પૂર્વછાયો
કવિ કોટિ થઈ ગયા, વળી થાશે અપરમપાર । વિશ્વપતિના ગુણ ગાતાં, પામ્યા નથી કોઈ પાર ।।૧।।
બાલાયોગીનું રૂપ ધારી, ફરે વન મોઝાર । લાખો જીવનું રુડું કરવા, ધરણીમાં નિરધાર ।।૨।।
શંકા તજીને પુન્યશાલી, આવી મળેછે પાસ । કર્મહીન ને કુટિલ તે, પાછા પડેછે ખાસ ।।૩।।
રશ્મિપતિ જેવા દેવને, દુર્લભછે દર્શન । આ અવસર તેને મળે, જે હોય જન પાવન ।।૪।।
દીનબંધુજી દયા કરી, પધાર્યા પૂરણકામ । તત્ત્વમસિ પર એ જ છે, આ સુખનિધિ તે શ્યામ ।।૫।।
રાજીવ લોચન શ્રીહરિ, દીનબંધુ દયાળ । મનમોહનજી થયાછે, ભક્તિ ધર્મના બાળ ।।૬।।
ચોપાઈ
સુણો રામશરણ વિખ્યાત, બાલાયોગીની કહું છું વાત । ખવીને મુક્યો બદ્રિકાશ્રમ, પોતે ત્યાં ઉભાછે પરબ્રહ્મ ।।૭।।
ત્યાંનો રાજા પ્રજા નરનાર, પામ્યા આશ્ચર્ય મન અપાર । શ્રીહરિ પાસે આવ્યા છે સર્વ, સ્તુતિ કરેછે તજીને ગર્વ ।।૮।।
પગે લાગીને બોલ્યા છે રાય, સુણો શામળિયા સુખદાય । તમે સાક્ષાત છો રામચંદ્ર, મારા ઇષ્ટદેવ વરણીંદ્ર ।।૯।।
પધાર્યાછોજી અમારે માટ, સુખ દેવા કર્યો રુડો વાટ । આ અસુરનો કર્યો ઉદ્ધાર, પણ સુણો વિનંતિ આ વાર ।।૧૦।।
કૃપા કરો હવે અલબેલ, માવજી પધારો મુજ મેલ । થાય પાવન તે દરબાર, મમ સેવા કરો અંગીકાર ।।૧૧।।
જરુર થાય કલ્યાણ મારું, શાંતિ મળે મુને લાગે સારું । એવું સુણીને શ્રીયોગિરાજ, નરનાથને કે મહારાજ ।।૧૨।।
રાજાને જાણ્યો મુમુક્ષુ જન, બોલ્યા નીલકંઠજી પાવન । સુણો ધાર્મિક તમે રાજન, માની લ્યો હવે મારું વચન ।।૧૩।।
મોલે આવ્યાથી શું છે અધિક, તમો કોને આંહિ શું છે બીક । હું આપું છું તમને વચન, નિશ્ચે માની લેજ્યો તમે મન ।।૧૪।।
હવે ધરજ્યોે અમારું ધ્યાન, અમને જાણી લ્યો ભગવાન । થોડા દિવસે ઠરશો ઠામ, સોરઠદેશમાં અભિરામ ।।૧૫।।
મોટો પર્વત જે ગિરનાર, તેના સમીપ છાયામોઝાર । પંચાલા નામ સુંદર ગામ, તેમાં ઝીણાભાઈ રુડું નામ ।।૧૬।।
એને ઘેર લેશો અવતાર, નામ હઠીસંગ નિરધાર । ઝીણાભાઈના થાશો ત્યાં તન, અમે આવી મળીશું પાવન ।।૧૭।।
ત્યારે થાશે અમારો ત્યાં જોગ, ટળી જાશે ભવજળરોેગ । તે સ્થળે કર્યું એવું ચરિત્ર, રાજાને કર્યો છે તે પવિત્ર ।।૧૮।।
