પૂર્વછાયો
મૂર્તિમાતાએ દેહ તજ્યો, શ્રીહરિ સમીપ ત્યાંય । દિવ્યરૂપ ધરાવી રાખ્યાં, પોતાના સમીપમાંય ।।૧।।
દિવ્યગતિ આપી માતને, કર્યું છે રુડું કાજ । દુર્વાસાના શાપ થકી, મુકાવ્યાં મહારાજ ।।૨।।
સંબંધી સર્વે ભેગા મળી, કરે હરિનું ભજન । ભાઇ આદિ બીજા સંબંધી, કરવા લાગ્યા રુદન ।।૩।।
મહા પ્રભુએ છાનારાખ્યા, આપી સર્વેને ધીર । વેદવિધિ ક્રિયા કરાવે, ભાઇ પાસે નરવીર ।।૪।।
સર્જુગંગાને તીરે જઇ, રામઘાટ છે જ્યાંય । બ્રાહ્મણને ત્યાં બોલાવીને, કરી દહન ક્રીયા ત્યાંય ।।૫।।
ચોપાઇ
પછે સંબંધી સર્વે જે જન, થયાં ધીરજરહિત મન । સર્જુગંગાજળમાં નિદાન, શોકાતુર થઇ કર્યાં સ્નાન ।।૬।।
સર્વે આવ્યાં છે નિજસદન, મહાપ્રભુ વિચારે છે મન । બીજે દિવસે પત્ર લખાવ્યા, સગાં સંબંધી સર્વે તેડાવ્યાં ।।૭।।
શ્રાદ્ધાદિ ઉત્તરક્રિયા જેહ, ભાઇ પાસે કરાવી છે તેહ । સંબંધીને જમાડ્યાં સુપ્રીતે, કાર્ય સંપૂર્ણ કર્યું અજીતે ।।૮।।
ત્રયોદશમે દિવસે સાર, સંબંધી ભેગાં થયાં તેવાર । મોટા ભાઇને બંધાવી પાઘ, શોકસંતાપ કરાવ્યો ત્યાગ ।।૯।।
સંબંધી સહુ તૈયાર થયાં, રજા લઇને નિજ ઘેર ગયાં । ત્યાર પછી શું કર્યું છે કાજ, સુણો સંત હરિજન આજ ।।૧૦।।
ધર્મદેવે પ્રવૃતિ તે ટાળી, પ્રતિલોમ વૃત્તિ પાછી વાળી । શ્રીહરિમાં જોડી નિજવૃત્તિ, પિતાજીની છે નિર્મલ મતિ ।।૧૧।।
તે કેડે ગયા કેટલાક દિન, બીજી વાત કહું છું નવિન । દેવશર્મા મન અતિ ધીર, જીર્ણ થઇ ગયું છે શરીર ।।૧૨।।
વળી જ્વર આવે છે વધારે, ધર્મદેવ તે મન વિચારે । થોડા દિવસમાં મુજ દેહ, પડી જશે તે નિઃસંદેહ ।।૧૩।।
વરણી પ્રત્યે બોલ્યા છે વાણી, તમો સુણોને સારંગપાણી । સંબંધીને બોલાવીને આજ, ભાઇને કરું સુપ્રત કાજ ।।૧૪।।
એમ ધારી મનમાં વિચાર, પાસે બોલાવ્યા ત્રૈણે કુમાર । સુવાસની અને વશરામ, બીજા સંબંધી આવ્યા તમામ ।।૧૫।।
બેઠાં છે પલંગ પાસે આવી, દેવશર્માએ વાત જણાવી । વૃષદેવ બોલ્યા તેણીવાર, સુણો રામપ્રતાપ કુમાર ।।૧૬।।
આ ઘર કેરો સર્વે વ્યવહાર, તમારે માથે છે નિરધાર । તવ નાનાભાઇ ઘનશ્યામ, તેહ પ્રભુ છે સુખના ધામ ।।૧૭।।
તેને કરશો નહિ તમે દુર, પાસે રાખજો નિત્ય જરુર । કેશો નહિ કટુક વચન, કરશો નહિ ઉદાસી મન ।।૧૮।।
તવ પાસે નહિ માગે ભાગ, એમના મને તીવ્રવૈરાગ । ઘરમાં વૃત્તિ નથી હરિને, પાસે રાખજો સ્નેહ કરીને ।।૧૯।।
હરિકૃષ્ણરૂપે ઘનશ્યામ, માની લેજ્યો છે પૂરણકામ । અવતારના છે અવતારી, પુરુષોત્તમજી સુખકારી ।।૨૦।।
બે ભાઇ જાણી લેજ્યો એમ, કરજ્યો ઉપાસના ધરીે નેમ । સ્નેહ બાંધજ્યો એમની સાથ, વચનમાંહી રહેજ્યો સનાથ ।।૨૧।।
આ જે મારું કહેલું વચન, બેઉ ભાઇ જો ધારશો મન । ઘનશ્યામનું ધ્યાન ધરશો, પ્રભુપણાનો નિશ્ચય કરશો ।।૨૨।।
એવી રીતે જો વર્તશો તમે, થાશે કલ્યાણ તે કૈએ અમે । એવું સુણે છે બેઉ ભાઇ, વળી સતી સુવાસિનીબાઇ ।।૨૩।।
તેના પુત્ર રુડા નંદરામ, એ આદિ સર્વે બોલ્યા તે ઠામ । હે દાદા તમે કહો છો જેમ, અમે સઘળા વર્તિશું તેમ ।।૨૪।।
ઘનશ્યામમાં રાખીશું નિષ્ઠા, પાળીશું એની આજ્ઞા પ્રતિષ્ઠા । એમ કહીને તે બન્ને બંધુ, શ્રીહરિને નમ્યા ગુણસિંધુ ।।૨૫।।
