમે ભાઇ સુણો ઘનશ્યામ ।।૩૬।।
મારૂં સાજું રહ્યું છે શરીર, નથી કુવામાં પાણી લગીર । મુને વાગ્યું નથી કાંઇ અંગે, બેઠો થકો આંહિ રમું રંગે ।।૩૭।।
એમ કેછે પરસ્પર વાત, થઇ છુપૈયામાં તે વિખ્યાત । શીઘ્રતાથી આવ્યા ત્યાં ધરમ, પ્રભુજીને પુછી જોયું પરમ ।।૩૮।।
ભાઇ ક્યાં ગયા છે ઇચ્છારામ, ખરી વાત કહો ઘનશ્યામ । એવો સાદ સુણ્યો અભિરામ, કૂપમાંહી બોલ્યા ઇચ્છારામ ।।૩૯।।
દાદા કુવામાં પડી ગયો છું, પણ કુશળ ક્ષેમ રહ્યોે છું । ઘનશ્યામના પ્રતાપે કરી, મુને વાગ્યું નથી કાંઇ જરી ।।૪૦।।
પિતા ચિંતા ન કરશો તમે, સુખી આનંદમાં છૈયે અમે । એમ કહેછે ત્યાં ઇચ્છારામ, કર્યું છે ત્યાં પ્રભુજીએ શું કામ ।।૪૧।।
સૌની નજરે જોતાં સત્વર, વાલિડે વધાર્યા બેઉ કર । ઇચ્છારામને તો તેડી લીધા, કુવામાંથી બાર મુકી દીધા ।।૪૨।।
આવ્યું કૂપમાં જળ અપાર, ભરાણું છે વળી તેહ ઠાર । અકસ્માત ભરાણો ત્યાં કૂપ, તેહ જોયું ચરિત્ર અનૂપ ।।૪૩।।
પામ્યાં આશ્ચર્ય સર્વે એ જન, ગયાં પોતપોતાને ભુવન । સાથે લેઇને બેઉ કુમાર, ધર્મદેવ આવ્યા નિજ દ્વાર ।।૪૪।।
એવાં કરે ચરિત્ર અપાર, સુખ આપે અપરમપાર । છુપૈયાપુરના વાસી લોક, ધન્ય ભાગ્ય પામ્યાં છે અશોક ।।૪૫।।
મળ્યા જેને પ્રગટ પ્રમાણ, વારે વારે શું કરૂં વખાણ । પામ્યાં નિત્ય પ્રગટનો જોગ, ટળી ગયો ભવજળરોગ ।।૪૬।।
ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિએ ઇચ્છારામભાઇને કુવામાંથી બાર કાઢ્યા એ નામે નવાશીમો તરંગ ।।૮૯।।