તરંગ - ૧૧૦ - શ્રી ઘનશ્યામલીલામૃતસાગરના પૂર્વાર્ધનો હુંડો કહ્યો

Submitted by swaminarayanworld on Thu, 17/08/2017 - 9:54pm

 

ચોપાઇ

ઘનશ્યામલીલામૃતનિધિ, વિસ્તારીને કહ્યો તેનો વિધિ । શ્રીહરિનાં ચરિત્ર અપાર, ભવ બ્રહ્મા પામે નહિ પાર ।।૧।।

શેષ સહસ્ર મુખેથી ગાય, ગાતાં કોટી કલ્પ વીતી જાય । આતો પ્રગટ ઇચ્છાનું સાર, કર્યો યથા મતિએ વિસ્તાર ।।૨।।

આના ભાગછે બે સુખદાય, તેમાં અમૃતરૂપી કથાય । પૂર્વાર્ધ ને ઉત્તરાર્ધ દોય, સુણી પતિતપાવન હોય ।।૩।।

તેમાં પૂર્વાર્ધના જે તરંગ, એકસોને દશ છે અભંગ । ઉત્તરાર્ધના એકસો ને એક, તેમાં હરિની લીલા વિશેક ।।૪।।

બેના બસે અગીયાર તરંગ, સાંભળી મને થાય ઉમંગ । તે હું સંક્ષેપે ઇચ્છું ગાવાને, આદિ અંતની સ્મૃતિ થાવાને ।।૫।।

પૂર્વાર્ધના પ્રથમે પાવન, જીવરાણીને દીધાં દર્શન । બીજે દુર્વાસાનો થયો શાપ, પુરૂષોત્તમ પ્રગટ્યા આપ ।।૬।।

ત્રીજે ભક્તિમાતાને ભુવન, થાળ લાવી સિદ્ધિઓ પાવન । ચોથે દર્શને આવ્યા દેવ, પાંચમે તેજ દેખાણું એવ ।।૭।।

છઠ્ઠે વૈરાજપુરૂષ આવ્યા, કરવા પ્રભુનાં દર્શન ભાવ્યા । સાતમે માતપિતાને શ્યામ, બતાવ્યું શ્વેતદ્વિપ જે ધામ ।।૮।।

આઠમે ભોમાપુરૂષનાં દર્શન, કરી ધર્માદિ થયાં પ્રસન્ન । નવમે બ્રહ્માદિક અમર, આવ્યા દર્શન કરવા સત્વર ।।૯।।

દશમે માતપિતા ને ભાઇ, તેમને દીધાં દર્શન ચાઇ । માર્કંડેય જે ઋષિવર્ણ, અગિયારે કર્યું નામકર્ણ ।।૧૦।।

બારમે ભક્તિધર્માદિ જન, પ્રભુ થયા તે પર પ્રસન્ન । ત્રયોદશે ચંદનમાસીને, દેખાડ્યો છે પ્રતાપ હસીને ।।૧૧।।

ચતુર્દશે જે મૂળપુરૂષ, આવ્યા દર્શને દીર્ઘ આયુષ । પંચદશે યોગકળાબળે, અસુર નાશ પમાડ્યો પળે ।।૧૨।।

સોળે દુંદનું કારજ કીધું, અલૌકિકરૂપે દર્શન દીધું । સત્તરે શ્રીહરિને શરીર, બળીયા નિકળ્યા છે ગંભીર ।।૧૩।।

અઢારે હરિદષ્ટિ પ્રકાશ, કાલીદત્તનો કરીયો નાશ । ઓગણીશે મામા વશરામ, તેને દર્શન દીધું છે શામ ।।૧૪।।

વીસમે રામસાગર ગયા, મોતીમામાને પ્રસન્ન થયા । એકવીશમે મીનસાગરે, ડુબકી મારી શ્રીહરિવરે ।।૧૫।।

બાવીસમે ભકિત ધર્મદેવ, ગયા તીનવા ગામમાં એવ । ત્રેવીસમે જોખનને અનૂપ, વ્હાલાએ બતાવ્યું વિશ્વરૂપ ।।૧૬।।

ચોવીસમે ધરમસાગરે, ભય દેખાડ્યો છે નરવીરે । પંચવીસે પોતાને સદને, વૃષ્ટિ બંધ કરાવી જીવને ।।૧૭।।

છવીસે ગરુડપર બેસી, દિઘાઘાટે ગયા અવિનાશી । સત્તાવીસે હર્યો બ્રહ્મા ગર્વ, ઐશ્વર્ય દેખાડ્યું અપૂર્વ ।।૧૮।।

અઠ્ઠાવીસે કનક ભુવન, તેમાં બિરાજીને ભગવન । ઓગણત્રીસે મલ્લને જીત્યા, નિજ જનને કર્યા અભિતા ।।૧૯।।

ત્રીસે ખંપાસરોવર જ્યાંય, ખાંપો વાગ્યો છે જંઘાનીમાંય । એકત્રીસે ધર્મદેવે ધારી, સપ્તા કરાવી પાવનકારી ।।૨૦।।

