પૂર્વછાયો
રામશરણજી સાંભળો, ત્યાર પછીની જે વાત । મુળી પુરના રાજા કૈયે, રામાભાઈ વિખ્યાત ।।૧।।
કાકા તેના રઘાભાઈ નામે, તે બેઉએ કર્યો વિચાર । ગઢવી જીવા કેસરને, બોલાવીને કહ્યું નિરધાર ।।૨।।
ભાડેર ગામે જાઓ ભાઈ, સ્વામી રામાનંદ પાસ । પ્રેમે કરીને તેડી લાવો, મુળીપુરમાં પ્રકાશ ।।૩।।
ચોપાઈ - એવું સુણીને બેઉ ચતુર, ચાલ્યા સોરઠ દેશ જરુર । ગયા ભાડેર ગામ મોઝાર, જાણ્યા સ્વામી તણા સમાચાર ।।૪।।
ગુરુએ તો કર્યો દેહત્યાગ, ઉદાસી થયા તે મહાભાગ । તે સમે હરિ સુંદરશ્યામ, પોતે બિરાજ્યા છે તેહ ગામ ।।૫।।
પાસે ગયા પ્રેમે કરી મન, કર્યું દુર્લભ જે દર્શન । પછે મધુર વાણી સ્તવન, વાલિડા પ્રત્યે બોલ્યા વચન ।।૬।।
અમે તો આવ્યાતા શુભ કાજ, સ્વામીને તેડવા મહારાજ । તે સ્વામીયે તજી દીધો દેહ, સુણો વાલમ વિનંતિ એહ ।।૭।।
હવે તો તમો પધારો આજ, મુળીપુર વિષે મહારાજ । અમારા ગામના હરિજન, છે સ્વામીના આશ્રિત પાવન ।।૮।।
ઘણો દર્શનનો છે ભાવ, પધારોે ત્યાં નટવર નાવ । એવું સુણીને શ્રીભગવન, કહે સેવક પ્રત્યે વચન ।।૯।।
હાલમાં તો જાઓ ભાઈ તમે, થોડા દિનમાં આવિશું અમે । પછે તો ગયા તે નિજ ગામે, ત્યારે શું કર્યું સુંદરશ્યામે ।।૧૦।।
સમાધિનું ચલાવ્યું પ્રકરણ, સુખ આપે છે અશરણ શરણ । પ્રભુપણાનો નિશ્ચય જેહ, હતો સ્વામીમાં સહુને તેહ ।।૧૧।।
તેને દેખાડ્યો નિજ પ્રતાપ, અક્ષરાધિપતિ એજ આપ । પોતાનો નિશ્ચે કરાવ્યો સાર, પ્રભુતાઈ વડે નિરધાર ।।૧૨।।
પછે ત્યાંથી ચાલ્યા સુખધામ, લોજ આદિક જે શુભ ઠામ । આખા પીપલાણા મેઘપુર, પંચાળું જાળીયું ધરી ઉર ।।૧૩।।
ધોરાજી સાંકળી જેતપર, ગણોદ ગયા શ્રીહરિવર । એ આદિ પંચતીરથી માંય, ગામોગામ ફર્યા પ્રભુ ત્યાંય ।।૧૪।।
પોતાનો પ્રૌઢ પ્રતાપ સોય, સર્વે જનને બતાવ્યો જોય । નિશ્ચે કરાવ્યો સંશેરહિત, મહાપ્રભુયે કૃપા સહિત ।।૧૫।।
ઘણા દિવસ રહ્યા છે શ્યામ, પછે એક સમે સુખધામ । પ્રાણજીવન એકલા આપ, ગયા ગુંડલશેર અમાપ ।।૧૬।।
રાજકોટ થઈને જરૂર, પ્રીતે પધાર્યા શ્રીમુળીપુર । ત્યાં સરિતામાંહિ કર્યું સ્નાન, અલર્કવાવ્યે બેઠા નિદાન ।।૧૭।।
ચોતરા ઉપર પૂર્વ મુખે, નિત્ય વિધિ કર્યો છે ત્યાં સુખે । પછે ગયાછે ગામનીમાંય, જીવા ગઢવીની ફળી જ્યાંય ।।૧૮।।
ઉભા રહ્યા ત્યાં પુછીને નામ, સુખકારી શ્રીસુંદરશ્યામ । તેસમે કેટલાક ચારણ, ચોરે બેઠા છે ધીરધારણ ।।૧૯।।
તેમણે પ્રભુમાં નિરધાર, સઘળાયે જોયો ચમત્કાર । ઉભા થઈને તેહજ વાર, કર જોડી કર્યા નમસ્કાર ।।૨૦।।
