સારસિદ્ધિ કડવું - ૦૭

Submitted by swaminarayanworld on Sat, 13/02/2021 - 3:08pm

રાગ :- ધન્યાશ્રી

 

જો શુદ્ધ્ વૈરાગ્ય ઉપજે અંગજી, તેને ન ગમે વિષય સુખનો સંગજી ।

અંતરે ઉદાસી રહે અભંગજી, તેને ચિત્તે ચઢે હરિનો રંગજી ।।૧।।

 

રાગ :- ઢાળ

 

ચિત્તે રંગ જાયે ચડી, તે ઉતાર્યો ઉતરે નહિ ।

એવા વૈરાગ્યવાનને, પીંડ બ્રહ્માંડની ગણતી સહિ ।।ર।।

એવા શુદ્ધ્ વૈરાગ્ય વાળા શુકજી, જડ ભરતને પણ જાણિએ ।

કદરજમાં પણ કાચું નહિ, ખરા વૈરાગ્યવાન વખાણિએ ।।૩।।

દેવ ઋષિ નરદેવની, કહી ખોટ મોટી ખોળીને ।

તેથી મનુષ્યની મોટપ કે’તાં, તન મને જોવું તોળીને ।।૪।।

પણ પ્રહ્લાદે પરબ્રહ્મથી, માયિક સુખ નવ માગિયું ।

કુંતા ભકત કૈયે ખરાં, વિદુરે નિજ રાજય ત્યાગિયું ।।પ।।

ગોપીચંદ બાજીંદ શેખ ભર્તુહરિ, સબસ્ત બરેજ મનસુર મલેચ ।

અતિ વૈરાગ્યના વેગ વડયે, પડયા નહિ માયાને પેચ ।।૬।।

શુદ્ધ વૈરાગ્ય શરીરમાં, અચાનક જેને ઉપજે ।

તેને બ્રહ્માથકી આ ભૂમિના, સુખ નર અમરનાં નવ રજે ।।૭।।

સાચો વૈરાગ્ય છે સુખનિધિ, જો આવી જાયે અચાનકે ।

તો કસર કોઈ નવ રહે, ઠિકોઠિક પો’ચાાડે સ્થાનકે ।।૮।।

મોટે ભાગ્યે મનુષ્યને, મળે નિરવેદરુપણી નિધિ ।

રે’વા ન દીયે રંકપણું, વિષયસુખનું કોયે વિધિ ।।૯।।

વણ વૈરાગ્યે એ છે વસમું, વૈરાગ્યવાનને વસમું નથી ।

તન કરી રાખ્યું છે તૃણ તોલે, કહે નિષ્કુલાનંદ શું કહું કથી ।।૧૦।। કડવું ।।૭।।