તરંગઃ - ૬૨ - શ્રીહરિ જેતલપુરથી ડભાણ પધાર્યા

Submitted by swaminarayanworld on Sat, 13/02/2021 - 11:12am

પૂર્વછાયો

શ્રદ્ધા સહિત સૌ સાંભળો, રામશરણ વિખ્યાત । દયાળુ ગયા ડભાણમાં, શું કરે છે જગતાત ।।૧।। 

વડવૃક્ષે હિંડોળો બાંધ્યો, ત્યાં થયા બિરાજમાન । પોતાના તે સમીપમાંહે, સભા થઈ ગુણવાન ।।૨।। 

તે સમે વસોનો બ્રાહ્મણ, આવ્યો છે તેહ ઠાર । પ્રભુની પ્રભુતા જોવા તે, કરે મનમાં વિચાર ।।૩।। 

મુજ વસ્ત્રે આ શર્કરા, બાંધી છે મારી પાસ । સ્વામિનારાયણ માગે તો, સાચા માનું અવિનાશ ।।૪।। 

એવું ધારી આગળ આવ્યો, વાડવ શ્રીહરિ પાસ । અંતર્યામીયે જાણી છે, તેના મનની આશ ।।૫।। 

 

 

ચોપાઈ

 

લાવો ભૂદેવ સાકર એહ, તમારી પાસે બાંધી છે જેહ । એવું સુણીને વિપ્રનો બાળ, વિસ્મે પામી ગયો તતકાળ ।।૬।। 

જાણ્યો વિચાર મનનો ગૂઢ, થયો વાડવ તો દિગમૂઢ । બહુનામી દીસે બળવાન, આ તો સાક્ષાત શ્રીભગવાન ।।૭।। 

જાણ્યા અંતર્યામી અજીત, થયો માન મુકીને આશ્રિત । શ્રીહરિ સંત ને હરિજન, સૌને જમાડ્યાં સારાં ભોજન ।।૮।। 

પંદર દિન રહ્યા તે ઠાર, પછે ચાલ્યા ધારીને વિચાર । ગયા નડીયાદે નિરધાર, ત્યાંની સેવા કરી અંગીકાર ।।૯।। 

પાછા ડભાણ થઇને શ્યામ, પધાર્યા શ્રીમુળીપુર ગામ । ત્યાંથી જેતપુરે થઈ માવ, ગયા ગુંડળમાં ધરી ભાવ ।।૧૦।। 

સરધાર પિપર્ડિ બોટાદ, ગયા સારંગપુર આહ્લાદ । ગઢડાનો બોલાવ્યો ત્યાં સંગ, તેને સાથે લેઇને ઉમંગ ।।૧૧।। 

તે અડવાળ બળોલ ગામ, ત્યાંથી ગુંદિયે ગયા શ્રીશ્યામ । સંઘને આજ્ઞા કરી શ્રીશ્યામે, તમે જાઓને અર્ણેજ ગામે ।।૧૨।। 

પોતે પધાર્યા છે જવારેજ, ત્યાં ફરીને આવ્યા અરણેજ । આવી સંઘને મળિયા ત્યાંય, રહ્યાછે માતાની જગ્યામાંય ।।૧૩।। 

સંઘ સાથે ચાલ્યા અભિરામ, ત્યાંથી પધાર્યાછે કોઠાગામ । ચૌટાવચ્ચે થૈને ચાલ્યા સોય, ગયા વૈરાટપુરમાં જોય ।।૧૪।। 

એક રાત્રિ રહ્યા ત્યાં જરૂર, ત્યાંથી પધાર્યા જેતલપુર । પોતે ઉતર્યા મોલ મોઝાર, ગઢ વળાવ્યો છે તેણીવાર ।।૧૫।। 

પછે મુનિ જે આનંદાનંદ, તેમને કે છે પામી આનંદ । મહારુદ્ર કરવો આ ઠાર, સર્વ સામગ્રી કરાવો ત્યાર ।।૧૬।। 

