પૂર્વછાયો
રામશરણજી સાંભળો, ત્યાર પછીની પેર । ત્રૈણ દિવસ ત્યાં રહ્યા છે, વાલિડો સુખભેર ।।૧।।
ત્યાર પછી ચાલ્યા ત્યાં થકી, નીલકંઠ નિરધાર । મારગે ચાલ્યા જાય છે, વાલિડો તેણી વાર ।।૨।।
આગળ જાતાં એક આવી, શોભિત સરિતા સાર । તેને તીરે વટેશ્વર, મહાદેવ છે એહ ઠાર ।।૩।।
તેમાં પોતે ઉતારો કર્યો, બાલાયોગી બલવાન । પછે પધાર્યા શ્રીહરિ, સરિતામાં કરવા સ્નાન ।।૪।।
તેસમે ત્યાં એક વિપ્ર છે, શિવાલયની માંય । ભાવથી તે તપ કરે છે, ઇચ્છા ધરીને ત્યાંય ।।૫।।
ચોપાઈ
તપ કરે છે બ્રાહ્મણ આપ, જપે શિવના મંત્રનો જાપ । દ્રવ્યને માટે વેઠેછે દુઃખ, ચંદ્રશેખરના સનમુખ ।।૬।।
થયા પ્રસન્ન પંચવદન, બોલ્યા વાડવસાથે વચન । સુણ વાડવ તું મુજ વાણ, સત્ય વચન કહું પ્રમાણ ।।૭।।
ઘણાં વર્ષ કર્યું તપ આંય, થયો પ્રસન્ન હું મનમાંય । પણ ફળ મળવાનો લાગ, હવે આવ્યો છે જો મહાભાગ ।।૮।।
એમ કહી લાંબો કર્યો હાથ, વિપ્રને બતાવે ભોળોનાથ । સરિતામાં કરે છે જે સ્નાન, એછે પુરૂષોત્તમ ભગવાન ।।૯।।
ઇષ્ટદેવ છે સર્વના એહ, અક્ષરાધિપતિ કૈયે જેહ । મન ક્રમ વચનથી આજ, એમની સેવા કરો ઋષિરાજ ।।૧૦।।
એથી સિદ્ધ થાશે તવ કાજ, એછે સ્વયં પ્રભુ સુખસાજ । એવું સુણીને વિપ્ર તેઠાર, પામ્યો આનંદ મન અપાર ।।૧૧।।
વિપ્રને આવ્યો છે વિશ્વાસ, ગયો નીલકંઠજીને પાસ । સરિતામાં કરે છે જ્યાં સ્નાન, બોલ્યો ત્યાં જઇને નિરમાન ।।૧૨।।
કર જોડી કરે છે સ્તવન, બોલ્યો મધુર ગિરા વચન । દીનબંધુ દયાળુ છો નાથ, હવે મુજને કરો સનાથ ।।૧૩।।
તમે અખિલ જગદાધાર, સર્વે સૃષ્ટિના સજર્નહાર । અનંતકોટિ બ્રહ્માંડાધીશ, તમે સાક્ષાત છો જગદીશ ।।૧૪।।
મુને શંકરે કરી છે વાત, મારા મન વશી છે સાક્ષાત । માટે આવ્યો છું તમારી પાસ, આશા પૂર્ણ કરો અવિનાશ ।।૧૫।।
એવું સુણીને શ્યામ શરીર, કહે બ્રાહ્મણને મતિધીર । નાશવંત પદારથ જેહ, તેમાં શું માગોછો તમે એહ ।।૧૬।।
કયાં મળશે આવો રૂડો જોગ, દુઃખરૂપ શું ઇચ્છોછો ભોગ । હવે તો કરો તૃષ્ણાનો ત્યાગ, ૧અપવર્ગ મળે એવું માગ ।।૧૭।।
ત્યારે બ્રાહ્મણ બોલ્યો વચન, સુણો સત્ય કહું ભગવાન । કરવું કલ્યાણ જીવનું નાથ, પ્રભુ છે તેતો તમારે હાથ ।।૧૮।।