બત્રિસે નવયોગી પાવન, પ્રીતે આવ્યા કરવા દર્શન । તેત્રિસે કોલેરાની ઉપાધિ, પ્રભુએ મટાડી દીધી બાધી ।।૨૧।।

ચોત્રીસે દેવી પાટણ સ્થાન, ઠગારીનું હર્યું અભિમાન । પંચત્રિસે ધર્માદિક જન, વટેશ્વરનાં કર્યાં દર્શન ।।૨૨।।

છત્રિસે પરમ દયાળુ હરિ, ક્ષેત્રમાં ચિભડી મીઠી કરી । સાડત્રિસે જુદે જુદે રૂપ, ત્રૈણે કાળે દર્શન અનૂપ ।।૨૩।।

આડત્રિસે સમગ્ર વિદ્યાય, પિતાપાસે ભણ્યા સુખદાય । ઓગણચાલિસે વરુણદેવે, શ્રીહરિની પૂજા કરી એવે ।।૨૪।।

ચાલિસે અંગુઠીની મિઠાઇ, લઇ જમી ગયા સુખદાઇ । એકતાલિસે અષ્ટશાસ્ત્રસાર, ઉદ્ધારિને લખી લીધો ત્યાર ।।૨૫।।

બેતાલિસે ગોન્ડા શેર જ્યાંય, મહાપ્રભુજી પધાર્યા ત્યાંય । તેતાલિસે બલ્લામ-પઢરી, નવાબને બહુ કૃપા કરી ।।૨૬।।

ચુંવાળિસે શ્યામ સુખદાઇ, માતાને લાવી દીધી ખટાઇ । પિસ્તાલિસે સુવાસિનીબાઇ, તેમને બતાવી છે નવાઇ ।।૨૭।।

છેંતાલિમાં જમવાને સારું, માંખણ તાંસળી લીધી વારું । સુડતાલીમાં શ્રીઅવિનાશી, ખેંચાવી છે દાંતની બત્રીશી ।।૨૮।।

અડતાલીમાં વાળીને સાટે, મિઠાઇ લાવી ખાધી તે ઘાટે । ઓગણપચાસે મોટાભાઇને, રુડાં દર્શન દિધાં ચાઇને ।।૨૯।।

પચાસે સિદ્ધિઓ લાવી થાળ, સખાઓને જમાડ્યા તેકાળ । એકાવને વ્હાલે બલવન, કર્યા મામાને તે સજીવન ।।૩૦।।

બાવને મોટાભાઇને પાવન, કરાવ્યાં છે ભાનુનાં દર્શન । ત્રેપને અશરણશરણ, અસુરને પમાડ્યા મરણ ।।૩૧।।

ચોપને દોવરાવતાં ધેનુ, દુધ પીધું વ્હાલે સુરભિનું । પંચાવને ગાંધર્વદેવને, વર આપ્યો પ્રભુએ તેમને ।।૩૨।।

છપ્પને સખાસહિત ગમ્યા, ઘેરૈયા ચતુર્દશીએ રમ્યા । સત્તાવને મોતીરામ કાવ્યા, રાજાના બંધનથી છોડાવ્યા ।।૩૩।।

અઠ્ઠાવને ધર્માદિક જન, ઉજાણિ ગયા ચુડહા વન । ઓગણસાઠ્યે સંત પાવન, સિધાં આપીને કર્યા પ્રસન્ન ।।૩૪।।

સાઠમે કર્યો વેદનો વિધિ, શ્રીહરિને જનોઇ દિધિ । એકસઠે વણિકનો તન, સાજો કર્યો છે દઇ દર્શન ।।૩૫।।

બાસઠે સર્જાુનાપુરમાંથી, સખાસહિત નિકળ્યા ત્યાંથી । ત્રેસઠે સંત મોહનદાસ, તેને પરચો દેખાડ્યો ઉલ્લાસ ।।૩૬।।

ચોસઠે સર્જાુમાં પુર આવ્યું, પળ એકમાં પાછું હઠાવ્યું । પાંસઠે જે નખલૌના મલો, તેને જીતિયા છે અલબેલો ।।૩૭।।

છાસઠે મામીને વાળી આપી, કુવામાંથી સંકટ તે કાપી । સડસઠે દીન નગ્ર જ્યાંય, ગયાછે મામાસંગાથે ત્યાંય ।।૩૮।।

અડસઠે રાજાના બે દૂત, કર્યા જીવતા તે મજબુત । અગણોતેર મીનસાગર, અગ્નિ લેવા ગયા યોગીવર ।।૩૯।।

સિત્તેરે વર આપ્યો દયાળે, નિજ પિતાશ્રીને ધ્યાન કાળે । ઇકોતેરે સર્જાુગંગામાંય, જન ઉતારીયાં પાર્ય ત્યાંય ।।૪૦।।

બોંતેરે હતા ચાર અસુર, તેમને જીત્યા હરિ જરુર । તોંતેરે ગામ ભેટીયા સર, કર્યો મોક્ષતે મીન મઘર ।।૪૧।।

