રાગ :- ધન્યાશ્રી
એતો કેને અંતરે નથી વૈરાગ્યજી, જેણે કરી થાય તન સુખ ત્યાગજી ।
એક હરિચરણે હોય અનુરાગજી, એવા તો કોઈક સંત સુભાગજી ।।૧।।
રાગ :- ઢાળ
સંત સુભાગી સરસ સહુથી, જેના અંતરમાં નિરવેદ ।
સુણી સુખ સર્વે લોકનાં, જેનું નથી પામતું મન ખેદ ।।ર।।
ઉંડું વિચારી અંતરમાં, જોઈ લીધું જીવમાં જરુર ।
વિષય સારું સહુ વલખાં, કરે છે સુર અસુર ।।૩।।
વૈરાગ્ય વિના વિષય સુખનો, તર્છટ ન થાયે ત્યાગ ।
ત્રોડી પાડે પીંડ બ્રહ્માંડથી, એવો તો એક વૈરાગ્ય ।।૪।।
વૈરાગ્યવાન વિલસે નહિ, માયિક સુખની માંઈ ।
શૂન્યસુમન સમ સમઝી, ગંધ સુગંધ ન માને કાંઈ ।।પ।।
જે નિર્વેદ નિધિ નરનું, જેવું કરી દિયે છે કામ।
તેવું ન થાય કહું કોઈથી, શું લખું ઘણાનાં નામ ।।૬।।
જેમ મળે એક ચિંતામણિ, ઘણી અગણિત વસ્તુનું ઘર ।
તેમ શુદ્ધ વૈરાગ્ય શિરોમણી, નથી એથી બીજું કાંઈ પર ।।૭।।
સર્વે સુખની સંપત્તિ, વસી રહી વૈરાગ્યમાંઈ ।
મોટે ભાગ્યે જો આવી મળે, તો ન રહે કસર કાંઈ ।।૮।।
વૈરાગ્યવાનને વિપત્ત શાની, જે સમઝયા સાર અસાર ।
જેમ તુંબુ બોળે કોઈ તોયમાં, પણ નીસરી જાયે નીર બા’ર ।।૯।।
વૈરાગ્ય વિના તો વાત ન બને, શુદ્ધ સાચું ન લેવાય સુખ ।
નિષ્કુલાનંદ નિરવેદ વિના, આદિ અંતે મધ્યે દુઃખ ।।૧૦।। કડવું ।।પ।।