રાગ :- ધન્યાશ્રી
જેને ઉર ઉપજયો બૃહત વૈરાગ્યજી, તેનાં ઉઘડીયાં મહા મોટાં ભાગ્યજી ।
નથી એવો લાભ બીજો કહ્યા લાગ્યજી, જે થકી જડેછે મહાસુખમાં જાગ્યજી ।।૧।।
રાગ :- ઢાળ
મોટિ જાગ્ય જડેછે જનને, તેતો જાણજો બૃહત વૈરાગ્યવડ્યે ।
તે વિના તપાસિયું પણ, વાત નથી બેસતી ઘડ્યે ।।૨।।
તીવ્ર વૈરાગ્ય તો ઉપજે, જો કૃપા કરે જગદીશ ।
કાંતો તેના જન મળે, વૈરાગ્ય-વાન મુનિશ ।।૩।।
હરિકૃપા વિના હોય નહિ, પામવા બૃહત વૈરાગ્ય ।
કાંતો બૃહિ જન હરિના મળે, તો વાત ન રહે કહ્યા લાગ્ય ।।૪।।
તેહ વિના બૃહત વૈરાગ્યની, આશા ન રાખવી ઉર ।
જેમ વણ વુંઠે વરસાતને, વળી ના’વે નદીયે પૂર ।।૫।।
જેમ નર નારી વિના ન નીપજે, બાળક તે બીજી પેર ।
તેમ બૃહત વૈરાગ્ય તો ઉપજે, જો હરિ હરિજન કરે મે’ર ।।૬।।
જેમ પાથ પૃથ્વી બે વિના, કહું કદી ન ઉપજે અન્ન ।
તેમ તીવ્ર વૈરાગ્ય તો ઉપજે, જો મળે હરિ કે હરિના જન ।।૭।।
તે વિના તીવ્ર વૈરાગ્યનો, નથી ઉપજવા ઉપાય ।
માટે હરિ હરિજનને, સેવીને કરવા સા’ય ।।૮।।
જેહ પામવા ઇચ્છે કોઇ પ્રાપતિ, તેને અણગર્જુ ન રે’વું અંગ ।
દાસના દાસ થઇ રહી, રહિયે વૈરાગ્યવાનને સંગ ।।૯।।
શુદ્ધ સંતથી એ સંપત્તિ, બૃહત વૈરાગ્યની મળે વળી ।
નિષ્કુળાનંદ તો તન મનના, વિકાર સર્વે જાયે ટળી ।।૧૦।। કડવું ।।૧૭।।