તરંગઃ - ૬૭ - શ્રીહરિ ગેરીતે પધાર્યા

Submitted by swaminarayanworld on Sat, 13/02/2021 - 11:22am

પૂર્વછાયો

પછે ત્યાંથી વાલમો, પધાર્યા ગામ વ્યાર । ત્યાંના સર્વે હરિજનોયે, જાણ્યા છે સમાચાર ।।૧।। 

પવિત્ર પીતાંબર ત્રવાડી, પટેલ કુબેરદાસ । સામૈયું લઇને સામા આવ્યા, જ્યાં ઉભા અવિનાશ ।।૨।। 

વાજિંત્ર વાજે વિવિધનાં, મંગલ ઉત્સવ થાય । પ્રેમવડેથી શ્રીમાવને, ગામવિષે તેડી જાય ।।૩।। 

કુબેરદાસને ઘેર જઇને, ઉતારો આપ્યો તેઠાર । સંત હરિજન સાથનો, સારો કર્યો સતકાર ।।૪।। 

સેવા કરીછે સારી રીતે, સ્નેહથી નરનાર્ય । ભલે પધાર્યા ભૂધરજી, અમ ભાગ્યનો નહિ પાર ।।૫।।

 

ચોપાઇ

 

પછી બીજે દિવસે સવાર, નિત્યવિધિ કરી થયા તૈયાર । કુબેરદાસે પોતાને ઘેર, રસોઇ કરાવી રુડી પેર ।।૬।। 

પાંચસે મનુષ્યની રસોઈ, પોતે કરાવી છે પ્રીતપ્રોઈ । પણ શ્રીહરિ સાથે તેવાર, હતાં મનુષ્ય દોઢ હજાર ।।૭।। 

ત્યારે ગામના સઘળા લોક, કુબેરદાસને કે અશોક । થોડી કરાવી છે આ રસોઈ, માટે ચેતાવિયે છૈયે જોઈ ।।૮।। 

પાંચસે મનુષ્યની આ ઠાર, સામગ્રી તમે રાખી છે ત્યાર । પણ મનુષ્ય દોઢ હજાર, તમારે ઘેર છે જમનાર ।।૯।। 

માટે નૈ પોચે રસોઈ આજ, પેલી પંગતિમાં જશે લાજ । કરાવો સામગ્રી બીજી ત્યાર, પછે જમાડો સૌને આવાર ।।૧૦।। 

એવું સુણીને કુબેરદાસ, કરે વિચાર મન હુલ્લાસ । બાજરાનો લોટ લાવો આજ, કરાવો રોટલાતણું કાજ ।।૧૧।। 

પ્રથમ તો જમાડો મિષ્ટાન, પછે રોટલા પિરસો નિદાન । એમ કરતાં વીતી ઘણીવાર, સાંજનો પોર થયો તેઠાર ।।૧૨।। 

પછે બોલ્યા શ્રીજગદાધાર, જમવાની કેટલીછે વાર । ત્યારે ખુશાલદાસ ત્યાં ખ્યાત, શ્રીહરિને કરી તેણે વાત ।।૧૩।। 

તેવું સાંભળી બોલ્યા વચન, તમે ભાઈ મુંઝાશો ન મન । રોટલા ન કરાવશો તમે, સાચું માનો કૈયે છૈયે અમે ।।૧૪।। 

નહીં ખુટે તમારી રસોઈ, માટે મુંઝાશો નૈ તમે સોઈ । એમ કૈને ઉઠ્યા સુખકારી, પાકશાળામાં ગયા મુરારી ।।૧૫।। 

કુબેરદાસના ઘરમાંય, ચક્કી પર બેઠા પ્રભુ ત્યાંય । વસ્ત્ર વડે ઢંકાવ્યાં મિષ્ટાન્ન, પાસે બેઠા છે શ્રીભગવાન ।।૧૬।। 

જોઇએ તેમ કાઢો મિષ્ટાન, સર્વે સામગ્રી આપો આ સ્થાન । દિલમાં ડરશો નહિ આજ, પાસે બેઠા છૈયે શુભ કાજ ।।૧૭।। 

