પૂર્વછાયો
રામશરણ વળી ઉચ્ચર્યા, સુણો શ્રીમહારાજ । નીલકંઠ મળ્યા સ્વામીને, શું કર્યું છે ત્યાં કાજ ।।૧।।
એવું સુણી પછે બોલિયા, ધર્મધુરંધર આપ । હે રામશરણજી સુણો કહું, પ્રગટ ગુણ અમાપ ।।૨।।
પીપલાણામાં પધાર્યા છે, સુખનિધિ સુપ્રકાશ । આનંદ પામ્યા તે ઉરમાં, અલબેલો અવિનાશ ।।૩।।
રામાનંદ સ્વામીયે નિર્ખ્યા, વર્ણિરાજને ત્યાંય । પ્રસન્ન થૈ પુછવા લાગ્યા, હર્ખેથી મનમાંય ।।૪।।
કોણ દેશથી આવ્યા યોગી, કોણ ગોત્ર ને કુળ । વૃત્તાંત સર્વે વર્ણવો, બાલાયોગી અનુકૂળ ।।૫।।
ચોપાઈ
એવું સુણીને વર્ણિ ઉજાસ, બોલ્યા વચન વાલો ઉલ્લાસ । નિજ માતા પિતા કુળ સ્થાન, વેદ પ્રવર ગુરુ નિદાન ।।૬।।
જેમ છે તેમ સર્વ વૃત્તાંત, વિસ્તારીને કહે બળવંત । પછે પોતાની સઘળી પેર, વર્ણવી છે તે આનંદભેર ।।૭।।
રામાનંદસ્વામી અભિરામ, સુણી પ્રસન્ન થયા તે ઠામ । કહે વર્ણીના પ્રત્યે વચન, સુણો નીલકંઠજી પાવન ।।૮।।
તમારા માતા પિતાજી પર્મ, ધર્મ ભક્તિ કહ્યાં અનુકર્મ । પ્રાગરાજમાં આવ્યાંતાં એહ, અમે મળ્યાતા નિસ્સંદેહ ।।૯।।
દીક્ષા લીધી છે અમારી પાસ, શ્રીકૃષ્ણને ભજતા પ્રકાશ । અમારી આજ્ઞાને અનુસાર, સૌને બોધ કરતા અપાર ।।૧૦।।
કોસલ દેશ રેતા તે જાણ, તેમના પુત્ર તમે પ્રમાણ । ધર્મથી રુડા ગુણે અધિક, માટે મટાડશો ભવબીક ।।૧૧।।
એવાં સ્વામીનાં સુંણ્યાં વચન, નીલકંઠ થયા છે પ્રસન્ન । પછે રહ્યા તે સ્વામીની પાસ, વર્તે આનંદમાં અવિનાશ ।।૧૨।।
ત્યાર પછી ગયા થોડા દન, દીક્ષા લીધી સ્વામીથી જીવન । સંવત અઢારસો સત્તાવન, કૈયે કાર્તિકમાસ પાવન ।।૧૩।।
શુક્લ એકાદશી નિરધાર, દીક્ષા લીધી છે તે દિને સાર । સ્વામીયે ધાર્યાં નિર્મળ નામ, સહજાનંદજી અભિરામ ।।૧૪।।
નારાયણ મુનિ જે અજીત, એ બે નામ ધર્યાં છે અભિત । એમ રહ્યા છે સ્વામીની પાસ, આજ્ઞામાં વર્તે છે સુખરાશ ।।૧૫।।
નારાયણ મુનિ લૈ સાથ, સ્વામી ફરવા ગયા સનાથ । મહાપર્વત જે ગિરનાર, તેના સમીપ ગામો મોઝાર ।।૧૬।।
તેમાં ફરતા થકા જરૂર, પ્રીતે પધાર્યા છે જેતલપુર । ત્યાંનો રાજાછે ઉનડનામ, અતિ ધાર્મિક રેછે તે ઠામ ।।૧૭।।
ગામના બીજા જે હરિજન, રાય સહિત પુન્ય પાવન । કરે છે સ્વામીની સેવા સાર, ગુરુનો જાણી મહિમા અપાર ।।૧૮।।
એમ વીતી ગયા ત્રણ માસ, જેતપુર વિષે સુખરાશ । પછે સ્વામીયે કર્યો વિચાર, નથી દેહ તણો નિરધાર ।।૧૯।।
માટે ધર્મગાદી મારી જેહ, સહજાનંદજીને સોપું એહ । સર્વે શુભ ગુણે છે સંપન્ન, પર્મ કલ્યાણકારી પાવન ।।૨૦।।
