તરંગઃ - ૬૧ - શ્રીહરિએ જેતલપુરમાં સંતની સભામાં છ હેતુની વાર્તા કરી

Submitted by swaminarayanworld on Sat, 13/02/2021 - 11:11am

પૂર્વછાયો

અપાર લીલા કરતા થકા, રહ્યા ભુજમાં માસ । પછે પધાર્યા પ્રભુ ત્યાંથી, માનકુવે અવિનાશ ।।૧।। 

શ્રીહરિ ગયા રવાપર, દશ દિન રહ્યા ત્યાંય । પછે ગયા કાળે તળાવે, મેર કરી મનમાંય ।।૨।।

 

ચોપાઇ

 

વળી ગયા તે સાંધણગામ, ત્યાંથી તેરે જઈ રહ્યા શ્યામ । તેરામાં રહ્યા બાવીસ દિન, ઘણી લીલા કરી ત્યાં નવીન ।।૩।। 

સર્વ સંતને આપી રજાય, ફરવા જાવાની સુખદાય । પછે પોતે પધાર્યા તેવાર, ભુજનગરે ગયા નિરધાર ।।૪।। 

તે સ્થાનકમાં શ્રીઅવિનાશ, એટાણે રહ્યાછે એક માસ । પછે ત્યાંથી પધાર્યા અંજાર, પાંચ દિવસ રહ્યા તેઠાર ।।૫।। 

ત્યાંથી હાલારદેશ મોઝાર, પીપલિયે ગયા વિશ્વાધાર । ત્યાંછે મૂળજી ભક્તનું નામ, તેને ઘેર જમ્યા સુખધામ ।।૬।। 

રહ્યા તેસ્થલે તો ત્રણ દિન, વણથલીયે ગયા જીવન । હરજી નામેછે રથકાર, તેને ઘેર જમ્યા નિરધાર ।।૭।। 

ભાયા માણાવદર બે ગામ, ચાલ્યા ત્યાં થઇને અભિરામ । પંચાલે પધાર્યા સુખરાશ, દયાળુ રહ્યા ત્યાં દોઢ માસ ।।૮।। 

વળી ચાલ્યા ત્યાંથી સુખદાઈ, ઉમંગેથી ગયા અગત્રાઈ । ગયા પરવતભાઈને ઘેર, ઉતારો કર્યો ત્યાં સુખભેર ।।૯।। 

જન્માષ્ટમીનો સમૈયો જેહ, તિયાં કરવા ધાર્યો છે તેહ । દેશોદેશના જે હરિભક્ત, આવ્યા પંચાલે થઈને આશક્ત ।।૧૦।। 

કર્યાં શ્રીહરિનાં દર્શન, સર્વે આનંદ પામ્યા છે મન । જન્માષ્ટમીને દિવસે લાલે, મોટી સભા કરીછે દયાળે ।।૧૧।। 

સભામાં બિરાજ્યા સંત સાથ, સર્વે ભક્તને કરવા સનાથ । પરવતભાઈ આવ્યા તેઠામ, મહાપ્રભુને કર્યાં પ્રણામ ।।૧૨।। 

પછે તે બેઠા સભામોઝાર, ત્યારે વ્હાલો બોલ્યા તેણી વાર । અક્ષરથી અમે આવ્યા આજ, તમને તેડી લાવ્યા સમાજ ।।૧૩।। 

આંહી પંચવિષય કેવાય, કહો તમને કેવા દેખાય । ત્યારે બોલ્યા પરવતભાઈ, તમો સુણો વ્હાલા સુખદાઈ ।।૧૪।। 

પ્રભુ તમારી ઇચ્છાનુસાર, આંહી આવ્યો છું હું નિરધાર । પંચવિષયનાં જે છે સુખ, હું રહ્યો નથી તે સન્મુખ ।।૧૫।। 

શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, તેનો રાખ્યો નથી મેં સંબંધ । તવ મૂર્તિ વિના બીજું કાંઈ, પ્રભુજી નથી દેખતો આંહી ।।૧૬।। 

પંચવિષયના રસ જેહ, નથી જાણતો હું કાંઈ તેહ । મારે વર્તે છે અક્ષરધર્મ, આ સર્વે પરમહંસના સમ ।।૧૭।। 

તવ રૂપવિષે મારૂં મન, અહોનિશ રહે છે મગન । મુને નથી બીજાું કાંઈ ભાન, નિત્ય ધરૂં છું તમારું ધ્યાન ।।૧૮।। 