આતો રેશે અખુટ ભંડાર, નહી ખુટે તેમાંથી લગાર । પછે સર્વે સંત હરિજન, મંડળધારી મોટા મહંત ।।૧૮।।

બાઈ ભાઈના બોલાવી સાથ, પંક્તિ કરાવે છે દીનાનાથ । પોતાને હાથ પીરસે શ્યામ, પંક્તિમાં ફરીને સુખધામ ।।૧૯।। 

સંતહરિજનને સમાન, નવ નવ જમાડ્યાં મિષ્ટાન્ન । તુલસીદાસના માઢમાંય, સર્વે પંક્તિયો કરી છે ત્યાંય ।।૨૦।। 

સંત હરિજન બાઈ ભાઈ, સૌને વિક્તિયે જમાડ્યાં ત્યાંઈ । ચક્કી ઉપર વારમવાર, જૈને બેસે છે જગઆધાર ।।૨૧।। 

અતિ આગ્રહ કરી જમાડ્યા, તૃપ્ત કરી આનંદ પમાડ્યા । પાકશાળામાં જોયું જે વાર, સામગ્રી ખુટી નથી લગાર ।।૨૨।। 

સર્વે રસોઈ ભરી છે ત્યાર, વરતાવ્યો છે જયજયકાર । ત્યારે તે ગામના હરિજન, વિસ્મય પામી ગયા સહુ મન ।।૨૩।। 

શું આ પ્રગટતણો પ્રતાપ, અક્ષરપતિ છે આપોઆપ । તે વિના આવું કામ ન થાય, બીજાનો નવ ચાલે ઉપાય ।।૨૪।। 

ચક્કી ઉપર બેઠાતા આપ, થઈ તે પ્રસાદીની નિષ્પાપ । તેને સ્થાપી છે શ્રીનગરમાંય, મંદિરમાં રંગમોલ છે જ્યાંય ।।૨૫।। 

એમ લીલા કરીછે અપાર, વાલીડે ગામ વ્યાર મોઝાર । સાત દિવસ રહ્યા તે ઠાર, પછે ચાલવા થયા તૈયાર ।।૨૬।। 

સંત હરિજન સંગે શ્યામ, ત્યાંથી પધાર્યા ગેરીતે ગામ । ત્યારે તે ગામના હરિજન, સામૈયું લેઈ આવ્યા પાવન ।।૨૭।। 

ક્ષત્રી જલાજી છે તેહ ગામ, હરિસિંગ પટેલ જે નામ । ભાવસાર મોતી ને ગણેશ, એ આદિ ઘણા ભક્ત અશેષ ।।૨૮।। 

આવ્યા સમૈયું લેઈ તેવાર, ધામધુમ કર્યો છે અપાર । તે દેખીને બોલ્યા ભગવન, સુણો ગેરીતાના હરિજન ।।૨૯।। 

વાજિંત્ર વગડાવો છો આજ, મુને ગમતું નથી તે કાજ । આડંબર રેવાદ્યોને અન્ય, ચાલો મારગે કરતા ભજન ।।૩૦।। 

તોયે માન્યું નહી હરિજન, હવે શા માટે રાખીયે ભિન્ન । એમ કહી વગાડ્યાં વાજિંત્ર, ત્યારે વાલે કર્યું ત્યાં ચરિત્ર ।।૩૧।। 

રોઝે ઘોડેથી ઉતર્યા છેલ, ત્યાંથી ચાલ્યા છે શ્રીઅલબેલ । કોઇને જાણ પડે નૈ જેમ, ચાલ્યા નિમિત્ત કરીને તેમ ।।૩૨।। 

ઉમાભાઈ છે પાર્ષદ સોય, માધવની કેડે ગયા જોય । થોડે દૂર ગવાડું છે ગામ, તેને મારગે જાય છે શ્યામ ।।૩૩।। 

ગેરીતાના સર્વે હરિજન, તે તો ઉદાસી થૈ ગયા મન । સંત હરિજન ને અસ્વાર, તેને લૈ આવ્યા ગામ મોઝાર ।।૩૪।। 

કર્યો સ્નેહ સહિત સતકાર, આપ્યો ઉતારો સુંદર સાર । દિવાકર અસ્ત પામ્યા જ્યાંય, શ્રીહરિજી શું કરેછે ત્યાંય ।।૩૫।। 