આપ્યું રાયને એ વરદાન, પછે ચાલ્યા ત્યાંથી ભગવાન । ચાલ્યા જાય છે નિર્મળ મન, આગે જાતાં આવ્યું એક વન ।।૧૯।।
ઘાટું ઘણું ભયંકર ઘોર, વ્યાળ વાઘ તણું તેમાં જોર । વનસ્પતિ જે અઢાર ભાર, ખિલી રહી છે વનમોઝાર ।।૨૦।।
ચાલ્યા તે વનમાં કૈક દિન, પછે કર્યું તેનું ઉલ્લંઘન । નિકળ્યા તે વન થકી બાર, આગળ ચાલ્યા પ્રાણઆધાર ।।૨૧।।
ત્યાંતો આવી છે ૧સરિતા એક, સુંદર વારિ વહે વિશેક । કર્યું છે તે સરિતામાં સ્નાન, નિત્યવિધિ કર્યો ભગવાન ।।૨૨।।
સાથે લાવ્યાતા જે કંદ મૂળ, તેને શુદ્ધ કર્યું અનુકુળ । ધર્યું વિષ્ણુને નૈવેદ્યસાર, પછે પોતે જમ્યા નિરધાર ।।૨૩।।
બીજે દિવસે થયા તૈયાર, વ્હાલે કર્યો મનમાં વિચાર । ચાલ્યા દિશ બાંધી મનમાંય, એક આવ્યો છે પર્વત ત્યાંય ।।૨૪।।
તેની તળાટીનાં તરુ જેહ, જોતા જોતા ચાલ્યા જાય તેહ । કરે વિચરણ એમ જીવન, મારગમાં વીત્યા ઘણા દિન ।।૨૫।।
એમ કરતાં આવ્યું કોઈ ગામ, રવિ અસ્ત થયો છે તેઠામ । ગયા તે ગામમાં ભગવન, પુછ્યું તે લોકને શુભ મન ।।૨૬।।
જગ્યા હોય જો સુંદર સાર, મુને બતાવો ભાઈ નિરધાર । અમારે રેવું છે એક રાત, ચાલ્યા જાશું ઉઠીને પ્રભાત ।।૨૭।।
એવું સુણીને ગામના જન, બોલ્યા શ્રીહરિસાથે વચન । સુણોેે વચન હે યોગિરાજ, જગ્યા બતાવીએ છૈયે આજ ।।૨૮।।
એક બે રાત્રિ જો રેવું હોય, આ વૈરાગીની જગ્યા છે સોય । સુખેથી રહો જઈને ત્યા, પરદેશી ઉતરે એમાંય ।।૨૯।।
તીરથવાસી આવે છે સોય, તેમાં રહે છે સહુ જન કોય । એવું સુણીને થયા પ્રસન્ન, બાલાયોગી ગયા ત્યાં પાવન ।।૩૦।।
ત્યાંને રેનારે આપ્યું આસન, જૈને બેઠા છે તેમાં જીવન । સંધ્યા આરતી વીતીછે જ્યાંય, પુરાણી કથા વાંચે છે ત્યાંય ।।૩૧।।
હતા તેમના સેવક જેહ, બાઈ ભાઈ આવ્યા સહુ તેહ । કથા સુણી રહ્યા છે નિરાંતે, જુવો સેવા કરેછે ખાંતે ।।૩૨।।
તેમના પગ ચાંપે છે નાર, નર છેટે બેઠા છે તેઠાર । એવો અધર્મ દેખ્યો તે સ્થાન, નીલકંઠ બોલ્યા છે નિદાન ।।૩૩।।
સુણોને તમે ધરીને પ્રીત, મતિ રાખોછો આ વિપરીત । આપણો સાધુનો શો છે ધર્મ, વિચારીને જુવો એનો મર્મ ।।૩૪।।
કંચન કામની કરવા ત્યાગ, મનમાં રાખ્યો જોયે વૈરાગ । ધર્મે સહિત નિર્મળ મન, ભાવે કરવું પ્રભુનું ભજન ।।૩૫।।