મૂર્તિમાં રહું છું દિનરાત, કૃપાનાથ કહું સાચી વાત । એમ શ્રીહરિ સહજાનંદ, સ્વામિનારાયણ સુખકંદ ।।૧૯।। 

પોતાના જે છે અનાદિ મુક્ત, તેની સ્થિતિ જણાવાની જાુક્ત । પરવતભાઈને કે વચન, શાંત કરાવ્યાં સર્વેનાં મન ।।૨૦।। 

પછે બોલ્યા શ્રીજી મહારાજ, અમારા અનાદિ મુક્ત આજ । અનંત કોટિ બ્રહ્માંડના પ્રાણી, સર્વેનાં કરવા કલ્યાણ જાણી ।।૨૧।। 

આંહિ આવીને પ્રગટ થાય, આપેછે અપવર્ગ સદાય । નિર્દોષ ને નિર્વિકારી, પોતે તો રહેછે ભયહારી ।।૨૨।। 

પછે આવેછે તે અમપાસ, અક્ષરધામમાં સુખરાશ । અમારા મહામુક્તની રીત, અજ્ઞાની તે શું સમઝે ચિત્ત ।।૨૩।। 

એતો કોઇથી કહ્યો ન જાય, પામર થકી તો શું પરખાય । એવી રીતે અક્ષરપતિ આપ, પુરૂષોત્તમજી છે અમાપ ।।૨૪।। 

અગત્રાઈમાં આપ્યાં તે સુખ, નિજ ભક્તનાં ટાળ્યાં છે દુઃખ । હવે કર્યોછે મન વિચાર, ચાલવા માટે થયા તૈયાર ।।૨૫।। 

પધાર્યા ત્યાં થકી ભગવાન, જીર્ણગઢે ગયા છે જીવન । જેતપર ગુંડળ થૈ શ્યામ, પછે ગયા ગઢપુર ધામ ।।૨૬।। 

દુર્ગપુરવિષે જગદીશ, ત્યાં રહ્યા છે દિન પચીશ । ઝીંઝાવદર ગયા જરૂર, પધાર્યા ત્યાંથી સારંગપુર ।।૨૭।। 

એક માસ રહ્યા છે તે સ્થાન, વળી ચાલ્યા ત્યાંથી ભગવાન । મનમાં ધારીને સુખદાય, પગપાળા થઈ ચાલ્યા જાય ।।૨૮।। 

પોચ્યાછે અડવાળે તેવાર, તુલજારામ વિપ્રને દ્વાર । તેને ઘેર્ય કરીને ભોજન, ચાલ્યા આગળ જગજીવન ।।૨૯।। 

ગયા બળોલે શ્રીઅલબેલ, બે દિન રહ્યા સુંદરછેલ । વળી ચાલ્યા છે પ્રાણઆધાર, જવારજે પોચ્યા નિરધાર ।।૩૦।। 

ત્યાં છે સંજય આધાર નામ, તેને ઘેર્ય કર્યોછે મુકામ । દહીં દુધ વ્હાલો જમ્યા ત્યાંય, વળી ચાલ્યા ધારી મનમાંય ।।૩૧।। 

ગયા સીમેજ થઈને અગ્ર, વ્હાલો પધાર્યા વૈરાટનગ્ર । ત્યાંથી પધાર્યા જેતલપુર, મોલમાં ઉતર્યા છે જરુર ।।૩૨।। 

ત્યાં મુક્તાનંદ આદિક જેહ, સંતમંડળ તેડાવ્યા તેહ । સરવે દેશતણા હરિજન, તેમને તેડાવ્યા ધારી મન ।।૩૩।। 

આવ્યા જેતલપુરની માંય, મહાપ્રભુજી બિરાજ્યા જ્યાંય । કર્યાં મહારાજનાં દર્શન, સહુનાં ભાગ્ય થયાં છે ધન્ય ।।૩૪।। 

પછે સંત હરિજન સંગ, શ્રીજીની પૂજા કરી ઉમંગ । રહ્યા જેતલપુર મોઝાર, સંતસહિત દેવ મુરાર ।।૩૫।। 

બીજે દિન મહાપ્રભુ ત્યાંય, બેઠા સભા કરી મોલમાંય । સંતભક્તથી વેષ્ટિત સાર, રુડા શોભેછે ધર્મકુમાર ।।૩૬।। 

વાલિડો કરેછે રુડી વાત, બ્રહ્મમોલ તણી જે વિખ્યાત । સભા સર્વેનાં પ્રોવાણાં ચિત્ત, સુણે એકાગ્રે ધરીને પ્રીત ।।૩૭।। 