મુક્તાનંદ સ્વામી આદિ સંત, ભણવા બેઠા છે જ્યાં એકાંત । ત્યાં પધાર્યા દેવા દરશન, પ્રાણપતિ થઈને પ્રસન્ન ।।૧૭।। 

વેદિકા બોરસડી હેઠે સાર, તે પર બેઠા જગ આધાર । પૂર્વ મુખે બિરાજ્યા જીવન, પછે સંતને કહે વચન ।।૧૮।। 

સદ્વિદ્યા ભણોછો પાવન, એમાં ઘણા રાજી અમે મન । માટે ભણો કરીને પ્રયાસ, રાખો નિશદિન એ અભ્યાસ ।।૧૯।। 

ત્યાંતો શ્રીહરિ ઉપર સાર, થઈ પુષ્પની વૃષ્ટિ અપાર । પછે ઉઠ્યા બોરસડીથી છેલ, રાણ્ય તળે આવ્યા અલબેલ ।।૨૦।। 

સિંહાસન પર બેઠા આપ, દીસેછે તે અદ્ભુત પ્રતાપ । મુક્તાનંદ બ્રહ્માનંદ સોય, પ્રેમાનંદ દેવાનંદ જોય ।।૨૧।। 

એ આદિ ગવૈયા સાધુજન, તેની પાસે કરાવ્યું ગાયન । ઘણીવાર સુધી બેઠા ત્યાંય, પછે પધાર્યાછે મોલમાંય ।।૨૨।। 

સંત ગયા બોરસડીની પાસ, પ્રશ્નોત્તર કરે અવિનાશ । તેસમે પશ્ચિમ દિશા જ્યાંય, અતિ અદ્ભુત આકાશમાંય ।।૨૩।। 

મહાતેજનો ગોળો ગંભીર, ચાલ્યો આવેછે વેગ સમીર । સર્વે દિશામાં કરતો પ્રકાશ, આવ્યો સમીપમાં તે ઉજાસ ।।૨૪।। 

રાયણ ઉપર થઈ જેહ, મોલ વિષે પ્રવેશ્યોછે તેહ । પછે બીજે દિન તેનો સાર, સંતોયે પૂછ્યું છે તેણીવાર ।।૨૫।। 

હે કૃપાનાથ હે મહારાજ, તેજ શાનું હતું કહો આજ । તેજનો ગોળો આવ્યોતો આંય, પ્રવેશ્યોતો આ મોલનીમાંય ।।૨૬।। 

ત્યારે શ્રીહરિ બોલ્યા પ્રમાણ, બ્રહ્માદિ અમર હતા જાણ । નિત્ય કરવા અમારાં દરશન, આવેછે થઇને તે પ્રસન્ન ।।૨૭।। 

આજે અમે કરી ઇચ્છા મન, તમને થયાંછે તે દરશન । કરેછે નિત્ય આવી સ્તવન, મિષ્ટ વાણીવડે શુભમન ।।૨૮।। 

સુણો રામશરણ પવિત્ર, તેજના ગોળાનું જે ચરિત્ર । સત્સંગિ ભૂષણ મોઝાર, કર્યોછે તેનો ઘણો વિસ્તાર ।।૨૯।। 

ત્યાર પછે તે પ્રાણજીવન, રહ્યા તે સ્થલે પંદર દન । પછે સંતને મોકલ્યા ફરવા, ચડોતર દેશ બોધ કરવા ।।૩૦।। 

તે સમે તે શ્રીનગર મોઝાર, શક્તિ પંથીછે જન અપાર । એવા અસુર જે દુરમત્ય, ઘણા દ્વેષ કરેછે અસત્ય ।।૩૧।। 

ગયા ભાઉસાહેબની પાસ, વાત સમઝાવી જાુઠી તાસ । સહજાનંદ કરે જગન, તેમાં થાશે તમને વિઘન ।।૩૨।। 