એજ સાચો છે આપણો ધર્મ, આતો દેખીતું છે ખોટું કર્મ । કહ્યાં વચન એ અવિરોધ, તરત તેમને ચડ્યો ક્રોધ ।।૩૬।।
બીજા જન હતા ઘણા ત્યાંય, સર્વ દાઝી બળ્યા મનમાંય । હોમે પાવકમાં ઘૃત જેમ, જ્વાળા લાગી નખશિખ તેમ ।।૩૭।।
ઉઠ્યા બાવલિયા તેણી વાર, બોલ્યા બારે વાટે તેહ ઠાર । સુણ્ય યોગી હમેરા વચન, ક્યા કરતા બકવાદ મન ।।૩૮।।
ચલે જાવો મંદિરની બહાર, નહિ તો મારેગા હમ માર । તેમનાં તે વિરૂદ્ધ વચન, બાલાયોગીયે ધાર્યાં તે મન ।।૩૯।।
તતકાળ કરી દીધો ત્યાગ, અંતર્ધાન થયા સોહાગ । દરવાજે તાળાં હતાં જે જેમ, રહ્યાં છે તેતો એમનાં એમ ।।૪૦।।
નિરાવર્ણ થકા કિરતાર, ત્યાંથી ચાલ્યા ગયા છે તેવાર । વણિકની ઓશરી છે એક, તિયાં જૈને બેઠા છે વિશેક ।।૪૧।।
એ જગ્યામાં બાલા-બ્રહ્મચારી, રાતે રેવાનો વિચાર ધારી । પોતે બેઠા નિવૃત્ત થૈ મન, મુન્ય ગ્રહીને મનમોહન ।।૪૨।।
લાજ વિનાના તેતો લફંગા, અતિ અનમ્ર ને અડબંગા । એવા જાણ્યા પ્રભુયે જરૂર, દયાળુ જૈને બેઠા છે દૂર ।।૪૩।।
એનો જાણ્યો અન્યાય અપાર, આવી પોચ્યા પવનકુમાર । કર્યો શ્રીહરિને નમસ્કાર, કપિ ગયા મંદિરમોઝાર ।।૪૪।।
ધોકો લેઇને મારે છે માર, ત્યારે જાગ્યા છે સર્વે તેવાર । ધોકો બજાવેછે મહાવીર, ત્યારે તે રુવે છે તજી ધીર ।।૪૫।।
કરે અતિશે તે હાહાકાર, ધમાધમ ઉડીછે અપાર । અમને આવી ઉગારો આજ, ધોકાવાળાને વારો મહારાજ ।।૪૬।।
ભાંગી નાખ્યાંછે મારીને અસ્થિ, અમારી હવે નૈ રહે વસ્તિ । વાગે છે ઘણું વજ્રસમાન, અમારું આવ્યું છે અવસાન ।।૪૭।।
એ સુણી બોલ્યા મારુતજાત, સુણો તમોને કહુંછું વાત । ત્યાગી થૈને કરોછો કુકર્મ, અતિશે આદર્યો છે અધર્મ ।।૪૮।।
શિખામણ દે છે કોઈ સાર, નથી ચિત્તે ધરતા લગાર । તેના સાથે કરો છો વિરોધ, મારવા જાવો છો કરી ક્રોધ ।।૪૯।।
ત્યારે તે કહે કોણ છો ભાઈ, અમે ઓળખતા નથી આંઈ । હનુમાન કે અરે કપુત, હું છું મારુતિ અંજની સુત ।।૫૦।।
એવું સુણીને તેહ નિદાન, પછે થૈ ગયા છે નિરમાન । બોલ્યા નમ્ર થઈ તે વચન, સુણો હનુમાનજી પાવન ।।૫૧।।
એક વરણી આવ્યોતો આજ, બાલાયોગીરૂપે મહારાજ । કીધી અધર્મવિષેની વાત, શિખામણ દિધીછે સાક્ષાત ।।૫૨।।
