પૂર્વછાયો
ગુણસિંધુ ગયા ગેરીતે, ટાળવા ભક્તનાં દુઃખ । હરિને દેખી હરિજન, પામ્યા અપરિમિત સુખ ।।૧।।
ચાર દિન રાખ્યા પ્રભુને, સ્નેહ સહિત નિરધાર । પછે પધાર્યા પ્રીતમજી, વિસનગર મોઝાર ।।૨।।
પાનાચંદ ભાવસાર જે, વ્યાસ મોતીરામ નામ । એ આદિ સૌ સત્સંગી આવ્યા, સામૈયું લઈ તેઠામ ।।૩।।
ઉત્સવ કરતા ઉમંગે, તેડીગયા ગામમાંય । ભીમનાથ મહાદેવમાં, ઉતારો કરાવ્યો ત્યાંય ।।૪।।
દક્ષિણદિશે રૂપ ચોકી, બિરાજ્યા ભગવાન । સંતજનની સભામાં, શોભેછે સુખધામ ।।૫।।
ચોપાઇ
એમ વિસનગર મોઝાર, સભાકરી બિરાજ્યાછે સાર । લાલદાસ નામે જે દેસાઈ, તેને ઘેરગયા સુખદાઈ ।।૬।। ]
સંત હરિજનોને સમાન, પ્રીતે કરાવ્યાં ભોજનપાન । મેડિયે પધાર્યા સુખસાજ, પૂર્વમુખે બેઠા મહારાજ ।।૭।।
ઘણીવાર ત્યાં પ્રાણજીવન, દીધાં હરિજનને દર્શન । પછે ઉતારે પધાર્યા શ્યામ, સંત સહિત શ્રીસુખધામ ।।૮।।
બીજે દિને ઉદેકુંવરબાઈ, ઘણો ભાવ કરી મનમાંઈ । રસોઈ કરાવી રૂડી રીત, પોતાને ઘેર પૂરણપ્રીત ।।૯।।
પછે સંત હરિજન સંગ, શ્રીહરિને જમાડ્યા ઉમંગ । બલદેવ પંડ્યાને ત્યાં શ્યામ, બીજે દિન જમ્યા સુખધામ ।।૧૦।।
એમ વિસનગરમાં પવિત્ર, કરેછે વ્હાલો રૂડાં ચરિત્ર । સરોવર પિંડારિયું નામ, તેમાં નાવા પધારે છે શ્યામ ।।૧૧।।
ભારે સભા રચાવી છે ત્યાંય, મોટી મેર કરી મનમાંય । તિયાં ૧કલિકલ્પતરુ સોય, તેના હેઠે બેઠા હરિજોય ।।૧૨।।
વળી ગામનું જેછે તડાવ, તેના તીરે ગયા તે સોહાગ । સંત ભક્ત સંગે તેહ સ્થાન, સુખભેર કર્યું તેમાં સ્નાન ।।૧૩।।
લીલા કરીછે ત્યાં ભગવાન, હાલ ગરનાળાં છે તે સ્થાન । ચોરાશી કરી વિપ્રની સારી, બ્રાહ્મણોને જમાડ્યા છે ધારી ।।૧૪।।
વિસનગરમાં શ્રીઅવિનાશ, કોઈ સમે રહ્યા દોઢ માસ । સૌની સેવા કરી અંગીકાર, પછે ચાલવા કર્યો વિચાર ।।૧૫।।
સંત હરિજન સંઘ સાથ, ગામ ઉંઝે પધાર્યા છે નાથ । અમરા મુરારિ જેકુંવર, તેમણે કરીછે સારવર ।।૧૬।।
ત્યાંથી પધાર્યા મહેસાણે ગામ, કુશળબાઈ છે તેને ધામ । સંત પાર્ષદ સંઘસમેત, ઘૃતક્ષિપ્રા જમ્યા કરી હેત ।।૧૭।।
ત્યાંથી પધાર્યા મોટપ ગામ, પુરૂષોત્તમ પૂરણકામ । ત્યાં છે પટેલ તુલસીદાસ, તેણે સેવા કરી સુખરાસ ।।૧૮।।
સરોવર સમીપમાં સાર, રાયણનું વૃક્ષ છે તેઠાર । ઉતારો કર્યો છે તેહ સ્થાન, કરવા કલ્યાણ તેનું નિદાન ।।૧૯।।
બે દિવસ રહ્યા પ્રભુ ત્યાંય, મોદ પામ્યા ઘણો મનમાંય । જ્યાં બિરાજેલા છે સુખકારી, તિયાં છત્રી કરાવી છે સારી ।।૨૦।।
ત્યાંથી પધાર્યા જીવન પ્રાણ, ઘેણોજે ગયા સારંગપાણ । ચનુ મુગટ ને બલદેવ, એ આદિ હરિજન એવ ।।૨૧।।
તેની સેવા કરી અંગીકાર, અંબાસણે આવ્યા તેહ વાર । ટુંડાલી ને વળી માથાસૂળ, કુંડાળે પધાર્યા અનુકુળ ।।૨૨।।
કલાભક્તછે ત્યાં નિરધાર, તેની સેવા કરી અંગીકાર । ત્યાંથી પધાર્યા ધારીને ઉર, પ્રભુ ગયા ગામ રાજપુર ।।૨૩।।
ત્યાંના જેકરણ આદિ વિશેક, તેણે સેવા કરી ધરી ટેક । પછે ત્યાંના ક્ષત્રી પાટીદાર, સર્વે આવ્યા જ્યાં જગઆધાર ।।૨૪।।
પ્રશ્ન પુછવા આવ્યા તે પાસ, સુણો મહારાજ સુખરાશ । તમે કેવાઓ છો ભગવાન, ઘણા લોક ધરે તવ ધ્યાન ।।૨૫।।