પેલો યજ્ઞ કર્યોતો જે વાર, તવ પિતા મુવાતા આ ઠાર । આ બીજા યજ્ઞમાં થાશે કેમ, તમારો વારો આવ્યોછે એમ ।।૩૩।। 

માટે યજ્ઞ બંધ કરો આપ, તો ટળે તવ મૃત્યુનો તાપ । એ સુણી ભાઉસાહેબ ભૂર, કર્યો વિચાર મન જરૂર ।।૩૪।। 

સ્વામીને હવે પકડો આજ, સૈન્યવાળાને કહ્યું તે કાજ । પછે સૈન્ય કર્યું છે તૈયાર, જેતલપુરે જાવા વિચાર ।।૩૫।। 

અંતર્યામીયે જાણી તે વાત, થયા તૈયાર ત્યાં જગતાત । સવારે વેલા ઉઠીને શ્યામ, પોતે પધાર્યા ચલોડે ગામ ।।૩૬।। 

પછે ભાઉસાહેબ એ દિન, આવ્યો જેતલપુરે લૈ સૈન્ય । મહાપ્રભુજીને ખોળ્યા ત્યાંય, પણ તે તો મળ્યા નહિ કયાંય ।।૩૭।। 

પછે ઇચ્છા કરીછે દયાળ, ષટ્પદને પ્રેર્યા તે કાળ । લાખો ભમરા પ્રગટ્યા જ્યાંય, સૈન્યવાળાને વળગ્યા ત્યાંય ।।૩૮।। 

ડંસ મારે છે વિંછી સમાન, ભુલી ગયા શૂરા નિજ ભાન । નાઠું પ્રાણ લેઈ સૈન્ય સર્વ, કૈક ધ્રુજી પડ્યા તજી ગર્વ ।।૩૯।। 

પડ્યાં મુક્યાં છે સૌ હથિયાર, માર્યા માર્યા કરે છે પોકાર । આતો કરવા ગયાતા સારું, પણ આવી પડ્યું માથે લારું ।।૪૦।। 

એમ ભમરથી પામ્યા ત્રાસ, શ્રીનગર સુધી તે રહ્યા પાસ । હવે શ્રીહરિ ધારીને ઉર, પાછા પધાર્યા જેતલપુર ।।૪૧।। 

ત્યાંથી ખેડે ગયા અવિનાશ, અધિકારી સાહેબને પાસ । જૈને મળ્યા ત્યાં ભૂધરભ્રાત, તે સાહેબને કીધી સૌ વાત ।।૪૨।। 

અમારે કરવો છે જગન, તેમાં લોક કરે છે વિઘન । માટે પુષ્ટિ આપો તમે આજ, સુખે યજ્ઞ કરીયે સમાજ ।।૪૩।। 

ત્યારે સાહેબ કે મહારાજ, તે સ્થળે નથી અમારું રાજ । પછે મહારાજે કહ્યું કેમ, કો તો અમે જ કરીયે એમ ।।૪૪।। 

વળી સાહેબ કે ક્ેમ કરશો, કેવી રીતથી પગલાં ભરશો । ત્યારે શ્રીહરિ બોલ્યા વચન, અમે ધારીયે જો નિજમન ।।૪૫।। 

એક દિવસમાં એક લક્ષ, આવે મનુષ્ય અમારી પક્ષ । કહે સાહેબ સુણો આ ઠામ, જોઈ વિચારીને લેવું કામ ।।૪૬।। 

ત્યારે મહારાજે ધાર્યું મન, ગયા ડભાણે પ્રાણજીવન । જેતલપુર લખ્યો છે પત્ર, આનંદાનંદ સ્વામીને તત્ર ।।૪૭।।

 

 

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે ઉત્તરાર્ધે આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિ જેતલપુરથી ડભાણ પધાર્યા એ નામે બાસઠમો તરંગ ।।૬૨।।