તેપર ક્રોધ કર્યો છે આજ, સાચી વાત કૈયે મહારાજ । થયા અદર્શ મારુત તન, કોઈ જાણી શકે નહિ મન ।।૫૩।।
તાળાં સહિત બંધછે દ્વાર, નવ ખબર પડી લગાર । ત્યારે બોલ્યા વળી હનુમાન, તમારો ફર્યો છે દિનમાન ।।૫૪।।
એતો સાક્ષાત છે પોતે રામ, પ્રગટ્યા પ્રભુ પુરણકામ । પૃથિવીને કરવા પાવન, કરવા અધર્મનું છેદન ।।૫૫।।
આંહિ પધાર્યા છે પોતે આજ, બોલાવીને કરો સેવાકાજ । સમઝીને લેજ્યો એનું શરણ, મટી જાશે જન્મ દુઃખ મરણ ।।૫૬।।
નહિ તો ખાશો જમનો માર, મરી જાશો તે વારમવાર । એવું કેતામાં શ્રીહનુમાન, તરત થૈ ગયા અંતર્ધાન ।।૫૭।।
એવું સુણીને તે જન સર્વ, પામ્યા આશ્ચર્ય રહિત ગર્વ । આવીને ત્યાં ઉઘાડ્યાં છે દ્વાર, જોવા લાગ્યા દરવાજા બાર ।।૫૮।।
ત્યાં છે વણિકની દુકાન, ઓશરીમાં બેઠા ભગવાન । દેખ્યા બાલાયોગીને તે ઠામ, સર્વે કરવા લાગ્યા પ્રણામ ।।૫૯।।
પ્રારથના કરે છે જઈ પાસ, થયા નિરમાની દાસાનુદાસ । બોલે ગદ્ગદ થૈને વાણ, સુણો શ્રીહરિ સારંગપાણ ।।૬૦।।
તમેછો રામચંદ્ર સાક્ષાત, અમારા ઇષ્ટદેવ વિખ્યાત । ક્ષમા કરો અમ અપરાધ, મંદિરે પધારો નિરબાધ ।।૬૧।।
કોઈ દિવસમાં આવાં કામ, નહિ કરીયે સુંદર શ્યામ । કરીશું કંચનસ્ત્રીનો ત્યાગ, વળી મન ધરીશું વૈરાગ ।।૬૨।।
એમ કૈને કરે છે પસ્તાવ, બાલાયોગીમાં છે ઘણો ભાવ । એવાં નમ્રતાનાં જે વચન, સુણી પ્રભુ થયા છે પ્રસન્ન ।।૬૩।।
ગયા મંદિરમાં મહારાજ, કરવા તેમનાં શુભ કાજ । તેમણે તે વિનયસહિત, આસને બેસાર્યા કરી હીત ।।૬૪।।
પોતામાં હતો અધર્મભાવ, તેનો તરત કરી દીધો ત્યાગ । બાલાયોગીના થયા આશ્રિત, ચરણસરોજમાં ધર્યું ચિત્ત ।।૬૫।।
પછે પ્રેમે કરાવ્યાં ભોજન, દયાળુને રાખ્યા ત્રૈણ દિન । સુખેથી રહ્યા જીવનપ્રાણ, ત્યારે તેનાં કર્યાં છે કલ્યાણ ।।૬૬।।
હતો અધર્મ તે સ્થળે જેહ, તે નાશ કર્યો નિસ્સંદેહ । ધર્મમારગ બતાવ્યો સાર, નરનારીને ત્યાં નિરધાર ।।૬૭।।
ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે ઉત્તરાર્ધે આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે કેટલાએક બાવાઓને પોતાનો નિશ્ચય કરાવીને આશ્રિત કર્યા એ નામે સત્તરમો તરંગઃ ।।૧૭।।