પણ દ્રવ્યનો છે મુને લોભ, થાશે નહિ તેવિના તો થોભ । માટે દ્રવ્ય આપો મહારાજ, ત્યારે સિદ્ધ થાય મુજ કાજ ।।૧૯।।
એવું સુણી બાલાયોગી સાર, વાલિડે કર્યો મન વિચાર । વિપ્ર દ્રવ્ય માટે છે આતુર, અંતર્યામીયે જાણ્યું જરુર ।।૨૦।।
પછે બ્રાહ્મણ પ્રત્યે વચન, બોલ્યા બાલાયોગી બલવન । આ મંદિરને સમીપ જેહ, પાંચ હાથ છેટે જોજો તેહ ।।૨૧।।
જમણી બાજુ કર્જ્યો તપાસ, લેજ્યો ધન ધરણીમાંથી દાસ । ત્યાંથી પ્રાપ્ત થાશે ધન સારું, પણ વિપ્ર સુણો વેણ મારું ।।૨૨।।
અમે મળ્યા એ તપપ્રતાપ, ટળ્યા તુજ ત્રિવિધના તાપ । હવે કલ્યાણ થાશે તમારું, એ વચન અભંગ અમારું ।।૨૩।।
વિપ્રને આપ્યાં બે વરદાન, આવ્યા મંદિરમાં ભગવાન । નિત્ય નિયમ અને પૂજાવિધિ, પોતે કરી રહ્યા ગુણનિધિ ।।૨૪।।
પછે તો આવ્યા ૨પિનાકી ત્યાંય, નીલકંઠજી બેઠાછે જ્યાંય । કરી પ્રાર્થના ધરી ધીર, સ્નેહે આપ્યાં છે ફળ સુંદિર ।।૨૫।।
ધર્યું વિષ્ણુને નૈવેદ્ય સાર, પોતે જમીને થયા તૈયાર । પછે ચાલ્યા ત્યાંથી અલબેલ, ગુણસિંધુ સદા રંગરેલ ।।૨૬।।
જાતાં જાતાં આવ્યું એક વન, મહાઘોર અતિશે ગહન । ચુકી ગયા મારગની સરત, ભુલા પડી ગયા છે ત્યાં તરત ।।૨૭।।
મહાવિકટ કાનનમાંય, નીલકંઠ ચાલ્યા જાય ત્યાંય । ત્યાંતો સુતોછે એક અસુર, પંથ રોકીને પાપી જરૂર ।।૨૮।।
અગ્નિનો તાપ કર્યોછે પાસ, અઘવાન પડ્યો છે પ્રકાશ । તેની પાસે ગયા છે સાક્ષાત, જગાડીને બોલ્યા જગતાત ।।૨૯।।
ભાઈ ઘણું ઘાટું છે આ વન, મુને નથી જડતો અયન । માટે મારગ બતાવો આજ, ત્યારે થાય અમારું તો કાજ ।।૩૦।।
એવું સુણીને રાક્ષસ ઘોર, ઉઠ્યો નિદ્રા તજીને નઠોર । અતિ વિક્રાળ ભુંડું વદન, લાલ અગ્નિસમ છે લોચન ।।૩૧।।
આવ્યો મારવા કરીને ક્રોધ, જેને સદાય વ્હાલો વિરોધ । મહારાજે તે વિચાર્યું મન, આતોછે કોઈ આસુરી જન ।।૩૨।।
માટે દેખાડું હું ચમત્કાર, તેવિના નહિ માને આ વાર । કરી વક્ર ભ્રકુટી દયાળ, તેના સામું જોયું તતકાળ ।।૩૩।।
પાપીનાં બળવા લાગ્યાં અંગ, બળીને થયો છે ગતિભંગ । પાડે છે ભયંકર પોકાર, પડ્યો મરણ પામીને તેઠાર ।।૩૪।।
એમ કર્યો અસુરનો નાશ, પછે ચાલ્યા છે જગનિવાસ । ઘણા દિ ચાલ્યા વનમોઝાર, ત્યારે નિકળ્યા કુંજથી બાર્ય ।।૩૫।।
પછે તો આવ્યો રૂડો અયન, ચાલ્યા જાયછે પદ્મનયન । એમ કર્તાં આવ્યું કોઇ શેર, તેમાં લોક રહે સુખભેર ।।૩૬।।