થયા પ્રેમવડે તદાકાર, નથી દેહની શુધ લગાર । દિલમાં ડોલે થઈ મગન, પ્રભુમાં એક લાગી લગન ।।૩૮।। 

કર્યું પ્રભુએ એક ચરિત્ર, સુણે તે જન થાય પવિત્ર । પોતે માયા સંકેલી તેવાર, સૌની દિવ્ય દષ્ટિ કરી સાર ।।૩૯।। 

બાહ્ય દષ્ટિ ભુલાવીછે સોય, અંતરવૃત્તિ બનાવી જોય । કાયા માયા નવ દીસે કાંઇ, અક્ષરરૂપ થયા સૌ ત્યાંઇ ।।૪૦।। 

પોતપોતાના જુવે છે દેહ, બ્રહ્મરૂપ દેખી મોહ્યા તેહ । વળીમોલ જુવે ધારી મન, દેખે અમૃતધામ પાવન ।।૪૧।। 

અધો ઉર્ધ્વ પ્રમાણે રહિત, તેજ તેજ દેખે છે અમિત । પણ જેતલપુર જે ગામ, દેવસર ને મોહોલ ઠામ ।।૪૨।। 

નથી માયિક દેખાતું કાંઈ, જાણે બેઠા છે અક્ષરમાંહિ । ષડ ઊર્મિ ને અષ્ટ આવરણ, નથી દેખાતું એનું આચરણ ।।૪૩।। 

કોટિ કોટિ રવિ શશિ જેહ, તેજ ક્ષીણ પામી જાય તેહ । વરસે ચૈતન્ય તેજ અપાર, સર્વે જુવે છે ત્યાં નિરધાર ।।૪૪।। 

અમૃત ઝરણાં ઝરે છે સોય, દિવ્યભાવે દેખે સહુ કોય । એવું અખંડ તેજ અપાર, તે ચિદ્ઘન તેજ મોઝાર ।।૪૫।। 

એના મધ્યવિષે સિંહાસન, ચૈતન્ય દિવ્ય દિસે પાવન । તેના ઉપર બિરાજ્યા શ્યામ, દેખી દૃષ્ટિયો ઠરી તેઠામ ।।૪૬।। 

કોટિ કોટિ મુક્તના સમાજ, વિંટાઈ બેઠા છે સુખસાજ । પ્રભુ સામું જોઈ રહ્યા સર્વ, એકચિત્તે પ્રીતેથી અપૂર્વ ।।૪૭।। 

મહાપ્રભુની મૂર્તિ મોઝાર, બીજા મુક્ત જોયા છે અપાર । સભા દર્પણે દેખાય જેમ, રહ્યા મૂર્તિમાં સહુ તેમ ।।૪૮।। 

વળી અક્ષરમાં ઠારોઠાર, કોટિ કોટિ મુક્ત જોયા સાર । સૌથી નિર્મળ મૂરતિ એહ, તેમાં દેખાય તે નૈ સંદેહ ।।૪૯।। 

એવી રીતે બતાવ્યું છે ધામ, મૂળરૂપસહિત તેહ ઠામ । શ્રીહરિની તો પળ થઈ એક, કોટિ કલ્પ વીત્યા છે વિશેક ।।૫૦।। 

આતો વળ્યા આનંદના ઓઘ, દેખ્યો પ્રૌઢ પ્રતાપ અમોઘ । પછે માયા મુકી દીધી આપ, ગુપ્ત કર્યો છે નિજ પ્રતાપ ।।૫૧।। 

ત્યારે સર્વે હરિજન સંત, ઉભા થયા કરી મન ખંત । કર્યા પ્રેમવડેથી પ્રણામ, જાણ્યા પુરૂષોત્તમ તેઠામ ।।પર।। 

સંત હરિજન સર્વે જોયું, હરિનાં ચરિત્રે મન મોહ્યું । દેખ્યું અપાર આશ્ચર્ય એહ, ત્યારે ટળ્યો છે સૌને સંદેહ ।।૫૩।। 

બ્રહ્માનંદસ્વામીએ તેવાર, કરજોડી કર્યો નમસ્કાર । પ્રશ્ન પુછેછે થઇ પ્રસન્ન, હે કૃપાળુ સુણો ભગવન ।।૫૪।। 

જે હેતુમાટે પ્રગટ્યા આપ, તે હેતુનું કહો પ્રભુ માપ । એવું સુણી બોલ્યા સુખદેણ, રાજી થઈને રાજીવનેણ ।।૫૫।। 

સુણો બ્રહ્મમુનિ તમે વાત, જે હેતુ છે તે કહું વિખ્યાત । અમવિષે છે અતિશે પ્રેમ, મારા ભક્ત ધરી રહ્યા નેમ ।।૫૬।। 

