પૂર્વછાયો
એકસમે ધર્મદેવજી, વસંતપંચમી દિન । કેસુડાં કેસર પતંગ, રંગ લાવ્યા છે નવીન ।।૧।।
ચુવા ચંદન અગરજા, અને અબીર ગુલાલ । પીચકારી સામાન સર્વ, મેળવીયો તતકાળ ।।૨।।
નિજ ઘરથી ઉતરમાં, આંબલીવાળો ચોક । તેસ્થળે લાવીને મુકિયાં, સાધન સર્વે અશોક ।।૩।।
સખા સાથે ઘનશ્યામને, આજ્ઞા આપી છે ત્યાંય । બેઉ પ્યારા તમે રંગ રમો, મિત્રની સાથે આંય ।।૪।।
ચોપાઇ
એવાં સુણી પિતાનાં વચન, મહાપ્રભુ થયા છે પ્રસન્ન । રામપ્રતાપ ને ઇચ્છારામ, વેણી માધવ પ્રયાગનામ ।।૫।।
ઘનશ્યામ સાથે અભિરામ, સર્વે રમવા લાગ્યા તેઠામ । સામસામા ભરી પિચકારી, રંગ ઉડાડેછે સુખકારી ।।૬।।
શ્રીહરિ પિચકારી ગ્રહીને, ચોત્રા ઉપર ઉભા રહીને । સખા ઉપર છાંટે છે રંગ, ઘણો ઉરમાં ધરે ઉમંગ ।।૭।।
ભરી રુમાલમાંહિ ગુલાલ, સર્વે ઉપર ઉડાડે લાલ । છુપૈયે રંગ ધૂમ મચાઇ, પદ બોલે તાળી પાડી ત્યાંઇ ।।૮।।
સખાઓ ભરીને પિચકારી, મારે હરિને સન્મુખ ધારી । એ પદ પુરુ થયું છે જ્યારે, સખા રંગ ઉડાડે છે ત્યારે ।।૯।।
રંગ ગુલાલ કરમાં રાખે, લાગ જોઇ પ્રભુ પર નાખે । તેસમે હરિકૃષ્ણ કૃપાળ, બેઉ કરવડે તતકાળ ।।૧૦।।
બન્ને શ્રોત્રની સરતું જેહ, દાબે છે અંગુઠે કરી તેહ । પછે બોલે છે પામી આનંદ, તુલસીદાસ તણાં જે પદ ।।૧૧।।
હોરી ખેલે પોતે રઘુવીરા, અવધમેં ખેલે રઘુવીરા । એ પદ બોલે સર્વે મુખેથી, ગુલાલ રંગ છાંટે સુખેથી ।।૧૨।।
પરસ્પર રમે છે ત્યાં એમ, રંગ ઉડાડે છે ગમે તેમ । રંગ ગુલાલની ઉડે ગરદ, તેમાં ગુમ થઇ ગયા મરદ ।।૧૩।।
વળી વ્યોમવિષે રંગ છાયો, તેથી સુરજ ઝાંખો દેખાયો । તેસમાની જે શોભા અપાર, વર્ણવતાં પામે શેષ હાર ।।૧૪।।
કોટિ કવિથી કૈ ન શકાય, સરસ્વતી પણ હારી જાય । વાગે વાજીંત્ર નાના પ્રકાર, ઢોલ ત્રાંસાં આદિક અપાર ।।૧૫।।
તે વાજાંનો શબ્દ ઘનઘોરી, તેમાં પ્રભુ બોલે હોરી હોરી । તેનો ચાલ્યો દિશાઓમાં ઘોષ, ત્યાં વાગે પડછંદા નિર્દોષ ।।૧૬।।
પંચ લોકને ભેદીને ત્યાંય, શબ્દ ગયો સત્યલોકમાંય। તે સુણીને બ્રહ્મા ભવ ઋષિ, ઇંદ્રાદિક અતિ થયા ખુશી ।।૧૭।।
આવ્યા જોવા સારું કરી સ્નેહ, વ્યોમમારગમાં સહુ એહ । પોતપોતાના સેવક સંગ, દેવાંગના સહિત ઉમંગ ।।૧૮।।
વિમાનમાં બેઠા થકા નિર્ખે, શ્રીહરિને દેખી મને હર્ખે । જુવે ત્રિદશ તજી પ્રમાદ, નૌત્તમ કરે દુંદુભિનાદ ।।૧૯।।
કરે પુષ્પની વૃષ્ટિ અપાર, વારે વારે બોલે જયકાર । સનકાદિક મુનિ અનૂપે, થયા શ્રીહરિના સખારૂપે ।।૨૦।।
આવ્યા પૃથ્વી ઉપર તતખેવ, ભેગા રમવા લાગ્યા છે એવ । અલૌકિક ને આશ્ચર્યકારી, ધર્મદેવે જોયું છે તે ધારી ।।૨૧।।
રુડી રમત દેખી તેવાર, વૃષદેવને થયો વિચાર, ઇચ્છા કરી રમવાની પોતે, કટિવસ્ત્ર બાંધ્યું સહુ જોતે ।।૨૨।।
રમવા લાગ્યા પ્રભુની જોડે, પિચકારી લઇ કોડે કોડે । તે દેખીને મોતીરામ આવ્યા, વશરામ આદિ સાથે લાવ્યા ।।૨૩।।
સર્વે ભેગા થઇને રમે છે, ગિરિધારીને મન ગમે છે । રંગ ધૂમ મચી છે રુપાળી, પદ ગાતાં પાડે કરતાળી ।।૨૪।।
