રાગ :- ધન્યાશ્રી
જેમ વનજનને વા’લું વનજી, તેને વસતાં વસ્તીએ માને નહિ મનજી ।
ફળ દળ ફૂલ ખાય નિશદિનજી, અતિ રસે સરસ પણ ન ભાવે ભોજનજી ।।૧।।
રાગ :- ઢાળ
ભોજન તેને કેમ ભાવે, જેણે ખાધાં કોઠાં કરી ખાંત્ય ।
ઉપર ખાધી આંબલી, તેણે અંબાઈ ગયા છે દાંત ।।ર।।
જેની વિષય કોઠાંમાં વૃત્તિ વળગી, અહં મમતરુપ ખાધી આંબલી ।
તેને ગોળ સારો કેમ લાગશે, કેમ કે’શે સાકરને ભલી ।।૩।।
તેમ ભોગવ્યાં સુખ જેણે ભૂમિનાં, તેથી અધિક સુણ્યાં અમરેશનાં ।
તેને પામવા પામર નર, સહે છે દુઃખ હમેશનાં ।।૪।।
જેમ અમલ પીતાં અકકલ નાસે, તોયે અંતરે જાણે અધિકું પિઉં ।
આવ્યું ડૂલપણું તે નથી દેખતો, એવું અતિશે ફૂટી ગયું હઈયું ।।પ।।
થોડી ઉપાધિયે પણ નથી ઠેકાણું, ઘણી ઉપાધિ કેમ ન ઘુંચવશે ।
સૂકું રણ ઉતરે સમર્થ નથી, તો કેમ ઉતરશે રણ જયારે વસે ।।૬।।
જાણે પેશી ઉંડા અર્ણવમાં, તળે જળ પીને તરષા તજું ।
પણ બહુ દુઃખ છે બા’ર આવતાં, તે પણ તપાસિયે ગજું ।।૭।।
આઘા પગ પરઠતાં, હૈયે કરવો નહિ હુલાસ ।
આગળ સુખ કે દુઃખ છે, તેનો કાઢવો તપાસ ।।૮।।
તેમ વિષય સુખની વાટે ચાલતાં, વિચારી જોવી જન વાત ।
કૈકવાર સુખ પામ્યા વામ્યા, લાખો લેખે લાગી લાત ।।૯।।
માટે વાટ એ મૂકવી, ન ચુકવી આવી આ પળ ।
નિષ્કુલાનંદ કહે નાથનાં, સેવવાં ચરણ કમળ ।।૧૦।। કડવું ।।૪।।
રાગ :- રામગરી
(‘મન રે માન્યું નંદલાલશું’ એ ઢાળ.)
નિર્ભય ચરણ છે નાથનાં, સેવો શ્રદ્ધાએ સંત ।
અવર ઉપાય અળગા કરી, સમઝો સાર સિદ્ધાંત; નિર્ભય૦ ।।૧।।
સુણી સુખ લોકાલોકનાં, શીદ કરો છો શોચ ।
એતો ઉદંબરે ફળ વળગ્યાં, થડથકી તે ટોચ; નિર્ભય૦ ।।ર।।
એમ વળગ્યા વિષય પાંચમાં, નર સુર અજ ઈશ ।
અધિક ન્યૂન એમાં નથી, રવિ શશિ સુરેશ; નિર્ભય૦ ।।૩।।
માટે ઉંડું વિચારી અંતરે, ખરી કરવી ખોળ્ય ।
નિષ્કુલાનંદ પ્રભુપદ પખી, જયાં જયાં જાય ત્યાં રોળ; નિર્ભય૦ ।।૪।। પદ ।।૧।।