તે નગ્રમાં છે સંતનું સ્થાન, ધર્મશાળાછે ત્યાં સુખવાન । તેમાં રાજાયે કર્યું છે કામ, તીર્થવાસીને માટે તે ઠામ ।।૩૭।।
દુધપાક માલપૂવા નિતે, સદાવ્રત બાંધ્યું છે ત્યાં પ્રીતે । એ આદિ બીજાં ઘણાં ભોજન, તીર્થવાસી કરે ત્યાં ૧પ્રાશન ।।૩૮।।
તે જગ્યામાં ગયા છે જીવન, જૈને બેઠા તેમાં ભગવાન । બાલાયોગીને દેખ્યા પાવન, વિચાર્યું છે તેમણે મન ।।૩૯।।
કોરો લોટ લાવી આપે જ્યાંય, ત્યારે બાલાયોગી બોલ્યા ત્યાંય । જમીશું આ તૈયાર ભોજન, ત્યારે તે સર્વે બોલ્યા વચન ।।૪૦।।
નહિ મળે તમોને તૈયાર, કોરો પિષ્ટ લ્યોને આણે ઠાર । નૈતો ચાલ્યા જાવો તમે ભાઈ, નથી તમારો ઉપાય આંઈ ।।૪૧।।
એવું સુણીને સુંદરશ્યામ, બોલ્યા શ્રીહરિ સુખના ધામ । પાલપૂવા અને દુધપાક, તમે જમો રૂડાં રૂડાં શાક ।।૪૨।।
એવું કહીને બેઠા મોરાર, તેને તે જગ્યાએ નિરધાર । નથી માનતા તે અપમાન, બોલ્યા વિના બેઠા ભગવાન ।।૪૩।।
એમ કરતાં થયો મધ્યાન, ત્યારે તે કરે ભોજન પાન । થઈ છે પંક્તિ સર્વેની ત્યાંય, તેહ રીઝ્યા બહુ મનમાંય ।।૪૪।।
પેલોે પીરસાવ્યો પાયસાન, સર્વે જન તે મળ્યા સમાન । નથી વિવેક કાંઇ વિચાર, તેવા ભેગા થયા છે તે ઠાર ।।૪૫।।
જમવા સારુ થયા તૈયાર, બેઠા જુવે છે જગદાધાર । નથી બોલાવતા તે અભાગ, ખાવા સારુ જાણે લીધો ત્યાગ ।।૪૬।।
નીલકંઠે વિચાર્યું છે મન, પંક્તિભેદ કરે છે આ જન । રાયે બાંધ્યું સદાવ્રત સોય, તીર્થવાસી માટે છે આ જોય ।।૪૭।।
યાત્રાળુ સહુ આવે છે આંઈ, નથી જમાડતા તેને કાંઈ । સર્વે પોતાનાં ભરે છે પેટ, પણ આજ શિક્ષા કરું નેટ ।।૪૮।।
બાલાયોગીએ કર્યો વિચાર, પછે દેખાડ્યો છે ચમત્કાર । જેવા માલપુવા લેવા જાય, ત્યાં તો કૌતુક મોટું દેખાય ।।૪૯।।
માલપુવાના પાત્ર મોઝાર, જાણે શોણીત દેખ્યું તે ઠાર । પયપાકમાં ચોખા છે જેહ, જીવરૂપે જણાય છે એહ ।।૫૦।।
તેવું જોઇને પામ્યા છે ત્રાસ, અરર આતો થયો વિનાશ । હવે ભોજન જમાશે કેમ, તેહ મન વિચારે છે એમ ।।૫૧।।
ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે ઉત્તરાર્ધે આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે વનમાં એક અસુરનો નાશ કર્યો એ નામે અઢારમો તરંગઃ ।।૧૮।।