ગવાડે પોચ્યા સુંદરશ્યામ, ઉમાભાઈ સાથે અભિરામ । હતો વણિક શ્રાવક એક, તેને ઘેર ગયા ધરી ટેક ।।૩૬।। 

ઘણી છે ઘોર અંધારી રાત, સુઇ ગયો છે વણિક જાત । તેને બોલાવ્યો છે નિરધાર, દ્વાર ઉઘાડીને આવ્યો બાર ।।૩૭।। 

તેને કેવા લાગ્યા સુખકાર, સુણો વણિક જાત આ વાર । અમે ભુખ્યા થયા છૈયે ભાઈ, માટે ખાવા આપો તમે કાંઈ ।।૩૮।। 

ત્યારે વણિક બોલ્યો વચન, અત્યારે નહિ મળે ભોજન । હું તો શ્રાવક છું નિરધાર, થઈ ગયા હવે ચોવીઆર ।।૩૯।। 

તોયે શ્રીહરિ કે આપો ભાઈ, જે કાંઈ તૈયાર હોય તે આંઈ । દેખાડું તીર્થંકર ચોવીસ, મહાવીર સ્વામી પ્રભુ અંશ ।।૪૦।। 

નમો અરિહંતાણાદિ મંત્ર, બતાવું તારા શાસ્ત્રના તંત્ર । બોલ્યો શ્રાવક તેણીજ વાર, આ ટાણે નહિ આપું આહાર ।।૪૧।। 

ફરો છો પ્રભુ થઇને જેમ, બોલો છો પણ ધીરેથી તેમ । તીર્થંકર દેખાડો છો આજ, ત્યારે ભિક્ષા માગો છો શા કાજ ।।૪૨।। 

ખાવા નહી આપું મહારાજ, તમે શું કરી નાખશો આજ । બંધ કર્યું વણિકે તો દ્વાર, જઇને સુતો ઘર મોઝાર ।।૪૩।। 

હવે શ્રીહરિ દુકાનમાંય, પ્રભુ પોઢી ગયા પછે ત્યાંય । ઉમાભાઈયે કર્યું શયન, પણ જાગેછે શ્રીભગવન ।।૪૪।। 

એમ કરતાં ગઈ મધ્ય રાત, વાણિયે વિચારી મન વાત । ઉઠ્યો આસનથી તેણીવાર, ધીરે રૈને ઉઘાડ્યું છે દ્વાર ।।૪૫।। 

જોયું આવીને તેણે બહાર, બેઉ જણા છે નિદ્રા મોઝાર । એમ જાણીને આવ્યો નજીક, જાતે વણિક તે ધરે બીક ।।૪૬।। 

ઉમાભાઈ પાસેથી તે વાર, લીધો દોરી લોટો તરવાર । ઘરમાં લૈ ગયો વણિક બાળ, દ્વાર બંધ કર્યું તતકાળ।।૪૭।। 

એવી રીતે વીતી ગઈ રાત, ત્યારે તો થયું રુડું પ્રભાત । પછે ઉઠ્યા છે પ્રાણઆધાર, ઉમાભાઈને જગાડ્યા સાર ।।૪૮।। 

મારો દોરી લોટો તરવાર, કોણે લીધાં હશે આણે ઠાર । પછે બોલ્યા ત્યાં શ્રીભગવાન, ભાઈ તમે ભુલી ગયા ભાન ।।૪૯।। 

રક્ષા કરવા આવ્યા છો નિદાન, પણ તમને તો નથી ભાન । એમ કહીને ચાલ્યા અજીત, ગેરીતે પધાર્યા કરી હિત ।।૫૦।। 

સંત આશ્રિતને મળ્યા આપ, ત્યારે સર્વેના ટળ્યા સંતાપ । પછે બાઈ ભાઈ હરિજન, પ્રભુને દેખી થયા પ્રસન્ન ।।૫૧।।

 

 

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે ઉત્તરાર્ધે આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિ ગેરીતે પધાર્યા એ નામે સડસઠમો તરંગ ।।૬૭।।