સારસિદ્ધિ કડવું - ૦૬

Submitted by swaminarayanworld on Sat, 13/02/2021 - 3:07pm

રાગ :- ધન્યાશ્રી

 

વૈરાગ્ય વિના વિધિ લોકથી વિધિજી, સુતા સ્પર્શની ઈચ્છા ઉર કિધીજી ।

વૈરાગ્ય વિના પિનાકી પરસિદ્ધિજી, મોહિનીને મીટ જોવા લક લીધીજી ।।૧।।

 

રાગ :- ઢાળ

 

લક લીધી તક નવ તપાસી, વૈરાગ્ય વોણું વગોણું થયું ।

હતા અખંડ આત્મદરશી, પણ એ સમે એવું નવ રહ્યું ।।ર।।

વળી પુરંદર વૈરાગ્ય પખી, માગ્યાં અસ્થિ ગયો ઋષિ ઘરમાં ।

વૈરાગ્ય વિના વિબુધ વિલખે, સદા રહિ સુખના ભરમાં ।।૩।।

વૈરાગ્ય વિના વિધુ વ્યાકુલ થઈ, જઈ હરી ગુરુની પતની ।

વૈરાગ્ય વિના જુવો વિચારી, સારી વાત તે શું બની ।।૪।।

વૈરાગ્ય વિના અંગે અંધારું, રહિ ગયું અર્કને અપાર ।

પરણ્યા વિના પતની કરી, તેનો ઉર ન આવ્યો વિચાર ।।પ।।

નારદ પારાશર સૌભરી, ભૂલી ગયા વૈરાગ્ય વિના વાત ।

એકલશૃંગી અરણ્યમાં, થઈ વણ વૈરાગ્યે ઘાત ।।૬।।

પાંડવ ભકત પ્રમાણિયે, પણ વણ વૈરાગ્યે વસાવ્યું વેર ।

કૌરવ કુળ નિર્મૂળ કર્યું, તેની મને આવી નહિ મે’ર ।।૭।।

વૈરાગ્ય વિના ચિત્રકેતુ, પરણ્યો પત્નિયો કોટ ।

આગ્નિધ્ર યયાતિ જેવે, વણ વૈરાગ્યે ભોગવી ખોટ ।।૮।।

બ્રહ્મા આદિ કીટ પર્યંત, વણ વૈરાગ્યે વિકળ થયા । 

ત્યારે બીજાનું નવ બોલવું, જે પશુવત પામર રહ્યા ।।૯।।

વૈરાગ્ય વિના વિષય સુખનો, અંતરે ન થાય અભાવ । 

નિષ્કુલાનંદ નિરવેદ વિના, રુઝે નહિ વિષયના ઘાવ ।।૧૦।। કડવું ।।૬।।