તેને આપવું સુખ અપાર, એમની ઇચ્છાને અનુસાર । વળી લડાવવા બહુ લાડ, સંસૃતિઓ મટાડવા આડ ।।૫૭।। 

એ પેલો હેતુ છે અમ ખ્યાત, ધારો હૃદયમાંહિ ખરી વાત । હવે બીજો હેતુ કહું આજ, મારા ભક્ત માટે શુભ કાજ ।।૫૮।। 

ભક્તિ ધર્મ તે માતાપિતાય, અતિ પરમ પવિત્ર કેવાય । એ અધર્મી અસુરથી આપ, પીડા પામેલાંછે પરિતાપ ।।૫૯।। 

તેમની રક્ષા કરવા કાજ, પ્રવૃત્તિ થાવા આસમે સાજ । કોશલદેશ છુપૈયાગામ, પ્રગટ્યા છૈયે એમને ધામ ।।૬૦।। 

એવો બીજો હેતુછે તે સત્ય, હવે ત્રીજો કહું સદમત્ય । અમારા અક્ષરધામે એશ, સદાકાળ રહ્યો છું હમેશ ।।૬૧।। 

અતિસમર્થ સુખનિધાન, અવતારી જાણો લ્યો નિદાન । એવા અમે છૈયે ભગવાન, સર્વોપરી અમારૂં જે જ્ઞાન ।।૬૨।। 

સર્વોપરિ ઉપાસના મુજ, પૃથ્વીમાં પ્રવર્તાવા સાયુજ । એજ માટે આવ્યા છૈયે આંય, નિશ્ચે સમજો એ મનમાંય ।।૬૩।। 

એ ત્રીજો હેતુ માનજ્યો મન, હવે ચોથો કરૂં વિવેચન । પૂર્વ થયા મમ અવતાર, તેના આશ્રિત ભક્ત અપાર ।।૬૪।। 

તેમને ઉપાસનાનું જ્ઞાન, મુજ સ્વરૂપનું તે નિદાન । બેઉને નિર્મળ થાવા બોધ, મોક્ષ પમાડવા અવિરોધ ।।૬૫।। 

એવો ધારી મનમાં વિચાર, આવ્યા છૈયે અવનિમોઝાર । ચોથો હેતુ અમારો છે એહ, એમાં તો નથી કાંઇ સંદેહ ।।૬૬।। 

બહુકાળથી પામેલો નાશ, એવો એકાંતિક ધર્મતાસ । તેને આ પૃથ્વીપર પાવન, ફરી મારે કરવો સ્થાપન ।।૬૭।। 

અસત્પુરુષ ને જે પાપ, તેનો નિગ્રહ કરવા આપ । એકાંતિક જે સંત કેવાય, તેનું રક્ષણ કરવું સદાય ।।૬૮।।

 પાંચમો હેતુ છે મારો એહ, મુક્તને જાણ્યા જેવો છે તેહ । પૂર્વ થયેલા મુમુક્ષુજન, અતિ નિર્મળ પુન્યપાવન ।।૬૯।। 

તેમને મારા રૂપનું જ્ઞાન, મારી ઉપાસના વળી ધ્યાન । તેનો બોધ કરીને નિષ્કામ, લઈ જાવા તે અક્ષરધામ ।।૭૦।। 

અમે ને વળી અમારા ભક્ત, તેના આશ્રયે કરી વિરક્ત । નવા મુમુક્ષુ કરવા માટ, આંહિ આવ્યા છૈયે એજ ઘાટ ।।૭૧।। 

એવા છ હેતુ ધારીને મન, પ્રગટ્યા છૈયે કરવા ધન્ય । એવું સુણી મુનિ બ્રહ્માનંદ, અતિ પામ્યા મનમાં આનંદ ।।૭૨।। 

પછે બીજે દિવસે જીવન, સંતસહિત કર્યાં ભોજન । એમ રહ્યા છે ત્યાં એક માસ, વળી ચાલ્યા ત્યાંથી અવિનાશ ।।૭૩।। 

ખેડે થઇને જીવનપ્રાણ, વાલો પધાર્યા ગામ ડભાણ । ત્યાંના હરિભકતે એણીવાર, સ્નેહ વડે કર્યો સતકાર ।।૭૪।।

 

 

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે ઉત્તરાર્ધે આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિએ જેતલપુરમાં સંતની સભામાં છ હેતુની વાર્તા કરી એ નામે એકસઠમો તરંગ ।।૬૧।।