એવું વિચારીને મનમાંય, ધર્મધુર સોંપી દીધી ત્યાંય । ગાદીયે બેસાર્યા છે તે વાર, વરતાવ્યો જયજયકાર ।।૨૧।।
નારાયણમુનિ જે મહંત, મુક્તાનંદ આદિ સહુ સંત । સર્વેને લઈ સ્વામી ઉમંગ, ફણેણીયે ગયા રૂડે રંગ ।।૨૨।।
ત્યાં આવ્યો એકાદશીનો લાગ, કર્યું વ્રત જાગ્રણ સોહાગ । કર્યો ઉત્સવ આનંદ સાર, એકાદશી વીતી નિરધાર ।।૨૩।।
બીજે દિવસે બારસમાંય, સંતવિપ્રને જમાડ્યા ત્યાંય, નિત્યવિધિ કર્યો છે નિદાન, પછે કર્યાં છે ભોજનપાન ।।૨૪।।
સભામાંહી રામાનંદ સ્વામી, બોલ્યા હરિ પ્રત્યે કર ભામી । તવ આજ્ઞા શિરે ધરી આવ્યો, સંપ્રદાય નવીન ચલાવ્યો ।।૨૫।।
હવે તવ મરજી અનુસાર, કરવા ધારૂં છું જગઆધાર । પછે બોલ્યા છે શ્રીહરિ પ્રીત્યે, સુણો સ્વામી તમે રૂડિ રીત્યે ।।૨૬।।
માનુષ રૂપને કરી દૂર, દિવ્યરૂપે રહોને હજુર । શ્રીજી વાક્ય સુણી રામાનંદ, પામ્યા અંતરે અતિ આનંદ ।।૨૭।।
રામાનંદ સ્વામી મતિધીર, પધાર્યા ભાદ્ર નદીને તીર । ફરી સ્નાન કર્યું જળમાંય, દર્ભાસન પર બેઠા ત્યાંય ।।૨૮।।
કર્યું આસન ઉત્તર મુખે, ધર્યું શ્રીહરિનું ધ્યાન સુખે । પછે શ્રીહરિ સમીપ ભાગ, સ્વામીયે કર્યો છે દેહત્યાગ ।।૨૯।।
ત્યારે સ્વામીના આશ્રિત જેહ, નારાયણ મુનિ સાથે તેહ । કર્યું સ્વામીનું દેહપૂજન, ચંદન પુષ્પ વડે પાવન ।।૩૦।।
કર્યો ઉત્સવ ભાવે ભજન, અગ્નિ સંસ્કાર નિર્મળ મન । પછે સર્વે થયા શોકાતુર, સ્વામીના ગુણ સંભારી ઉર ।।૩૧।।
કર્યું ભાદ્ર નદીમાંહી સ્નાન, ગામમાં આવ્યા સર્વે નિદાન । શ્રાદ્ધાદિ ઉત્તરક્રિયા જેહ, વેદ વિધિયે કરી છે તેહ ।।૩૨।।
ખર્ચ કર્યું છે ત્યાં મોટું સોય, નરનારીને જમાડ્યાં જોય । વરતાવ્યો જયજયકાર, દેખી વિસ્મે પામ્યાં સહુ સાર ।।૩૩।।
સુણો રામશરણ નિરધાર, નથી પ્રગટ ગુણનો પાર । પરિપૂર્ણ લીલાનો જે અર્થ, કોઈ કેવા નથી તે સમર્થ ।।૩૪।।
સઘળી વનસ્પતિ કહીએ, તેની કલમો કરે લહીએ । સાતે સમુદ્રનું જળ જેહ, કરે તેની તો રુસ્નાઈ એહ ।।૩૫।।
કોટિ વૈરાજ ઇશ સમાન, લખનારા જો હોય નિદાન । પણ પાર ન પામે પવિત્ર, એટલાં છે શ્રીજીનાં ચરિત્ર ।।૩૬।।
વળી શારદ નારદ વ્યાસ, કોટિશેષ ને નાથ કૈલાસ । કોઈ સંપૂર્ણ લીલાનો સાર, કેવા સમર્થ નથી આવાર ।।૩૭।।
મીઠા પાણીનો સમુદ્ર જેમ, ભરપૂર ભરેલો છે તેમ । એમાંથી કીડી લે છે નિદાન, શક્તિપ્રમાણે કરે છે પાન ।।૩૮।।
એેમ કોટિમા અંશે કિંચિત, વર્ણન કરું છું કરી પ્રીત । વળી આ ગ્રંથનો જે વિસ્તાર, ઘણો વૃદ્ધિ પામે છે આ ઠાર ।।૩૯।।
માટે સંકોચે શક્તિને માપ, ગુણ ગાવું તે સુણી લ્યો આપ । બીજી લીલા છે અતિ વિસ્તાર, સંપ્રદાયના ગ્રંથ મોઝાર ।।૪૦।।