છુપૈયાપુરના ઘણા જન, તે રમવા આવ્યા છે પાવન । આવી અદ્ભુત નૌત્તમ લીલા, તેને જોવા સારું સહુ મિલા ।।૨૫।।
પ્રધાન પુરૂષ ને વૈરાજ, મૂળ પ્રકૃતિપુરૂષ આજ । ભોમા પુરૂષાદિ લોકપતિ, જોવા સારૂં આવ્યા મહામતિ ।।૨૬।।
નિજ પાર્ષદ સહિત આવ્યા, વ્હાલપણે વ્હાલાને વધાવ્યા । મોટા મોટા મહોત્સવ રંગ, ભાળીને થયા પ્રસન્ન અંગ ।।૨૭।।
ચંદનપુષ્પ વૃષ્ટિ કરે છે, નેત્રે ઉત્તમ નેહ ભરે છે । જયજયકાર એ બોલે છે, બ્રહ્મખુમારીમાંહિ ડોલે છે ।।૨૮।।
સ્તુતિ કરેછે વારમવાર, શ્રીહરિમાં થયા તદાકાર । પુરૂષોત્તમજીનાં ચરિત્ર, દેખીને થયા પુન્ય પવિત્ર ।।૨૯।।
એકાગ્રપણે તેમણે નિર્ખ્યા, નિર્ખિ શ્રીહરિને મને હર્ખ્યા । રંગ છાંટે છે તેને રસિયો, વિશ્વમાંજ વાલિડો વસિયો ।।૩૦।।
કોટિશીર્ષા મહા સમર્થ, તેનો પૂર્ણ કર્યો મનોરથ । આવી રીતે રમ્યા ઘણીવાર, અખિલ જગ પ્રાણઆધાર ।।૩૧।।
પછે ગાજતે વાજતે વ્હાલો, રમતા રમતા કહે ચાલો । એવું કહીને તૈયાર થયા, નારાયણસરોવરે ગયા ।।૩૨।।
આવેલા છે જે ત્યાં લોકનાથ, સર્વે વિચર્યા શ્રીહરિસાથ । સખા દેવ મુનિએ સહિત, જલક્રીડા કરે ધરી હિત ।।૩૩।।
જલક્રીડા કરી રહ્યા જ્યારે, બાર આવ્યા મુનિદેવો ત્યારે । કર્યો શ્રીહરિચર્ણનો સ્પર્શ, રજા માગીને થયા અદર્શ ।।૩૪।।
ધર્મદેવ ને ત્રૈણે કુમાર, એ આદિ બીજા જન અપાર । વાજતે ગાજતે ગયા ઘેર, એમ વર્તે છે આનંદભેર ।।૩૫।।
માતાએ કરી રસોઇ ત્યાર, ભક્ષ્ય ભોજ્ય લેહ્ય ચોષ્ય ચાર । પિતાજી સહિત ત્રૈણે બંધુ, જમવા બેઠા છે ગુણસિંધુ ।।૩૬।।
જમીને તૃપ્ત થયા જીવન, ચળુ કરી ઉઠ્યા ભગવન । ચોત્રા ઉપર જૈ પોઢી રહ્યા, એકનિદ્રા લેઇ બેઠા થયા ।।૩૭।।
મધ્યનિશા સમો થયો જ્યાંય, વાલિડો વિચારે મનમાંય ।। ધર્મદેવ ને રામપ્રતાપ, તેહ સમે આવી બેઠા આપ ।।૩૮।।
ચોત્રા ઉપર શ્રીહરિ પાસ, બેઠેલા છે કરી મન આશ । પિતાજીએ જોડ્યા બેઉ પાણ, વંદના કરીને બોલ્યા વાણ ।।૩૯।।
હે હરિકૃષ્ણ હે ઘનશ્યામ, હે નીલકંઠજી સુખધામ । હે હરે હે અક્ષરાધિપતિ, પુરૂષોત્તમજી ગૂઢગતિ ।।૪૦।।
મુજ પુત્રભાવે પરબ્રહ્મ, રમ્યા ચોકવિષે અનુક્રમ । આવો મોટોઉત્સવ તે કર્યો, મારો ભવજળભય હર્યો ।।૪૧।।
તવ ઉત્સવમાં મહારાજ, અનેક બ્રહ્માંડપતિ આજ । આવ્યા દિલ ધરીને ઉત્સાહ, તેને રંગે રમાડ્યા અથાહ ।।૪૨।।
વળી નારદ સનકાદિક, તેહ રમ્યા તમારી નજીક । વસંત ને ફુલડોલ સંગ, છુપૈયાપુરમાં રમ્યા રંગ ।।૪૩।।
રામનૌમી જન્માષ્ટમી જેહ, પ્રબોધિની એકાદશી એહ । એ આદિ જે ઉત્સવના દિન, એમાં લીલા કરીછે નવીન ।।૪૪।।
સમૈયા ઉત્સવ નિરધાર, હરસાલે કર્યા ઘણીવાર । ઉત્સવમાં ગયો જેહ કાળ, મુને સમઝાવો તે દયાળ ।।૪૫।।
છુપૈયાપુર છે ધન્ય ધન્ય, નારાયણ સરોવર અન્ય । વિશ્વામિત્રિ જેહ સરિતાય, તેનો કો મુજને મહિમાય ।।૪૬।।
ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે પિતાબંધુની સાથે શ્રીહરિએ વસંતપંચમીને દિવસે રંગ ઉત્સવ કર્યો એ નામે અઠ્ઠાણુંમો તરંગઃ ।।૯૮।।