રાગ :- ધન્યાશ્રી
બૃહત વૈરાગ્ય છે વણમૂલું ઘરેણુંજી, સર્વથી સરસ સદા સુખદેણુંજી ।
પે’રતાં ઉતરે માથેથી ભવ મે’ણુંજી, તે પામિયે હોય પૂરણ જો લે’ણુંજી ।।૧।।
રાગ :- ઢાળ
પૂરણ લે’ણે એ પામિયે, અંગે એવું આભૂષણ ।
તે શોભાડે સર્વે રીતશું, પમાડે પ્રભુ તતક્ષણ ।।૨।।
જેજે શોભ્યા આ જગ્તમાં, તેતો સર્વે એ ઘરેણે ઘણું ।
પણ શુદ્ધ વૈરાગ્ય વિના સુર નરનું, પાણી ન રહ્યું મુખતણું ।।૩।।
વૈરાગ્ય વિના આ વિશ્વમાં, અન્ય શોભાએ જે શોભ્યા ઘણા ।
વણ વૈરાગ્યે જક્ત કર્તા હર્તા, લાગ્યા અતિશે લજામણા ।।૪।।
શુદ્ધ વૈરાગ્યે શોભા ઘણી, હરિજનની જાણો જરૂર ।
વૈરાગ્ય વિના લાગે વરવું, એ પણ વિચારવું ઉર ।।૫।।
વૈરાગ્યવાન વા’લા હરિને, સામું જોઇને સરાયે અતિ ।
વણ વૈરાગ્યવાન વિલોકિને, હરિ રાજી નથી થાતા રતિ ।।૬।।
શુક ભરત સનકાદિક શોભ્યા, બૃહત વૈરાગ્ય ઘરેણે ઘણું ।
જનક જયદેવ કદરજનું કહું, મુખ લાગ્યું સોયામણું ।।૭।।
જો ધરો તો અંગે ધરજો, શુદ્ધ વૈરાગ્યરૂપ શણગાર ।
તો હેતે કરિ હરિ રીઝશે, નિશ્ચે જાણો નિરધાર ।।૮।।
કોઇ સો સો શણગાર સજે શરીરે, કાછ શૃંખલા કથિરના ।
પણ કંચન વિના કેમ કહિયે, એ શોભાડનારા શરીરના ।।૯।।
તેમ સારામાં સારૂં ઘરેણું, સુવર્ણ કહે શિરોમણિ ।
નિષ્કુલાનંદ બૃહત વૈરાગ્યની, મોટપ્ય નથી જાતિ ગણી ।।૧૦।। કડવું ।।૧૬।।
રાગ :- રામગરી
(‘મન રે માન્યું નંદલાલશું’ એ ઢાળ.)
તીવ્ર વૈરાગ્ય તડોવડ્યે, ના’વે સો સો સાધન ।
જપ તપ તીર્થ જોગ જે, કરે કોઇ જન જગન; તીવ્ર૦ ।।૧।।
દાન પુણ્ય પાળે કોઇ ધર્મને, ગાળે હિમાળે તન ।
પ્રભુ પ્રસન્ન કર્યા કારણે, જગમાં કરેછે જન; તીવ્ર૦ ।।૨।।
પણ બૃહત વૈરાગ્ય વિના વાયદા, પ્રભુ પામવા કાજ ।
અવર બીજા ઉપાયથી, રાજી નો’યે મહારાજ; તીવ્ર૦ ।।૩।।
બૃહત વૈરાગ્યથી નથી વેગળા, અલબેલો અવશ્ય ।
નિષ્કુલાનંદ નજીક છે, બૃહત વૈરાગ્યને વશ્ય; તીવ્ર૦ ।।૪।। પદ ।।૪।।