સત્સંગિ-જીવન અભિરામ, વળી સત્સંગિભૂષણ નામ । હરિદિગ્વિજય ગ્રંથ જેહ, હરિલીલા કલ્પતરુ તેહ ।।૪૧।।
એ આદિમાં છે અપરિમિત, તેમાંથી સુણજ્યો કરી હિત । બાળલીલાનો પૂવાર્ધે વિસ્તાર, કર્યોછે મેં આ ગ્રંથ મોઝાર ।।૪૨।।
માટે ઉત્તરાર્ધલીલા તે જાણો, સંકોચે વિસ્તારીછે પ્રમાણો । હવે શ્રીહરિનાં જે ચરિત્ર, સુણો ભાવ કરી મારા મિત્ર ।।૪૩।।
દેશો દેશના જે હરિજન, સર્વે આવ્યા તે સ્થળ છે પાવન । ત્યાંય થયા ચતુર્દશ દિન, મોટી સભા કરીછે નવીન ।।૪૪।।
તેમધ્યે ઉત્તર સિંહાસન, સુશોભિત રૂડું છે પાવન । બીરાજ્યા શ્રીહરિવર ત્યાંય, તેની શોભા અધિક દેખાય ।।૪૫।।
જેમ ચકોર ચંદ્રને જોય, એમ ભકત દેખી મનમોય । મુક્તાનંદ સ્વામી તેણે ઠામ, ભટ્ટ મયારામ ગુણગ્રામ ।।૪૬।।
એ આદિ બીજા સઘળા ભક્ત, જોેઈ રહ્યા થઈને આસક્ત । પછે બોલ્યા મધુર વચન, હે સહજાનંદ ભગવન ।।૪૭।।
અમારા ગુરુ થયા છો આપ, અમે શિષ્ય છૈયે નિષ્પાપ । કૃપા કરી શુદ્ધ આપો બોધ, જ્ઞાનઉદે થાય અવિરોધ ।।૪૮।।
તવ સ્વરૂપનો મહિમાય, યથાર્થ અમોને સમઝાય । તેવી રીતેથી બતાવો જ્ઞાન, અમારા સ્વામી છો ભગવાન ।।૪૯।।
એવું સુણીને સુખના ધામ, બોલ્યા આનંદ પૂરણકામ । સુણો ભક્તજનો દઈ ચિત્ત, તમો થયા અમારા આશ્રિત ।।૫૦।।
ત્યારે ગૃહી બાઈ ભાઈ જેહ, પોતાના ધર્મ પાળજ્યો એહ । કેદિયે નવ તજીયે ધર્મ, પ્રભુને ભજીયે અનુક્રમ ।।૫૧।।
ઘણી વાત કરી એવી રીતે, સુણી ભક્તજનોયે તે પ્રીતે । સ્વામીનોે શોેક નિવર્ત્યો એશ, દયા કરી આપ્યો ઉપદેશ ।।૫૨।।
પછે સત્સંગી સૌ હરિજન, પ્રેમે કર્યું પ્રભુનું પૂજન । વળી આપ્યાં વસ્ત્ર અલંકાર, પેરાવ્યા રૂડા પુષ્પના હાર ।।૫૩।।
પછે આજ્ઞા માગી હરિજન, ગયા પોતપોતાને ભુવન । હતાં સંતનાં મંડળ જેહ, તેમને આજ્ઞા આપી છે એહ ।।૫૪।।
જેને મોકલવા ઘટે જ્યાંય, તેમને મોકલી દીધા ત્યાંય । થોડા સંતને લેઈને સંગ, પોતે તૈયાર થયા ઉમંગ ।।૫૫।।
ધોરાજીયે પધાર્યા જીવન, નિજજનને દેવા દર્શન । ત્યાંની સેવા કરી અંગીકાર, ત્યાંથી પધાર્યા જગદાધાર ।।૫૬।।
ગયા ભૂધર ભાડેર ગામ, એક માસ રાખ્યો ત્યાં મુકામ । ત્યાંના આશ્રિતને નિરધાર, પોતાનો નિશ્ચે કરાવ્યો સાર ।।૫૭।।
ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિવિરચિતે શ્રીઘનશ્યામ લીલામૃતસાગરે ઉત્તરાર્ધે આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે રામાનંદ સ્વામી અંતર્ધાન થયા ને શ્રીહરિ ભાડેર ગામમાં એક માસ રહ્યા એ નામે ઓગણત્રીશમો તરંગ ।।૨૯।।