જાણ્યા ઇષ્ટદેવ ઘનશ્યામ, પુરૂષોેેત્તમજી પૂર્ણકામ । મહિમા સમજીને પુનીત, કર્યા પ્રણામ સ્નેહસહિત ।।૨૬।।
મોટાભાઇ આદિ સહુ જેહ, તેમને ધર્મે કહ્યું છે તેહ । વળી શ્રીઘનશ્યામને કે છે, સુખદાઇ શિખામણ દે છે ।।૨૭।।
સુણો હરિકૃષ્ણ મહારાજ, કરજ્યો હું કહું છું તે કાજ । તમારા બેઉ ભાઇ ભોજાઇ, તેને સાચવજ્યો સુખદાઇ ।।૨૮।।
શિખામણ દેજ્યો નિત્ય સારી, ધર્મમાં રાખજ્યો અવિકારી । મોટાભાઇ જે રામપ્રતાપ, એની મર્યાદા પાળજ્યો આપ ।।૨૯।।
બે ભાઇનો કરશો ન ત્યાગ, દયા રાખજ્યો શ્રીમહાભાગ । કદાપિ તમે થાઓ ઉદાસ, તો જાજ્યો રામાનંદજી પાસ ।।૩૦।।
પિતાનાં એવાં સુણી વચન, શ્રીહરિએ ધારી લીધું મન । સ્વામીનું ઠોર ઠેકાણું જેહ, પિતાથી જાણી લીધું છે તેહ ।।૩૧।।
માન્ય કરી પિતાનું વચન, પછે બોલ્યા છે શ્રીભગવન । હે દાદા જે આજ્ઞા કરી તમે, રુડી રીતેથી પાળશું અમે ।।૩૨।।
બોલ્યા પિતાજી થૈને પ્રસન્ન, સુણો પતિત જન પાવન । હે હરિકૃષ્ણ દેવ મોરારી, ભક્તજનના છો સુખકારી ।।૩૩।।
જે જે માયિક વસ્તુ પ્રકાશ, તેથી સદાય હું તો ઉદાસ । તવ ચરણકમળમાં ચિત્ત, રોકી રાખ્યું છે મેં કરી પ્રીત ।।૩૪।।
પણ મુજને છે ઇચ્છા એક, ભાગવત સુણવું વિશેક । તમે સુણાવો તો ઘણું સારું, એથી તૃપ્ત થાશે મન મારૂં ।।૩૫।।
એવું સાંભળી શ્રીઘનશ્યામ, વાલિડે વિચાર્યું અભિરામ । રામ હરિ પંડિત જે વિપ્ર, તેને બોલાવિયો તિયાં ક્ષિપ્ર ।।૩૬।।
ઘરના આંગણામધ્યે એવ, મંડપ બંધાવ્યો તતખેવ । કરાવ્યો સપ્તાહનો આરંભ, શુભકામે મોટો સમારંભ ।।૩૭।।
દેવશર્મા થયા એક મન, કર્યું વાસના મૂળછેદન । માયિક વસ્તુથી પ્રીતિ તોડી, મહાપ્રભુવિષે વૃત્તિ જોડી ।।૩૮।।
સુણે સપ્તા થઇ તદાકાર, બ્રહ્મરૂપ થઇ તેણીવાર । વિપ્ર વાંચે ઘણો ભાવ લાવી, ત્યાંતો અવતારની વાત આવી ।।૩૯।।
સુણ્યું અવતારનું વર્ણન, દેવશર્મા વિચારે છે મન । કેવા હશે ચોવીશ અવતાર, થયો સંકલ્પ મન તેવાર ।।૪૦।।
જાણ્યું અંતરજામીએ એહ, પિતાજીની રૂચિ થઇ જેહ । શ્રીહરિએ ત્યાં તો ઇચ્છા કરી, દીધાં દર્શન તેરૂપ ધરી ।।૪૧।।
ચોવીસરૂપે થયા ભગવાન, આપ્યાં ધર્મને દર્શનદાન । દેવશર્માએ જોયા તેવાર, નિજ પાસે ઉભા અવતાર ।।૪૨।।
રામકૃષ્ણાદિ સર્વે અનૂપ, પ્રગટ પ્રમાણ ધર્યાં રૂપ । દેખી ધર્મદેવે જોડ્યા હાથ, નમન કરી થયા સનાથ ।।૪૩।।
પછે થયાં અદર્શ અભિન્ન, ઘનશ્યામવિષે થયા લીન । ઘનશ્યામનો પ્રૌઢ પ્રતાપ, ધર્માદિકે જોયો સહુ આપ ।।૪૪।।
વળી વિપ્ર સહુ મન હર્ખ્યા, નારાયણને એવા જ નિર્ખ્યા । કરે પ્રારથના શિરનામી, જય અલબેલા અંતર્યામી ।।૪૫।।
પુરૂષોત્તમજી નારાયણ, અક્ષરાધિપતિ તારાયણ । અવતારતણા અવતારી, ધર્માદિકે જાણ્યા સુખકારી ।।૪૬।।
અતિ ઉત્સાહે નિર્મળ મતિ, દેવશર્મા કરે છે ત્યાં સ્તુતિ । થયા ગદ્ગદ્ કંઠે સ્થિર, એકાગ્ર દૃષ્ટિએ જોવે ધીર ।।૪૭।।
ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિએ ધર્મદેવને ભાગવતની સપ્તા સંભળાવી ને ચોવીશ અવતારરૂપે દર્શન દીધાં એ નામે એકસો ને સાતમો તરંગઃ ।।૧૦૭।।