કોઇનું ભુંડું કરો તો થાય, કે નૈ કરી સકો એ ઉપાય । ત્યારે વાલમ બોલ્યા છે વાણ, સુણો ભક્તજનો નિવારણ ।।૨૬।।
અમે ભુંડું કોઇનું નથી કરતા, ભુંડંુ કામે પગ નથી ભરતા । પણ જીવ કરે કર્મ જેવાં, તેનાં તો ફળ આપીયે તેવાં ।।૨૭।।
કોટિ કોટિ બ્રહ્માંડમાં જે છે, ચારે ખાણ્યોના જીવ રહે છે । એ જીવના પ્રાણ નાડીસાથ, તેતો રહેલા છે મુજ હાથ ।।૨૮।।
એમ વાત કરે પ્રભુ જ્યાંય, હજારો પંખી ચરેછે ત્યાંય । તે સામી કરી પ્રભુયે સરત, ચકલાંને સમાધિ થઈ તરત ।।૨૯।।
હજારો ચકલાં પડ્યાં ધરણ, જાણે પામી ગયાં હોય મરણ । પછે પાટીદાર ક્ષત્રી જન, તે પ્રત્યે બોલ્યા વ્હાલો વચન ।।૩૦।।
ભુંડું કરતાં લાગે શું વાર, જુવો દૃષ્ટાંત આણેજ ઠાર । પણ શ્રીહરિતો કલ્પવૃક્ષ, કર્મફળ પ્રદાતા પ્રત્યક્ષ ।।૩૧।।
પ્રભુમાં જેવા સંકલ્પ હોય, એવું ફળ પામે જનસોય । એવી રીતે કરતાં કરતાં વાત, બીજું ચરિત્ર કર્યું સાક્ષાત ।।૩૨।।
પોતાની યોગકળાયે જ્યાંય, માયા વિસ્તારીને બેઠા ત્યાંય । દેખાડ્યોે અતિ પ્રલયકાળ, સંશેવાળાને દીનદયાળ ।।૩૩।।
બીજાને પણ એજ પ્રમાણે, દેખાય છે સૌને એમ જાણે । અષ્ટ લક્ષ યોજનની માંય, ભુવન ભરાયું તે દેખાય ।।૩૪।।
નથી પૃથ્વી વહ્નિ સમીર, ત્યાંતો જણાય છે અતિ નીર । દેવ દૈત્ય મનુષ્યનો વર્ગ, જીવ જંતુનો નથી સંસર્ગ ।।૩૫।।
એક દેખાયછે સુખધામ, અંબુ પર બેઠા અભિરામ । શ્રીહરિવરના રોમમાંય, સૃષ્ટિ સર્વ સમૈ ગઈ ત્યાંય ।।૩૬।।
એવો દેખાડ્યો પ્રૌઢ પ્રતાપ, દેખનાર પામ્યા વિસ્મે આપ । નથી જણાતું તે સમે ગામ, વળી નથી તન ધન ધામ ।।૩૭।।
નવખંડવતી ધરા જેહ, સાત પાતાળ સહિત તેહ । અધોઉર્ધ્વમાં જે લોક સાત, તે પણ ન દેખાય વિખ્યાત ।।૩૮।।
એમ ચાર ઘટિકા પર્યંત, બતાવ્યાંછે આશ્ચર્ય અનંત । પછે યોગકળા કરી લીન, એક રોમ વિષેજ અભિન્ન ।।૩૯।।
બ્રહ્મખુમારી સંકેલી જ્યાંય, માયાને છુટી મુકી છે ત્યાંય । ત્યારે હતું તેવું દેખ્યું સાર, ગામ ઠામ ધામ તેણીવાર ।।૪૦।।
આવું ઐશ્વર્ય દેખ્યું છે જ્યાંય, સૌને નિશ્ચે થયો મનમાંય । આતો અક્ષરપતિ જે આપ, સ્વામિનારાયણ છે અમાપ ।।૪૧।।
એમાં કાંઈ નથી મીનમેખ, ધાર્યું કરે ટાળી નાખે લેખ । એમ દૈવત દેખ્યું અપૂર્વ, મટી ગયો સર્વ લોકનો ગર્વ ।।૪૨।।
રહ્યા રાજપુરમાં બે દિન, પછે પધાર્યા જગજીવન । દયાળુ ગયા ડાંગરવે ગામ, પોતાની લીલાનો એ છે ઠામ ।।૪૩।।
ત્યાંના સત્સંગી શૂરવીર, વળી ધર્મ વિષે ઘણા ધીર । વેણીદાસ અગરાજી નામ, અમરાજી રત્નબા તે ગામ ।।૪૪।।
એ આદિ ઘણા છે પ્રેમી ભક્ત, પ્રગટ પ્રભુમાં છે આસક્ત । જાણ્યું સુફળ થયાં સૌ કાજ, આજે પધાર્યા શ્રીમહારાજ ।।૪૫।।
સર્વે સામૈયું લેઈને આવ્યા, વ્હાલપણે વ્હાલાને વધાવ્યા । હરિ માટે થયા હર્ષવાન, તેડી ગયા ગામમાં દેઈ માન ।।૪૬।।
ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે ઉત્તરાર્ધે આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિ ડાંગરવે પધાર્યા એ નામે અડસઠમો તરંગ ।।૬૮।।