જીવા ગઢવી ગયાતા બાર, તે સમે આવી ઉભા તે ઠાર । પગે લાગ્યા છે પ્રેમ અપાર, શ્રીહરિને પુછ્યા સમાચાર ।।૨૧।।
રામાનંદ સ્વામીનો મુકામ, ઉતારો આપ્યો ત્યાં રૂડે ઠામ । પછે સર્વ હરિજન જેહ, બાઈ ભાઈ મળી આવ્યાં તેહ ।।૨૨।।
તેમને પ્રભુયે નિરધાર, નિજ ઐશ્વર્ય દેખાડ્યું સાર । દયા કરી દીધાં દરશન, ચતુર્ભુજરૂપે ભગવન ।।૨૩।।
એવો જોઈને પ્રૌઢ પ્રતાપ, હરિજન રાજી થયા આપ । સોના રૂપાના ફુલે વધાવ્યા, પછે દરબારમાં પધરાવ્યા ।।૨૪।।
કર્યા સર્વેયે પ્રેમે પ્રણામ, શ્રીહરિવરને તેહ ઠામ । પછે રામાભાઈ જે રાજન, ભાવે કરીને તેડ્યા ભુવન ।।૨૫।।
વિપ્ર ઘેલારામ તેની પાસ, રસોઈ કરાવી સુખરાશ । જમાડીને કર્યું છે પૂજન, પગે લાગ્યા નિર્મળ મન ।।૨૬।।
પછે ઉતારે આવ્યા છે શ્યામ, જ્ઞાનવાતો કરે સુખધામ । વળી અલર્ક વાવ્યે નિત્ય, સ્નાન કરેછે ધરીને પ્રીત ।।૨૭।।
ગામથી જે ઉગમણી વાવ્ય, તેમાં સ્નાન કરે કરી ભાવ । માર્તંડનું મંદિર છે જ્યાંય, નિત્ય દરશન કરેછે ત્યાંય ।।૨૮।।
તેમાં એક દિન ભગવાન, પૂર્વ રૂપચોકીયે નિદાન । તેના ઉપર બેઠા દયાળ, એવામાં બાયું આવી તે કાળ ।।૨૯।।
રાજા રામાભાઈ જાણો જેહ, દિવાન રઘુભાઈ છે તેહ । રૂપાલીબા રાજુબાદિ રાણી, હરિ આવ્યા પોતે મુક્ત જાણી ।।૩૦।।
જામબા મોટાંબા બાહકુબાઈ,એભાયાત બાયું સુખદાઈ । તેહ આવ્યાં કરવા દર્શન, ઇષ્ટદેવનાં નિર્મળ મન ।।૩૧।।
દીઠા ચોકીપર ભગવાન, ત્યારે બોલ્યાં તે દેઈને માન । હે બ્રહ્મચારીજી મહારાજ, કરો કલ્યાણની વાત આજ ।।૩૨।।
એવું સુણીને શુભ વચન, તતકાળ બોલ્યા ભગવન । અમે નિમ લીધોછે તેહથી, બાઈયોને વાત કરતા નથી ।।૩૩।।
પણ ભાનું કહે જો સાક્ષાત, તો કરીયે કલ્યાણની વાત । ત્યારે બોલ્યાં તેહ નિરધાર, પ્રતિમા શું બોલે આણે ઠાર।।૩૪।।
વળી બોલ્યા નટવર નાવ, તમારો જો હશે સાચો ભાવ । તરત બોલશે એ સૂર્યદેવ, વાત કરવાનું કેશે એવ ।।૩૫।।
એવું સુણીને બાયું પાવન, કરે માર્તંડનું સ્તવન । હે માર્તંડ દયાળુ દેવ, અમે કરીયે તમારી સેવ ।।૩૬।।
અમારી સાચી પ્રીત જો હોય, બ્રહ્મચારીજીને કહો સોય । વાત કરે કલ્યાણની આજ, ત્યારે તો સરે અમારાં કાજ ।।૩૭।।
એવું સુણીને મૂરતિ પ્રત્યક્ષ, કહે બ્રહ્મચારીને સમક્ષ । તમોને અમે પુલહાશ્રમ, વર આપેલો છે અતિ પરમ ।।૩૮।।
માટે વાત કરો બાયુંસાથ, તમને બાધ નથી હે નાથ । તે સાંભળીને પૂજારી જેહ, માનગરબાવો કૈયે તેહ ।।૩૯।।