ચુમ્મોતેરે પોતાનાં બે માસી, દેખાડ્યો પ્રતાપ અવિનાશી । પંચોતેરે શ્રીહરિ ઇચ્છાય, કાષ્ઠ લાવ્યા ભાઇ સુખદાય ।।૪૨।।

છોંતેરે મોટા ભાઇને સાર, રૂડો દેખાડ્યો છે ચમત્કાર । સિત્તોતેરે શ્રીશ્યામ સલુણા, એક રુમાલ સારુ રિસાણા ।।૪૩।।

ઇઠ્ઠોતેરે મામીઓને ઘેરે, દહીં ખાધું લાલે રુડી પેરે । ઓગણ્યાશીમે ભિક્ષુક ત્રવાડી, તેની રક્ષા કરી હોડ્ય પાડી ।।૪૪।।

એંશીમાં પિતાબંધુની સાથ, ગાયને શોધવા ગયા નાથ । એકાશીમાં સખા ઘનશ્યામ, પેરી ચાખડીઓ અભિરામ ।।૪૫।।

બ્યાશીમાં સખાને સુખધામ, બ્રહ્મમોલ બતાવ્યો તેઠામ । ત્ર્યાશીમાં શ્રીહરિ સુખ કરતા, છુપૈયાની પ્રક્રમાઓ ફરતા ।।૪૬।।

ચોરાશીમા તરંગમાં ધારી, વસુધાએ તે સ્તુતિ ઉચ્ચારી । પંચાશીમાં આંબલીની ડાળે, વૃંદાનો ભાવ બતાવ્યો વ્હાલે ।।૪૭।।

છાસીમે મખોડાઘાટે માવે, અસુર નાશ પમાડ્યા દાવે । સિત્યાશીમે હિંદીપુર ગયા, મોટાભાઇને ત્યાં ભેગા થયા ।।૪૮।।

અઠ્યાશીયે મોટાભાઇ તણી, સૈન્યમાં જીત કરાવી ઘણી । નવ્યાશીમે ઇચ્છારામભાઇ, પડી ગયા તે કૂપનીમાંઇ ।।૪૯।।

નેવુંમે તો ગાયઘાટે રમ્યા, મામાના ઘરમાં રસ જમ્યા । એકાણું મે સખા લઇ સાથ, સાખો જમવા ગયા છે નાથ ।।૫૦।।

બાણુમે બૈજુ ત્રવાડી વિપ્ર, મઘર થકી ઉગાર્યો તે ક્ષિપ્ર । તાણુમે મખોડાઘાટે નાથે, ગાડાંમાં તોપ ચડાવી હાથે ।।૫૧।।

ચોરાણુમાં સખા ઘનશ્યામ, વિશ્વામિત્રીના ઘાટ તમામ । પંચાણુમાં કાશીપુરી ફરી, પિતા સાથે ગયા છે શ્રીહરિ ।।૫૨।।

છન્નુએ આંગણામાં પાવન, નવરાત્રિમાં કર્યું ગાયન । સત્તાણુમે છુપૈયામાં સાર । અન્નકોટ પુરાવ્યો અપાર ।।૫૩।।

અઠ્ઠાણુંમે પિતા બંધુ સંગે, વસંતનો ઉત્સવ ઉમંગે । નવ્વાણુમે પિતાને તદાત્મ, કહ્યું છુપૈયાનું માહાત્મ્ય ।।૫૪।।

સોએ છુપૈયાથી સુખરાશિ, થયા અવધપુરી-નિવાસી । સો ને એકે અયોધ્યામાં ભાવ્યા, છુપૈયાપુરથી સખા આવ્યા ।।૫૫।।

સો ને બીજે નારાયણસર, તેમાં લાવ્યા ગંગાને સત્વર । સોને ત્રીજે નારદ પોતે આવી, ભવિષ્યની વાત સંભળાવી ।।૫૬।।

સોને ચોથે મુનિ સુખી થયા, પ્રભુની સ્તુતિ કરીને ગયા । સોને પાંચમે માતાને જ્ઞાન, ઉપદેશ કર્યો ભગવાન ।।૫૭।।

સોને છઠ્ઠે શ્રીહરિએ અતિ, આપી માતાજીને શુભ ગતિ । સો ને સાતે પિતાને તારણ, સંભળાવી રુડી પારાયણ ।।૫૮।।

સો ને આઠે પિતાનો ઉદ્ધાર, પછે વ્હાલાનો ગૂઢ વિચાર । સો ને નવમે તે ઘર ત્યાગ, લીધો વનમાં જવાનો લાગ ।।૫૯।।

સો ને દશે પૂર્વાર્ધનો સાર, કહ્યો હુંડો કરી નિરધાર । વાંચશે સાંભળશે તમામ, તે તો પામશે અક્ષરધામ ।।૬૦।।

 

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રીઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરના પૂર્વાર્ધનો હુંડો કહ્યો એ નામે એકસો ને દશમો તરંગઃ ।।૧૧૦।।