તેણે સહિત બાઈયો સર્વ, આશ્ચર્ય પામીછે તજી ગર્વ । પછે શ્રીહરિ પરમ ઉદાર, વાત કરીછે જ્ઞાનની સાર ।।૪૦।।
એવી રીતે મુળીપુરમાંય, અઢી માસ રહ્યા પ્રભુ ત્યાંય । વિપ્ર મહાદેવ કુબેર નામ, વળી કૈયે સોની વશરામ ।।૪૧।।
અમાભાઈ આદિ હરિજન, કર્યા વાતુંથી પુન્ય પાવન । તેની સેવા કરી અંગીકાર, ત્યાં થકી ચાલ્યા પ્રાણઆધાર ।।૪૨।।
હાલ મંદિરમાં દેવ જ્યાંય, શ્રીહરિવર આવ્યાછે ત્યાંય । નિંબવૃક્ષ તરુતળે શ્યામ, ઉભા રહી બોલ્યા સુખધામ ।।૪૩।।
ચારે બાજુયે ફેરવી દ્રષ્ટ, રામાભાઈને કહે છે સ્પષ્ટ । આ ઠેકાણે વિશાળ મંદિર, થાશે શોભિતું અતિ સુંદિર ।।૪૪।।
અમે આવશું ઘણીક વાર, એમ કહી ચાલ્યા નિરધાર । ગંગાકુવે કરી જલપાન, પછે વિચર્યા શ્રીભગવાન ।।૪૫।।
સર્વ હરિજનોને તતકાળ, પાછા વાળીને ચાલ્યા દયાળ । રાધાવાડી છે તેમાં થઈને, ત્યાંથી મેથાણે રહ્યા જઈને ।।૪૬।।
પુંજાજી કાકાભાઈ છે નામ, વળી વિપ્રરૂડા દેવરામ । જીજીબારુડાં ભક્તપાવન, જીવા પટેલછે હરિજન ।।૪૭।।
તે સર્વેયે કર્યો સત્કાર, તેડી ગયા છે ગામ મોઝાર । ચતુર્ભુજનું મંદિર જ્યાંય, ઉતારો કરાવ્યો જઈ ત્યાંય ।।૪૮।।
અજા પટેલ છે તેહ ગામ, પંચોલી જીવરામ છે નામ । રાજારામ રૂપબાઈ તિયાં, અતિપ્રેમ નેમનાં ભરીયાં ।।૪૯।।
પંચોલી મહાશંકર નામ, તેને ઘેર પધાર્યા છે શ્યામ । બેન હરિબા થાળ કરીને, જમાડ્યા અતિ પ્રેમ ભરીને ।।૫૦।।
પ્રેમવડે રાખ્યા ષટ દિન, સેવા કરીને થયા આધીન । પછે મહાપ્રભુ ચાલ્યા સાર, સુસવાવ્યે થઈ તેણીવાર ।।૫૧।।
ગયા ચરાવડે રૂડી પેર, ભાણાભાઈ સુતારને ઘેર । બે દિવસ રહી તેણે ઠાર, વાંકાનેર ગયા નિરધાર ।।૫૨।।
ત્યાંથી હાલારદેશ મોઝાર, ગયા સોરઠમાં કિરતાર । એમ ફરે છે દેશ વિદેશ, કરવા મોક્ષતણો ઉપદેશ ।।૫૩।।
ચાલ્યા ધારીને દેવમોરારી, માણાવદ્રે ગયા સુખકારી । ત્યાંથી પધાર્યા પ્રભુ અમાપ, પ્રેમે ગયા પીપલાણે આપ ।।૫૪।।
ત્યાંના ભક્ત બ્રાહ્મણ અધિક, પરમ વિવેકી નૃસિંહાદિક । સોળ દિન રહ્યા સુખદાઈ, ત્યાંથી ગયા ગામ અગત્રાઈ ।।૫૫।।
પર્વતભાઈ આદિ જે જન, તેમણે પ્રીતે કર્યું પૂજન, અઢી માસ રહ્યા છે તે સ્થાન, વળી ચાલ્યા ત્યાંથી ભગવાન ।।૫૬।।
સંતસહિત સુંદર શ્યામ, પધાર્યા છે કાલવાણી ગામ । એમ ફરતા શ્રીઅવિનાશ, માંગરોળ ગયા સુખરાશ ।।૫૭।।
ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રીઘનશ્યામલીલામૃતસાગરે ઉત્તરાર્ધે આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિ માંગરોળ બંદરે પધાર્યા એ નામે ત્રીશમો તરંગ ।।૩૦।।